બેઠી ને બેઠી વાર્તા !
બેઠી ને બેઠી વાર્તા !


દરેક રવિવારી સાંજની નિત્ય આદત મુજબ હું રેલવે સ્ટેશનના બુકસ્ટૉલની સામેના બાંકડે બેઠોબેઠો નવીન વાર્તામેગેઝિનનાં પાનાં ફેરવી રહ્યો હતો. થોડેક દૂરના પ્લેટફોર્મના થાંભલા પાસે બે મુસાફરો ફ્લોર ઉપર બેઠેલા હતા. તેમના સામાનમાં બે મોટા થેલા હતા, જે પૈકી એકમાં ચાલુ સિઝનનાં ખરીદેલાં જામફળ હતાં અને બીજામાં કદાચ બંનેનાં પહેરવાનાં કપડાં વગેરે સામાન હશે. મેગેઝિનની અનુક્રમણિકા ઉપર નજર ફેરવી લઈને વાંચન માટે પસંદ કરેલી એક વાર્તાને વાંચવાની હજુ તો હું શરૂઆત કરું છું, ત્યાં તો પેલા બે જણ વચ્ચે ચાલી રહેલી વાતચીત તરફ મારા કાન સરવા થયા. હું વાર્તાકાર હોઈ વાર્તાનો કોઈક વિષય મળી જાય, તે આશયે હું તેમની વાતો સાંભળવા માંડ્યો. થોડીકવારમાં જ મને જાણવા મળી ગયું કે તેઓ કાપડના ફેરિયા હતા. તેમનો બધો માલ વેચાઈ જતાં તેઓ વતન તરફ પાછા ફરી રહ્યા હતા અને પોતાનાં ઘરવાળાં માટે સિઝનનાં સસ્તાં જામફળ લઈ જઈ રહ્યા હતા. તેમની વચ્ચે આ પ્રમાણે સામાન્ય વાતચીત થઈ રહી હતી :
‘અલ્યા આદિલ, આપણે લારીવાળા પાસેથી બધાં જામફળ ઊધડાં લઈ લીધાં એટલે આપણને સાવ મફતના ભાવે પડ્યાં નહિ?’
“હવે એ તો વધેલાંઘટેલાં હતાં, એટલે ‘ફેંક દે, તો મુઝે દે!’ના હિસાબે આપણને મળી ગયાં; એમાં મોટો ફાયદાનો સોદો થઈ ગયો એમ માનતો નહિ, રઝાક!’ આદિલે આમ કહ્યું તો ખરું, પણ તેના કથનમાં સાહજિકતા ન હતી; ઊલટાની તેના ચહેરા ઉપર થોડીક કટુતા ડોકાતી હતી.
‘અલ્યા લોકલને હજુ વાર છે, એટલે એમ કર ને કે આપણે પોતપોતાના થેલાઓમાં તેમને અડધાંઅડધાં બે ભાગે કરી લઈએ; જેથી આપણને ઊંચકવામાં સહુલિયત રહે અને અહીં જ વહેંચણી પણ થઈ જાય. વળી પાછું સ્ટેશનેથી આપણું ગામ દોઢેક કિલોમીટર દૂર પણ છે એટલે કોઈને બોજ પણ પડે નહિ.’ રઝાકે વ્યવહારુ વાત કહી.
‘એ તો તું વહેંચ ને, મને ન આવડે.’
‘હવે એમાં આવડવા ન આવડવાની ક્યાં વાત છે, ભલા માણસ? આપણાં બેનાં ભેગાં કરી દીધેલાં કપડાંના મારા થેલાને ખાલી કરીને તેમાં અંદાજે અડધાં જામફળ ભરી કાઢ અને ઉપર પોતપોતાનાં કપડાં ગોઠવી દે. પાંચ જ રૂપિયાનો તો માલ છે અને કોઈને વધારે ઓછાં જશે, તો એમાં શી લંકા લૂંટાઈ જવાની છે ?’
‘ના, એમ તો સારાં ખરાબ પણ જોવાં પડે, સમજ્યો !
‘તારે જેમ કરવું હોય તેમ કર અને મને આજની થોડીક બાકી રહી ગએલી મારી અલ્લાહના જિક્રની તસબી પઢી લેવા દે.’ આમ કહીને પેલા રઝાકે ઝભ્ભાના ખીસામાંથી તસબી કાઢીને પીઠે થાંભલાંનો ટેકો લેતાં બંધ આંખે પઢવાનું શરૂ કર્યું.
