બિલાડીબેને ખાધી પાણીપુરી
બિલાડીબેને ખાધી પાણીપુરી
એક હતા બિલાડી બેન. ખૂબ ખૂબ જાડા. આખો દિવસ દૂધ પીએ નીકળે નહીં બહાર. બનીઠનીને તૈયાર થઈ બજારમાં જાય ફરવા.
બજારની પાણીપુરી એને ખૂબ ભાવે. જ્યારે પણ બજારમાં ફરવા જાય પાણીપુરી અવશ્ય એ ખાય.
"તીખી તીખી ચટણી
ખાટું મીઠું પાણી
જોઈ બિલાડીબેનને
મોં પર આવી જાય પાણી."
ધીમે-ધીમે પાણીપુરીનો એટલો શોખ થયો કે એ દૂધ પીવાનું જ ભૂલી ગઈ. એકવાર તીખી ચટણીવાળી પાણીપુરી ખાધી. તીખી લાગી. બિલાડીબેન તો ઠેકડે ઠેકડા. "ન જુએ આગળ
ન જુએ પાછળ
બસ બજાર વચ્ચે
આમતેમ ભાગે."
આખરે દેખાયો એક દૂધનો વાટકો. બિલાડીબેને તો તરત તરાપ મારી. દૂધ પી ગયા બધું. ત્યાં તો આવી ગયા માલિક. બિલ્લીબેનને પડ્યા માર. બિલ્લીબેન ગયા ભાગી.
મારા માટે દૂધ મારું સારું
ન જોઈએ મને પાણીપુરી.
