Mariyam Dhupli

Inspirational Classics

4  

Mariyam Dhupli

Inspirational Classics

ભારતીયમુસ્લિમનો પત્રમાતૃભૂમિને

ભારતીયમુસ્લિમનો પત્રમાતૃભૂમિને

5 mins
21.2K


પ્રતિ,

વ્હાલી માતૃભૂમિ,

હું એક ભારતીય મુસ્લિમ. તને નવાઈ લાગશે કે હું મુસ્લિમ ભારતીય નહીં પણ પોતાને ભારતીય મુસ્લિમ કહી શા માટે સંબોધું છું ? તો એનું કારણ એજ કે ઇસ્લામ ધર્મમાં પવિત્ર કુરાન એજ શીખવાડે છે કે તમે જે ભૂમિ પર જન્મો, વસો એને આજીવન વફાદાર રહેવું એ તમારી સૌથી પહેલી નૈતિક ફરજ. હું એક ભારતીય છું એ મારી સૌપ્રથમ ઓળખ. ભારતની આ પવિત્ર ભૂમિ પર ફક્ત મારોજ નહીં મારા પૂર્વજોનો પણ જન્મ થયો છે. તેથીજ આ માટી રગેરગમાં લોહી બની વહી રહી છે. 

બદલાતા સમયની સાથે જે રીતે તારું સ્વરૂપ પણ બદલાતું ગયું એજ પ્રમાણે મારું પણ. તારી પરિસ્થિતિઓમાં આવેલ બદલાવોથી મારી પરિસ્થિતિથી પણ ક્યાં અળગી રહી શકે ? અંગ્રેજોની ગુલામીમાં સંકળાયેલા તારા કષ્ટદાયક શરીરને છોડાવવા આખો દેશ લોહી વહાવી રહ્યો હતો ત્યારે મારું પણ તો લોહી વહ્યું હતું. પણ એ લોહી તારા પ્રત્યેના પ્રેમ માટે ગર્વ અને ખુશીથી વહ્યું હતું. આખરે તું સ્વતંત્ર થઇ અને તને ફરીથી મુક્ત ગગન નીચે નિહાળી મારી ખુશી ચરમસીમાએ પહોંચી હતી. આઝાદીનો એ જસ્નમાં મારો પણ તો ભાગ હતો. પણ એ ખુશીને કોઈની નજર લાગી હોય એમ આખો દેશ બે ભાગમાં વહેંચાય ગયો. રાજનીતિના કડવા દાવપેંચો એ તારા શરીરનું એક અંગ કાપી અલગ કરી નાખ્યું. તારી એ અસહ્ય પીડા મારાથી વધુ કોણ સમજી શકે ? કારણ કે હું પણ એજ ક્ષણે બે ભાગમાં વહેંચાઈ ગયો. ભાગલા પહેલાંનો ભારતીય મુસ્લિમ અને ભાગલા પછીનો ભારતીય મુસ્લિમ ! કોઈ એક વ્યક્તિની નિર્ણય શક્તિ કરોડો લોકોના દુઃખોનું મૂળ કઈ રીતે બની શકે ? પણ એવું બન્યું... ભારતમાંથી પાકિસ્તાન છૂટું પડ્યું ને કંઈક અંશે હું મારાજ દેશમાં જાણે અણગમતા મહેમાન જેવો થઇ પડ્યો. મારી જન્મભૂમિ મારી છે. હું એને પ્રેમ કરું છું... હું એને વફાદાર છું... એના પુરાવાઓ આપવાનો સમય આવી પડ્યો.

સમયનું મલહમ દરેક દર્દને મિટાવી દે છે. એજ પ્રમાણે ધીરે ધીરે પરિસ્થિતિ સુધરતી ગઈ. પણ હૃદયના ખૂણાઓમાં એ ભાગલા તડ સમા જીવતા રહ્યા. આજે પણ જ્યારે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ રમાતી હોય ને કોઈ પૂછી બેસે કે તું કોના પક્ષમાં ? મશ્કરીમાં પૂછ્યું હોય કે ગામ્ભીર્યથી હૃદયમાં પીડા તો એકસમાનજ ઉપડે ને ! હું ભારતીય જ છું. ફક્ત જન્મથીજ નહીં, મારા સંપૂર્ણ તન, મન અને ધનથી એના હજી કેટલા પુરાવાઓ આપું ? રાષ્ટ્રીય ગીત માટે ઊભો હોવ ત્યારે રોમાંચથી મારા રુંવાડાં ઊભા થઇ જાય, ભારત કોઈ મેડલ જીતી લાવે અને મારો દિવસ તહેવાર સમો લાગવા માંડે... રાષ્ટ્ર ઘ્વજ સામો આવે ને આંખોના ખૂણાં ભીના થઇ જાય...

મારા ધર્મના કેટલાક માનવીઓના અમાનવીય નિર્ણયો કે વર્તણુકની સજા મને શા માટે મળે ? એક આદર્શ ભારતીય નાગરિક બનવા માટે દરેક ફરજ હું દિલોજાનથી નિભાવું છું. દેશને સ્વચ્છ રાખવાથી લઇ આવક વેરા નિયમિત ભરવા સુધી. નિયમિત મતદાન આપવાથી લઇ સ્વતંત્રતા દિનની ઉજવણી સુધી. દેશના દરેક નાનામોટા પ્રસંગો માટે મારો ઉત્સાહ અને જુસ્સો અખૂટ રહ્યો છે અને રહેશે.

ક્યારેક સાંભળ્યું કે આ દેશ મારા માટે સુરક્ષિત નથી અને હું ખડખડાટ હસી પડ્યો. એક માતા પોતાના બાળક માટે સુરક્ષિત ન હોય એવું કદી સાંભળ્યું છે ? સુરક્ષા અને જીવનની ગેરંટી વિશ્વ્ના ક્યા ખૂણામાં મળી શકે ? મારી જન્મભૂમિ પરજ મારું અસ્તિત્ત્વ સંપૂર્ણ સુરક્ષિત. બીજ જ્યાં રોપાયા હોય ત્યાંજ વૃક્ષ વિકસે. જડથી કપાયા પછી એ વૃક્ષ અન્ય માટીમાં ક્યાંથી વિકસી શકે ?

હું લઘુમતી ભલે છું પણ તારા પ્રત્યેનો સ્નેહ મારા હૃદયમાં બહુમતીમાંજ છે ! હા, કેટલાક દેશવાસીઓ મને આ દેશમાં જોઈ દુઃખી થતા ભલે હોય પરંતુ એ તો કેટલાકજ ને ! પણ મોટાભાગના દેશવાસીઓ મને જે માન, સન્માન, પ્રેમ, સ્નેહ આપે છે અને સમાન હકાધિકારને મારો હક માની મને જે આદર આપે છે એની સામે એ ઘૃણા કોઈ અસર જ ઉપજાવી શકતી નથી. કોણ કહે છે કે લઘુમતીને મારા દેશમાં પ્રગતિની તક મળતી નથી ? જો એમજ હોય તો સન્માનીય ડોક્ટર અબ્દુલ કલામ આઝાદ, સાનિયા મિર્ઝા, ઇરફાન ખાન, યુસુફ પઠાણ, ઝહીર ખાન, આમિર ખાન, શારુખ ખાન, સલમાન ખાન જેવા વ્યક્તિત્વો દેશના ઉચ્ચ પદો એ પોતપોતાના ક્ષેત્રોમાં આ રીતે સફળતાપૂર્વક કઈ રીતે પોતાનો ફાળો નોંધાવી શકે ? આ બધી સફળતાઓ એજ પુરવાર કરે છે કે મહેનત, શ્રમ, ધગશ, જુસ્સો, પરસેવાની કિંમત મારી માતૃભૂમિ પર સૌને એકસમાનજ મળે છે ! 

રાજનીતિનો કાળો ઇતિહાસ રંગ સ્વરૂપ બદલી ભૂતકાળમાંથી શીખ્યા વિનાજ પુનરાવર્તિત થતો રહે છે અને એ જયારે જયારે પુનરાવર્તિત થયો છે ત્યારે ત્યારે નિર્દોષોની જ બલી ચઢી છે. અહીં નુકસાન કોઈ એક પક્ષનું નહીં બન્ને પક્ષોનુંજ થાય છે. ફાયદો તો ફક્ત પોતાના સ્વાર્થની રોટલીઓ શેકતા રાક્ષસી મગજોનુંજ થાય છે ! એક વધારાનું મંદિર કે એક વધારાની મસ્જિદ મળે કે ન મળે - આજે દરેક દેશવાસીને ફક્ત એક એવો દેશ મળી જાય જ્યાં દરેક બાળક, સ્ત્રી કે નાગરિક ભયમુક્ત, ડર મુક્ત પ્રેમપૂર્ણ હવામાં શ્વાસ ભરી શકે તો ઘણું. ધર્મની સુરક્ષા માટે માનવીઓની બલી ચઢાવતા મુસ્લિમ કે હિન્દૂ એ 'કુરાન' કે 'ગીતા'ને સમજ્યાં જ ક્યાં છે ?

મારા લખેલા શબ્દોથી દેશના સાહિત્ય જગતને પણ હું શણગારતો આવ્યો છું. જે શબ્દો તમામ ભારતીયોના હૃદયમાં આજીવન ગણગણતા રહ્યા છે...

"સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા 

હમ બુલબુલે હે ઇસકી

યે ગુલિસ્તાં હમારા...હમારા...

સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા..."

હું ફક્ત લઘુમતી કે વોટ ની એક અંદાજિત બેન્ક નથી. રાજનીતિ ની તલવાર પર ભેટ ચઢનાર બલી નો બકરો નથી. જે થાળી માં જમું એમાજ છિદ્ર કરનાર નાશુક્રો નમકહરામ નથી. 

હું તો મારી ભારતમાતાનું પ્રિય સંતાન છું. એક માતા માટે એનું દરેક બાળક એકસમાન વ્હાલું હોય. એની આંખોમાં બે બાળકોને લઇ કોઈ પક્ષપાત હોયજ ન શકે ! એજ પ્રમાણે હું તારું બાળક અને તું મારી નિસ્વાર્થ મા ! મને અર્પણ કરેલ સ્નેહ, પ્રેમ, ઓળખ, સફળતાની તકો, વિકાસના માર્ગો માટે હું આજીવન તારો ઋણી રહીશ. મારી અંતિમ શ્વાસ સુધી હું તારા ગર્વ અને સમ્માન ને જાળવવા સતત પ્રયત્નશીલ રહીશ. 

લી : એક ભારતીય મુસ્લિમ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational