બોયફ્રેન્ડ
બોયફ્રેન્ડ
બસમાં બેસતા જ હાશકારો થયો. ટિકિટ લઇ એની દ્રષ્ટિ બારી બહાર ડોકાઈ. બીજી જ ક્ષણે બસ શહેરના રસ્તા હૈયાની દ્વિધાએ હૃદયની શાંતિ સંપૂર્ણપણે શોષી લીધી હતી. લગ્નના આટલા વર્ષો પછી પ્રથમવાર કોઈ સાહસ ખેડવા જઈ રહી હતી. ચિંતા, તાણ, ગભરાટ, ડર સહજ હતા.
અનુજને એણે જાણ કરી ન હતી એ વાતનો નિસાસો મનને કોતરી રહ્યો હતો. બસના ભીડભાડ ભર્યા વાતાવરણમાં પણ મનમાં ગઈ રાત્રીએ ઘરમાં ઉભું થયેલું વાવાઝોડું હજી અરેરાટી ફેલાવી રહ્યું હતું. અનુજનો ક્રોધમાં વીફરેલો ચહેરો આંખો સામે બળબળતો તરી રહ્યો હતો. એના હાથની છાપ પોતાના ગાલ ઉપર જ નહીં, મન અને આત્મા ઉપર પણ નિર્દયપણે ઉપસી આવી હતી. એક પ્રશ્ન જ તો પૂછ્યો હતો એણે. અનુજ પાસે કદાચ શાબ્દિક ઉત્તર ન હતો. નહીં, એને ઉત્તર આપવો જ ન હતો. હા, વિચારો અને માન્યતાઓના દ્રીમુખી ધોરણો. એમાં નવું શું હતું ? એ જ તો વર્ષો જૂની પ્રણાલી રહી છે અને રહેશે. બસની બારીમાંથી ધાંધલ ધમાલમાં વ્યસ્ત શહેરને એની નોંધ લેવાની કોઈ દરકાર ન હતી, જે રીતે મનમાં ઘૂંટાવતા વ્યક્તિગત ભાવો અને લાગણીઓની અન્ય કોઈને કશી દરકાર હોતી નથી કંઈક એજ પ્રમાણે !
એ પણ બાળપણથી અંદરોઅંદર ઘૂંટાતી રહી હતી. બધુજ અંદર સંગ્રહી રાખ્યું હતું. ઘણા બધા પ્રશ્નો મનમાંથી બહાર ઉમટી પડવા અધીરા થતા. પણ દરેક વખતે એ પ્રશ્નોના ગળા એ રીતે ઘૂંટી દેવાયા હતા કે ધીરે ધીરે પ્રશ્નો પૂછવાની વૃત્તિ મનમાંથી ભૂંસાઈ જ ગઈ હતી. મનની અંદર એક સંગ્રહાલય રચી દીધું હતું એણે. અત્યંત ખાનગી, તદ્દન ગુપ્ત. ત્યાં જાત સીવાય કોઈ પણ બાહ્ય પ્રવેશ માટે અવકાશ ન હતો. એ આંતરિક સંગ્રહાલયની દીવાલો પર એણે મનના દરેક પ્રશ્નો, દ્વિધાઓ, લાગણીઓ, ભાવો અને ભૂતકાળની દરેક યાદોને સાચવીને સજાવી રાખ્યા હતા.
