ભાભી મા
ભાભી મા
સત્તર વરસની કાચી કન્યા. પિતા હતા નહીં, માતા ઘર ચલાવવા, બે છેડા ભેગા કરવામાં જ પૂરી થઈ જતી. બાળકો એકબીજાનું જાતે જ ધ્યાન રાખી લેતાં. આખો દિવસ ઘરના કામ અને સાથોસાથ ભણતરનો ભાર. માતાને કામમાં પૂરો સાથ આપતી સ્મૃતિ કામમાં પાવરધી બની ગયેલી.
'જગને છીનાં મુજસે, મુજે જો ભી લાગે પ્યારા...' જગજીતસિંહની આ ગઝલ જાણે તેના જીવનની હકીકત.
ગમતું કશું મળતું જ નહોતું. પિતા કેવા હોય, ખબર નહીં, પણ, ભાઈ એનો સર્વેસર્વા.
બાવીસની ઉંમરે ભાઈના લગ્ન થયા. અઢાર જ વરસની ભાભી એના સપનાં લઈ ઘરમાં આવી. ધીમે ધીમે ભાઈના નાના મોટા બધા કામો ભાભીએ હકથી કરવાના માથે લેવા માંડ્યા. સ્મૃતિ માટે એ ખૂબ આઘાતજનક પુરવાર થયું. ભાઈને લગતું કોઈપણ કામ કે વાત એના સિવાય કોઈ બીજું કરે, એ તેની સમજ બહાર હતું. સ્મૃતિની દુનિયા વેરવિખેર થવા લાગી. નાદાન સ્મૃતિ સમજી નહોતી શકતી, કે એનો ભાઈ હવે કોઈનો પતિ છે. પતિના કામ, એનું ધ્યાન, એની જરૂરિયાતો બધું ભાભીનો હક છે. પણ, તેના મનમાં ભાભી વિલન બની ગઈ. ધીમે ધીમે બંને વચ્ચે ભાઈ અને પતિના કામોની હુસાતુંસી ચાલી. ભાઈ-બહેન, પતિ-પત્ની, નણંદ-ભાભી–નાદાન અને કાચા સંબંધો ગુંચવવા લાગ્યા. આખરે નણંદ-ભાભી વચ્ચે અબોલા થયા. પુરા ત્રણ વર્ષના અબોલા ચાલ્યા. આ દરમ્યાન સ્મૃતિ અંદરથી તૂટતી ગઈ. ભાઈનો વિરહ એને તડપાવતો હતો. જેમ જેમ ઉંમર વધી, થોડી સમજદારી સ્મૃતિમાં, તો થોડી ભાભીમાં પણ આવી. દરમ્યાન સ્મૃતિની સગાઈ થઈ. નવા કોડ લઈ, એ પણ સાસરે ગઈ. પતિના કામો કરવામાં જે આનંદ મળતો હતો, તે હવે તેને બરાબર સમજાયો. સંબંધનો અર્થ ત્યારે તે સાચા અર્થમાં સમજી. પણ, હવે પ્રશ્ન હતો, અબોલા તોડવા કેવી રીતે ?
ખૂબ મથામણ પછી સ્મૃતિએ એક પત્ર લખ્યો, ભાભીને ! ભાભીના આવવાથી એના મનમાં જે સારા નરસા ભાવો ઉઠ્યા, એના મનની મથામણ અને એની નરી નાદાની... આ બધાનો ઉલ્લેખ સાથે લેખિત માફી માંગી. બીજા દિવસે પિયર જઈ ભાભીને આ પત્ર હાથોહાથ આપી સાસરે પરત ફરી.
મન હવે વધુ મૂંઝાતું હતું. શું ભાભી પત્ર વાંચશે ખરા ? શું મારી ભાવનાને સમજીને મને માફ કરશે ? સ્મૃતિએ આખી રાત અજંપામાં વિતાવી.
હવે વારો હતો ભાભીનો. પત્ર વાંચતાં વાંચતાં ભાભીની આંખોએથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો. મનમાં બીજો કોઈ મેલ હતો જ ક્યાં ? બસ, થોડી નાદાની જ તો હતી, આંસુઓની સાથે એ પણ વહી ગઈ.
બીજા જ દિવસે ભાભીએ નણંદને જમવા તેડાવી. ત્રણ વર્ષના અબોલા ત્રણ મિનિટમાં જ તૂટી ગયા. એકબીજાને વળગીને બંને ખૂબ રડી. મન હલકું થતાં પોતાની નાદાની પર હસ્યા પણ ખરા ! પણ, હવે કોઈ ચોખવટની જરૂર નહોતી. હવે બંને પાક્કી બહેનપણીઓ છે. સ્મૃતિની સુવાવડમાં મા કરતા વિશેષ ખ્યાલ ભાભીએ રાખ્યો.
કોણ કહે છે, નણંદ ભાભીને ફાવે નહીં ? આજે સ્મૃતિ અને તેની ભાભીનું સગપણ મા-દીકરીથી વિશેષ છે.
