STORYMIRROR

Shefali Ami

Inspirational Others

4  

Shefali Ami

Inspirational Others

અસ્તિત્વ

અસ્તિત્વ

11 mins
27.7K


એ ખૂબ ઉદાસ હતી. એ એટલે... ઉર્વશી. પોતાના રૂમની બારીમાંથી બહારનું દૃશ્ય નિહાળતી ઉર્વશી ક્યારેક આકાશમાં ઊડી રહેલા પંખીઓ અને ક્યારેક રસ્તા પર આવતાં-જતાં લોકો, તો ક્યારેક નીચે રમી રહેલા બાળકોને જોઇ રહી હતી. એનું મન આજે રહી-રહીને ભરાઇ આવતું હતું. પોતે પણ ક્યારેક આ પંખીની જેમ આકાશમાં ઊડી શકે, આ આવતાં-જતાં લોકોની માફક પોતાની ઇચ્છાનુસાર જઇ-આવી શકે, આ બાળકો જે રીતે ખડખડાટ મુક્ત મને હસતા હતા તેમની માફક હસી શકે ! પણ... પણ એ શક્ય નહોતું. વિનયને એ પસંદ નહોતું. વિનય એનો પતિ અને એક સમયનો એનો પ્રેમી જે આજે માત્ર પતિ જ છે, પ્રેમી તો કોને ખબર ક્યાં અદૃશ્ય થઇ ગયો છે. પોતાના જ ઘર હા, પોતાના જ ઘરમાં એ કેદી બનીને રહી ગઇ છે. કારણ ઉર્વશીનું ઉર્વશી જેવું રૂપ અને વિનયનો શંકાશીલ સ્વભાવ. કાશ! એના આવા સ્વભાવની ઉર્વશીને પહેલાં ખબર હોત. તો પણ એ આગળ વિચારી જ નહોતી શકતી. કેમ કે એની પાસે ખબર હોતથી આગળ વિચારવાનો કોઇ વિકલ્પ જ નહોતો રહ્યો. પ્રેમલગ્ન કર્યાં હતાં એણે અને એના આ પ્રેમલગ્ન પછી પિતાના ઘરના દ્વાર તો ક્યારનાય બંધ થઇ ગયા હતા.

હા, ઉર્વશી જે એનાં માતા-પિતાની વહાલસોયી દીકરી અને બે ભાઇઓની લાડકી બહેન. જેના માટે પાણી માગે તો દૂધ હાજર થઇ જતું એવી ઉર્વશીને આજે ગમે તે સ્થિતિ હોય તો પણ ચૂપ રહેવું પડતું. કંઇ કહેવા માટે હોઠ ખોલવાનો એને અધિકાર જ ક્યાં હતો ! પ્રેમલગ્ન કર્યાં એટલે જાણે એણે ભયંકર પાપ કરી નાખ્યું હોય એમ સૌએ એને તિરસ્કારી નાખી હતી અને સાસરિયાંમાં તો સૌને એ પહેલાંથી જ પસંદ નહોતી. ખાસ કરીને સાસુને.સા સુમાની ઇચ્છા હતી પોતાની જ્ઞાતિની સંપન્ન પરિવારની છોકરીને પુત્રવધૂ બનાવવાની, પણ વિનય તો પરજ્ઞાતિના એક સામાન્ય પરિવારની પુત્રીને પુત્રવધૂ તરીકે લઇ આવ્યો હતો અને તે પણ પ્રેમલગ્ન કરીને. ઘરમાં બીજા સૌએ તો થોડુંઘણું સમાધાન કરી એને અપનાવી લીધી હતી. અલબત્ત, ભાભી, દેરાણી કે પુત્રવધૂ તરીકે નહીં, બલકે એક કામવાળી તરીકે જેને આખો દિવસ કામ કરવાના બદલામાં બે સમય જમવાનું મળતું અને રાત્રે પતિ તરફથી પાશવતા સહન કરવાની આવતી હતી.

આજે એ ઉદાસ હતી એનું કારણ એ હતું કે આજે એની લગ્નતિથિ હતી. હા, આજે જ તો વિનય સાથે એણે કોર્ટમેરેજ કરીને જ્યારે પોતાના મમ્મી-પપ્પાને જણાવ્યું હતું, ત્યારે મમ્મી તો સ્તબ્ધ જ થઇ ગયા હતાં અને પપ્પા. એક પણ અક્ષર બોલ્યા વિના અંદરના રૂમમાં જઇ એમણે બારણું બંધ કરી દીધું હતું. હા, બંને ભાઇઓએ પણ એની તરફ એક નજર નાખી પોતપોતાના કામમાં ધ્યાન પરોવી દીધું હતું. પરિવારના સભ્યોનું આ વર્તન જોઇ પોતાના પ્રેમ પર મુશ્તાક ઉર્વશી એ જ પળે ઘરમાંથી નીકળી ગઇ હતી અને એ ઘડી અને આજનો દિવસ. ન તો ઉર્વશીની કોઇએ સંભાળ લેવાનો પ્રયત્ન કર્યો હતો કે ન તો ઉર્વશીએ પોતાના સ્થિતિનો કોઇને ખ્યાલ આવવા દીધો હતો.

લગ્નજીવનની શરૂઆતના એ દિવસો... આજે પણ ઉર્વશીને યાદ છે.. એ આ ઘરમાં આવી ત્યારે સાસુમાને બદલે જેઠાણીએ પોતાનાં દિયર-દેરાણીની આરતી ઉતારી બંનેને ઘરમાં આવકાર્યા હતાં. નાનકડી નણંદ એક તરફ ઊભી ઊભી પોતાની નવી પરણીને આવેલી ભાભીને જોઇ રહી હતી, સાસુમાની આંખોમાં જે ભાવ હતા, તેના પરથી એ એટલું તો સમજી શકતી હતી કે પોતે સાસુમાની પસંદગી નહોતી. અને છતાંય એણે વિનય સાથે ચરણસ્પર્શ કર્યા હતા ત્યારે એમણે કહ્યું હતું, `આવ્યાં જ છો તો કાલથી રસોડું સંભાળી લેજો.’ બસ, એ દિવસથી એની દુનિયા રસોડા અને વિનયના રૂમ પૂરતી જ સીમિત થઇ ગઇ હતી. કેટકેટલા અરમાન અને સમણાં હતાં એનાં મનમાં. જ્યારે એ કોલેજમાં વિનય સાથે અભ્યાસ કરતી હતી અને બંને પ્રેમી હતાં ત્યારે કેવાં સમણાં જોયા હતા લગ્નજીવનનાં.

વિનયે તો નક્કી જ કરેલું હતું કે પપ્પાના બિઝનેસમાં સાથ આપશે અને એણે એમ જ કર્યું હતું. પરંતુ ઉર્વશી. એની ઇચ્છા હતી કે પોતે કમ્પ્યુટર સાયન્સ ભણી હોવાથી કોઇ સારી કંપનીમાં સોફ્ટવેર એન્જિનીયર તરીકે કામ કરે અને વિનય સાથે ખભેખભો મિલાવીને ચાલે. બંને સાથે મળીને પોતાનું ઘર વસાવે અને એક દિવસ એ ઘરમાં કિલકારીઓ ગૂંજતી હોય. પરંતુ આ બધાં સમણાં લગ્ન પછીના પહેલા જ મહિનામાં પત્તાંના મહેલની માફક વિખેરાઇ ગયાં હતાં. જ્યારે એણે પહેલી વાર એક ઓફિસમાં કરેલા એપ્લાય માટે ઇન્ટરવ્યૂ કોલ લેટર આવ્યો હતો. એ દિવસે એને વિનયના સાચા સ્વરૂપનો ખ્યાલ આવ્યો હતો.. આ એ જ વિનય હતો. ના, પોતે જેને ચાહ્યો હતો એ આ વિનય નહોતો.

એ દિવસે પોસ્ટમેન જ્યારે રજિસ્ટર્ડ લેટર આપી ગયો. એને એક મલ્ટિનેશનલ કંપનીમાં સોફ્ટવેર એન્જિનીયરની જોબ પાંચ આંકડાના પગાર સાથે ઓફર કરવામાં આવી હતી. એ ખુશ હતી અને સૌથી પહેલાં આ સમાચાર એ વિનયને આપવા ઇચ્છતી હતી. બેડરૂમમાં જઇ એણે તરત વિનયને મોબાઇલ કર્યો. બે-ત્રણ રિંગ પછી વિનયે કોલ રીસિવ કર્યો ત્યારે એણે ઉત્સાહભેર ઓફર લેટર વિશે વાત કરી, પરંતુ સામેથી વિનયનો સાવ શુષ્ક જવાબ મળ્યો, `ઉરુ, હું અત્યારે એક મહત્વનું કામ કરી રહ્યો છું. આપણે રાત્રે વાત કરીએ.’ અને એણે કોલ કટ કરી નાખ્યો. ઉર્વશીએ માન્યું કે કદાચ એ વધારે બિઝી હશે. વાંધો નહીં, રાત્રે વાત. અને એ રાત પણ આવી પહોંચી.

રાત્રે બરાબર સૌ સાથે જમતાં હતાં ત્યારે વિનયે ઉર્વશીને પૂછ્યું, `તેં આજે કોલ કર્યો ત્યારે શેની ઓફરની વાત કરતી હતી ?’ સાસુ-સસરા આશ્ચર્યથી તેની સામે જોઇ રહ્યાં અને જેઠાણી પણ. ઉર્વશી બોલી, `મેં એક મલ્ટિનેશનલ કંપનીમાં એપ્લાય કરી હતી. એનો આજે ઓફર લેટર આવ્યો છે. સેલરી પણ સારો છે. એ ખુશખબર આપવા....’ એ વાક્ય પૂરું કરે ત્યાં જ સાસુ બોલી ઊઠ્યાં, `લ્યો હવે આ ઘરની વહુઓ નોકરી કરવા બહાર જશે. નવીનવાઇનું ભણ્યા છે.’ એ સાસુમા સામે જોઇ રહી, ત્યાં સસરાજીએ કહ્યું, `ઉર્વશી, મારા ઘરમાં સ્ત્રીઓ નોકરી કરવા માટે બહાર જાય એ મને પસંદ નથી.’ વિનય નીચું જોઇને ચૂપચાપ જમતો હતો. જેઠાણી, જેઠ, નણંદ પણ વિનયની જેમ જ જમતા હતા. એ પીરસેલી થાળીને પગે લાગી ઊભી થઇ ગઇ, તો કોઇએ એને રોકી નહીં. વિનયે પણ નહીં.

વિનય બેડરૂમમાં જતો રહ્યો જમીને અને જ્યારે એ ઘરનું કામ પતાવીને રૂમમાં આવી ત્યારે બોલી, `વિનય, તમે કેમ ચૂપ છો ? આટલા સારા સમાચાર છે. મને સારી જોબ મળી રહી છે. આપણે બંને કમાઇશું તો...’ વિનય એની વાતને અધવચ્ચેથી કાપતાં બોલ્યો, `ઉરુ તેં મમ્મી-પપ્પાની વાત સાંભળી ને. એમને નથી ગમતું ઘરની સ્ત્રીઓ નોકરી કરવા જાય એ...’

`તો...?’

`તો શું ? નથી કરવાની આ નોકરી. અને મારી ઉરુ, તું માત્ર મારી છો. તને કઇ વાતની ખોટ છે. હું કમાઉં તો છું અને મારી ઉરુ મારી સામે જોઇએ.’ કહીને વિનયે એને નજીક ખેંચી લીધી. ઉર્વશી બોલી, `પણ મારી વાત તો સાંભળો....’ પરંતુ એના શબ્દો હોઠની બહાર નીકળે તે પહેલાં તો વિનયના હોઠે એને બંધ કરી દીધા હતા. એણે પોતાની જાતને સમર્પિત કરી દીધી. રાતના એ મોડે સુધી સૂતેલા વિનયને જોતાં વિચારતી રહી, આ એ જ વિનય છે, જેણે મને પ્રેમ કર્યો હતો અને બંનેના મમ્મી-પપ્પાની ઇચ્છા વિરુદ્ધ મને સ્વીકારી હતી. આજે કેમ આ આટલો બદલાઇ ગયો ? પણ પછી એને વિનયના શબ્દો યાદ આવ્યા, `મારી ઉરુ મારી સામે જોઇએ...’ અને એના મનમાં વિનય પ્રત્યે પ્રેમ ઉમટી આવ્યો. એણે સૂતેલા વિનયના કપાળે હળવેથી એક ચુંબન કરી લીધું. કેટલો પ્રેમ કરે છે એ મને.

સવારે ઊઠીને ચા પીતાં પીતાં ફરી એણે વિનયને કહ્યું, `વિનય, આ ઓફર હું.....’ અને અચાનક જ વિનયનું સ્વરૂપ બદલાઇ ગયું. એણે ચાનો કપ છુટ્ટો ફેંકતાં કહ્યું, `તને કાલે રાત્રે મમ્મી-પપ્પાએ કહ્યું તેમાં સમજણ નથી પડતી. એક વાર કહી દીધું ને એમણે. તારે ક્યાંય જવાનું નથી...’ અને બેગ લઇને ઓફિસે જવા નીકળી ગયો. ઉર્વશી તો ડઘાઇ જ ગઇ. વિનયનું આવું સ્વરૂપ એણે પહેલી વાર જોયું. પોતાને રાત્રે અપાર પ્રેમવર્ષામાં તરબોળ કરી દેનાર વિનય આ જ હતો..? એની વિચારતંદ્રા સાસુમાના કર્કશ સ્વરે તોડી, `અરે એ મહારાણી, ક્યાં સુધી બેસી રહેશો ? ઘરનું કામકાજ કોણ કરશે?’ અને એ તરત ઊભી થઇ ગઇ હતી. રસોઇ કરતાં કરતાં જેઠાણી સાથે વાત થઇ ત્યારે જેઠાણીએ કહ્યું, `ઉર્વશી, ભૂલી જા બધું. આપણે હવે આ ઘરની વહુ છીએ. બીજું કંઇ જ નહીં.’ ઉર્વશીના મનમાં જેઠાણીની વાત ઊંડે સુધી ઊતરી ગઇ. માત્ર વહુ બીજું કંઇ જ નહીં... તો અત્યાર સુધી કરેલો અભ્યાસ પોતે જોયેલા સમણાં એ બધાંનું શું ? અને કોણે કહ્યું કે સ્ત્રી વહુ બને તો બીજું કંઇ જ ન બની શકે ? જોકે એ પછી એના પર રાત-દિવસ એની દરેક હિલચાલ અને પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવતી.

એને શાક લેવા જવા પણ ઘરની બહાર નીકળવા દેવામાં આવતી નહીં. એ સવારે ઊઠીને ઘરના કામકાજમાં પ્રવૃત્ત થઇ જતી અને રાત્રે વિનયની ઇચ્છા સંતોષતી. ઉર્વશીનું આગવું કોઇ અસ્તિત્વ જ નહોતું. એટલે જ આજે આકાશમાં ઊડતાં આ પંખીઓ, રસ્તા પર આવતાં-જતાં લોકો અને નીચે રમતાં બાળકોનું નિર્દોષ મુક્ત હાસ્ય જોઇને એ ઉદાસ થઇ ગઇ હતી. એને જીવવું હતું. આકાશમાં ઊડવું હતું. એ ઇચ્છતી હતી કે પોતે પણ બીજા લોકોની માફક ઇચ્છાનુસાર ક્યાંક જાય-આવે. વિચારતાં વિચારતાં એની આંખોમાં પળવાર ઝળઝળિયાં આવી ગયાં. પોતે વિનયને સમજવામાં કેવી થાપ ખાઇ ગઇ હતી અને હવે તો પપ્પાને ત્યાં પણ... એને યાદ આવ્યું, એ ઘણી વાર લાડથી પપ્પાને કહેતી, `પપ્પા, એક દિવસ લોકો તમારી દીકરીનું નામ ગર્વથી લેતાં હશે. તમે નીકળશો તો લોકો કહેશે, ઉર્વશીના પપ્પા જાય છે. અને પપ્પા પણ એને પ્રોત્સાહિત કરતાં, હા બેટા, મારા માટે તું તારા ભાઇઓની જેમ દીકરો જ છે. મને તારા પર વિશ્વાસ છે. મારી દીકરી એક દિવસ ચોક્કસ મારું નામ ઉજાળશે.’ આ વાત યાદ આવતાં

અનાયાસ જ એની આંખની કિનારીએથી એક બિંદુ સરી પડ્યું અને બીજી જ પળે એને વિચાર આવ્યો, `ના.... ભલે મમ્મી-પપ્પા અને ભાઇઓએ મને તરછોડી, સાસરિયાંમાં મને માન નથી મળ્યું, પણ હું એક સુશિક્ષિત સ્ત્રી છું. માત્ર વહુ જ નથી, મારું આગવું અસ્તિત્વ છે.’

સાંજે વિનય ઓફિસેથી આવ્યો, ત્યારે ઉર્વશી દેખાઇ નહીં. એને થયું કે કંઇ કામ કરતી હશે અંદર, પણ રાત્રે જમતી વખતે પણ એને ઉર્વશી દેખાઇ નહીં. મમ્મીને પૂછ્યું, તો જવાબ મળ્યો, `ભાઇ, તારી પ્રેમાળ પત્ની ક્યાં હોય એની મને શી ખબર...?’ અને એ ચૂપચાપ પોતાના રૂમમાં આવ્યો. વિચારવા લાગ્યો, `ક્યાં ગઇ હશે ? આજ દિવસ સુધી એ પોતાને કહ્યા વિના ક્યાંય ગઇ નથી. એના પપ્પાના ઘરે તો જાય એમ નથી. તો પછી....’ આ વિચારમાં ને વિચારમાં એ ઊંઘી ગયો. એકાદ અઠવાડિયું નીકળી ગયું. વિનય વિચારતો હશે, `જ્યાં ગઇ હશે ત્યાંથી પાછી આવી જશે. મારા વિના એને કોણ રાખવાનું છે.’ અને દિવસો આમ જ પસાર થતાં ગયાં. રાત્રે ઘણી વાર વિનયને ઉર્વશીની જરૂર અનુભવાતી અને એવા સમયે એને એ યાદ આવતી, પણ એનામાં રહેલો પુરુષ તરત જ જાગી ઊઠતો, `મને કહ્યા વિના ગઇ છે. ઘરમાં પણ કોઇને કંઇ કહ્યું નથી. ભટકતી હશે ગમે ત્યાં. મારે શું. આવશે એની જાતે પાછી.’

એક દિવસ વિનયની ઓફિસમાં તમામ કમ્પ્યુટર્સમાં વાઇરસ આવી જતાં બધું કામકાજ ઠપ થઇ ગયું. કોઇ કમ્પ્યુટર્સ કામ કરતા નહોતા. જેવા શરૂ કરે કે તરત જ હેંગ થઇ જતાં. એકાદ દિવસ તો કંપનીના સોફ્ટવેર એન્જિનીયરે પ્રયત્ન કર્યો કે જેમ તેમ કરીને કમ્પ્યુટર્સ સીસ્ટમ્સમાંથી વાઇરસ દૂર કરે પરંતુ કોણ જાણે કેમ કંઇ ઉકેલ જ નહોતો આવતો. આખરે એણે કંટાળીને વિનયને કહ્યું, `વિનયભાઇ, આટલા બધા કમ્પ્યુટર્સને એકસાથે પહોંચી વળી શકું એમ નથી. તમે કહો તો મારા પરિચિત એક બહેન છે, તેમને બોલાવું. એ પણ સોફ્ટવેર એન્જિનીયર છે અને મારાથી પણ હોશિયાર છે.’ વિનયે કહ્યું, `ગમે તે કરો, પણ ઝડપથી કામ શરૂ કરાવો. આમ ને આમ કેટલા દિવસ નીકળશે અને રોજની જે ખોટ જાય છે એ વધારામાં.’

સોફ્ટવેર એન્જિનીયરે ફોન કર્યો, `હલ્લો... મોન્ટેક કંપની... જરા મેડમ સાથે વાત કરાવી આપશો ?’ સોફ્ટવેર એન્જિનીયર મોબાઇલ પર વાત કરી રહ્યો હતો, `મેડમ, વિનય ટ્રેડિંગ કંપનીમાંથી વાત કરું છું. અમારી બધી કમ્પ્યુટર સીસ્ટમ્સમાં વાઇરસ આવી ગયો છે અને... મેડમ... મેડમ...’ પછી થોડી વાર સામે જે કહેવામાં આવ્યું એ સાંભળીને બોલ્યો, `મેડમ... પ્લીઝ.... હું જાણું છું કે તમે ખૂબ બિઝી છો, પણ પ્લીઝ અમારી કંપનીમાં છેલ્લા બે દિવસથી કંઇ કામ નથી થયું અને બે દિવસથી પ્રયત્ન કરવા છતાં સીસ્ટમ્સ કામ નથી કરતી. મારી નોકરીનો સવાલ છે, મેડમ... પ્લીઝ મને હેલ્પ કરો...’ અને પછી સામેથી વાત સાંભળીને એ આનંદ સાથે બોલ્યો, `ઓહ... થેન્ક્સ મેડમ..... ઓકે. હું હમણાં જ મારા સરને વાત કરું છું. સો નાઇસ ઓફ યુ.... થેન્ક્સ અ લોટ મેડમ....’ અને એણે વિનયને કહ્યું, `સર, એ મેડમ આવવા તૈયાર છે. આમ તો એ કોઇ કંપનીમાં ક્યારેય જતાં નથી, પણ આપણી કંપનીનું નામ સાંભળી એમણે શરત મૂકી છે કે જો તમે પોતે એમને લેવા જશો તો એ આવશે. સર... પ્લીઝ તમે જઇને લઇ આવો ને...’ વિનય સામે પણ એની વાત માનવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો.

એ કાર લઇને મોન્ટેક કંપનીમાં પહોંચ્યો. રિસેપ્શનિસ્ટને પોતાનું નામ અને કંપનીનું નામ જણાવી કહ્યું, એ કંપનીના સોફ્ટવેર એન્જિનીયરને લેવા માટે આવ્યો છે. રિસેપ્શનિસ્ટે એને ત્યાં બેસવા જણાવી ઇન્ટરકોમ પર વાત કરી, `મેડમ આપને લેવા માટે વિનય ટ્રેડિંગ કંપનીના વિનયભાઇ આવ્યા છે.’ અને થોડી જ વાર પછી એક કેબિનનું બારણું ખૂલ્યું અને તેમાંથી જે યુવતી બહાર આવી તેને જોઇને વિનય સ્તબ્ધ થઇ ગયો. એ ઉર્વશી હતી. હા, એની જ ઉર્વશી, જે ઘર છોડીને ચાલી ગઇ હતી અને જેના વિશે તપાસ કરવાનું પોતાને યોગ્ય નહોતું લાગ્યું. એક સમયની પોતાની પ્રાણપ્રિય પ્રિયતમા આજે સાવ અલગ લાગતી હતી. સુંદર રીતે પહેરેલી સાડી, શોલ્ડર કટ હેરસ્ટાઇલ, ચહેરા પર લાઇટ મેકઅપ અને તેને વધારે ચમકાવતો તેનો આત્મવિશ્વાસ.

વિનય બોલી ઊઠ્યો, `તું... તું.. ઉર્વશી...’ એ બોલી, `યસ.... મિ. વિનય, લેટ્સ ગો...’ અને એ આગળ થઇ. કાર પાસે જઇને વિનયે ડ્રાઇવિંગ સીટ સંભાળી અને ઉર્વશી પાછળની સીટ પર બેઠી. વિનય આગળના મિરરમાંથી તેને જોઇ રહ્યો હતો. ઉર્વશીનો આત્મવિશ્વાસ અને તેના ચહેરા પરનું એ જ મનમોહક સ્મિત.

પોતાની ઓફિસે પહોંચ્યા પછી વિનય હજી કારમાંથી ઊતરે તે પહેલાં તો ઉર્વશી ઝડપથી નીચે ઊતરી અને ઓફિસમાં દાખલ થઇ ગઇ. ત્યાં તેના સોફ્ટવેર એન્જિનીયરને મળી એણે પ્રોબ્લેમ શું છે, તે જાણી લીધું અને લગભગ પોણા બે કલાક સુધી જાતજાતના સેટિંગ્સ ચેન્જ કરતી રહી. બે કલાક પછી વિનયની ઓફિસના તમામ કમ્પ્યુટર્સ કામ કરવા લાગ્યાં.

ઉર્વશી પોતાની ઓફિસે જવા નીકળી ત્યારે વિનય એની પાછળ પાછળ ગયો. એણે ઉર્વશીને ઓફિસની બહાર અટકાવી દેતાં કહ્યું, `ઉરુ, તું અચાનક ક્યાં ચાલી ગઇ હતી ? તને ખબર છે, મને તારી કેટલી ચિંતા થતી હતી ? ચાલ, હવે આપણા ઘરે. તારા વિના હું નહીં રહી શકું.’ ઉર્વશીએ એની સામે એક નજર નાખીને જવાબ આપ્યો, `તમે મારા વિના રહી નથી શકતા અને તમે મારી કેટલી ચિંતા છે તેનો ખ્યાલ તો મને માત્ર એક જ અઠવાડિયામાં આવી ગયો હતો જ્યારે હું ઘરેથી નીકળીને સામે જ એક નાનકડી રૂમમાં રહી હતી. મેં જોયું હતું કે તમને કે તમરા પરિવારને મારા જવાથી કે રહેવાથી કંઇ ફરક નહોતો પડ્યો. તમે મારા માટે તપાસ કરવાનું પણ મુનાસિબ નહોતું માન્યું. મિ. વિનય, હું એક સ્ત્રી છું અને આજના જમાનાની સ્ત્રી છું. મારું પણ અસ્તિત્વ છે અને મારા અસ્તિત્વને વિસારે પાડીને માત્ર વહુ બનીને હું રહેવા નથી માગતી. તમને જરૂર મારી નથી, મારા શરીરની છે અને એ માટે મારા તરફથી તમને છૂટ છે કે તમે કોઇ બીજી યુવતી સાથે લગ્ન કરી લો જે તમારા ઘરમાં પોતાનું અસ્તિત્વ વિસારે પાડી માત્ર વહુ બનીને રહે અને રાત્રે તમારી જરૂરિયાત પૂરી કરે. ગુડબાય મિ. વિનય... આજ પછી મને મળવાનો પ્રયત્ન ન કરતાં.’ અને ઉર્વશી શાંતિથી છતાં ગર્વભરી ચાલે ત્યાંથી ચાલી ગઇ. વિનય એને જતાં જોઇ રહ્યો. ઉર્વશીએ માત્ર વહુ ન બની રહેતાં પોતાના અસ્તિત્વને આજે સાચા અર્થમાં પુરવાર કરી બતાવ્યું હતું. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational