Mariyam Dhupli

Inspirational

3  

Mariyam Dhupli

Inspirational

બહાદુર

બહાદુર

8 mins
432


બસમાંથી નીચે ઉતરતાંજ એના ડગલાં અતિવેગે ઉપડ્યા. હાથમાંના પર્સ અને ટિફિનનું સંતોલન સાધતા એક ઊડતી નજર ફરીથી કાંડાઘડિયાળ પર પડી. ખુબજ મોડું થઇ ગયું હતું. દર વખતની જેમજ, સમયનું આયોજન અને મહેનત ભરી દોડાદોડી છતાં પણ. હાંફતા શરીર જોડે એક ઊંડો નિસાસો બહાર સરી આવ્યો. સાતસો મીટર જેટલું અંતર પગપાળુ, દોડતા -ભાગતા પૂર્ણ કર્યું. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરથી એણે લિફ્ટ નીચે ઉતરે એ માટે સ્વીચ દબાવી. ઘભરાટમાં એકવારની જગ્યાએ ત્રણ - ચાર વાર એકીસાથે હાથ સ્વીચને સ્પર્શ્યો. લિફ્ટ કોઈ માળ ઉપર અટકી હતી.

ફરીથી કાંડાઘડિયાળને ડરતા હૃદયે નિહાળી. સાચેજ બહુ મોડું થઇ ચૂક્યું હતું. લિફ્ટ નીચે ઉતરવાનું નામજ લઇ રહી ન હતી. માથા ઉપર મૂંઝવણ ભર્યો ધ્રૂજતો હાથ ફરી રહ્યો. નિર્ણય લેવાઈ ગયો. દાદર ચઢવી જ પડશે. સાડીને ફોલમાંથી થોડી ઉપર તરફ ઉઠાવી ઊંડા શ્વાચ્છોશ્વાસ જોડે દાદર ચઢવાની શરૂઆતજ કરી કે લિફ્ટ ખુલવાનો અવાજ સાંભળ્યો. અકળામણમાં ફરીથી અત્યંત ઝડપ જોડે દાદર ઉતરી આખરે લિફ્ટમાં પ્રવેશ કર્યો. ૧૨ નંબર લીલી વીજળીથી પ્રકાશિત કર્યો. કોઈ લાંબી મેરેથોનને અંતે હાંફતા થાકેલા દોડવીર જેવી શ્વાસોથી લિફ્ટ ગુંજી રહી. ૧૨માં માળે પહોંચ્તાજ વોચમેન સાથે ટેબલ ઉપર રખાયેલા મોટા પુસ્તકમાં દર વખતની જેમ પોતાની માહિતી અને પહોંચવાના સમયની કંપતા હાથે નોંધણી કરી.

સમય વેડફ્યા વિનાજ પડખેના કાચના બારણાંને અંદર તરફ ધકેલતા ઉતાવળે ઓફિસમાં પ્રવેશ કર્યો. પ્રવેશની જોડેજ દરેક કાર્યકરની નજર એની ઉપર આવી તકાય અને ટેવ પ્રમાણે દરેક દ્રષ્ટિ ઓફિસની મોટી ઘડિયાળને તાકી રહી.

"ગુડ મોર્નિંગ” ચિંતામાં હાંફતા શરીર જોડે સહ- કાર્યકરોને બે શબ્દો કહી પોતાની બેઠક પર એણે શરીર ગોઠવ્યું.

“ગુડ મોર્નિંગ,શ્વેતા."

“ઓહ, શ્વેતા, ક્યાં રહી જતી હોય છે ?"

“આજે તો બચીજ ગઈ. બોસ હજી આવ્યા નથી.”

“શ્વેતા, આજે ટિફિનમાં શું આવ્યું છે ? કઈ સ્પેશ્યલ હશે. એટલેજ આટલું મોડું થયું. સાચું કહું છું ને?"

“શ્વેતા મોડા પહોંચવામાં તો આ ઓફિસના બધાજ રેકોર્ડ તે

તોડી નાખ્યા છે, વેલડ્ન. કિપ ઈટ અપ."

“આ વર્ષે બેસ્ટ લેટ કમરનો એવોર્ડ તો બોસ તરફથી પાક્કો.”

“હા, હા, હા."

ઓફિસનો મજાકીયો છતાં મૈત્રીપૂર્ણ સ્ટાફ ટેવ અનુરૂપ અને સ્વભાવગત પોતાની સહ - કાર્યકર અને મિત્રની મશ્કરી કરી રહ્યા. આ મસ્તી -મજાક અને વ્યંગ જ તો આ ઓફિસની દીવાલોને જીવંત રાખતા

અને એમાં પુરાયેલા માનવીઓને પણ. નહીંતર ફક્ત કી- બોર્ડ પર ફરતી આંગળીઓ સિવાય અહીં કશુંજ ન સાંભળવા મળે, ન અનુભવવા. આ હકીકત શ્વેતા પણ સારી રીતે જાણતી હતી.

પણ આજે પોતાના સહ-કાર્યકરોના અવાજ એની શ્રવણ- ઇન્દ્રિયને જરાયે સ્પર્શી રહ્યા ન હતા. કાનમાં ફક્ત એક લાંબી સિસોટી વાગી રહી હતી. એ સિસોટીની વચ્ચે પોતાના નિયંત્રણ વિનાના હ્રદયના ધબકાર એક તરફથી ઊંચો પડઘો પાડી રહ્યા હતા તો બીજી તરફ જાણે વિશ્વની દરેક ઘડિયાળોના કાંટા એની દ્રષ્ટિ આગળ અત્યંત ઝડપ જોડે વર્તુળાકારમાં ગોળ ચક્કર કાપી રહ્યા હતા. દરેક ઘડિયાળમાં કલાકનો કાંટો જોરશોર ટકોરા પાડી રહ્યો હતો. ઓફિસના ડેસ્ક ઉપર ટેકવેલું શ્વેતા શરીર તદ્દન સ્તબ્ધ અને ટાઢું હતું. ભાનમાં હોવા છતાં સંપૂર્ણ બેભાન.

કપાળ ઉપર પરસેવાના ટીપાં સ્પષ્ટ જોઈ શકાય એ રીતે ઉપસી આવ્યાં હતા. શરીર થર થર કંપી રહ્યું હતું. પેટમાં જાણે કોઈ જ્વાળામુખી ફાટ્યો હોય એવી અસહ્ય પીડા ઉપડી રહી હતી. ઉબકા જોડે જાણે કંઈક શરીરમાંથી બહાર આવવા પ્રયાસ કરી રહ્યું હોય એવી ક્ષણીક ભ્રમણા થઇ રહી.

અચાનક જ એક તીણી ચીસ જોડે અંતરજગતની અસહ્ય પીડા બાહ્યજગતમાં ઠલવાઇ ગઈ.

“આમ ડન. હું હવે થાકી ગઈ. બસ,હવે નથી સહેવાતું. હું હારી ગઈ.”

નિયંત્રણ ગુમાવી વરસોથી બળજબરીએ અંદર દાબી રાખેલું દરેક આંસુ ધોધ જેમ પૂરજોશે બહાર વહી આવ્યું. શ્વાસોની ગણતરી માંડી વળાય. ચુસ્ત શરીર એકદમ ઢીલું છોડી દેવાયું. મનનો સઘળો ભાર ધારદાર રુદન

જોડે વહી નીકળ્યો. છાતીની ગુંગણામણ ધીરે ધીરે રાહતમાં પરિવર્તિત થઇ રહી. સહ - કાર્યકરોનું ટોળું તરતજ શ્વેતાને વીંટળાઈ ગયું. ખભા ઉપર આશ્વાસનભર્યા હાથ ફરી રહ્યા. પાણીનો ગ્લાસ હાથમાં પ્રેમ અને કાળજીથી થમાવવામાં આવ્યો. જુદા - જુદા શબ્દો પણ ધ્યેય એકસમાન, મિત્ર અને સહ - કાર્યકરને આશ્વાસન અને માનસિક હિંમત પુરી પાડવી.

“અરે શ્વેતા આમ કઈ હિંમત હરાય ?”

“કમોન શ્વેતા, અમે તારી જોડેજ છીએ.”

“પહેલા રડવાનું બંધ કર, જોઉં.”

“અરે યાર, જીવન છે. આ બધું તો ચાલ્યા કરે.”

“વી ઓલ હેવ અપ્સ એન્ડ ડાઉનસ ઈન આર લાઈફ. એજ જીવન છે.”

“હા યાર, સંઘર્ષ વિના જીવન નહીં. ફક્તબધા સંઘર્ષોનાં પ્રકાર ભિન્ન હોય.”

“આપણે બધાજ કંઈકને કંઈક યુદ્ધ સામે ઝઝૂમી રહ્યા છીએ.”

“સમસ્યાઓ તો આપણી કસોટી છે. એનો સામનો કરવાથીજ આપણી અંતરશક્તિ વિકસે છે. જો સમસ્યાઓ જ ન હોત તો આત્મવિશ્વાસનું પણ અસ્તિત્વ ન હોત.”

“વાત તો સાચી છે. આપણે બધાજ જીવનની એક મોટી ચકડોળમાં બેઠા છીએ. ક્યારેક કોઈકની બેઠક નીચે પહોંચી જાય તો કોઈકની ઉપર. વળી, થોડાજ સમયમાં ફરી ઉપરવાળી બેઠકો નીચેને નીચેવાળી બેઠકો ઉપર. નીચે વાળા વિચાર્યા કરે કે બધા ઉપર આનંદમાં છે ને ઉપરવાળાને થાય કે જાણે કદી નીચે જવાનુંજ નથી. પણ ચકડોળ છે ભાઈ, એ તો ગોળ ફરવાનીજ. ઉપર જતી વખતે ઉત્સાહ માણો અને નીચે ઉતરો ત્યારે ધીરજ ધરો.”

“સમય કદી એક સ્થળે જંપતો નથી. સુખના દિવસો ટકતા નથી તો દુઃખના ક્યાં ટકી રહેશે ?”

“હવે જરા એક સ્પેશ્યલ સ્માઈલ થઇ જાય.”

સહ - કાર્યકરોના ઉત્સાહ અને આશ્વાસનભર્યા શબ્દો સાંભળી શ્વેતાનું શરીર જાણે દરિયામાં તરી રહેલા શરીર જેવું શાંત અને હલકું અનુભવાઈ રહ્યું હતું. ચહેરાના ભાવો સંપૂર્ણપણે બદલાઈ ચુક્યા હતા. માથા ઉપરથી જાણે કેટલા મણનો ભાર ઉતરી ગયો હતો. એવું ન હતું કે આ બધી વાતો શ્વેતા અગાઉથી જાણતી ન હતી. એક પરિપક્વ સ્ત્રી આ બધીજ બાબતોથી શબ્દેશબ્દ પરિચિત જ હોય છે. પણ એ શબ્દો કોઈ અન્યના મોઢે સાંભળવાથી, ખભા ઉપર મુકાયેલા આશ્વાસન અને સ્નેહપૂર્ણ હાથ જોડે કંઈક જુદીજ પ્રભાવકારક અસર ઉપજાવી રહ્યા હતા. થોડી ક્ષણો પહેલા જીવન આગળ હથિયાર નાખી દીધેલ આત્મા જાણે ફરીથી

જીવનનો સામનો કરવા તૈયાર હતી. આ યુદ્ધ એ એકલી અટુલી લડી રહી ન હતી. એની આસપાસ હાજર દરેક માનવી એકસમાન પરિસ્થિતિમાં જ હતા. ચ્હેરા ઉપરનું હાસ્ય ફરીથી પરત થઇ ચૂક્યું હતું.

“આ થઇને વાત...."

શ્વેતા ઉપર વરસી રહેલા પ્રેમ, સ્નેહ અને પંપાળને એ ક્યારની પોતાના ડેસ્ક ઉપરથી વિચિત્ર હાવભાવો જોડે નિહાળી રહી હતી. એની આંખો જાણે નજર સામેના દ્રશ્યથી હેરતમાં મુકાઈ ગઈ હતી. એક ખૂણેથી બધું ચુપચાપ નિહાળતી એ કશા ઊંડા વિચારોમાં ડૂબકી લગાવી રહી હતી. મનોમંથન અત્યંત પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યું હતું. હોઠ થોડો સફેદ રંગ પકડી રહ્યા હતા. ગળામાં બાઝેલો ડૂમો ન અંદર ઉતરી રહ્યો હતો, ન બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હૃદયના ધબકાર ઊંચે ઊંચે કંઈક પડકાર ફેંકી રહ્યા હતા. પણ એ પડકારને કોઈ પણ ઉત્તર અપાઈ રહ્યો ન હતો. આખરે દ્રશ્ય ઉપર પોતાની પકડ અડગ જમાવી રાખતા એણે પોતાની બેઠક છોડી. ધીરે રહી પાછળ તરફ ગોઠવાયેલા કોફી મેકરમાંથી એક ગરમાગરમ કોફી કપમાં ભરી.

કોફીનો કપ હળવેથી ઉંચકીએ સહ - કાર્યકરોના ટોળા વચ્ચેથી માર્ગ કરતી આખરે શ્વેતા નજીક પહોંચી.

“હેવ સમ કોફી. યુ વીલ ફીલ બેટર.”

એના આગમનથી જ આખું ટોળું એના ઉદાહરણો જોડે શ્વેતાને વધુ હિંમતની ભેટ આપી રહ્યું.

“શ્વેતા આપણે બધા જાણીએ છીએ. દિશાના જીવનમાં જે સમસ્યાઓ છે એની આગળ આપણી સમસ્યાઓ તો કશુંજ નથી.”

“હું તો આને સિંહણ જ કહું છું.”

“દિશા ઇઝ સચ અ ફાઈટર.”

“જીવનના આટલા મોટા સંઘર્ષ જોડે એ ચ્હેરા ઉપર કેવું હાસ્ય ફેલાવી રાખે છે !”

“સાચેજ દિશાને નિહાળતાંજ મનમાં એટલી બધી હિંમત ભેગી થઈ જતી હોય છે.”

“શી ઇઝ આર ઇન્સ્પિરેશન.”

“પણ આજ સુધી કોઈએ પણ એને રડતા જોઈ છે ?”

“એક અશ્રુ એ ખરવા દેતી નથી.”

“દિશા જેવી બહાદુર સ્ત્રી મેં આજ સુધી નિહાળી નથી.”

“પોતાની જાતને એણે કેવી બાંધી રાખી છે !"

“ઓલ્વેઝ સ્માઇલિંગ ફેસ.”

“બોસ, બોસ......"

અત્યંત ધીરા અવાજે મળેલા સંકેતથી આખો સટાફ તરતજ વિખેરાય ગયો. દરેક વ્યક્તિ પોતપોતાના ડેસ્ક ઉપર ગોઠવાઈ કામ ઉપર પુનઃ ધ્યાન કેંદ્રિત કરી રહી. બોસને ’ગુડમોર્નિંગ સર’ એકીસાથે પાઠવી દરેક નજર કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અને આંગળીઓ કી - બોર્ડ ઉપર યાંત્રિક રીતે કાર્યરત થઇ. એક ફક્ત દિશાની નજર કાર્ય ઉપર કેન્દ્રિત થઇ રહી ન હતી. એનું ધ્યાન લક્ષ્ય પરથી સંપૂર્ણ ખોરવાયું હતું. ચોરીછૂપે એની દ્રષ્ટિ શ્વેતાના ડેસ્ક ઉપર ફરી આવી મંડાઈ. કોઈ જોઈ ન લે એ પ્રમાણે આડકતરી રીતે એની નજર જાસૂસ માફક શ્વેતાને તાકી રહી.