હું આડી નજરે જોઈ રહ્યો હતો કે આદિલ રઝાકની સૂચના પ્રમાણે બધાં જામફળને થેલામાંથી નીચે ઠાલવી દઈને તેના બે ભાગ પાડી રહ્યો હતો. મને લાગ્યું કે તેનું નામ ‘આદિલ’ એટલે કે ‘અદ્દલ ઇન્સાફ કરવાવાળો’ હોઈ પહેલાં તો સારાં અને ખરાબ એવા બે ભાગ કર્યા પછી, વળી પાછો તેમને સરખા ભાગે બે ઢગલીઓમાં મૂકતો જશે. પરંતુ મારી ધારણા ખોટી પડી અને તેણે તેની તરફ એકદમ સારાં જામફળ રાખ્યાં અને રઝાકની તરફ સાવ કાચાં, લીબું જેવાં નાનાં અને એકદમ ખરાબ મૂકી રહ્યો હતો. જો કે તેણે તેમાં સોગંદ ખાવા પૂરતાં થોડાંક સારાં જામફળ પણ મૂક્યાં હતાં કે જેથી રઝાકને હળાહળ અન્યાય જેવું ન લાગે.
બંધ આંખે તસબી પઢ્યે જતા રઝાકને આદિલે વ્યવહાર કરવા પૂરતું કહ્યું, ’લે રઝાક, બે ભાગ પડી ગયા; હવે તારો મનપસંદ ભાગ ઉપાડી લે..’
રઝાકે બંધ આંખે જ કહ્યું, ‘ભલા માણસ, હવે જામફળમાં એવી તે શી શેખી છે કે વળી તેમાં મનપસંદ કે નાપસંદ જેવું કંઈ હોય ! તું તારે બંને થેલાઓમાં ભરી દે અને મને શાંતિથી તસબી પઢવા દે.’
આદિલે પોતાનો મલિન ઈરાદો છતાં વળી ઠાવકાઈથી કહ્યું, ‘ના ભાઈ, ઇન્સાફનો તકાજો તો એ કહે છે કે એક જણ ભાગ પાડે, તો બીજો ઉપાડે!’ આદિલની વાણીમાં વ્યંગ વર્તાતો હતો..
‘ઓહ તું તો યાર, મગજની નસ ખેંચે છે !’ આમ કહેતાં રઝાકે આંખો ખોલી અને જોયું તો તેને આદિલની ચોખ્ખી લુચ્ચાઈ દેખાઈ આવી. તેણે તેને સબક શીખવવાના ઈરાદે પેલા તેની તરફના સારા ભાગમાંથી પોતાના થેલામાં જામફળ ભરવા માંડ્યાં. આદિલના ચહેરાનો રંગ કાચિંડાની જેમ બદલાવા માંડ્યો અને રઝાક જેવો તેનાં જામફળ થેલામાં ભરી રહ્યો કે તરત જ ધુઆંપુઆં થતો ઊભો થઈને તેણે પેલાં ખરાબ જામફળને બુટ નીચે ચગદી નાખ્યાં અને રીસાઈને મારા બાંકડાના છેડે મોંઢુ ફેરવીને બેસી ગયો.
‘અરે અરે આદિલિયા, તું ગાંડો થયો છે કે શું ? આવું કેમ કર્યું ? તારો કાકો કોઈ રેલવેવાળો જોઈ જશે તો ખમીશ કઢાવીને આ બધું સાફ કરાવશે !’
‘તો હું સાફ કરી નાખીશ. તેં સારાંસારાં જામફળ લઈ લીધાં અને મારે કડદો લેવાનો !’
હું જોઈ રહ્યો હતો કે પેલો આદિલ ‘ચોર કોટવાળને દંડે’ જેવું કરી રહ્યો હતો. હું મનોમન વિચારી રહ્યો કે આ તે કેવો માણસ કહેવાય ! મને તુલસીદાસનો દોહો યાદ આવી ગયો કે ‘તુલસી ઈસ સંસારમેં ભાતભાતકે લોગ’ ! હું અજાણ્યા માણસોની વચમાં પડવા માગતો ન હતો અને વળી પેલો આદિલ હાલ ગરમ મિજાજમાં હોઈ હું ખામોશ જ રહ્યો.
આમ છતાંય રઝાકે શાંતિથી કહ્યું,’ ‘ગાંડિયા, એ તો સારું છે કે હાલમાં કોઈ ગાડી ન આવવાની હોઈ પ્લેટફોર્મ ઉપર કોઈ માણસો નથી; નહિ તો તમાશો થઈને રહેત ! લે, આ બધાં જામફળ તું લઈ લે; પણ દોસ્તીના વાસ્તે તું શાંત થઈ જા ! બીજું કે તું આપણા સામાનની ખબર રાખ અને હું સ્વીપરને બોલાવી લાવું છું. ભલે મારા ગાંઠના ચારઆઠ આના આપવા પડે, પણ આ સફાઈ તો કરાવી દેવી પડે, નહિ તો રેલવેવાળા મોટો દંડ પણ ફટકારી શકે !’
આદિલ ઉપર રઝાકના શબ્દોની કોઈ અસર ન થઈ, પણ મારી સાથે એક્વાર નજર મળી જતાં તે થોડોક ભોંઠો તો જરૂર પડ્યો. રઝાકના થોડેક દૂર ગયા પછી તેણે હિંમત કેળવીને મારા આગળ તેનું બચાવનામું પેશ કરતાં કહ્યું, ‘એ એના મનમાં શું સમજતો હશે ! એ અલ્લાહની તસબી ફેરવે છે એટલે એને દૂધનો ધોયેલો સમજી લેવાની ભૂલ ન કરતા, ભાઈ !’
‘જુઓ ભાઈ, ખોટું ન લગાડો તો હું કહું કે તમે ગેરઈન્સાફ કર્યો છે અને ઉપરથી એ ભાઈને તમે વઢી રહ્યા છો ! હું ક્યારનોય તમને બંનેને સાંભળી રહ્યો છું.’ હું તેમની વચ્ચે પડ્યા વગર ન રહી શક્યો અને મારે સાચેસાચું કહેવું પડ્યું.
‘તમારી વાત સાચી છે, પણ મારા એમ કરવા પાછળના ભેદની તમને ખબર નથી. હવે એને પાછો આવવા દો અને મને સાંભળો પછી તમારે જ ન્યાય તોળવાનો છે.’ આદિલે રડમસ અવાજે કહ્યું.
મને આદિલન
ી વાતમાં કંઈક તથ્ય લાગ્યું, કેમ કે જો એનો સારાંસારાં જામફળ લઈ લેવાનો ઈરાદો જ હોત તો તે રઝાકને ભારપૂર્વક પોતાનો હિસ્સો ઉપાડી લેવાનું જણાવત નહિ. મને હકીકત જાણવાની તાલાવેલી થઈ. કોઈ સ્વીપર ન મળતાં રઝાક જલ્દી પાછો ફર્યો અને મેં તેને મારી પાસે બેસાડીને બેઉ વચ્ચે દરમિયાનગીરી કરવાની મારી ઇચ્છા પ્રગટ કરી.
રઝાકે મને કહ્યું, ’ભાઈજી, તમે ક્યારનાય બાંકડા ઉપર બેઠેલા છો એટલે હકીકતથી વાકેફ હશો જ. હવે તમે જ ન્યાય કરો કે હું કઈ જગ્યાએ ખોટો છું !’
‘જુઓ રઝાકભાઈ, તમારા સ્વીપરને બોલાવવા ગયા પછી મારે આ આદિલભાઈ સાથે થોડીક વાતચીત થઈ છે. એ કંઈક કહેવા માગે છે, માટે પહેલા તો એમને સાંભળો. બોલો આદિલભાઈ, હવે તમારી કેફિયત રજૂ કરો.’
‘તો સાંભળ રઝાક. મેં જાણી જોઈને તને એ વાતનો અહેસાસ કરાવવા માટે આ બાલિશ હરકત કરી હતી કે તને પણ ખ્યાલ આવવો જોઈએ કે કોઈ આપણી સાથે ગેરઈન્સાફથી વર્તે તો કેવું દુ:ખ થતું હોય છે ! આપણા ઉતારે સવારે નહાવા જવા પહેલાં તેં જ્યારે તારા થેલામાંથી ટુવાલ કાઢ્યો ત્યારે તારી ખબર વગર પચાસની નોટ નીચે પડી ગઈ હતી. હવે મને જવાબ આપ કે આપણા ધંધાની સરખી ભાગીદારીના ચોખ્ખા હિસાબના અંતે તારા ભાગના પૈસા તેં ઠેકાણે મૂકી દીધા પછી આ વધારાની પચાસની નોટ ક્યાંથી આવી? મને લાગ્યું કે આપણે ઘણા લાંબા સમયથી ભાગીદારીમાં સાડીઓની ફેરી કરીએ છીએ અને આવી દગાખોરી તું ક્યારનો કરતો હશે! મેં એ પચાસની નોટ તારા થેલામાં મૂકી તો દીધી હતી, પણ હું મનોમન તારાથી એટલો બધો દુ:ખી થયો હતો કે જેને કહેવા માટેના મારી પાસે કોઈ શબ્દો નથી.’ આદિલ રડી પડ્યો.
‘તો વાત એમ છે ! લે સાંભળ, હું જૂઠું નહિ બોલું. આવું તો હું છેલ્લા પાંચેક ફેરાથી કરતો આવ્યો છું અને કેટલીક વાર તો સો-બસો રૂપિયા સુધી પણ મેં ખેંચ્યા છે, પણ તને ખરે જ છેતરવાનો મારો લેશમાત્ર ઈરાદો ન હતો. ઘરે જઈને તારી ઘરવાળીને પૂછી લેજે કે રઝાકભાઈએ છેલ્લા કેટલાક ફેરાઓમાં કેટલા રૂપિયા તેને આપેલા છે. આજના પચાસ રૂપિયામાંથી પણ અડધા તો તારા ઘરે જ જવાના હતા!’ રઝાકે લાગણીસભર સ્વરે સ્વસ્થતાપૂર્વક જણાવ્યું.
મેં એ બેઉની વચ્ચે ન બોલતાં ખામોશી ધારણ કરી લીધી હતી અને મારે કંઈપણ બોલવાની જરૂર પડે તેમ પણ ન હતી, કેમ કે તેમની રીતે જ એકબીજાની ગેરસમજો દૂર થઈ રહી હતી.
‘તો મારી બાયડીએ અને તારે મને અંધારામાં રાખીને આવાં કારસ્તાન કરવાની શી જરૂર પડી, એ તો મને જણાવ; એટલે મને ખબર તો પડે કે મારા ભાગના જ પૈસા આમ તારા હાથે તેને આપીને તું એનો મોટો ભાઈ બનતો હતો !’ આદિલે થોડા ગુસ્સા સાથે કહ્યું.
‘એ તો તું તારી જાતને પૂછ કે તું તારી મરિયમને ઘરખર્ચ માટે પૂરતા પૈસા આપતો હતો ખરો ! હું માનું છું કે આપણે દિવસરાતની રઝળપાટ થકી પરસેવો પાડીને જે કમાઈએ છીએ તેને તું ઊડાવી દેતો તો નહિ જ હોય, ક્યાંક બચત પણ કરતો હશે; પરંતુ ઘરવાળાંને દુ:ખી કરીને એવી બચત કરતો હોય તો તે શા કામની ! બીજું સાંભળી લે કે આવા અલગ કાઢી લીધેલા પૈસાને તું ચોરી ન સમજી બેસતો. તને ખબર છે કે ફેરિયો પોતાના માલનો ગમે તેટલો વ્યાજબી ભાવ જણાવે, પણ ગ્રાહક થોડોઘણો પણ ભાવ ઓછો ન કરાવે ત્યાં સુધી તેને ધરપત થાય નહિ. આપણો મુખ્યત્વે વેપાર તો સ્ત્રીઓ સાથેનો જ છે, કેમ કે આપણે મોટાભાગે હાથવાણાટની સાડીઓ જ વેચતા હોઈએ છીએ; અને એ લોકો તો ભાવમાં ખાસ રકઝક કરે જ ! હવે આપણે જાણીજોઈને આપણા ખરેખરા વેચાણભાવ કરતાં બેપાંચ રૂપિયા વધારે જ કહેવા પડે અને તું પણ તેમ જ કરતો હોઈશ. હવે ઘણીવાર એવાં કોઈક સીધી લીટીનાં ગ્રાહકો ભાવતાલની માથાકૂટ કર્યા વગર આપણે કહીએ તેટલા પૈસા આપી પણ દે. આમ આવા વધારાના પૈસા અલગ રાખીને હું છેલ્લા પાંચેક ફેરાથી આપણાં બંનેનાં ઘરે તે સરખા હિસ્સે આપતો આવ્યો છું. મારા ઘરની ડાયરીમાં એ બધો હિસાબ છે જ. તારી મરિયમે મને ખાસ વિનંતી કરી હતી કે આ ખેલની તને જાણ ન થવા દેવી. આમ છતાંય મેં મરિયમને અને મારી બેગમને તાકીદ કરી હતી કે દરેક ફેરાએ આવા વધારાના પૈસા ઓછાવધતા આવી શકે અથવા કોઈ વખતે ન પણ આવે; માટે તેમણે આવા ઉપરના બધા પૈસા વાપરી ન દેતાં કરકસર કરીને થોડાક બચાવવા પણ જોઈશે કે જેથી એવા કોઈ અણધાર્યા ખર્ચના પ્રસંગે કામ આવે.’
આદિલે ઊભા થઈને ગળગળા અવાજે રઝાકની માફી માગતાં કહ્યું, ‘દોસ્ત, મને માફ કર. મારા ઉપર શેતાન સવાર થઈ ગયો હતો.’
‘લ્યો હવે, તમારા બંને વચ્ચે રાજીપો થઈ જ ગયો છે; તો મારી એક ઇચ્છાને માન આપશો? મારા તરફથી ચાય થઈ જાય!’ હું આનંદસહ બોલી ઊઠ્યો.
‘ના ભાઈ, ચાય તો અમારા તરફથી જ રહેશે.’’ બંને જણા એક સાથે બોલી ઊઠ્યા.
‘તો પછી પેલાં સારાંસારાં જામફળ મારાં થયાં, બરાબર?’ મેં મજાક કરી.
અમે ત્રણેય જણા ખડખડાટ હસી પડ્યા. અમારી સાથે બુકસ્ટોલવાળો મારો દોસ્ત પણ હસતોહસતો ભેગો ભળ્યો અને કહેવા માંડ્યો, ‘રેલવે સ્ટેશને દોઢ ચાય નહિ મળે, બે મંગાવવી પડશે; મને ભેળો ચોથો ગણી લેજો. વળી બદલામાં હું સ્વીપર પાસે સફાઈ કરાવી લઈશ, મારી પાસેથી એ પૈસા પણ નહિ લે.’
થોડીવારમાં લોકલ ટ્રેન આવી અને ઊપડી. અમે બે દોસ્તોએ પેલા બે ફેરિયાભાઈઓને હાથ હલાવીને વિદાય આપી.
બુકસ્ટોલવાળા મારા દોસ્તે મને પૂછ્યું, ‘વાર્તાનો કોઈ મુદ્દો મળ્યો, મુકુલભાઈ?’
‘અરે યાર બાબુ, આખી વાર્તા જ બેઠી ને બેઠી મળી ગઈ; માત્ર પાત્રોનાં નામ બદલવાં પડશે, હોં !’
– વલીભાઈ મુસા
નોંધ : –
(મારી મોટાભાગની વાર્તાઓનું કથાબીજ સત્ય ઘટના ઉપર આધારિત હોય છે, પરંતુ તેને સાહિત્યિક ઓપ તો આપવો જ પડતો હોય છે. મને સાંભળવા મળ્યા મુજબ “જામફળ ખૂંદવાનો કિસ્સો’ સાચો છે, પણ ત્યાં કદાચ ખરે જ છેતરપિંડીનો આશય હોઈ શકે; પણ અહીં હેતુ બદલ્યો છે. વાર્તા તો લખાયે જાય છે, પણ અંતમાં ચમત્કૃતિ એ રીતે લાવવામાં આવી છે કે જાણે કે પાત્રોનાં નામો બદલીને આ જ મુજબની ‘બેઠી ને બેઠી વાર્તા’ હવે પછી લખવામાં આવનાર છે ! પરંતુ હકીકત તો એ જ છે કે વાર્તા તો લખાઈ જ ચૂકી છે, માત્ર વાર્તાકાર મુકુલભાઈ અને તેમના બુકસ્ટોલવાળા મિત્ર બાબુ વચ્ચેના વાર્તાના અંતે થયેલા સંવાદમાંથી માત્ર વાર્તાનું શીર્ષક પ્રયોજી દેવામાં આવ્યું છે.)