બેસ્વાદ જિંદગી
બેસ્વાદ જિંદગી
સ્નેહા માટે તેનું સાસરું સાવ નવું હતું. પોતાના પરિવારથી દૂર એક નવા પરિવાર સાથે રહેવું કંઈ સહેલું નથી. એમાં પણ ઘરના રીત રિવાજો અલગ, લોકોની પસંદ- નાપસંદ અલગ, શોખ અલગ. સ્નેહા થોડી ગભરાયેલી હતી.
"સ્નેહા કાલથી વહેલા ઊઠી જજે. આપણા ઘરમાં સ્ત્રીઓ મોડી ઊઠે એ ના ચાલે. ઊઠીને નાહી તૈયાર થઈ પછી જ નીચે આવજે" લગ્નના બીજાજ દિવસે સ્નેહના સાસુ થોડા ગુસ્સામાં લાગ્યા.
એક તો સ્નેહા ગભરાયેલી હતી ને ઉપરથી તેના સાસુનું પહેલા જ દિવસે સાંભળવા મળ્યું. સ્નેહાને સવારે ઉઠી પહેલા ચા જોઈએ. તો બીજા દિવસે સવારે સ્નેહા વહેલી ઉઠી તૈયાર થઈ નીચે આવી. હજી કોઈ જાગ્યું નહોતું. તેણે પોતાની માટે ચા બનાવી. હજી તો ચાનો એક ઘૂંટડો ભારે ત્યાં જ તેના સાસુ તેને જોઈ ગયા અને તેના હાથમાંથી ચાનો કપ લઈને ફેકી દીધો.
"તને કાંઈ શરમ બરમ છે કે નહીં ! પહેલા ઘરના પુરુષો ચા નાસ્તો કરી લે પછી જ સ્ત્રીઓ ચા-નાસ્તો કરે એ ખબર નથી તને ? તારા મા-બાપે તને કંઈ શીખડાવ્યું નથી ! હવે તું આ ઘરની વહુ છે. આ તારું પિયર નથી." આવું તો રોજ બનવા લાગ્યું.
"સ્નેહા તારા સસરા સામે તારે ક્યારેય આવવાનું નથી. તેની હાજરીમાં તારે બેસવું હોય તો જમીન ઉપર બેસવું પડશે. અને હા ડ્રેસ પહેરવાની તો હિંમત પણ ના કરતી." સ્નેહા દરરોજ એક ડર સાથે જીવતી.
આમ ને આમ દિવસો અને વર્ષો વીતી ગયા. સ્નેહા ક્યારેય કોઈની સામે ઊંચા અવાજે બોલતી પણ નહીં. પણ સહન કરવાની એક હદ હોય છે. સ્નેહાનો પતી ક્યારેય તેના મમ્મી વિરુદ્ધ સાંભળતો નહીં. બસ મૂંગા મોઢે સ્નેહા બધું સહન કરી લેતી.
એક દિવસ સ્નેહાના હાથમાંથી કાચની બરણી પડી ને ફુટી ગઈ.
"આ તારી માનું ઘર નથી કે, તું મનફાવે તેમ કરે. આવી રીતે નુકસાન કરતી રહીશ તો એક દિવસ અમારે દિવાળું ફૂંકવાનો વારો આવશે. તું મારા ઘરની વહુ ક્યારેય બની જ ન શકે. તારામાં એવા કોઈ સંસ્કાર નથી વહુ બનવા માટેના."ગુસ્સામાં આજ સ્નેહાના સાસુએ સ્નેહાને એક ઝાપટ પણ ચડાવી દીધી.
"વાહ મમ્મી વાહ આટલા વર્ષો સુધી આ ઘરને એક તારાથી બાંધી રાખ્યું તે તમને ના દેખાયું. અને આજ એક બરણી શું તુંટી ગઈ તો હું વહુ કહેવાને લાયક નથી ! તમે શું મને કાઢશો આ ઘરમાંથી, હું જ આ ઘર છોડીને જઈ રહી છું." આજ સ્નેહાથી ના રહેવાયું અને તે અન્યાય સામે બોલી ઉઠી.
પણ એ પહેલા હું તમને કંઈક કહેવા માગું છું. મમ્મી આપણે રસોઈ બનાવીએ છીએ તો તેમાં એક પણ મસાલો ઓછો હોય તો શું થાય ! કોઈને પણ રસોઈ નહીં ભાવે. જ્યારે રસોઈમાં બધા જ મસાલા એક સરખી માત્રામાં પડે ત્યારે જ રસોઈ સ્વાદિષ્ટ બને. અને તમે તો બધા જ મસાલા નાખ્યા વગર જ એવું ઈચ્છો છો કે સ્વાદિષ્ટ ભોજન મળે. એક પણ મસાલાનો તમારે ખર્ચ કરવો નથી અને ભોજન તો સ્વાદિષ્ટ જોઈએ છે. કઈ રીતે બને ! તમે બનાવી શકશો ! હવે તમે જ કહો આમાં વાંક કોનો ? મસાલાનો, રસોઈ બનાવનારનો કે તૈયાર થઈ ગયેલી રસોઈનો ? છે જવાબ તમારી પાસે ?"
ક્યાંથી હોય તમારી પાસે જવાબ! કારણકે તમે રસોઈમાં ક્યારેય મસાલા નાખ્યાજ નથી .તો પણ તમને સ્વાદિષ્ટ ભોજન મળતું રહ્યું ને ! પણ હવે તો રસોડાને પણ મૂંઝવણ થાય છે. તેનો પણ શ્વાસ અકળાય છે."
"જ્યારે ઘરમાં નવી વહુ આવે ત્યારે બસ તેની પાસેથી ફક્ત અપેક્ષાજ રાખવામાં આવે છે. બદલામાં તેને શું મળે છે ? ધિક્કાર, ગુસ્સો, નફરત ? આ બધું સહન કરવા છતાંય બની ગઈ ખરાબ વહુ. પરિવારને જોડી રાખવા માટે ઘરના દરેક સભ્યોને સપ્રમાણમાં માન અને સન્માન મળવા જોઈએ. દરેક વ્યક્તિને સ્નેહ,પ્રેમ, લાગણી, હૂંફ, આશીર્વાદનો અધિકાર છે. તમે મને આમાંથી શું આપ્યું છે ? હું આ ઘર છોડીને જાઉં છું. પણ એક વાત મારી જરૂર યાદ રાખજો. એક પણ મસાલા વગર રસોઈ બનાવવાનો પ્રયત્ન કરશો ને તો રસોઈ બેસ્વાદ જ લાગશે. ત્યારે રસોઈને વખોડવા કરતા ખુદમાં જોઈ લેજો કે તમે મસાલા બરાબર નાખ્યા છે કે નહીં. આંગળી બીજા ઉપર ચીંધતા પહેલા માણસે એક વાર તો વિચાર કરવો જોઈએ કે શું પોતાની કંઈ ભૂલ છે ખરી !"
અને આખરે સ્નેહા ઘર છોડીને જતી રહી. સ્નેહાનો પતિ અને તેના સાસુ બંને એકબીજાની સામે જોતા જ રહી ગયા.