Parth Toroneel

Children

4.3  

Parth Toroneel

Children

બર્થડે

બર્થડે

2 mins
705


સાંજે છએક વાગ્યે બધા મિત્રો ગિફ્ટ્સ લઈને નિખિલના ભવ્ય બંગલામાં પધાર્યા. મિત્રોએ હેપ્પી બર્થડેના ગીત અને તાળીઓના ગડગડાટથી નિખિલનો બર્થડે ઉજવ્યો. નિખિલે ફૂંક મારી 25 વર્ષની કેંડલ બુઝાવીને કેક કાપી. મિત્રોએ કેકનો મોટો ટુકડો નિખિલના મોઢામાં ઠૂસાવ્યો. બીજાએ ધીરેથી આખી કેક ઉપાડી નિખિલના મોઢા ઉપર દાબી દઈને આખા ચહેરા ઉપર ફેરવી દીધી. બધા મિત્રોએ મોજ મસ્તી કરીને નિખિલનો બર્થડે એન્જોય કર્યો.

રાત્રે એ રૂમને સાફ કરીને પોતું મારવા કામવાળી એની સાત વર્ષની દીકરીને લઈને આવી. કેકના કટકા જ્યાં-ત્યાં પડેલા, કેટલાક પગ નીચે છૂંદાઈ ગયેલા, બિયરની બોટલો ટેબલ ઉપર આમતેમ આડી પડેલી હતી. એ છોકરીનો પણ એ જ દિવસે જન્મદિવસ હતો, છતાં પણ એણે એની મમ્મીને કશું કહ્યું નહતું. કચરોવાળીને એ છોકરી ચૂપચાપ ખૂણામાં બેસી ગઈ. એની મમ્મીએ બાકીનું કામ પતાવી દઈ બન્ને ઘરે જવા નીકળ્યા.

રસ્તામાં દુકાનો પાસેથી પસાર થતી વખતે એની મમ્મીએ કહ્યું, “બેટા, તું અહીં બેસ જે હો. હું હમણાં આવું છું.” કહીને એ દુકાનમા ચાલી.

એ છોકરી રસ્તા ઉપર આવતા–જતાં વાહનો અને લોકોને જોવામાં વ્યસ્ત થઈ ગઈ.

દુકાનથી પાછા ફરતી વખતે એની મમ્મીએ ધીરેથી એક વસ્તુ એની આગળ ધરી. એ છોકરીની નજર જેવી એ વસ્તુ ઉપર પડી, એવી જ એ ખુશખુશાલ થઈ ઉઠી ! તેનો મૂરઝાયેલો રુક્ષ ચહેરો તરત જ ફૂલની જેમ ખીલી ઉઠ્યો, આંખોમાં ખુશીની ચમક ઝગમગવા લાગી, હસતાં હોઠે એ તરત જ બોલી ઉઠી, “ફ્રૂટી.... યેયે...” એણે ઠંડી ફ્રૂટી હાથમાં લઈને ગાલે અડાડીને પૂછ્યું, “મમ્મી, તને મારો જન્મદિવસ યાદ હતો ?”

“કેવી રીતે ભૂલું મારી પ્યારી દીકરીનો જન્મદિવસ... હં...!” કહી બન્ને હથેળીમાં એનો મુસ્કુરાતો ચહેરો લઈને કપાળ ચૂમી લીધું.


Rate this content
Log in

Similar gujarati story from Children