ભૂલ કોની ?
ભૂલ કોની ?
નિલેશ (પોતના ઘરે): આજે એ વાતને દોઢ વર્ષ થઈ ગયું. જો ખબર હોત કે નયન પર હાથ ઉપડવાથી એ મને મૂકીને જતી રહેશે, તો નક્કી મે મારા ગુસ્સા પર કાબુ રાખ્યો હોત. પણ નયન જાણતી હતી કે મને હમણા બાળક નથી જોઈતું. પછી શા માટે ? શું એ ઉત્તેજના મારો અહમ હતો કે પછી મારી ભૂલ ?
નયન (એના પિયરે, એક વર્ષના નિરજને રમાડતા): જો સાસુમાની વાતમાં ન આવીને નિલેશની ઈચ્છાનું માન રાખ્યું હોત, કે સમય રહેતા એને જાણ કરી નાંખી હોત, તો આજે મારો દીકરો બાપ વગર મોટો ન થતો હોત. શું, એ મારી નાદાની હતી, કે પછી મારી ભૂલ ? શું નિલેશ માટે બાળકના પ્રેમથી વધુ મોટી મારી ભૂલ હતી ?
નિલેશના ઘરે: "ઘરમાં મમ્મી પપ્પા અને હું, અમારા ત્રણેના હોવા છતાં, નયન વગર કેટલો સન્નાટો છે."
આ વિચારમાં ને વિચારમાં મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતાં. ત્યાં મમ્મીના પગલાનો અવાજ આવ્યો. સારુ છે કે બાલ્કનીની લાઈટ બંધ છે જેથી મારી વ્યથા અંધારામાં રહી.
"નિલેશ, તને બાળક શામાટે નહોતું જોતું, હું એનું કારણ નહીં પૂછું. પણ પૌત્ર હોવા છતાં, જો હું દાદી સાંભળ્યા વગર મરી જઈશ, તો યાદ રાખજે, હું તારી આ ભૂલ ક્યારે માફ નહીં કરું."
મમ્મી મને વઢયા, અને આશ્ચર્યચકિત મૂકીને ઘરમાં જતા રહ્યા.
