‘ભાગ, ભાગ; જલ્દી ભાગ! -લઘુકથા
‘ભાગ, ભાગ; જલ્દી ભાગ! -લઘુકથા


ભારતની આઝાદી પૂર્વે પાલનપુર નવાબી સ્ટેટના એ જાગીરી ગામમાં બે પોલીસમેનની રાતદિવસ કાયમ હાજરી રહેતી હતી, જેમાંનો એક પોલીસ હથિયારધારી અને બીજો બિનહથિયારધારી રહેતો. એક ચોમાસાની ઋતુમાં કેટલાંક ગામોમાં પશુઓમાં રોગચાળો ફેલાયો હતો. આ રોગચાળો અન્ય ગામોમાં ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે ઘોડેસ્વાર પોલીસો દ્વારા ગામડેગામડે શાસકીય ફરમાન ફેરવી દેવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટ આદેશ હતો કે એક ગામથી બીજે ગામ દુધાળાં ઢોરોનાં દૂધ, દહીં, છાશ કે ઘીની હેરેફેર ન થવા દેવી.
આ ગામે હથિયારધારી પોલીસમેન નવીન બદલી પામીને આવ્યો હતો, જ્યારે પેલો બિનહથિયારધારી પોલીસ જૂનો અને સ્થાનિક વતની હતો. ગામપાદરે પ્રવેશદ્વારની લગોલગની ચોકીમાં બેઠેલા એ બંને જણ ગપસપ કરી રહ્યા હતા, ત્યાં તો બાજુના ગામના ‘નીલકંઠ મહાદેવ મંદિર’ના પૂજારી મહારાજ હાથમાં કડીવાળા ડોઘલા સાથે ગામમાંથી આવી રહ્યા હતા.
હથિયારધારી પોલીસમેને રૂઆબભેર એ મહારાજને પૂછ્યું, ‘અય મહારાજ, ડોઘલેમેં ક્યા હૈ?’
‘ઘી હૈ સાબ. હમારે મંદિરમેં અયોધ્યાસે આએ હુએ એક સાધુ મહારાજ મહેમાન હૈ. હમારા પૂરા ગાંવ કપડેકે કારોબારમેં લગા હુઆ હૈ, ઈસલિયે પશુપાલન કમ હૈ. હમેં માલૂમ હૈ કિ દૂધ બનાવટેંકી હેરાફેરી કરના મના હૈ. વો કિસાન ભી યે ઘી દેતે હુએ ડરતા થા, પર મેરી બિનતીસે માન ગયા. આપસે ભી મૈં બિનતી કરતા હૂં કિ આપ મુઝે જાને દીજિએ. આપકી બડી મેહરબાની હોગી.’
‘બિલકુલ નામુમકિન. યે ઘી વાપસ દે આઈએ, વરના યે ફૈંકવા દિયા જાયેગા !’
‘અચ્છા ! પર સા’બ મિટ્ટીમેં ફૈંકવા દેનેસે કિસીકો ભી ક્યા ફાયદા હોગા ? ઈસસે બહેતર તો યે રહેગા કિ મૈં ઈસે સહી મુકામપે પહુંચા દૂં તો !’
આમ કહીને મહારાજ તો ડોઘલામાંનું એકાદ શેર જેટલું ઘી ગટગટાવી ગયા અને પછી બોલ્યા, ‘સાબ, અબ મૈં જાઉ
ં ?
પેલો હથિયારધારી પોલીસમેન તો મહારાજની આ અણધારી હરકતથી થોડોક છોભીલો તો પડ્યો, પણ આખરે તેણે કહેવું પડ્યું, ‘હાં, આપ જા સકતે હૈ; અબ હમ આપકો કાનૂનન રોક સકતે નહિ હૈ.’
મહારાજ થોડેક દૂર ગયા પણ નહિ હોય અને પેલો બિનહથિયારધારી પોલીસમેન કે જે ચલતાપુર્જા હતો, તેણે પોતાના ઉપરીને પોતાની શેહમાં લઈ લેવાની તક ઝડપી લેતાં બોલ્યો, ‘સાબ, અબ આપકો જિંદગીસે હાથ ધોના પડેગા ! યે અખાડા સાધુ હૈ ઔર કરામતવાલા હૈ. વો અપને મુકામપે જાકે શીર્ષાસન કરકે પેટકી યૌગિક ક્રિયાસે પૂરાકા પૂરા ઘી બરતનમેં નિકાલ દેગા ! વહાં ઘી નિકલેગા ઔર યહાં આપકે મુંહમેંસે લહૂ નિકલેગા ! અગર આપકો અપની જિંદગી બચાની હૈ, તો મૈં ભાગકર ઉન્હેં હાથાજોડી કરકે મનાકે વાપસ લે આઉં; ઔર આપ ભી ઉનકી માફી માંગકે ઉન્હેં ઉતના હી ઘી દિલવા દેના !’
‘ભાગ, ભાગ; જલ્દી ભાગ ! મેરે છોટેછોટે બચ્ચે હૈ, મુઝે અભી મરના નહી હૈં !’
બિનહથિયારધારી પોલીસમેને દોડતા જઈને મહારાજને આખી કેફિયત સમજાવી દીધી અને મનાવી લીધાનું નાટક કરીને પાછા બોલાવી લીધા.
* * *
મહારાજે મંદિરે પહોંચીને મહેમાનસાધુને ઘીનું ડોઘલું પકડાવતાં કહ્યું, ‘ગુરુવર્ય, આપ આરામસે લડ્ડુ યા શીરા જો ભી બનાના હૈ, વો બનાકર ખા લીજિએગા; મુઝે ખાના નહીં હૈ. હસીંવાલી એક બાત બની હૈ, જો મૈં આપકો બાદમેં બતાઉંગા. અભી તો મૈં અપને મંદિરકે કુએમેં શામ તક તૈરતા રહૂંગા, ક્યોંકિ મૈંને એક શેર ઘી પી લિયા હૈ, જો! ઘીકો હજમ તો કરના પડેગા!’
[આ સત્ય ઘટના મારા અંગત મિત્ર સ્વર્ગસ્થ દ્વારકાગીરી મહારાજના સ્વાનુભવની અને તેમના સ્વમુખે કહેવાયેલી હતી, જે અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. ધન્યવાદ.]