ચાલ જીવી લઈએ
ચાલ જીવી લઈએ
ચાલ જીવી લઈએ
એક સંવેદનશીલ પ્રેમકથા
પ્રેમ એ કોઈ પ્રીપેઈડ ડેટા પ્લાન નથી. સાચો પ્રેમ તો લાગણીઓના લાઈફટાઈમ પ્લાન પર ચાલે છે — જ્યાં સંવાદ કરતા વધારે સમર્પણ બોલે છે.
જેમ જીવન બદલાય, તેમ સંબંધોની અર્થવ્યાખ્યા પણ બદલાય...
૧. મિત્રતામાંથી ઊગેલો પ્રેમ
અમદાવાદની બી જે મેડિકલ કોલેજ ના અનેક નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓમાં
નયના પટેલ , એનઆર આઈ કોટામાં એડમિશન લીધેલી ધનવાન પરિવારની , સુંદર,સુશીલ , સ્વપ્નીલ અને આત્મવિશ્વાસથી ભરપૂર.અને વિહાન શાહ — મધ્યમ વર્ગનો,મેરીટ માં પ્રવેશ લીધેલ શાંત સ્વભાવનો, નિખાલસ, જીવનને ફરજ સમજી જીવતો યુવકની જોડી બેજોડ હતી .
કાર્ડિઓલોજિસ્ટ બનવા તલસતો વિહાન હંમેશાં એક જ વાત કહતો: "નયના, મારા લોહીના કણેકણ મા તું સમાયેલી છે , તું મારી ધડકન છે… અને તારૂ એક સ્મિત મારા કોઈ પણ રોગની દવા રહેશે ."
અસમાન જીવનધોરણ હોવા છતાં પ્રથમ વર્ષથી જ બંને એકબીજાની હાજરી માણવા લાગ્યા. કોલેજની લાઈબ્રેરી તેમનો મનપસંદ મેળામેળનો અડ્ડો બની ગયો. કેન્ટીન ની દીવાલોમાં પણ હવે તેઓની લાગણીઓ શબ્દ નહીં પણ શ્વાસ બની ગઈ હતી . કોલેજમાં મોર ઢેલની જોડી કહી બોલાવતા .
૨. જીવનના રસ્તા જુદા
MBBS પૂર્ણ થયા બાદ નયના MD માટે અમેરિકા ગઈ, જ્યારે વિહાન ભારતના ગામડાંના રૂરલ હેલ્થ સેન્ટરમાં સેવા માટે ગયો. અમેરિકા અને ભારત — દિવસ અને રાત જેવી વિષમ સમયની અંતરયાત્રા. હવે પોતે દૂર હોવા છતાં તેઓનો પ્રેમ જીવતો રહ્યો. ઝુમ વિડિયો મીટ , તો ક્યાંરેક કોલ, ઓડિયો વોઇસ મેસેજ, કે એસએમએસ. તેઓ બંનેના સ્વર અને શ્વાસ વચ્ચે પ્રેમના તાર ચમકતા રહ્યા.
પણ ધીમે ધીમે સંવાદની લાગણી ટેવ થઈ ગઈ . કદાચ જમ્યા વગર ચાલે પણ વાત વગર વિહાન વિહ્વળ બની જતો તો નયના નિસ્તેજ બનતી .અમેરિકાના વીક એન્ડ કાલચરમાં ક્યારેક નયના ઈન્ડિયા વિહાનને ફોન કરતાં ભૂલી જાય તે સ્વાભાવિક હતું. અને ધુલિયા ગામમાં અબુધ લોકોની સેવામાં વિહાન વ્યસ્ત રહેતો ,ત્યારે કોઈ દિવસે નયના, વિહાન વાત કરશે કે નહિ એની પ્રતીક્ષા કરતી રહેતી . પણ બંનેમાં પ્રેમ સિવાય એક અતૂટ વિશ્વાશનો સેતુ બંધાઈ ચૂક્યો હોઇ , એકબીજાને અનુકૂળ રહેતા .
ધુલિયા હેલ્થ સેંટરમાં વિહન સાથે વિદ્યા — સહકર્મી નર્સ, હંમેશાં હસતી અને સહાયક.કામને સેવા સમજી દર્દી સાથે વિહનનો પણ ખ્યાલ રાખે . મહિનાની કેટલીય સાંજે , ભોજનના ડબ્બા સાથે વિહાનની વ્યસ્તતામાં એક નિસ્વાર્થ ભાવે સ્નેહભરી સાથીની છાંયા બની ઊભી રહેતી હતી.
૩. વરસાદ, અકસ્માત અને વિહાનનું એકાંત
ચોમાસાની એક વરસાદી રાત.બાજુના ગામમાં ચેક ડેમ તૂટતાં , ગામમાં તારાજીના સમાચારે વિહાન હાથવગું સાધન મળ્યું તે લઈ નીકળ્યો. કાચા રસ્તા ઉપર કાદવ કીચડ અને ઉપરથી અંધારું. દર્દીની સારવાર માટે જતાં ટ્રેક્ટરના ડ્રાઇવરે બેલેન્સ ગુમાયું... વિહાન ટ્રૉલી સાથે નાળીમાં ખાબક્યો.
...અને પોતાના ડાબા પગની મુવમેંટ ગુમાવી બેઠો .નિસક્રિય બનેલા પગની હાલત જોઈ , વિહાનનું જીવન રૂંધાયું. પોતાના સ્વપ્નની દુનિયામાં ડગ મૂકતો જ હતો અને ત્યાં આવી તારાજી – અને આવેલા તોફાને તે હચમચી ગયો . તેના નબળા પડેલા મનમાં એવું ઠસી ગયું કે, હવે નયનાને માટે એ,"લાયકાત" ગુમાવી બેઠો છે.
આ કપરા સામયે વિદ્યા પાસે હતી, પણ વિહાનનો અંતર્મન તો હવે ખાલી પડેલ. તેના મનમાં તુમુલ યુધ્ધ ચાલતું હતું. કે કેવી રીતે નયનાને પોતાના પગની નિસક્રિય સ્થિતિથી વાકેફ કરવી !!
“દુખની દવા દહાડા”, સમયની ધારા વહેતી ચાલી . વિહાનને હવે પોતાનું સમગ્ર ધ્યાન માનવ સેવામાં પરોવ્યું . દવાખાને ક્રેચરના સહારે જઇ , વિલચેરમાં દર્દીઓના ખાટલે જઇ , તૂટેલા પણ ખડે પગે સારવાર કરતો .અને એક દિવસ…મન કાઠું કરી વિહાને નયના કર્યો છેલ્લો ફોન:
હાય વિનુ , તું બહુ મોંઘો છે ભાઈ. ..... ના ઉમળકા ભેર પ્રતીભાવની સામે , વિહાને ઠંડો પ્રતીભાવ પાઠવતા કહ્યું
"નયના… ગુડબાય. હવે મારી પાસે તને આપવા જેવું કંઈ બચ્યું નથી. તું સ્વપ્નની પરિ જેવી છે અને હું હકીકતની ખુંટમાં અટવાયેલો માનવ... તું હવે મને કે મારી વાતોને ભૂલી જા…તેમાં તારું ભલું છે " “નયના બિગ સોરી એન્ડ ગુડબાય “, કહી વિહાને ફોન ડિસકનનેક્ટ કર્યો અને પછી થયો નયનાનો નંબર બ્લોક તેના સેલ ફોનમાં …એક ક્ષણમાં ઘાંસની માફક કપાઈ ગઈ પ્રેમની કૂંપળ!!
૪. શૂન્યતાની સાક્ષી
વિહાનનો આવો મધરાતે શોર્ટ એન્ડ શોકિંગ કોલ… અચાનક,તે પાછો અંતિમ અને નિર્મમ.
શું થયું આ તેના “વિનુડા”ને નયના વિચારવાનું પણ ભૂલી ગયી .હજારો માઈલ દૂર બેઠેલી નયના માટે વિહાન કોઈ પ્રેમી નહિ, એક તેનું જીવતું વિશ્વ હતો. સામાજિક વિસંગતા છતાય એની સાથે જીવનપથ પર ચાલીને પણ જીવવાની તૈયારી હતી.
નયના ખંતીલી હતી , તરત જીપીએસ થી વિહાન નું લોકેશન શોધયું અને મનોમન તેનો સંપર્ક સાધવા કોઈ પ્લાન બનાવતી હતી .......
