ભૂખ અને તૃપ્તિ
ભૂખ અને તૃપ્તિ
હમણાંથી રોજ જમવાની બાબતમાં અનુજના નખરા વધતા જતા હતા. દાદીએ બહુ લાડકો કરીને રાખ્યો હતો. એ જે કહે એ જ રસોઈ બનાવવાની, નહિંતર ભાઈના નાટક ચાલુ થઈ જાય. એના મમ્મી રસિલાબેન હવે તો બહુ કંટાળ્યા હતા, અનુજના રોજના આ નાટકથી. એમને જરાય નહોતું ગમતું કે અનુજને આવી અન્નને વખોડીને જમવાની ટેવ પડી ગઈ હતી. ખૂબ સમજાવવા છતાંય અનુજ સુધરવાનું નામ લેતો નથી, અને એમાંયે એના દાદીમાંનો સાથ ! દાદી અનુજનું ઉપરાણું લઈ રસિલાબેનને જ કહેતાં કે "તારે એને પૂછીને જે ભાવે એ જ બનાવાયને શા માટે રોજ પૂછ્યા વિના રસોઈ બનાવે છે ?"
રસિલાબેને એક તરકીબ વિચારી, અનુજને વેકેશનમાં થોડા દિવસ ગામડે માસીના ઘરે મોકલ્યો. ત્યાં એ લોકો ખેતીવાડી કરતા. અને ત્યાં કાયમ સાદી રસોઈ જ બને એટલે ભાઈને તો બહુ તકલીફ પડી પણ ગામડામાં હોટલના નામે બસ એક દેશી ધાબો હતો. જ્યાં ગાંઠિયા, ભજીયા, સિવાય કંઈ મળે નહીં.
અને માસી તો પરાણે આગ્રહ કરીને જમાડે. અને અહીં કોઈ નાટક ના ચાલે નહિંતર માસીના સાસુ તરત કહે તમારા જેવા જુવાન છોકરાને ભૂખ કેમ ન લાગે ! કાલથી ખેતરે જઈને કામ કરાવજે એટલે એવી ભૂખ લાગશે કે જે મળે એ કૈડી કુટીને ખાઈ લઈશ.
એક દિવસ અનુજ ખેતરે ગયો, ખૂબ કામ કર્યું અને એ દિવસે અનુજને ખરેખર ભૂખની ખબર પડી ! એવી ભૂખ લાગી કે દાડીયાઓ સાથે ત્યાંજ જમવા બેસી ગયો. ખાટી છાશ, રોટલો ને ડુંગળી, મરચા એવું બધું જમી ને જે તૃપ્તિનો ઓડકાર આવ્યો એ અનુજે પહેલીવાર અનુભવ્યું. હવે એ સમજી ગયો હતો કે ભૂખ કામ કરવાથી લાગે અને મહેનતના સૂકા રોટલા જે તૃપ્તિ આપે એ હોટલોની પરદેશી વાનગીઓમાં ન મળે.
