બૂંદ બૂંદ પાવન
બૂંદ બૂંદ પાવન


શીલાના માસીજી સવિતાબેન આવ્યા. આવતા વેંત જ તેણે ભાણેજ વહુંનો ઉધડો લેવાનું ચાલું કરી દીધુ. શીલા પગે લાગવા ગઇ પણ તોય માસીજી બોલ્યા, "કેમ પગે મેંદી મૂકી છે ? મારા આવ્યાને અડધી કલાક થઇ. આજકાલની વહુંઓને વડીલોને પગે લાગવું જ નથી ગમતું." શીલા તો પગ લાગીને ચૂપચાપ એક ખૂણામાં ઊભી રહી ગઇ. પણ શીલાની નાની બહેન કવિતાથી બોલ્યા વગર ન રહેવાયું, તે બોલી, "માસી, સારું છે આજની પેઢી પગે તો લાગે છે, અરે હવે પછીની પેઢી તો..."તેને બોલતી અટકાવી શીલા પરાંણે ખેંચીને રસોડામાં લઇ ગઇ.
કવિતા બોલી, “અરે આવા માસીજીની પરવા જ ન કરવાની હોય.”
શીલા કહે, "ધીમે બોલ, માસીજી સાંભળી જશે." માંડ માડ તેને ચૂપ રાખી શીલા ચા -નાસ્તો બનાવવામાં વ્યસ્ત થઇ. સવિતાબેન જ્યારે આવે ત્યારે પંદર વીસ દિવસ તો રોકાતા જ, આ વખતે પણ ખાસી મોટી બેગ લઇને આવ્યા હતા. ઘરની વહુને નિયંત્રણમાં રાખવામાં તે માનતા. વહુને તો પગ વાળીને બેસાય જ નહીં. બે ઘડી આરામ કરે તોય કંઇ ને કંઇ કામ ચીંધે. જો કે તેમના પોતાનો મોટો દિકરોને વહું તેમના આવા સ્વભાવથી કંટાળીને અલગ રહેતા હતા. ને નાના દિકરાની વહું માથભારે હતી. તે તેમની પરવા કરતી નહોતી પણ અહીં તે વહું ઉપર રોફ જમાવતા હતા. અહીં એટલે જ તેમને ગમતુ.
શીલાના સાસુ ગૌરીબેનનો સ્વભાવ સારો હતો તે વહુને દિકરીની જેમ જ રાખતા હતા કોઇન કહે કે ગૌરીબેન અને સવિતાબેન બન્ને બહેનો હશે. બન્નેમાં ઉત્તર દક્ષિણ જેટલો તફાવત હતો. ગૌરવને પણ તેમનો સ્વભાવ ન ગમતો ગૌરવ અને શીલા પતિ-પત્ની એકલા પડે તે તેમને જરાય ન ગમતું ગૌરવ જો ઓફિસેથી છૂટીને શીલા પાસે સીધો જાય તો તરત સવિતાબેન ગૌરીબેનને કહેતા, "જોયું ? તારો ભાવ પૂછે છે ? એને તો હવે બસ શીલા જ દેખાય છે"
સવિતાબેને આવતાવેંત જ ઘર પોતાના કબ્જામાં કરી લીધુ હતું. નાનામાં નાની વાતમાં તેઓ માથુ મારતા. અને પોતાનું ધાર્યું જ સૌ પાસે કરાવતા. શીલા તો તો ય પ્રેમથી તેની સેવા કરતી. તેમનો પડ્યો બોલ ઉપાડતી. કવિતાને આ જરાય ન ગમતું. હાથ પગ હાલે તોય એને બેઠા બેઠા પાણી દેવાનું. ચાનો કપ ય રસોડામાં આવી જાતે ન લઇ લે. તેના પગ દાબવાના ને તોય તેમના વાકબાણ તો ચાલુ જ હોય.
સવિતાબેનને મંદિરે લઇ જવા લાવવાની ફરજ કવિતાને નિભાવવી પડતી. કાર ચલાવતા તેને જ આવડતી હતી. ગૌરવ તો તે સમયે ઓફિસે હોય. નિત્ય અને ધ્રુવીને આ દાદીમા ગમતા. કારણ કે તેમને વાર્તા સંભળાવતા. ગીતો ગવડાવતા. પણ તો ય ક્યારેક તે બન્ને પણ તેની અડફેટે આવી જતા નિત્ય ધ્રુવીને કહેતો ”આ બા કરતા આપણા દાદીમા કેવા સારા છે નહીં ?” ધ્રુવી ય મોઢું બગાડીને કહેતી “હા, આપણા દાદીમા જ સારા છે.”
સવિતાબેન ગૌરીબેનને કહેતા, “આ કવિતાનો કોણ હાથ પકડશે. કોઇ ઢીલો પોચો છોકરો મળ્યો તો ઠીક છે, કોઇ માથાભારે મળ્યો તો અઠવાડિયામાં તો પાછી આવવાની”. અને કવિતા ય રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે આ માસી હવે અહીંથી જાય તો સારું. તેમનાથી છૂટકારો મળે.
માસીજીના જવાનો દિવસ અંતે નક્કી થઇ ગયો. ગૌરવ બે દિવસ પછીની ટ્રેનની ટિકીટ બુક કરાવવાનો જ હતો ત્યાં ગૌરીબેન બાથરુમમાં લપસી ગયા. તેને તાત્કાલિક હોસ્પીટલ લઇ જવા પડ્યા. કવિતા તરત તેને કારમાં હોસ્પીટલ લઇ ગઇ. પંદર દિવસનું પ્લાસ્ટર આવ્યું ગૌરીબેન ઊભા પણ થઇ શકે તેમ નહોતા શીલા અને માસીજી હોસ્પીટલમાં ગૌરીબેન પાસે રહેતા. પછી તો ઘર આખુ કવિતાએ સંભાળી લીધુ ગૌરવને એટલા દિવસ રજા મળે તેમ નહોતી સમયસર ચા નાસ્તો ટ્ફીન પહોંચાડવું દવા લઇ આવવી. અને આ કામ તે પ્રેમથી કરતી જમવાનું પણ અલગ અલગ બનાવતી. હોસ્પીટલમાં આવે તોય ગૌરીબેન પાસે બેસતી જલ્દી સારું થઇ જશે તેવું આશ્વાસન આપતી પ્રેમથી વાત કરતી સવિતાબેનને તરત યાદ આવ્યું પોતાને બે મહિના પહેલા તાવ આવ્યો ત્યારે પોતે કહેવરાવ્યું તોય દિકરો કે વહું ખબર પૂછવા ય નહોતા આવ્યા અને નાની વહું પણ પોતાને પિયર જતી રહી હતી. ગૌરીબેનને વીસેક દિવસ હોસ્પીટલમાં રહેવું પડ્યું. પણ આ વીસ દિવસ કવિતા અને શીલાએ જે સેવા કરી તેનાથી સવિતાબેન પ્રભાવિત થઇ ગયા. ગૌરીબેન ઘેર આવ્યા ત્યારે કવિતા તેને ભેટી પડી. સવિતાબેન બોલ્યા, "ગૌરી,તું ભાગશાળી છો. તને આવી ખાનદાની વહું મળી" કવિતા બોલી, "ભાગશાળી તો મારી બહેન છે જેને આવા પ્રેમાળ સાસુ મળ્યા. તેમણે ક્યારેય દીદીને વહું ગણી નથી." એ પછી તો માસીનો સ્વભાવ જ બાદલાઇ ગયો. હવે તે ય પ્રેમથી વાત કરતા. ક્યારેક આદતવશ ભૂલથી બોલાઇ જાય તોય તરત માફી માંગી લેતા.ને કહેતા "મૂઇ મારી આ કડવી જીભ ક્યારે સુધરશે"
સવિતાબેનને થયું, આવી કવિતા જેવી વહું મળી જાય તો. કવિતા બસ થોડી આખાબોલી છે પણ ઘર સંભાળી લે તેવી છે દેખાવમાં તો પહેલી જ નજરે ગમી જાય તેવી છે મારા સૌથી નાના દિકરા પ્રણવનું માંગુ નાખ્યું હોય તો.. મારા પ્રણવને સંભાળી લે.
ને તેમણે શીલાને પૂછ્યુ, "આ કવિતા કેટલા વરસની થઇ ?"
"પચીસમું ચાલે છે"
"તો લગન માટે એની ક્યાય વાત ચાલે છે ?"
"ના, બસ જોઇએ છીઍ કોઇ સારો છૉકરો મળે તો...."
"તો આપણા પ્રણવ માટે કેવું રહેશે ?"
પ્રણવ માટે ? શીલા વિચારમાં પડી ગઇ હજુ થોડા સમય પહેલા જ તેણે કવિતાને આ માટે પૂછ્યું હતું. પ્રણવ હોનહાર હતો એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં મોટી પોસ્ટ પર હતો. ને કવિતાને દેખાવમાં ય ગમતો હતો, પણ સવિતાબેનના સ્વભાવને લીધે જ કવિતાએ ના પાડી દીધી હતી. શીલા તો કશું બોલી ન શકી પણ કવિતા આ વાત સાંભળતી હતી તે અંદર આવી બોલી.
"માસી, મને સીધું જ પૂછો ને... પ્રણવ તો મને ગમે છે, મને તમારો સ્વભાવ નથી ગમતો આપણે બન્ને સાથે નહી રહી શકીએ અને પ્રણવને તમારાથી જુદો પાડવા હું નથી માંગતી"
સવિતાબેનની આંખમાં પાણી આવી ગયા. "બેટા તારે જેમ રહેવું હોય તેમ રહેજે. હું એક અક્ષર ય નહીં બોલું, ને છતાય જો તને મારો સ્વભાવ ન ગમે તો તું અને પ્રણવ અલગ રહેજો." કવિતા એકદમ બોલી ગઇ, "ના ના માસી એવું ક્યારેય નહીં થાય. હું જીંદગીભર તમારી સાથે રહીશ." તરત કવિતા ઊભી થઇ અને માસી અને ગૌરીબેનને પગે લાગી ને એ પછીની અષાઢીબીજે તો કવિતાએ પ્રણવના નામની ચુંદડી ય ઓઢી લીધી.