Mariyam Dhupli

Inspirational Others

4  

Mariyam Dhupli

Inspirational Others

બેઠક

બેઠક

5 mins
14K


બસમાં ચઢીને એણે હાશકારો લીધો. બસ સમયસર મળી ગઈ એજ બહુ મોટી વાત. ખીચોખીચ ભરેલી બસમાં આગળથી છેક પાછળ સુધી એની દ્રષ્ટિ ફરી રહી. દસ -બાર મુસાફરો જ્યાં ઉભા લટકી રહ્યા હોય ત્યાં એક પણ બેઠક ખાલી ક્યાંથી હોવાની ? પણ ગમે તેમ કરી એક બેઠક તો મેળળવીજ હતી. 

એણે સાંભળ્યું હતું કે આ આખો રસ્તો પ્રકૃતિના ખોળા સમો હતો. મનને મોહી લેતા એ પ્રાકૃત્તિક દ્રશ્યોનો માનવીએ જીવનમાં એકવાર તો અનુભવ લેવોજ રહ્યો. ઊંડી ખીણો ઉપરથી તરતા વાદળાઓ જાણે સ્પર્શી શકાય એટલી નજીકથી પસાર થતા હતા. પહાડીઓ પાછળથી સંતાકૂકડી કરતો સૂર્ય આકાશને અવનવા રંગોમાં રંગી નાખતો. ક્યાંક સૂર્ય સંતાકૂકડી કરતો વાદળને સ્પર્શી જતો અને વાદળ પણ જાણે શરમથી લજાઈ વરસી પડતા. આ પ્રેમની સંતાકૂકડી સતરંગી મેઘધનુષ્યમાં ઝડપાઇ જતી. ક્યાંક પંખીઓ સમૂહમાં ઉડતા અવનવા આકારો રચી નાખતા તો ક્યાંક ઝરણાઓ લપસણી ખાતા મસ્તીમાંજ ધોધમાં સરી પડતા. ક્યાંક અતિ ઊંચા કદના વૃક્ષો તો ક્યાંક દૂર દૂર સુધી ફેલાયેલા રમણ્ય ઘાસના મેદાનો. એ મેદાનો ઉપર શાંતિથી લટાર મારતા ઘેંટા બકરાઓ અને એમને દોરી જતી પહાડી વિસ્તારની સુંદરીના કચ કચ કરતા મધ જેવા મીઠા સ્વર.

પણ આ બધું એણે ફક્ત સાંભળ્યું હતું. કોઈ ના અનુભવો સાંભળવા અને પોતાના અનુભવોથી જીવંત આનંદ માણવો એની કોઈ તુલના ક્યાંથી થાય ? એને તો એ દરેક દ્રશ્ય જાતે નિહાળવું હતું. પોતાની દ્રષ્ટિથી એ સુંદર સૃષ્ટિને જીવંત માણવી હતી. એ નજારાઓને પોતાની આંખોમાં ઊંડા ઉતારી હૃદય સુધી પહોંચાડવા હતા. એકએક નજારાને સાથે લઇ આવેલા કેમેરામાં આજીવન કેદ કરી લેવા હતા. અહીં સુધી પહોંચીને ખાલી હાથે પરત થવાનો શો અર્થ ? પણ આવી ભીડભાડ વચ્ચે કઈ રીતે એ શક્ય હતું ? ફક્ત એક કલાકનો સમય હતો એની પાસે. ફરીથી આટલી દૂર આવી પહોંચવાની તક મળવાની ન હતી. એટલે ગમે તેમ કરી એક કલાકની સમય મર્યાદામાંજ મહત્તમ આનંદ મેળવી લેવાનો હતો. 

ભીડને ચીરતો કંડકટર એની પાસે પહોંચ્યો. ટિકિટ કાપી આપી. કંડકટરને એણે પોતાની પરિસ્થિતિથી અવગત કરાવી મદદમેળવવાનો નિષ્ફ્ળ પ્રયત્ન કરી જોયો. 

"સાહેબ આ બધાજ ટિકિટ લઈને બેઠા છે. જેના ભાગ્યમાં જ્યાં જગ્યા મળે. આ બસમાં તો હમેશા આવીજ ભીડ હોય છ . તમે તો ભાગ્યશાળી કે તમને બસમાં ચઢવાની તક તો મળી. બેઠક મળે કે ન મળે ઉભા ઉભાજ જેટલો આનંદ મેળવી શકાય મેળવી લો ને આ પારદર્શક કાચમાંથી."