ભૌતિક ભયની દુનિયામાં રહેતા વિહાન માટે આ કલ્પના હવે બદલાયેલા સંજોગોમાં સરળ નહોતી.
એના મનમાં એવું ઘર કરી ગયું હતું હે કે સાચો પ્રેમ, ત્યાગ છે એ બધી ચોપડીઓમાં આવતી વાર્તાઓના પાત્ર માટે છે. વાસ્તવિક દુનિયામાં તેના સિક્કા ઉપજે નહીં , — તેનું મન પણ ટૂટી ચૂક્યું હતું .
૫. વિહાનની સામે ફરી નયના
એક રવિવાર સવારે ધૂળિયા ગામના દવાખાનામાં ઓપીડી વિભાગમાં એક બુરખો પહેરેલી અજાણી મહિલા આવી —. જલ્દી કરો "મારું હૃદય ધબકારા ચૂકી રહ્યું છે ડોક્ટર સાહેબ….વિહાનને આજ કાલ ચારે બાજુથી નયના પોકારી રહી હોય તેમ લાગતું , એમાં આ બુરખો પહેરેલી બાનું નો અવાજ પણ જાણીતો લાગ્યો . " વિદ્યાના સહારે ઊભેલી મહિલાને વિહાને સ્ટેથોસ્કોપ મૂકી બ્લડ પ્રેશર સાથે પલ્સ ચેક કરતાં …એના કાંડે એક ટેટૂ...જોયું .. હતું તે જાણીતું! આ હાથ નો સ્પર્શ અવાજ બની દિલમાં પોકારી રહ્યો હતો , આ અહેસાસ…
વિહાનના હાથે પક્ડેલ બાનુના કાંડાનો સુરેખ ધબકતો પલ્સ હવે પોતાનો લાગતો હતો.
"એય દાક્તર બાબુ… હવે હાથ છોડશો કે ?" —એ બોલી.બુરખો હટે… એ નયના હતી.
વિહાન ધ્રુજતો રહ્યો.
"રે પાગલ… તું ભૂલી ગયો કે પ્રેમ એ કોઈ શરીરનું મિલન નથી. શું હું મારો પગ ગુમાવેત તો શું તું મને છોડી દેત? "
"વિહાન, પ્રેમ એ સાથી છે — અનંત કાળનો સાથી.મારૂ તારા દુઃખમાં, અને તારું મારા દુખમાં જોડાવું એ આપણું ગૌરવ છે." વિહાનની આંખોમાં ખૂણાયેલા આંસુઓમાં ઝાંખી થતી નયના…ની અડગ છબી જોઈ તે બોલી ઉઠ્યો , શું તું હજી મને સ્વીકારીશ?"
"વિહાન… તું માત્ર શરીર નથી. તું મારી આત્મા છે. તે મને જીવન માં પ્રેમ શું છે તે સમજાવ્યું હતું , જીવંત પ્રેમને કોઈ સીમા નથી હોતી , અને હવે આપણે એ પ્રેમ જીવશું."
એ પળે… નયનાએ વિહાનનો હાથ પકડીને વિહાનને વિલચેરમાથી ઊભો કરી ધીરે ધીરે આગળ વધવાનું શરૂ કર્યું. ભલે વિહાનની પગલીઓ ધીમી હતી, પણ હવે એની બાજુમાં નયના હતી — મજબૂત, સ્થિર અને અખૂટ પ્રેમ સાથે.
વિદ્યા એકબાજુ મૌન હતી… પણ એ મૌનમાં દુઃખ નહોતું. તે એક ભાઇની હાજરીને ગુમાવતી હતી, પણ એક બહેનને હમેશ માટે ભાઈ અને ભાભી મળ્યાનો આનંદ હતો.
“છેલ્લો ફોન” અંત નહોતો… એ શરૂઆત હતી. ક્યારેક પ્રેમ શબ્દોથી નહીં, પણ સમર્પણથી જીવાય છે. વિહાન તું મારા મનનો મોર અને હું તારી ઢેલ , તારા આંસુ એ મારા , અને મારી ખુશી એ તારી . આ દુનિયાના દિવસો ટૂંકા હોય છે “ચાલ જીવી લઈએ” .