શહેરના એક મધ્યમ વર્ગીય પરિવારમાં એનો જન્મ થયો હતો. એકના એક ભાઈ જોડે એનો ઉછેર થયો હતો. પણ બે ભિન્ન પ્રકારના ઉછેરની એ સાક્ષી રહી હતી. ફક્ત પોતાના ઘરમાંજ નહીં, આસપાસના વિસ્તારમાં, શાળાઓમાં, શહેરના દરેક વિસ્તારમાં એણે આ બે ભિન્ન પ્રકારના ઉછેરને સ્પષ્ટતાથી નિહાળ્યા હતા. એના માટે અને ભાઈ માટે બે જુદા પ્રકારના નિયમો અને શિસ્તનું ધારાધોરણ નિર્ધારિત થયું હતું. ભાઈ માટે એનો અભ્યાસ જીવન જરૂરિયાત, જયારે પોતાના માટે અભ્યાસ એટલે ચુસ્ત નિયમબધ્ધ માતાપિતા તરફથી થયેલો એક અહેસાન માત્ર. 'ભણવા જાય છે એટલુંજ બહુ છે.' આ સંવાદ વારેઘડીએ સાંભળ્યો હતો. ગમે ત્યારે મિત્રો જોડે ફરવા જતા, લાંબા દિવસોના પર્યટન ઉપર સરળતાથી ઉમટી પડતા, મોડી રાત્રીએ ઘરે પહોંચતા, સિનેમા અને દરેક પ્રકારના મનોરંજન માટે સહેલાયથી છૂટ મેળવી લેતા ભાઈ જેવું રોમાંચક અને સાહસભર્યું જીવન એનું ક્યાંથી હોય શકે ? એ દીકરી હતી દીકરો નહીં.
પણ શરીરના હોર્મોન્સ તો ૧૦૦ ટકા પ્રાકૃતિક હોય ને વળી ! એમને નર અને માદા વચ્ચેનો તફાવત ક્યાં સમજાતો હોય ? એના માટે તો દરેક માનવ શરીર એકસમાન. વિકાસ જોડે એમાં આવતા પરિવર્તનો પણ એકસમાન. આ પરિવર્તનો જોડે મનમાં ઉઠતા ભાવો પણ એક સરખાજ. પ્રકૃતિ કદી લિંગને આધારે અન્યાય ન જ આચરે. એના નીતિનિયમો દ્રીમુખી કદી ન બને.
એની જોડે પણ કોઈ અન્યાય પ્રકૃત્તિએ કર્યો ન હતો. કોલેજ કાળમાં જે રીતે કોઈ તરુણ પુરુષ હૈયું અન્ય વિરોધી જાતિ માટે આકર્ષાય એ જ પ્રમાણે એનું તરુણ સ્ત્રી હૈયું અન્ય વિરોધી જાતિ માટે આકર્ષાયું હતું. પણ યુવાનીમાં ડગલું માંડતી આયુમાં પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો પાતળો સૂક્ષ્મ ભેદ પારખવાની પરિપક્વતા કેળવાયેલી હોતી નથી. અને એ પરિપક્વતા પોતાના પણ એ સમયે વિકસી ન હતી. અને કઈ રીતે વિકસે ? એ માટેનું માર્ગદર્શન કોણ પૂરું પાડે ? પોતે દીકરી હતી. જ્યાં દિકરાઓને એ માર્ગદર્શન પૂરું પાડવાની જરૂર વર્તાતી ન હોય ત્યાં દિકરીના મોઢેથી એ વિષય ઉપર એક પણ શબ્દ બહાર નીકળવાનું સાહસ ખેડી શકે ખરો?
પોતાના સિનિયર માટે મનમાં ઉઠેલી એ આકર્ષણની ભાવનાઓ એ મનના સંગ્રહાલયમાં દાટી દેવા ઇચ્છતી હતી. પણ યુવાનીના ઉંબરે પહોંચેલ આયુ અંદરોઅંદરથી ક્રાંતિની અગ્નિ સળગાવી રહી હતી. ઘેંટા જેવી જીવનશૈલી એટલીજ ખિન્નતા ઉપજાવી રહી હતી. માદા જાતિને નામે થપાયેલા અન્યાયી નીતીનિયમો સામે બળવો પુકારવાનો એક ખાનગી માર્ગ જાણે આડકતરી રીતે મોકળો થતો ચાલ્યો. ભ્રમણા અને વાસ્તવિકતા એક અદ્રશ્ય ક્ષિતિજ ઉપર જાણે ભેગા થઇ ઉઠ્યા.
