ભાઈચારો
ભાઈચારો
મારા ઘરમાં તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલ જોતાં જોતાં ક્યારેક સૌ પરિવારને હસવું તો ક્યારેક રડવું આવી જાય. એ સિરિયલમાં દરેક લોકોની લાગણી વ્યક્ત થતાં અનુભવો, જાણે કંઈક શીખવતું હોય તેવું લાગે. એ ગોકુલધામ સોસાયટીમાં જાણે આખો દેશ સમાઈ ગયો હોય તેવું લાગે. હું કોઈ ધર્મ બાબતે ચર્ચા નથી કરતી પરંતુ, વિવિધ પ્રદેશમાં વસતાં ભિન્ન ભિન્ન પ્રકારના લોકોની જીવનશૈલી જોઈ નવું નવું શીખવા મળે છે. કદાચ પુરા વિશ્વમાં ભારત જ એવો દેશ હશે, જ્યાં, આટલી ભિન્નતા જોવા મળે છે.
અમારી સોસાટીમાં જ્યારે અન્ય રાજ્યના ઍક પરિવાર નોકરી માટે રહેવા આવ્યા ત્યારે એમની સાથે સંવાદ ઓછો થતો. ધીમે ધીમે એકબીજા સાથે મળતાં થયા સંબંધ વધ્યા તો ખૂબ ટૂંકા ગાળામાં દૂધમાં સાકરની જેમ મળી ગયા. સારા વિચારોની આપલે કરતાં થયા. કોરોના કાળ દરમ્યાન એકબીજાની હૂંફ જ રામબાણ ઈલાજ કરી ગઈ હતી. લોકડાઉન જેવા કપરા કાળમાં એક જ છીએ એ વાતની સાબિતી આપવાની જરૂર રહેતી નથી.
જરૂરી નથી કે સરહદો ઉપર લડાઈ કરીને દેશની સેવા થાય, દેશમાં રહી એકબીજા સાથે ભાઈચારો રાખી દેશની એકતા જાળવી રાખીએ એ પણ એક પ્રકારની દેશ સેવા જ છે.
