ચા અને કોફી
ચા અને કોફી
'એક ચા અને એક કોફી' આરવે ઓર્ડર આપ્યો.
અનુરાધા એકીટશે આરવને જોતી રહી.
'શું' આરવે ઈશારાથી પૂછ્યું.
'તું બધા સાથે ચા પીવે છે. બધી જગ્યા એ ચા પીવે છે ને ચા તને કેટલી પસંદ છે તો તું મારી સાથે કોફી કેમ પીવે છે. મને તારી સાથે ચા પીવી છે' એક જ શ્વાસે આટલું બોલતાં તો અનુરાધા રડમસ થઈ ગઈ.
'પહેલાં તો તું શ્વાસ લે અને...'
આરવ આગળ કંઈ બોલે ત્યાં તો અનુરાધા લગભગ રડવા જ લાગી.
'અરે કેમ રડે છે...!! શુ થયું તને ?'
'તને કંઈ સમજાતું કેમ નથી ?'
'તું સમજાઈશ કે શું નથી સમજાતું મને !!'
'આરવ, જે છોકરી એ હંમેશાંથી કોફી પીધી છે. જેને ચા નામથી પણ અણગમો હતો. એ આજે તારી સાથે ચા પીવાની વાતો કેમ કરે છે ? તને એટલું પણ કેમ નથી સમજાતું કે હું તને પ્રેમ કરવા લાગી છું.'
અનુરાધા ફરી રડી પડી.
આરવ હસવા લાગ્યો. અનુરાધાના આંસુ લૂછયા અને બોલ્યો, 'સાંભળ...'
'તને યાદ છે જ્યારે કોલેજ કેન્ટીનમાં નિરાલી એ પ્રથમ વખત તને અમારાં ગ્રુપ સાથે ઇન્ટ્રોડૂસ કરી હતી. પછી તને પૂછ્યું હતું કે ચા ફાવશે કે કોફી ? તે કહ્યું હતું કે કોફી જ હો ! ચા ના તો નામથી પણ ચીડ છે.
આમ તો હું જ્યારે ચા પીતો હોઉં ત્યારે ચા સિવાય બીજે ક્યાંય નજર ન કરું પણ તે દિવસે કંઈક અલગ થયું. તારા તરફ જોવાય ગયું. તું હસતી હતી ને એક તે પળથી કોલેજના ત્રણ વર્ષ સુધી સતત મેં ઇંતેજાર કર્યો કે કોઈ એક દિવસે તને ચા ગમવા લાગશે. તને હું ગમવા લાગીશ. કોલેજ પુરી થઈ ગઈ. એ દિવસ ક્યારેય ના આવ્યો.
પછી તો મેં અહીં આ જોબ સ્ટાર્ટ કરી અને તે માસ્ટર્સ ચાલુ કર્યું. હું ઓફિસના કામમાં અને તું તારા ભણતરમાં આપણે બંને વ્યસ્ત થઈ ગયા.
આરવ થોડું અટક્યો.
એક
છોકરો આવીને ટેબલ પર ચા અને કોફી મૂકી ગયો.
'અનુરાધા મને આ કોફી તો શું "કોફી" શબ્દ પણ કડવો લાગે છે પણ તારા ઇંતેજારની ઇન્તેહા જો... કોફી પીવી પડે છે મારે !!' કોફી પીતાં આરવ બોલ્યો.
એક સાંજે અચાનક તારો ફોન આવ્યો. તે પૂછ્યું કે ચા માટે મળીએ ?
મને નવાઇ લાગી... ચા માટે ?
તે કહ્યું કે હા
મને આશ્ચર્ય થયું ને મેં પૂછી જ લીધું તને કે તારે મારી સાથે ચા પીવાની છે..!? ચા !!!
તે કહ્યું કે હા, હું હવે ચા જ પીઉં છું ને હવે તારી સાથે ચા પીવી છે.
હું ત્યારે જ બધુ સમજી ગયો હતો પણ તારી પાસેથી જાણવા માગતો હતો માટે મેં તને પૂછ્યું કે કેમ ? કેમ મારી સાથે ચા પીવી છે તારે ?
ને મેડમ તમારો જવાબ હતો...'એમાં કેમ શુ ? એમજ...' અનુરાધા હસવા લાગી.
'હા... આપણે મળ્યા ને તને તારા "એમજ" પાછળનું જે સાચું તારણ છે એ સમજાવવા માટે જ છેલ્લી ત્રણ મુલાકાતથી હું તારી સાથે આ કોફી પી રહ્યો છું.
મને ખબર હતી કે તારાથી આ સહન નહીં થાય એક દિવસ તું બોલીશ. તું જ બોલીશ સામેથી...
જો તું બોલી આજે...
તું જ બોલી... આટલા વર્ષોનો મારો ઇંતજાર આજે રંગ લાવ્યો.
અનુરાધા હું પણ તને પ્રેમ કરું છું, હંમેશાથી કરું છું ને હંમેશા કરતો રહીશ.
અનુરાધા આરવને જોતી રહી.
આરવ કોફી ને જોતો રહ્યો.
થોડીવાર ના મૌન પછી અનુરાધા, 'હવે આપણે ચા પી શકીએ છીએ....!?'
'હા ચાલ તું જ કહે ને... .મગાવ બે ચા !!'
'આજે આ શેર કરીએ ?' પોતાની ચા તરફ ઈશારો કરતાં અનુરાધા બોલી.
બંન્ને હસી રહ્યા.
અનુરાધાને ચા ગમવા લાગી. આરવ ગમવા લાગ્યો.
આરવનો ચાર વર્ષનો ઇંતજાર પૂરો થયો.