બસની બારીઓ તરફ ઈશારો કરી કંડકટર આગળ અન્ય લોકોની ટિકિટ કાપવા નીકળી ગયો. પણ એનું મન પણ જીદે જ ચઢ્યું હતું. એમ કઈ હોય ? ગમે તેમ કરી એક બેઠક તો મેળવવીજ રહી. આરામદાયક બેઠક ઉપરથી જ બધું સ્પષ્ટ જોઈ શકાય. સુંદર તસવીરો ખેંચી શકાય. પછીજ મુસાફરીનો સાચો આનંદ ઉઠાવી શકાય. નહીતો અહીં સુધી પહોંચવાની બધીજ મહેનત નિરર્થક. આવી અડચણ ભરેલી પરિસ્થિતિમાં વળી કેવી મજા ? આજુ બાજુની બેઠકો ઉપર ગોઠવાયેલા લોકોને નમ્ર વિનંતી કરી જોઈ. પણ કોઈ ટસના મસ ન થયા. અને કેમ થાય ? પોતાના ભાગ્યમાં મળેલી આરામદાયક બેઠક અન્યને આમજ આપી દેવાતી હોય ? જો એ જાતે કોઈ બેઠક પર ગોઠવાયો હતે તો પોતાની બેઠક છોડત ? પ્રશ્ન જ ન હતો. નાનકડા હિલસ્ટેશન પર આવતા દરેક નાના બસસ્ટોપ પર થોભતી બસમાં ખાલી થતી કોઈ ને કોઈ બેઠક મેળવવા એ રીતસર ઘસી પડતો. પરંતુ ભાગ્ય દરેક વખત અન્ય કોઈ વ્યક્તિ નેજ સાથ આપી જતું. નિસાસા નાખતો અને મનોમન અકળાતો પોતાની નજરને બસની દરેક બેઠક ઉપર ગણતરીપૂર્વક બાજની જેમ એણે ગોઠવી દીધી હતી. ક્યારે કોઈ ઉઠે અને એને આરામથી બેસવાની તક મળે. જાતે મનમાં નિર્ધારિત કરેલ મુસાફરીની ક્ષણો એ પોતાની અપેક્ષાને ઈચ્છા મુજબ માણી શકે.

વ્યવસાયિક કેમેરાને ફેરવતા હાથો ફક્ત એક બેઠક માટે રાહ જોઈ રહ્યા હતા. કૅમેરો પણ જાણે તદ્દન આશા જોડે માલિકને તાકી રહ્યો હતો પણ માલિક પાસે એના તરફ નજર ફેંકવાનો સમયજ ક્યાં હતો ? માલિકની નજર તો બસની ભીડ વચ્ચેથી રમત કરતી એની બેઠક અંગેની આશ પરિપૂર્ણ કરવા કાર્યરત હતી. 

અચાનક બસની નાનકડી ઘંટડી વાગી. છેલ્લું સ્ટોપ આવી ચૂક્યું હતું. મળેલી સમયમર્યાદા હાથમાંથી સરી ચૂકી હતી. પ્રકૃત્તિને માણવા માટે મળેલો પૂરો એક કલાક આરામદાયક બેઠકની આશમાં વેડફાય ગયો હતો. યાદોમાં સંગ્રહી રાખવાના આંખોમાં કોઈ નજારા હતા, ના કેમેરામાં કોઈ તસ્વીર. અહીં સુધી આવી ખાલી હાથે નિરાશ પરત થવાનું હતું.

બસ સ્ટોપ ઉપરથી અન્ય દિશાની બસ પકડી નીકળી જવાનું હતું. સાથે લઇ જવાના હતા ફક્ત નિસાસાઓ. 

એજ સમયે બસસ્ટોપ ઉપર એની પડખે ઉભા એક અન્ય મુસાફરના હોઠ આનંદને સંતોષ સાથે સ્મિત કરી રહ્યા હતા. એ મુસાફર પણ એજ બસમાંથી નીચે ઉતર્યો હતો. એક કલાકની મુસાફરી દરમિયાન એને પણ બેઠક મળી ન હતી. પણ પોતાનો કિંમતી મર્યાદિત સમય બેઠકની પ્રતિક્ષામાં વ્યય ન કરતા એણે જેટલો મહત્તમ આનંદ માણી શકાય એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પોતાના કેમેરાને અન્ય મુસાફરો સાથે વહેંચ્યો. ઘણા બધા લોકો એ એને પોતાની બેઠકના ખૂણેથી તસવીરો પાડી આપી. એમની સાથે આભાર સ્વરૂપે સેલ્ફીઓ પણ ખેંચી. ગૂંથણ પર નમી, જમીનને સ્પર્શી, થોડી અડચણ અને અગવડ વેઠી જ્યાંથી જેટલા દ્રશ્યો આંખો માં સમાવી શકાય એણે સંતોષથી સમાવી લીધા. શરીરને થોડો થાક લાગ્યો પણ એની સામે અનન્ય માનસિક સુખ મેળવ્યું. અહીં સુધી પહોંચી ખાલી હાથે ન જવું પડ્યું. એ પહાડો, નદીઓ, ઝરણાઓ, ધોધ, વરસાદ, મેઘધનુષ્ય, હરિયાળી, ખીણ, વાદળા, ઘેંટા, બકરા, આકાશ બધુજ પોતાની દ્રષ્ટિમાં ભરી સાચવીને હંમેશ માટે લઇ જશે. થોડી અગવડની અવગણના ને આરામદાયક પરિસ્થિતિની જીદ છોડવાથી આ સુખ હાથ લાગ્યું હતું. ન એના હાથ ખાલી હતા ન મન. જો એણે પણ બેઠક અને આરામ અંગેની જીદ રાખી હોત તો ? 

આજ જીવન છે. આરામદાયક બેઠક વાળી સગવડ ભરી જગ્યા મળશે તોજ એને માણીશું. એવીજ જીદ હોય છે ને આપણી ? પરંતુ સગવડ અને આરામની નકામી અપેક્ષામાં ક્યાંક જીવન હાથમાંથી સરી ન જાય ? બેઠક મળે કે ન મળે, જયાંથી એને જેટલું પણ માણી શકાય, ચાલો માણી લઈએ... મુસાફરી ખૂબજ ટૂંકી છે.... ખબર નહીં છેલ્લું સ્ટોપ ક્યારે આવી પહોંચે ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational