Shefali Ami

Inspirational Tragedy Children

3  

Shefali Ami

Inspirational Tragedy Children

મને સાંભરે રે મારું બાળપણ...

મને સાંભરે રે મારું બાળપણ...

3 mins
6.8K


દિવાળીના એ દિવસો અને એ મારા લાડકોડ

 

દિવાળી હમણાં જ ગઇ અને હજી પણ ક્યાંક ક્યાંક ફટાકડા ફૂટવાનો અવાજ કાને પડે છે. હું ઘરમાં લાઇટો બંધ કરીને મારા બેડમાં પડી પડી વિચારું છું કે દિવાળી તો દર વર્ષે આવે છે, પણ મારા જીવનના ચાલીસ વર્ષ સુધી જે દિવાળીઓ આવી તે આટલી અંધકારભરી તો નહોતી...

હા, નાનપણથી જ શારીરિક અપંગ હોવા સાથે એકની એક પુત્રી તરીકે માતા-પિતા તો ઠીક, મોસાળમાં પણ હું ખૂબ લાડકી હતી. હથેળીમાં રાખતાં સૌ મને અને એમાંય મોસાળ જાઉં ત્યારે તો વી.આઇ.પી ટ્રીટમેન્ટ મળતી. મને ફટાકડા ફો઼ડતાં બીક લાગતી, નાનપણમાં, પણ મારા મોટા મામાની ઇચ્છા એવી કે, ‘મારી ભાણી ક્યાંય પાછળ ન રહેવી જોઇએ. કોઇની સામે એને નીચું ન જોવું પડે કે મને આ કામ કરતાં ડર લાગે છે.’ અને મારા મામાની આ ઇચ્છાને મારા મમ્મી-ડેડીનો પણ સપોર્ટ. એટલે એ મને ફટાકડા ફોડવાથી લઇને પતંગ ચગાવવા અને સાઇકલ ચલાવવાથી લઇને કાઇનેટિક પણ કેવી રીતે ચલાવાય તે શીખવતા.

ધીરે ધીરે હું એટલી મક્કમ બની ગઇ કે મને ક્યારેય મારી શારીરિક ખામી અવરોધરૂપ ન બનતી. કોઇ પણ કામ હોય હું સહેલાઇથી કરી શકતી. અડધી રાત્રે તમે કહો તો હું સ્મશાનમાંથી પણ પસાર થઇ જાઉં અને કહો તે પ્લેનચેટ પર જેના આત્માને બોલાવવા ઇચ્છો તેને બોલાવી આપું... આટલી બિન્દાસ્ત અને રાજકુમારીની જેમ મોટી થયેલી હું જ્યારે મારા મામાનું અવસાન થયું ત્યારે એ આઘાત જીરવી ન શકી, પણ એમણે એક વાર મને એક ફિલ્મ બતાવીને કહ્યું હતું, ‘આ ફિલ્મ તારા જીવન જેવી જ છે. તારે આ રીતે જીવતાં શીખવાનું છે.’ બસ, ત્યારથી મારી જિંદગીને બદલવાનો પ્રયત્ન મેં શરૂ કરી દીધો અને એટલી વાસ્તવિકતા સ્વીકારતી થઇ ગઇ કે હું એકલી છું. મારે કોઇનો આધાર નથી. મારી જિંદગી મારા આત્મબળના આધારે જીવવાની છે. હા, ક્યારેક મન બહુ ઉદાસ થઇ જાય ત્યારે એ ફિલ્મની ડી.વી.ડી. જોઇ લેતી અને... થોડું રડી પણ લેતી, પરંતુ ફરી જીવન જીવવાનો જુસ્સો આવી જતો.

સમય પસાર થવા સાથે મમ્મી અને એ પછીના સાત વર્ષ સાથે રહીને ડેડીએ પણ આ દુનિયામાંથી વિદાય લીધી. હું સાવ એકલી થઇ ગઇ, પણ એ સમયે એક ધર્મના ભાઇએ મને સાચવી લીધી. ખરેખર એણે મને સાચવી લીધી કે મારી મિલકતને એ હજી મને સમજાતું નથી કેમ કે એણે મારી લગભગ પોણા બે-બે લાખ રૂપિયાનું જે રીતે આંધણ કર્યું એ જોતાં... ખેર! ભૂલ મારી જ ગણાય કેમ કે વગર વિચાર્યે વધારે પડતો વિશ્વાસ મૂકી દીધો હતો. આ વિકટ સ્થિતિમાંથી પણ હું પાર નીકળી. એ દિવસો કેવી રીતે કાઢ્યાં છે, તે મારું મન જાણે છે અને એક જાણે છે મારો ઇશ્વર.

આ બધી તો વાતો સમજ્યાં કે ચાલ્યાં કરે. જીવનમાં ચડતી-પડતી, ઉતાર-ચડાવ આવ્યા કરે. એમ વિચારીને મેં સઘળું જતું કર્યું... પણ આજે...

આજે છેલ્લા દસ વર્ષથી એવું જીવન જીવી રહી છું કે જેની કલ્પના સુદ્ધાં મેં નહોતી કરી. રાજકુમારીની જેમ મોટી થયેલી હું આજે નાના નાના કામ અંગે બીજા લોકો પર આધારિત થઇ ગઇ છું કેમ કે સમય વીતવા સાથે મારી ઉંમર પણ વધી અને તે સાથે પગની તકલીફ વધતાં એક પગ કાપી નાખવો પડ્યો. જયપુર ફૂટથી સારી રીતે ચાલી શકીશ એવા ડોક્ટર્સ અને બીજા લોકોએ દેખાડેલા સપનાંને સાચાં માની પ્રયત્ન કરું છું કે ચાલી શકું. ત્યારે આજે કાયમ જે ઘરમાં મારી મમ્મી દિવાળીએ જાતજાતના દીવા મૂકતી, રંગોળી પૂરતી અને વિવિધ જાતની વાનગીઓ બનાવીને ખવડાવતી, ડેડી મારા માટે ગમતાં ડ્રેસીસ લાવતાં, ગિફ્ટ આપતાં... એ બધું આ અમાસના અંધકાર (દિવાળી)માં તરવરી ઊઠે છે અને...

મારી આંખમાંથી બે બુંદ સરી પડવા સાથે મનમાંથી એક નિસાસો પણ નીકળી જાય છે કે, ‘મને સાંભરે રે મારું બાળપણ...’


Rate this content
Log in

Similar gujarati story from Inspirational