એ નવું વિશ્વ કેટલું રોમાંચક હતું. જીવનમાં પ્રથમવાર કોઈ પુરુષ મિત્રની આટલી સમીપ એ પહોંચી હતી. એના શારીરિક સંપર્કથી રોમેરોમમાં અનુભવાતી એ માદક લાગણી શબ્દોથી પરે હતી. કોઈ તો હતું જે ચોરીછૂપે એને સિનેમાઘર લઇ જતું. લોંગડ્રાઈવ વખતે એના શરીરને વીંટળાઇ વળતા હાથ મનમાં અનેરી ગલીપચી કરતા. એના હાથમાં હાથ પરોવી કલાકો બેસી રહેવું પણ પૂરતું ન લાગતું. જીવન જાણે એ સાનિંધ્યથી શરૂ થઇ એ સાનિંધ્ય પર જ સમાપ્ત થઇ રહેતું. આગળપાછળ કશું ન દેખાતું, ન કશું સૂઝતું. 'શું આનેજ પ્રેમ કહેવાય ?' મન પૂછતું. પણ ઉત્તર એની પાસે ન હતો. આ પ્રશ્ન કોની આગળ ધરી શકાય ? કોનું માર્ગદર્શન લઇ શકાય ? સખીઓને કશું પૂછવું નિરર્થક. ઘરે જાણ થઇ જાય તો આભ તૂટે. આટલું ભણવા મળતું એજ પૂરતું ન હતું ? હિટલર જેવા માતાપિતા કોલેજનો અભ્યાસ અધૂરો છોડાવી કોઈના પણ હાથમાં પોતાનો હાથ થમાવી દેશે, એ તો નિશ્ચિતજ હતું. આ વિજાતીય આકર્ષણ શું કોઈ ગુનોહ હતો ? કોઈ પાપ હતું ? કોને જઈ પૂછવું ? અભ્યાસના પુસ્તકોમાં એ અંગે કદી કોઈ પાઠ ભણાવવામાં આવ્યા ન હતા. માતાપિતા એ કદી મિત્રતાની હૂંફ પુરી પાડી ન હતી. એમના માટે હૈયામાં જો કંઈક હતું તો એ ભારોભાર ડર અને ભય.
એનો બોયફ્રેન્ડ આખી પરિસ્થિતિ સમજી ચુક્યો હતો. એના મનની દ્રિધા એ થોડાજ સમયમાં પારખી ગયો હતો. સમાજની નજરથી ભયભીત એના ગભરુ વ્યક્તિત્વને પણ અને પરિવાર તરફથી ગેરહાજર મિત્રતાની છાયાને પણ. લાગણીની રમતોમાં એ આંધળી ઊંડી ઉતરતી ગઈ. બગીચાઓમાં થતી મુલાકાતો સૂના માર્ગ સુધી અને સૂના માર્ગથી સીધી હોટેલના ઓરડા સુધી પહોંચી ગઈ. પ્રેમ આંધળો હોતો નથી પણ પ્રેમની ભ્રમણામાં રાચનાર અંધ જરૂર બની જાય છે. એ પણ અંધ બની ચુકી હતી. એવાજ આંધળા વિશ્વાસ ભર્યા એક દિવસે હોટેલના બંધ ઓરડામાં એના કોલ્ડ્રીંકના ગ્લાસમાં ભળેલા માદક દ્રવ્યથી અજાણ એ બેભાન ઢળી પડી. જયારે ભાનમાં આવી ત્યારે સમજાયું એની જોડે એ જ થયું હતું જે ન થવું જોઈતું હતું.
પ્રેમના નામે એ છેતરાઈ હતી. શરીરની જોડે એની આત્મા પણ સુધબુધ ગુમાવી ચુકી હતી. પણ મૌન સાધવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. જે સમાજ એના તરુણ યુવાન હૈયાને માર્ગદર્શન આપવામાં નિષ્ફ્ળ નીવડ્યો હતો એ સમાજની નજરમાં તો પોતેજ કસૂરવાર પુરવાર થશે. માતાપિતા તો એનું ગળું જ ઘોંટી નાખશે. જીવનભર એની જોડે એક જીવિત લાશ જેવું વર્તન આદરવામાં આવશે, એ વિચારજ કાળજું કંપાવવા પૂરતો હતો. પોતે કરેલ ભૂલ માટે કોણ જવાબદાર હતું, એ પ્રશ્નનો ઉત્તર કદી મળવાનો ન હતો.
તે દિવસથી લઇ આજ સુધી એના હોઠ સિવાય ચુક્યા હતા. કદી કોઈ પ્રશ્ન હોઠ પર એણે ફરકવા દીધો ન હતો. ન માતાપિતા સામે, ન પતિ સામે. પણ ગઈ કાલે....
બસસ્ટોપ આવ્યું અને વિચારો પણ બસ જોડે અટકી પડ્યા. મક્કમ હદય જોડે એ બસમાંથી નીચે ઉતરી આવી. કોફીશોપ અહીંથી નજીકજ હતી. હાથમાંની ઘડિયાળમાં સમયની નિશ્ચિતતા એણે કરી લીધી. સાડીનો ફોલ વ્યવસ્થિત કર્યો. ઝડપ જોડે એના ડગલાં કોફીશોપ ભણી ઉપડ્યા. મુલાકાતનો સમય થઇ ચુક્યો હતો.
મોબાઈલની રિંગ પર્સમાંથી બહાર પડઘો પાડી રહી . કોલરનું નામ નિહાળી અત્યંત શીઘ્ર એણે કોલ ઉપાડ્યો.
"હેલો"
"મમ્મી ક્યાં છે તું ?"
"બસ પહોંચું છું પાંચ મિનિટમાં જ."
"ઓકે . જલ્દી આવજે . અમે તારી રાહ જોઈએ છીએ."
કોલ કાપી એના ડગલાં ઉડતા ઉડતા કોફીશોપ ભણી ફરી ઉપડ્યા. એની એક ની એક દીકરી એની રાહ જોઈ રહી હતી, કોફીશોપમાં એના બોયફ્રેન્ડ જોડે.
અનુજ આ મુલાકાતથી માહિતગાર ન હતો. એ માહિતગાર થવા લાયક પણ ક્યાં હતો ? પોતાની દીકરીનો કોઈ બોય ફ્રેન્ડ કઈ રીતે હોય શકે ? દીકરીએ સામે ચાલી બધુજ શબ્દે શબ્દ કહ્યું હતું. કદાચ એને લાગ્યું હતું કે શિક્ષિત પિતા એની તરુણ લાગણીઓને સમજશે. પણ પરિપક્વતાને શિક્ષણ જોડે ફરજીયાત સંબંધ હોય એ જરૂરી નથી. અનુજના ધુંઆપુંઆ શબ્દોમાં એના ઉચ્ચ શિક્ષણનું જરાયે પ્રતિબિંબ ઝીલાયું ન હતું.
"તને અભ્યાસ કરવાની છૂટ આપી છે એટલુંજ પૂરતું છે. મારા પરિવારની આબરૂ પર કોઈ પણ પ્રકારની આંચ હું ન સ્વીકારીશ . ."
"પણ પપ્પા હું એને પ્રેમ ...."
પોતાની પરંપરા અને પરિવારની આબરૂના બચાવમાં અનુજનો હાથ રીતસર ઊંચો ઊંચકાયો હતો. પણ પોતાની દીકરીના બચાવમાં એક માનો હાથ રક્ષણમાં આગળ આવ્યો હતો.
"ડોન્ટ ઓવર રિએક્ટ અનુજ. આપણે પણ આ આયુમાંથી પસાર થયા હતા. શું તારા કોલેજકાળમાં તારી કોઈ ગર્લફ્રેન્ડ ન હતી ?"
દીકરીના ચહેરા માટે આગળ વધેલો એક હાથ અટકી ગયો હતો. પણ બીજો હાથ સીધો પત્નીના ચહેરા ઉપર સળવળતો પહોંચી ગયો હતો. એ થપ્પડની આગ હજી પણ ગાલ ઉપર સંસ્કૃતિની છાપ સમી બળબળતી પથરાય રહી હતી. પણ એ આગ આજે એક માના નિર્ણયને બદલી શકવા સક્ષમ ન હતી.
જે માર્ગદર્શન પોતાને મળ્યું ન હતું એ માર્ગદર્શનથી પોતાની યુવાન દીકરી વંચીત ન રહેશે. એ માટે હિટલર નહીં પણ એની મિત્ર થવું જ પડશે. એની તરુણ મૂંઝવળોના ઉત્તરનું રૂપ ગ્રહણ કરતી આખરે એ કોફીશોપમાં એક પરિપક્વ હસ્ય જોડે પ્રવેશી.