Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Arun Gondhali

Horror


4  

Arun Gondhali

Horror


ભૂત સ્ટેન્ડ - ભાગ ૧

ભૂત સ્ટેન્ડ - ભાગ ૧

5 mins 388 5 mins 388

અદ્યતન સ્મશાન ભૂમિ. સુંદર, શાંત નદીના કિનારે. શહેર અને હાઈવેની વચ્ચે. શહેરથી બહાર નીકળતો એક માર્ગ. કમ્પાઉન્ડના મુખ્ય દ્વારની ડાબી બાજુ ઉપર ભગવાન શંકરજીનું મંદિર. અંદર પ્રવેશો એટલે એક બાજુઓછામાં ઓછા પાંચ શબોને લાકડાથી અંતિમ સંસ્કાર આપવાની વ્યવસ્થા. ઉપરાંત એક વધારાની વ્યવસ્થા રાખેલ હતી. વચ્ચે અવરજવરનો રસ્તો અને રસ્તાની બીજી બાજુ સ્મશાન યાત્રામાં આવેલા પરિજનો માટે બેસવાની સરસ વ્યવસ્થા. પંખા, લાઈટ એકદમ સરસ રીતે ફિટ કરેલાં.

સમય બદલાયો, હવે લાકડાની ખેંચ પણ પડતી હતી અને પર્યાવરણને થતા નુકસાનને ધ્યાનમાં લઇ ચાર ગેસ ચૅમ્બરથી શબોની અંતિમ ક્રિયા કરવાની અદ્યતન વ્યવસ્થા થઇ. સ્મશાનભૂમિ ખુબજ પ્લાનિંગ પૂર્વક બનાવવામાં આવી હતી. ચોખ્ખાઈ પણ સારી. જો “સ્મશાન” શબ્દ કાઢી નાખીએ તો કોઈ પર્યટન સ્થળ લાગે, એટલું સુંદર. આજુબાજુના નજીકના બધા ગામોને પણ અનુકૂળ જગ્યા હતી.

આખો દિવસ સ્મશાન ભૂમિના મેઈન રસ્તા ઉપર અવરજવર ચાલુ જ હોય. રાત્રે અગિયાર પછી અવરજવર ઓછી થાય. સ્મશાનના મુખ્ય રસ્તાની બીજી બાજુ એક ચા-પાણી-નાસ્તાની લારી. લગભગ રાત્રે પણ ચાલુ હોય. શહેરમાં જગ્યાના ભાવ વધતા હોવાથી, સમયની સાથે હવે સ્મશાનભૂમિની સામે ઘણી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ બંધાયા. રાત્રે એપાર્ટમેન્ટના રહેવાસીઓ નીચે આવીને દુકાનોના ઓટલા ઉપર બેસે. નદીનો કિનારો એકદમ ખુલ્લો શાંત પવન વહેતો હોય, રાત્રે સરસ મઝાની મ્યુનિસિપાલિટીના લાઇટોની રોશની. રાત જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ ભેગા થયેલ રહેવાસીઓની સંખ્યા ઘટતી જાય અને પછી બેઠા હોયફક્ત બેફીકીરા યુવકો. કેટલાક વાતો કરતા હોય તો કેટલાક મોબાઈલમાં મશગુલ.

વૈભવ અને એની ટોળી રાત્રે મોડે સુધી ઓટલે બેસી ગપ્પા મારતી હોય. બધા ચા ના શોખીન એટલે લારીવાળો ખાસ ચા બનાવી આપે. મોડું થાય તો, કોઈ બે જણા રેલવે સ્ટેશન ઉપરથી કે હાઇવેના ધાબા પરથી ચા લઇ આવે અને ત્યાં બેઠાં બેઠાં ચા ની ચુસ્કીઓ લેવાય. ગપ્પા, મસ્તી અને આનંદ.

આજે ટોળીમાંથી કોઈ એક નટખટને એવું સૂઝ્યું કે ચાલો સ્મશાન ભૂમિમાં અંદર આંટો મારી આવીએ. નવી ગેસ ચેમ્બર ફિટ કરી છે તે જોઈ આવીએ. બધા અંદર ગયા. એક ગેસ ચૅમ્બરમાં હજુ એક શબ બળી રહ્યું હતું. ચેમ્બરની સ્વિચ બંધ હતી પરંતુ બહાર ગરમી લાગતી હતી. પરંતુ કંઈક અલગ વાઈબ્રેશન લાગતાં હતાં ક્યાંક કોઈ હોય એવું. એટલે બધા વહેલાં વહેલાં ત્યાંથી બહાર નીકળી આવ્યા અને મુખ્ય દરવાજા પાસે આવીને સિમેન્ટના બાંકડા ઉપર બેસી ગયા. રાત્રિનો એક વાગ્યો હશે. કોઈ એકના હાથમાં મોબાઇલ હતો અને તેઓ વાતવાતમાં વિડિઓ જોવામાં મશગુલ થઇ ગયાં.

વાતાવરણમાં થોડીક ઠંડક હતી, શાંતિ હતી અને ધીરે ધીરે એક છમ્મ….. છમ્મ…. છમ્મ... અવાજ થયો અને કોઈ એમની તરફ આવી રહ્યું હતું. પ્રથમ તો એમને ખ્યાલ નહિ આવ્યો કે આ અવાજ શેનો છે. કદાચ જોઈ રહેલાં મોબાઈલ વિડિઓ કલીપનો હશે, પરંતુ તે જ સમયે વિડિઓની કલીપ પુરી થઇ. એ ચારેની નજર મોબાઈલ પર હતી અને કોઈ પાયલ પહેરીને એમની તરફ આવતું હોય તેમ છમ્મ…. છમ્મ…. નો અવાજ પ્રબળ થઇ રહ્યો હતો. આંખ ઉઠાવીને ઉપર જોવાની હિમ્મત કોઈની નહોતી. બધાની નજર નમેલી અને બીકથી આંખો મીંચાઈ ગઇ હતી. ચારે જણાના શરીર સંકોચાઈને એક બીજાની સાથે ચોંટી ગયા. ઠંડકમાં પણ પરસેવાનારેલા ઉતરવા માંડ્યાં. બધા એકદમ સુન્ન ! થોડીક સેકન્ડમાં એમની સામેથી કોઈ પસાર થઇ ગયું અને ધીમે ધીમે છમ્મ…. છમ્મ…. નો અવાજ દૂર જતો લાગ્યો - ઓછો થયો. ચારે જણાએ એ દિશામાં ધીરે ધીરે નજરોખોલી જોવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈને કંઈ દેખાયું નહિ. ફક્ત વૈભવ એ રૂહના પગ જોઈ શક્યો. બધા ચુપચાપ ત્યાંથી ઉભા થયા અને રસ્તાના કિનારેથી બહાર નીકળી ગયા. કોઈની પાછળ જોવાની હિમ્મત નહોતી પરંતુ બધા ચોક્કસ ડરી ગયાં હતાં.

રોજની જેમ રાત્રે ભેગા થતા પરંતુ હવે સ્મશાનના દરવાજા પાસે જવાની હિમ્મત કરી શકે એમ નહોતા. સ્મશાન ભૂમિના દરવાજાની સામેના એપાર્ટમેન્ટના ઓટલાઓ પર બેસી વાતો ભલે કરતા હોય, પણ વચ્ચે વચ્ચેએમની નજર સ્મશાનના દરવાજા ઉપર અચૂક જતી. વૈભવે જયારે ગઈ રાત્રિની વાત કરી કે એ કોઈ નાની નાની ઘુંઘરીવાળી પાયલ પહેરેલ સ્ત્રીના પગ એણે જોયા હતાં, તો ત્રણે જોડીદારો વિશ્વાસ કરવા તૈયાર નહોતા. “ફેંક નહિ માર” ત્રણે બોલ્યા. એમનું કહેવું હતું કે જો તને પગ દેખાઈ શકે તો અમને એ કેમ ના દેખાયાં ? ખરેખર તો આવી રૂહ કોઈક વિશેષ ‘ગણની’ વ્યક્તિઓને જ દેખાય છે. બધાને રૂહ કે પ્રેતાત્મા દેખાતા નથી કે જોઈ શકતા નથી. એ એક સત્ય કહો કે લોકવાયકા કંઈક છે જરૂર !

આ ટોળીમાંથી કોઈ એકનું નિરીક્ષણ સાચું પડતું હોય એવું લાગ્યું. છેલ્લા અમુક દિવસોમાં શહેરથી બહાર જતા કેટલાંકની બાઈક એક જગ્યાએ આવીને અચૂક બંધ પડતી, પરંતુ શહેર તરફ આવનારની બાઈક કોઈદિવસ બંધ પડતી નહોતી. દર વખતે બાઈકવાળો નીચે ઉતરીને પોતાની સમજણ અનુસાર બાઈક ચેક કરે અને બાઈકને કિક મારી ચાલુ કરવાની કોશિશ કરે અને બાઈક પાછું ચાલુ થઇ જતું અને એ ત્યાંથી નીકળી જતો. હવે શંકા એ હતી કે બાઈક એ જગ્યાએ જ કેમ અટકે છે, બંધ થાય છે ?

એક રાત્રે કોઈની બાઈક ત્યાં બગડી અને આ ગપ્પા મારી રહેલા ચાર મિત્રોમાંથી સુરેશ અચાનક ઉભો થયો અને બાઇકવાળાને મદદ કરવાં પહોંચી ગયો એટલે વૈભવ જોરથી હસ્યો. બાઈક સવાર નીચે ઉતર્યો. સુરેશેબાઈક સવારને પ્લગ, પેટ્રોલ વગેરે વગેરે ચેક કરવા કહ્યું. બધું બરાબર હતું એટલે એણે બાઈકને કિક મારવા કહ્યું અને ગાડી ચાલુ થઇ. પેલી વ્યક્તિએ ગાડી ગિયરમાં નાંખી અને મદદ માટે થૅન્ક્સ કહ્યું.

સુરેશ એનો ખભો થપથપાવીને કહેવા જતો હતો કે - " ઓહ... નો ... ઇટ્સ ઓલ રાઈટ… કઈ નહિ” અને અચાનક કોઈ બીજા એક શરીરનો સ્પર્શ થયો, જાણે કોઈ એની પાછળ ચુપચાપ બેસી ગયું હોય ! અને ધીમો ઘુંઘરીવાળી પાયલનો અવાજ થયો છન.. ન… ન…. ન… છન. પેલી રાત્રીએ સાંભળેલો તે !

સુરેશ ચારસોએંસી વોલ્ટનો કરંટ લાગ્યો હોય તેમ દૂર ફેંકાયો. એના શરીરના રૂવાંટા ઉભા થઇ ગયા. એ ત્યાંથી ભાગ્યો. સામેના ઓટલા ઉપર બેસેલા મિત્રો સમજી નહિ શક્યાં શું થયું ? પરંતુ વૈભવ જોઈ રહ્યો હતો કે જ્યાંબાઈક બગડી ત્યાં એક સુંદર સ્ત્રી ઉભી હતી જાણે કોઈની રાહ જોતી હોય કે લિફ્ટ માંગતી હોય તેમ. જેવી પેલા બાઈક સવારની બાઈક ચાલુ થઇ તે સ્ત્રી એની પાછળની સીટ ઉપર બેસી ગઈ, એકદમ છેટી. સુરેશ એને જોઈ શકતો નહોતો અને અજાણતા સુરેશનો હાથ પેલા બાઈક સવારના ખભાને બદલે પેલી અદૃશ્ય રૂહ ને ટચ થયો અને દૂર ફેંકાયો. એ દ્રશ્ય જોઈને વૈભવને કંઈક અજુગતું બન્યું હોય એવું લાગ્યું કારણ આ પહેલા એણે કંઈક આવી રૂહ જોઈ હતી અને અનુભવ કરેલ હતો.

સુરેશ અચાનક કેમ ભાગી ગયો એ જાણવા ત્રણે મિત્રો હસતાં હસતાં ઊભાં થયા અને સુરેશના એપાર્ટમેન્ટમાં દાખલ થયાં. જોયું તો સુરેશ ઘરમાં ખુબ જ ધ્રૂજતો હતો અને એનું આખું શરીર તાવથી તપી ગયું હતું. એનાપપ્પા મમ્મી એને પૂછી રહ્યા હતાં હતાં શું થયું ? શું થયું ? પણ એ એક જ જવાબ આપતો હતો.... એ ઘુંઘરુવાળી હતી... એ ઘુંઘરુવાળી હતી ..

(ક્રમશઃ)


Rate this content
Log in

More gujarati story from Arun Gondhali

Similar gujarati story from Horror