STORYMIRROR

રાજેશ નાયક "રાજ"

Classics Inspirational

5  

રાજેશ નાયક "રાજ"

Classics Inspirational

બંને દીવડાની રાહ

બંને દીવડાની રાહ

2 mins
5

        ઓમ નવ વર્ષનો હતો. એની મમ્મી કહેતી, "ઓમને શહેરની સારી શાળામાં ભણાવીએ. હું થોડા દિવસ એની સાથે રહીશ, એને ફાવી જશે પછી પાછી આવી જઈશ." મને વાત ગમી, મેં હા પાડી. હું આચાર્ય હતો, કામ ઘણું રહેતું, તેથી ઓમ અત્યાર સુધી ઝેરડા ગામની શાળામાં જ ભણતો હતો.
         જૂનમાં હિંમતનગરની સારી શાળામાં પ્રવેશ મળી ગયો. ફી ભરાઈ ગઈ. એની મમ્મી થોડા દિવસ રોકાઈ, સવાર-સાંજ શાળાએ મૂકી-લઈ આવે. અમને લાગ્યું કે ગોઠવાઈ ગયો, એટલે એની મમ્મી પાછી મારી પાસે આવી ગઈ. અને પછી તો ઓમ શાળાએ ગયો જ નહીં.
        મેં પૂછ્યું, "મમ્મીને તારી પાસે રાખું તો જઈશ ને?" એણે કહ્યું, "મારે પપ્પા પણ જોઈએ અને મમ્મી પણ જોઈએ." એ એક વાક્યે મને બધું સમજાવી દીધું. હું એને પાછો ઝેરડા લઈ આવ્યો.
         ધોરણ આઠમાં આવ્યો ત્યારે એની મમ્મીને લકવો થયો. એપોલો હોસ્પિટલમાં સારવાર કરી, પણ ઝાઝો ફરક ના પડ્યો. ત્યારથી મારી નોકરી એક ગામમાં, ગાયત્રીની સારવાર બીજા ગામમાં, અને ઓમનો અભ્યાસ ફોઈને ઘેર.
        એક ઘરના ત્રણ ટુકડા. લોકો કહેતા, "ઘર તૂટી ગયું." હું કહેતો, "કસોટી છે મારી." આજે છ વર્ષે હું વતનમાં નોકરી કરું છું, દીકરો વિદેશમાં ભણે છે, પત્ની પિયરમાં છે. આજે પણ અમે ત્રણ ગામમાં છીએ, પણ વિડિયો કોલમાં રોજ એક થઈએ છીએ. ઓમને વેકેશન છે. એ હાલ એની મમ્મી પાસે છે. મેં પૂછ્યું, "ક્યારે આવે છે?" એણે કહ્યું, "પપ્પા, કાલે આવીશ. મમ્મીને લઈને આવીશ. વેકેશન પૂરું થાય ત્યાં સુધી આપણી સાથે રહેશે." આજે પણ એનો એ જ અવાજ યાદ છે, "મારે પપ્પા પણ જોઈએ અને મમ્મી પણ જોઈએ." દરવાજો બંધ નથી, કાયમ ખુલ્લો છે. હું જાણું છું, મારા બંને દીવડા કાલે આ જ ઉંબરે આવીને ઊભા રહેશે.
  રાજેશ નાયક "રાજ"


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Classics