Shefali Ami

Horror Thriller Tragedy

3.6  

Shefali Ami

Horror Thriller Tragedy

બદલો કોનો?

બદલો કોનો?

13 mins
14.5K


લીના, અજિત, સૌમ્ય, સાક્ષી, ગીત બધાં આજે એક વીક માટે પિકનિક મનાવવા નીકળ્યા હતાં. તેમણે સૌએ ઘરમાં જાણ તો કરી હતી, પણ ક્યાં જવાનું છે એ હજી અનિશ્ચિત હોવાથી બધાંએ ઘરે કહ્યું હતું, `અમે જ્યાં રોકાઇશું ત્યાંથી ઘરે ફોન કરી દઇશું. કંઇ ચિંતા કરશો નહિ. જઇશું તો અમદાવાદની આસપાસના જ કોઇ સ્થળે જેથી જો જરૂર લાગે તો ઝડપથી પાછા આવી જવાય. પણ અઠવાડિયા-દસ દિવસ સુધી તો અમારો વિચાર માત્ર અને માત્ર ફરવાનો છે. કંઇ નક્કી નથી ક્યાં હોઇશું.’ ત્યારે સૌના મમ્મી-પપ્પાએ કહ્યું, `આવી રીતે તે કંઇ પિકનિકના પ્રોગ્રામ બનાવાતા હશે ? અમને તમારા સૌમાંથી કોઇનો ફોન ન આવે ત્યાં સુધી કેટલી ચિંતા રહે ? ત્યારે સાક્ષી બોલી ઊઠી, `મમ્મા, અંકલ-આન્ટી, તમે બધાં ખોટી ચિંતા ન કરશો. અમે લોકો હવે નાનાં નથી અને અત્યારે હરી-ફરી લઇએ પછી તો પોતપોતાની જિંદગીમાં બધાં બિઝી થઇ જ જવાનાં સો વ્હાય ડોન્ટ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ અવર ફીલિંગ્સ ?’ સાક્ષીની આર્ગ્યુમેન્ટ પણ સાચી હતી. આખરે સૌના માતા-પિતાએ તેમને જવાની મંજૂરી આપી દીધી. અને અજિત, લીના, સાક્ષી, ગીત, સૌમ્ય સૌ એક બોલેરો કાર લઇ નીકળી પડ્યાં પિકનિક મનાવવા.

પિકનિકની શરૂઆત થઇ અને જેવા અમદાવાદની સરહદની બહાર નીકળ્યાં કે અજિતે પૂછ્યું, `કઇ તરફ લેવી છે ? બોલો, ક્યાં જઇશું ?’ સૌમ્ય તરત બોલી ઊઠ્યો, `યારોં આબુ ચલતે હૈ, ઘુમેંગે-ફિરેંગે, નાચેંગે-ગાયેંગે.. ઐશ કરેંગે... ઔર...’ કહેતાં એણે સાક્ષી તરફ જોઇ આંખ મારી. લીના બોલી ઊઠી, `ના, આબુ નથી જવું. કોઇ એવા સ્થળે જ્યાં અત્યાર સુધી વધારે લોકોએ જોઇ ન હોય અને આપણે ત્યાં જઇએ તો લોકોને એવી કોઇક જગ્યા છે તેના વિશે ખબર પડે અને લોકો ત્યાં જવા માટે ઇચ્છે.’ ગીત બોલી, `આઇ એગ્રી વિથ લીના, એવી કોઇ જગ્યા શોધીએ જેના વિશે લોકોને હજી વધારે ખબર ન હોય.’ અને અજિતે કહ્યું, `તો હું સીધી જ જવા દઉં છું. જ્યાં રાત થવા આવશે ત્યાં નજીકમાં રોકાવા માટે કોઇ જગ્યા શોધી લઇશું.’ સૌમ્ય બોલ્યો, `યપ... ધેટ્સ ટુ થ્રિલિંગ.’ અને બોલેરો કાર હાઇવે પર આગળ ને આગળ વધતી ગઇ.

બપોરનો સમય થતાં ભૂખ લાગી ત્યારે રસ્તાના કિનારે આવેલા એક ઢાબા પર સૌ જમ્યાં. તીખું તમતમતું શાક ખાઇને લીના બોલી ઊઠી, `માય ગોડ... ધીસ ઇઝ વેરી સ્પાઇસી, મને ચિલ્ડ પાણી જોઇએ.’ અને સૌમ્ય બોલ્યો, `બેબ્સ, તને જો એવું સાસરિયું મળ્યું જ્યાં આનાથી પણ સ્પાઇસી ખાતાં હશે ધેન વ્હોટ...?’ લીના બોલી, `ધેન આઇ સ્ટ્રિક્ટલી સે નો.... વે.... મારા માટે અલગ જમવાનું બનાવડાવીશ. યુ ડોન્ટ વરી..’ અને આમ મસ્તી-મજાક કરતાં સૌએ જમી લીધું અને આ વખતે સૌમ્યે કારનું સ્ટીયરિંગ સંભાળ્યું. સૌની સફર આગળ વધી.

આબુ નજીક આવતાં સૌમ્ય બોલ્યો, `હે ગાય્ઝ, વી રીચ્ડ આબુ. વોટ્સ સે...’ અને બધાં બોલી ઊઠ્યાં, `નો વે,..’ સૌમ્ય બોલ્યો, `ઓલ્ડ નેરો માઇન્ડેડ બડીઝ....’ અને એણે કાર આગળ લીધી. સૌમ્ય થોડો રંગીન મિજાજ હતો. બોલેરો આગળ વધતી ગઇ સાથે સાથે સૂરજદાદા પણ પશ્ચિમ તરફ ઢળવા લાગ્યા. સૌમ્ય બોલ્યો, `દોસ્તો, સાંજ ઢળવા આવી છે. બોલો, નાઇટ સ્ટે ક્યાં કરવો છે ?’ ગીતે જોયું તો થોડે દૂર એક નાનું ગામડું દેખાયું. એણે કહ્યું, `સૌમ્ય, જો પેલી બાજુ વસ્તી જણાય છે. આપણે ત્યાં નાઇટહોલ્ડ કરીએ.’ લીમૈ બોલી, `ગામડામાં નો.... ત્યાં તો લાઇટ હોય ન હોય, મને ડર લાગે...’ અને સૌ હસી પડ્યાં. સૌમ્યે બોલેરોનું સ્ટીયરિંગ ઘુમાવ્યું.

એ લોકો પહોંચ્યાં ત્યારે લગભગ રાતના પોણા આઠ થવા આવ્યા હતા. ગામના ચોરે કેટલાક વડીલો બેઠા હતા, તેમને પૂછ્યું, `અહીં ક્યાંય રાતે રોકાઇ શકાય એવી હોટલ છે ?’ ત્યારે એક વડીલ બોલ્યા, `બેટા, આ ગામડામાં હોટલું ન હોય. અહીં તો ધર્મશાળા કે લોજ હોય. પણ આંઇ તો એવું કંઇ નથી. તમે બધાં ક્યાં જવા નીકળ્યા છો ?’ અજિતે કહ્યું, `દાદા, અમે સૌ ફરવા નીકળ્યા છીએ અને જ્યાં રાત પડે ત્યાં રોકાવાનું નક્કી કર્યું હતું. આબુ અમારે જવું નહોતું એટલે આ ગામ દેખાયું તો અમે અહીં આવ્યા. હવે તમે કહો, અમે કઇ તરફ જઇએ ?’ આ સાંભળી વડીલ બોલ્યા, `દીકરા, એક કામ કરો. ગામના સરપંચ છે એને પરોણાગત કરવાની ભારે હોંશ છે અને એમનું ઘર પણ સારું એવું મોટું છે. તમે સૌ એમને ત્યાં જાવ. એ તમારા સૌની રાતે રોકાવાની વ્યવસ્થા કરી દેશે અને ખાવા-પીવાની પણ કંઇ ચિંતા ન કરતાં. સરપંચના ઘરેથી ખવડાવવના શોખીન છે. આંગળા ચાટતાં રહી જશો. આ ગલીમાંથી સીધેસીધા નીકળી જાવ અને છેલ્લું ઘર આવે ઇ સરપંચનું.’ `સારું દાદા, આભાર.’ કહી અજિતે હાથ જોડ્યા અને સૌ પાછા બોલેરોમાં ગોઠવાયાં.

સૌમ્યે બોલેરો સાંકડી ગલીમાં લીધી અને છેલ્લે સુધી જવા દીધી. પેલા વડીલે કહ્યું હતું એમ, સૌથી છેલ્લું ઘર વિશાળ હતું. બહાર ફળિયા જેવી જગ્યામાં એક વડીલ હુક્કો ગગડાવતાં બેઠા હતા. ઘર પાસે આવીને ઊભેલી મસમોટી કાર જોઇને વડીલ ખાટલા પરથી ઊભા થયા. અજિત, લીના, ગીત, સાક્ષી અને સૌમ્ય સૌ કારમાંથી ઊતરી એમની પાસે પહોંચ્યા અને અજિતે કહ્યું, `આપ જ આ ગામના સરપંચ છો ?’ વડીલે કહ્યું, `હા,’ ત્યારે લીના બોલી, `અંકલ, આજની રાત તમારા ગામમાં રોકાવું છે. અમે સૌ ફરવા નીકળ્યા છીએ અને આગળ એક દાદાએ કહ્યું કે તમારા ઘરે રોકાઇ શકીએ એમ છીએ. તો અમે સૌ અહીં આવ્યા છીએ.’ અજિત બોલ્યો, `અંકલ, અમે તમારા ઘરે રોકાઇ શકીએ ?’ વડીલ બોલ્યા, `હા, હા, આવો ભાઇ, સૌ અંદર આવો હું તમારા સૌની જમવાની વ્યવસ્થા કરાવું અને... એલા રામુ.... ઓલ્યો મહેમાનો હાટુંનો ઓરડો ખોલીને જરા સરખો કરી દે તો.... આવો...’ બધાં અંદર આવ્યા. થોડી વારમાં જ બધાં માટે જમવાની થાળીઓ પણ આવી ગઇ. બાજરીના રોટલા, કઢી અને રીંગણ-બટાકાનું શાક ને સાથે છાશનો મોટો ગ્લાસ. શહેરના જંકફૂડથી સાવ જ અલગ સ્વાદ ધરાવતું આ દેશી ભોજન સૌને ભાવ્યું. જમીને થોડી વાર વાતો કરી બધાને સરપંચે મહેમાનો માટેના ઓરડામાં સૂવા માટે લઇ જવા રામુને કહ્યું.

રામુ બધાંને લઇ મહેમાનો માટેના ઓરડામાં આવ્યો. મોટો રૂમ, ફર્નિચર એવું કે ફાઇવસ્ટાર હોટલને પણ ભૂલી જાવ, અટેચ્ડ બાથરૂમ અને પાછળના વરંડામાં ખુલતું એક બારણું... પણ રામુએ એ બારણું ખોલવાની ના કહેતાં કહ્યું, `આ બારણું ખોલતાં નહીં. વાંહે જંગલ છે. રડ્યુખડ્યું કોઇ જંગલી જનાવર આવી ચડે છે. એટલે આ બારણું નહીં ખોલતાં. બાકી તમતમારે નિરાંતે નીંદર માણો.’ ગીત, લીના, અજિત, સૌમ્ય, સાક્ષી રૂમમાં પોતાનો સામાન મૂક્યો અને નક્કી કર્યું કે ત્રણેય યુવતીઓ કિંગસાઇઝ બેડ પર સૂઇ જશે અને સૌમ્ય તથા અજિત બે મોટા સોફા પર સૂઇ રહેશે. થોડી વાર મસ્તી કરી સૌને ધીરે ધીરે આંખો ભારે થવા લાગી અને રાત્રે દોઢ-બે વાગ્યા સુધી મોબાઇલ પર ચેટ કરનારી આ જનરેશન રાતના સાડા દસ વગ્યામાં તો ઘસઘસાટ ઊંઘી ગઇ.

અચાનક મોડેથી ગીતની આંખ ખૂલી. એને શરીર પર કોઇ હાથ ફેરવતું હોય એમ લાગ્યું. એ સફાળી બેઠી થઇ ગઇ, `કોણ છે ?’ અને એણે સાઇડ લેમ્પ ચાલુ કર્યો. જોયું તો અજિત અને સૌમ્ય સોફા પર ઘસઘસાટ ઊંઘતા હતા, પણ... લીના... લીના તો એની અને સાક્ષીની સાથે બેડ પર નહોતી. એણે ચારે બાજુ નજર ફેરવી અને બાથરૂમના બારણાં તરફ નજર જતાં વિચાર્યું, `કદાચ વોશરૂમ ગઇ હશે.’ એણે લેમ્પ બંધ કર્યો અને આડી પડી. પરંતુ લીના વોશરૂમમાંથી બહાર ન આવી. એ બાથરૂમના દરવાજાને તાકી રહી હતી. અંદરથી લાઇટનો આછો પ્રકાશ બહાર આવતો હતો, પરંતુ `લીના... લીના કેમ આટલો સમય બાથરૂમમાં છે ? એ શું કરે છે આટલા સમય સુધી ?’ વિચારતી ગીતને ક્યારે આંખ મીંચાઇ ગઇ તેનો ખ્યાલ જ ન આવ્યો. સવારે આંખ ખુલી ત્યારે લીના બાજુમાં સૂતી હતી. એને જોઇને ગીતને રાતની વાત યાદ આવી.

રામુ ચા અને નાસ્તો લઇને આવ્યો અને સૌએ ચા સાથે ગરમાગરમ નાસ્તો કર્યો. ફ્રેશ થઇને બધાંએ પોતપોતાનો સામાન સંભાળ્યો અને બહાર ફળિયામાં બેઠેલા સરપંચ પાસે આવ્યાં. સરપંચે પૂછ્યું, `નીંદર આવી ગઇ હતી ને ? રાત્રે કંઇ તકલીફ તો નહોતી પડી...?’ ત્યારે અજિત બોલ્યો, `ના વડીલ. તમે તો અમારી એટલી સરભરા કરી કે રાત્રે ક્યારે ઊંઘ આવી ગઇ તેની ખબર જ ન પડી.’ `અરે, દીકરા, અતિથિને આવકારવા એ તો અમારો ધર્મ છે. ઠીક ત્યારે પાછા વળો ત્યારેય પરોણાગત માણતા જાજો.’ સરપંચે કહ્યું. અને સૌ બોલેરોમાં ગોઠવાયાં. બોલેરો ગામમાંથી નીકળી સડક પર આવી. સૌ રાતની વાત કરતાં હતાં ત્યારે ગીતે અચાનક જ પૂછ્યું, `લીના, રાતે તું કેટલી બધી વાર વોશરૂમમાં ભરાઇ રહી હતી. વોશરૂમમાં શું કરતી હતી ?’ લીનાએ એની સામે નજર કરી. એની નજર એવી હતી કે ગીતના શરીરમાં એક કંપારી ફરી વળી. એ ધીમેથી બોલી, `વોશરૂમ ગઇ હતી... વાર તો લાગે ને.’ એના અવાજમાં રહેલી ઠંડકથી ગીત વધારે કંઇ પૂછવાની હિંમત ન કરી શકી.

સાક્ષીએ પોતાનાં મમ્મીને મોબાઇલ લગાવ્યો અને પહેલા દિવસની વાત કરી, રાત્રિરોકાણની વાત કરી અને કહ્યું, `મોમ, તમે લોકો કંઇ ચિંતા કરતા નહી. અમે સૌ મોજ કરીએ છીએ અને અલગારી રખડપટ્ટીનો આનંદ માણીએ છીએ.’ બધાં રસ્તામાં મસ્તીતોફાન કરતા હતા. સૌમ્ય વારે વારે સૌને કંઇ ને કંઇ એવી વાત કરીને ચીડવવાનો પ્રયત્ન કરતો અને બધાં મસ્તી કરતાં આગળ ધપ્યે જતા હતા. જોકે લીના શાંતિથી બેસી રહી હતી. ગીતનું ધ્યાન જતાં એણે લીનાને પૂછ્યું, `લીના, કેમ આજે તારી બોલતી બંધ છે ? હજી ઊંઘ ઊડી નથી લાગતી તારી.’ ત્યારે લીના બોલી, `મારી ઊંઘ તો ક્યારનીય ઊડી ગઇ છે.’ આ સાંભળી ગીત ફરી એને જોઇ રહી. લીના પળવાર એની સામે તાકી રહી અને પછી ખડખડાટ હસી પડી. એને હસતી જોઇ ગીતને થોડી રાહત થઇ અને ફરી સૌ મસ્તી કરતાં આગળ વધ્યાં.

બીજા દિવસે બપોરે એક જગ્યાએ જમ્યા બાદ થોડે જ આગળ ગયાં હશે કે લીના બોલી, `આ ડાબી બાજુ રસ્તો જાય છે તે તરફ લઇ લો.’ અજિત બોલેરો ચલાવી રહ્યો હતો. એ બોલ્યો, `કેમ ? ત્યાં શું છે ? આપણે આગળ કોઇ ગામ આવે તો...’ `અજિત, તને કહ્યું ને, ડાબી તરફના રસ્તા પર વાળી લે...’ લીના સહેજ મોટેથી અને થોડા આક્રોશભર્યા સ્વરે બોલી ઊઠી. એના અવાજમાં આદેશ હતો. `ઓકે બાબા... તું કહે એમ... બસ, પછી મને કહેતી નહીં કે આ બાજુ ક્યાં આવ્યા ? હવે મેઇન સડક પર કેવી રીતે જઇશું ?’ અજિત બોલ્યો અને એણે ડાબી તરફ જતા રસ્તા પર બોલેરો આગળ ધપાવી. પછી હસ્યો, `બોલો મેડમજી, હવે કઇ તરફ લઉં...?’ લીના બોલી, `જવા દે સીધેસીધી....’ ગીત ચોંકી. એને લીનાનું વર્તન કંઇક અલગ જ લાગી રહ્યું હતું.

બોલેરો આગળ વધતી રહી. લીનાએ કહ્યું, `સીધી જવા દે. થોડે દૂર જતાં એક મોટું મકાન આવશે. આપણે ત્યાં રોકાઇશું.’ અજિતને થોડી નવાઇ તો લાગી અને ગીત તો આ સાંભળી વિચારમાં જ ડૂબી ગઇ. અચાનક તેનું ધ્યાન લીના તરફ જતાં તેણે તેની સામે સ્મિત કર્યું. લીનાના ચહેરા પરના ભાવમાં કોઇ પરિવર્તન ન આવ્યું. સાચે જ થોડે આગળ જતાં એક મોટું મકાન આવ્યું. ત્યાં નજીક જઇને અજિતે બોલેરો ઊભી રાખી. સૌમ્ય એ મકાન જોતાંની સાથે જ બોલ્યો, `અરે યાર, આવી જગ્યાએ તે કંઇ રહેવાતું હશે અને અહીં કોઇ રહેતું હોય તેવું પણ લાગતું નથી. ચાલો પાછા, આ લીનાનું મગજ ઠેકાણે નથી.’ લીના કડક અવાજે બોલી, `સૌમ્ય, જો મકાનની જમણી બાજુએ એક ક્વાર્ટર છે. ત્યાં કોઇ રહે છે. એ આપણા રહેવાની વ્યવસ્થા કરી આપશે.’ `પણ..’ સૌમ્યે વાંધો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ લીના સાક્ષીનો હાથ પકડી નીચે ઊતરી ગઇ હતી. એ બંનેને નીચે ઊતરેલાં જોઇ ગીત પણ નીચે ઊતરી. એકમાત્ર સૌમ્ય સિવાય બધાં નીચે ઊતર્યાં અને પોતપોતાનો સામાન લીધો. લીના મકાન તરફ એવી રીતે ચાલવા લાગી જાણે વર્ષોથી અહીં રહેતી હોય. સૌમ્ય હજી પણ બોલેરોમાં જ બેઠો હતો. મકાન પાસે પહોંચી અજિતે બૂમ પાડી, `સૌમ્ય ચાલ ને, ક્યાં સુધી બેસી રહીશ ? અહીં રોકાઇ જઇએ. ચાલ, આવતો રહે.’ એટલામાં લીના બોલી, `ચિંતા ન કર. એ આવશે. એણે આવવું જ પડશે. ત્યાં એકલો નહીં બેસે. ચાલો, આપણે અંદર જઇએ.’ ગીતે એના અવાજમાં રહેલી મક્કમતા અનુભવી. એને નવાઇ લાગી કે લીના આટલી ખાતરીપૂર્વક કેવી રીતે કહે છે. કંઇક તો ચોક્કસ છે.

લીનાએ જઇને પેલી ઓરડીનું બારણું ખખડાવ્યું. અંદરથી એક પુરુષ અને સ્ત્રી બહાર આવ્યાં. લીનાએ તેમની સાથે શું વાત કરી, તે કોઇને ખબર ન પડી, પણ પેલો પુરુષ અંદરથી ચાવી લઇ આવ્યો અને મકાન ખોલી આપ્યું. થોડી જ વારમાં એ પુરુષની ઘરવાળી જમવાનું લઇને આવી. સૌના આશ્ચર્ય વચ્ચે સૌમ્ય અંદર આવ્યો. એણે એક નજર લીના તરફ નાખી અને પેલા પુરુષ અને સ્ત્રી એને જોઇને જમ્યા પછી વાસણો બહાર મૂકી દેવાનું કહી મકાનમાંથી ઝડપથી બહાર નીકળી ગયાં.

બધાં જમ્યાં અને સૂવાની તૈયારી કરવા લાગ્યાં. લીના અચાનક બોલી, `કેમ અજિત, મારી વાત સાચી પડી ને ? મેં કહ્યું હતું ને કે સૌમ્ય આવશે.’ સૌમ્ય બોલ્યો, `સારા ફ્રેન્ડ્સ છો હોં તમે સૌ. મને એકલો મૂકીને આવતાં તો રહ્યાં પણ જમવાય બેસી ગયાં.’ લીના બોલી, `તું પણ તો કોઇને એકલાં મૂકીને જમી લે છે ને ?’ સૌમ્ય ચૂપ થઇ ગયો. થોડી વાર વાતો કરી બધા ધીરે ધીરે ઊંઘવાની તૈયારી કરવા લાગ્યા. અડધી રાત્રે સૌમ્યની આંખ ખૂલી તો જોયું, લીના એના પલંગ પાસે બેઠી હતી. `લીના તું.... તું અહીં શું કરે છે ? બીજા બધાં જોઇ જશે તો તારા અને મારા માટે શું વિચારશે...?’ સૌમ્ય બોલ્યો અને લીનાએ જવાબ આપ્યો, `એ તો તારે જ્યારે તું સરપંચના ઘરે રોકાયો ત્યારે વિચારવાની જરૂર હતી, સૌમ્ય... આજે હવે એ વિચારીને શું કામ ?’ સૌમ્ય આ સાંભળી ચોંક્યો અને બોલ્યો, `કેવી વાત કરે છે લીના તું ? હું સરપંચના ઘરે રોકાતાં પહેલાં શું કામ વિચારું ? અને તું આ કેવી વાતો કરી રહી છે ?’ આ દરમિયાન અજિત અને ગીતની આંખ ખુલી ગઇ હતી. તેમણે જોયું તો સૌમ્ય પરસેવે રેબઝેબ હતો અને કોઇની સાથે વાતો કરી રહ્યો હતો. એના પલંગની પાસે તો કોઇ નહોતું. તો સૌમ્ય કોની સાથે વાત કરતો હતો ! બંનેએ એકબીજાની સામે જોયું અને સૌમ્ય પાસે આવ્યાં પણ હજી તેઓ પહોંચે તે પહેલાં જ સૌમ્ય અચાનક પલંગ પરથી ઊછળીને નીચે પડ્યો અને પળવારમાં જ એનું પ્રાણપંખેરું ઊડી ગયું.

`સૌમ્ય.....’ ગીતથી ચીસ પડાઇ ગઇ. એની ચીસ સાંભળી લીના અને સાક્ષી અંદરના રૂમમાંથી બહાર આવ્યા. અજિત હજી પણ સૌમ્યના મૃતદેહ પાસે બેસી એને હલબલાવતો હતો. લીના બોલી, `અજિત રહેવા દે. એ નહીં ઊઠે. એણે જે કર્યું એ જ એ પામ્યો છે.’ ત્રણેય આ સાંભળી લીના સામે જોઇ રહ્યા.

લીનાની આંખો લાલચોળ હતી અને અવાજમાં એક અજીબ કંપન હતું. એણે કહ્યું, `તમને નવાઇ લાગે છે ને કે હું સૌમ્ય માટે આવી વાત કેમ કરું છું? તો સાંભળો, મારું નામ ચંદ્રા છે. સરપંચની એકની એક દીકરી... સૌમ્ય પહેલાં પણ અહીં આવી ચૂક્યો હતો અને મારા ઘરે જ્યાં તમે સૌએ કાલે રાતવાસો કર્યો હતો, ત્યાં રોકાયો હતો. મારું રૂપ જોઇ સૌમ્યને હું ગમી ગઇ અને મને પણ સૌમ્ય ગમી ગયો. થોડા મહિના પહેલાં છેલ્લી રાતે જ્યારે એ મારા ઘરે રોકાયો હતો ત્યારે મારા બાપુને ખબર પડી ગઇ હતી કે સૌમ્યની નજર મારા પર છે. બાપુએ મને મારા રૂમમાં પૂરી દીધી હતી, પણ બાપુ સૂઇ ગયા પછી સૌમ્યે છાનાંમાનાં આવીને મારો રૂમ ખોલ્યો. અને મને મહેમાનોના રૂમમાં લઇ ગયો. ત્યાં અમે જાણે એકબીજાથી વિખૂટા પડેલા પ્રેમીઓ હોઇએ એમ એકબીજાને ભેટી પડ્યાં અને એ રાત.... અમારા બંનેના ઐક્યની રાત બની રહી. તે પછી એ ઘણી વાર આવતો અને બાપુથી છાનાંમાનાં અમે મળતાં. આમ ને આમ એક દિવસ મેં સૌમ્ય આવ્યો ત્યારે કહ્યું કે હું એના સંતાનની મા બનવાની છું. ત્યારે એણે મને ગર્ભ પડાવી નાખવા જણાવ્યું અને મારા મોં પર પૈસા ફેંકી ચાલ્યો ગયો. મારા બાપુને જાણ થઇ ત્યારે એ ભાંગી પડ્યા અને એમની હાલત જોઇ હું એક રાતે અમારા ઘરની પાછળ આવેલા કૂવામાં કૂદી પડી, મારા મોતથી તો મારા બાપુ સાવ ભાંગી પડ્યા અને એક દિવસ મને યાદ કરતાં કરતાં એ પણ ઇશ્વરને ધામ પહોંચી ગયા. મારો જીવ સૌમ્યમાં હતા. મેં એને પ્રેમ કર્યો હતો અને એણે પોતાની વાસના સંતોષવા મારો ઉપયોગ કર્યો.’

અજિત બોલી ઊઠ્યો, `તો પેલા વડીલ દાદા અને સરપંચ દાદા... એમને અમે જોયા તો એ...’

`એ મારી ઊભી કરેલી માયાજાળ હતી જેમાં તમે સૌ ફસાઇ ગયા. સૌમ્ય જાણતો હોવા છતાં ચૂપ હતો કેમ કે એના માટે તો હું મરી ચૂકી હતી અને હવે કોઇ જાતની બીક નહોતી. પણ એને ખબર નહોતી કે મારો જીવ એના માટે જ ભટકતો હતો. લીના અડધી રાત્રે બાથરૂમમાં મોં ધોવા આવી ત્યારે મેં એના શરીર પર કબજો મેળવી લીધો. ગીત યાદ છે, તું સારી એવી વાર સુધી બાથરૂમના બારણાને તાકી રહી હતી....?’ આ સાંભળી ગીત સ્તબ્ધ થઇ ગઇ. લીના આગળ બોલી, `લીનાના શરીર પર કાબૂ મેળવી તમને બધાને હું આ મકાનમાં એટલા માટે લઇ આવી કેમ કે સૌમ્ય મને ઘણી વાર રાતે છાનોમાનો અહીં લઇ આવતો અને ઓરડીમાં રહેતા ચોકીદારને પૈસા આપી મકાન ખોલાવી મારા શરીર સાથે રમતો. મારે મારો બદલો લેવો હતો અને એ જ જગ્યાએ સૌમ્યને બોલાવવો હતો જ્યાં એણે કાયમ સુખ માણ્યું હતું, ત્યાં જ એને મોત આપવું હતું. અજિત એટલા માટે જ મેં કહ્યું હતું કે સૌમ્ય અંદર આવશે. મને મારી સાથે કરેલા દગાનું દુઃખ નહોતું, પણ મારા બાપુ એની દગાબાજીને લીધે કમોત મર્યાં એથી મારું હૈયું વલોવાતું હતું. મારા બાપુના હત્યારાને મારે છોડવો નહોતો. આજ મારો બદલો પૂરો થયો. મારા આત્માને આજે મુક્તિ મળશે. મારા લીધે તમને ચારેયને તકલીફ પડી તે માટે મને માફ કરજો... માફ....’ કહેતાં કહેતાં લીના અચાનક જમીન પર પડી ગઇ. સાક્ષી એની પાસે દોડી ગઇ. લીના બેભાન થઇ ગઇ હતી. ગીતે ઝડપથી પાણી લાવીને એના ચહેરા પર છાંટ્યું.

અજિતે એને ઊંચકીને પલંગ પર સૂવડાવી અને સૌમ્યના મૃતદેહને પણ એક તરફ ખેંચીને સરખો ગોઠવ્યો. લીનાએ થોડી વારમાં આંખો ખોલી અને આશ્ચર્યથી બોલી ઊઠી, `અરે, આપણે અહીં ક્યાં આવ્યા ? આપણે તો સરપંચના ઘરમાં સૂતા હતા ને !’ કહેતાં એણે આસપાસ નજર કરી... અને સૌમ્યની લાશ જોતાં બોલી ઊઠી, `સૌમ્યને શું થયું....? એ કેમ આમ જમીન પર સૂતો છે ?’ અજિત બોલ્યો, `કંઇ નહીં, એને ઊંઘ આવી ગઇ એટલે એ ત્યાં જ લાંબો થઇ ગયો. તું તો જાણે છે ને કે સૌમ્ય કેવો મનમોજી છે....’ અને એણે સાક્ષી અને ગીતને લીનાને અંદરના રૂમમાં લઇ જવાનું કહ્યું. ત્રણેય યુવતીઓ અંદર ગઇ પછી અજિતે પેલા પુરુષને બોલાવી સૌમ્યના મૃતદેહને થોડે આગળ લઇ જઇ દાટી દીધો. પાછા આવ્યા પછી એણે ગીતને બહાર બોલાવી બધી વાત કરી અને તાકીદ આપી કે લીનાને આ વાતની જાણ ન થવા દે.

બીજા દિવસે સૌ પાછા ફરવા નીકળ્યા, ત્યારે સૌમ્યને સાથે ન જોઇ લીના બોલી, `અરે સૌમ્ય ક્યાં છે ?’ અજિતે જવાબ આપ્યો, `એ વહેલી સવારે ઘરે જવા નીકળી ગયો. એને કંઇ જરૂરી કામ આવી ગયું હતું. આપણે હવે જ્યાં ફરવા જવું હોય ત્યાં જઇએ.’ ગીત અને સાક્ષી બોલી ઊઠ્યાં, `ના, હવે ક્યાંય નથી જવું. ઘરે જ જઇએ આમ પણ ત્રણ દિવસ તો આપણે ફર્યા જ ને.’ અને અજિતે તેમની વાતને ડોકું હલાવી મૂક સંમતિ આપી. ચારેય જણાં બોલેરોમાં ગોઠવાયાં. પેલો પુરુષ અને એની ઘરવાળી ત્યાં આવીને ઊભા હતા એમને અજિતે થોડા રૂપિયા આપીને કહ્યું, `જે કંઇ બન્યું એ ભૂલી જજો. હવે અહીં કોઇ નહીં આવે.’ અને એણે બોલેરો અમદાવાદ તરફ જવા માટે રીવર્સમાં લીધી. રસ્તામાં એ વિચારી રહ્યો હતો, આખરે ચંદ્રા સૌમ્યનો જીવ લઇને જ ઝંપી... અને એણે એક દીર્ઘ શ્વાસ લીધો. સૌમ્ય જેવા લંપટને અંતિમ ધામ પહોંચાડીને એ અને લીના અનોખી શાંતિ અનુભવી રહ્યા હતા...


Rate this content
Log in

Similar gujarati story from Horror