શ્વેતાનો ચ્હેરો અત્યંત પ્રફુલ્લિત ખીલી ઉઠ્યો હતો. તાણ અને ચિંતા એના મનમાંથી ઓગળી ચુક્યા હતા. કેટલા મહિનાઓ સુધી સંગ્રહી રાખેલો ભાર આંસુઓને માર્ગે વહી નીકળ્યો હતો. સહ-કાર્યકરો અને મિત્રોના આશ્વાસનભર્યા શબ્દો અને ખભે સ્નેહથી ફરેલા હાથથી બધોજ થાક ઉતરી ગયો હતો. પંપાળ અને સ્નેહથી જાણે અંદર જે કઈ ભાંગ્યું હતું એ બધુજ ફરી સંધાઈ ગયું હતું. અતિ ઉષ્ણ તાપમાન પછી વરસાદનું એક જોરદાર ઝાપટું વરસે અને આખું વાતાવરણ જેવું ટાઢું અને તાજગીભર્યું મહેકી ઉઠે, એજ રીતે શ્વેતાનું વ્યક્તિત્વ પણ તાજગી અને હૂંફથી મહેકી ઉઠ્યું હતું.

અચાનક દિશાની છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો. દરરોજ માફક એની શ્વાસો રૂંધાવા લાગી. મગજનો ભાર માઈગ્રેન બનીઅસહ્ય પીડા આપી રહ્યો. હાથ -પગ ધ્રુજી ઉઠ્યા અને કપાળ ઉપર પરસેવાના ટીપા બાઝી રહ્યા. હય્યાના ધબકાર વધુ વેગ પકડી રહ્યા. અંદરથી ખુબજ ભારે કોઈ વજન જાણે બહાર તરફ નીકળી આવવા અશ્રુ થકી માર્ગ શોધી રહ્યું. દિશાના કાનમાં સહ - કાર્યકરોના શબ્દો ઊંચા સાદે ગુંજવા લાગ્યા.

“શી ઇઝ આર ઇન્સ્પિરેશન.”

“પણ આજ સુધી કોઈએ પણ એને રડતા જોઈ છે ?"

“એક અશ્રુ એ ખરવા દેતી નથી.”

“પોતાની જાતને એણે કેવી બાંધી રાખી છે !"

પોતાના ડેસ્ક ઉપરથી એક ટીસ્યુ લઇ એણે ધ્રુજતા હાથે કપાળ પરનો પરસેવો અત્યંત ઝડપે લૂછી નાખ્યો. ધીરે રહી પોતાના પર્સમાંથી એન્ટી ડિપ્રેશન, માઈગ્રેન અને હાઈ બ્લડ પ્રેશરની નિયમિત ટીકડીઓ મુઠ્ઠીમાં ભરી પાણી જોડે એકજ ઘૂંટડે ગળાના નીચે ઉતારી દીધી. એક ઊંડી શ્વાસ જોડે બહાર નીકળવા મથી રહેલા વજનને અત્યંત જોર લગાવી ઊંડાણોમાં ઉતારી દીધું.

એક અશ્રુ નહીં. કોઈ રુદન નહીં. બીજીજ ક્ષણે દ્રષ્ટિ કમ્પ્યુટર સ્ક્રીન પર અને આંગળીઓ કી - બોર્ડ ઉપર યાંત્રિક રીતે ફરી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational