Shefali Ami

Others

3  

Shefali Ami

Others

શૈલીની આંખનો ઉજાસ

શૈલીની આંખનો ઉજાસ

7 mins
14.6K


શૈલીની આંખોનું આજે ઓપરેશન હતું. ગયા અઠવાડિયે એ કોલેજથી આવતી હતી ત્યારે સાથે સાથે સૌરવ પણ બાઇક લઇને એની સાથે હતો. બંને વાતો કરતાં પોતપોતાના વ્હીકલ પર આવી રહ્યાં હતાં. વરસાદનું એક જોરદાર ઝાપટું પડ્યા પછી હવે એની રફ્તાર થોડી ઓછી થઇ હતી અને ઝરમર ઝરમર વરસતા વરસાદમાં ભીંજાવાની મજા માણતાં બંને આવી રહ્યાં હતાં.

કોલેજનો સમયગાળો એટલે યુવાનીની એવી મસ્તી જેને જમાનાની કોઇ જ પરવા નથી હોતી. એમની આગવી દુનિયા હોય છે, પોતાની મસ્તીની, પોતાના આનંદની. શૈલી અને સૌરવ પણ એવી જ રીતે પોતાની રીતે મસ્તી કરતાં, વાત કરતાં આવી રહ્યાં હતાં. ક્યારેક બંને વાતો કરતાં, તો ક્યારેક એકબીજાને ક્રોસ કરવાની રમત કરતાં, ક્યારેક વળી કોણ વધારે ઝડપથી આગળ નીકળે એ રીતે પોતાનાં વ્હીકલની સ્પીડ વધારીને એકબીજાને પાછળ રાખી દેતાં. આમ, બંને ઘર તરફ આવી રહ્યાં હતાં.

બંનેના ઘરમાં તેમની મૈત્રી વિશે જાણ હતી એટલે બંને બિન્દાસ્ત હતાં. આવી મસ્તી કરવામાં બંનેમાંથી કોઇને ધ્યાન ન રહ્યું કે તેઓ કેટલી સ્પીડે આગળ વધી રહ્યાં છે. એક ક્રોસરોડ પર રેડ સિગ્નલ થતાં સૌરવને અટકી જવું પડ્યું અને શૈલી આગળ નીકળી ગઇ. પોતાના એક્ટિવા પર મસ્તીથી એ તો સ્પીડ વધાર્યે જ જતી હતી. બંને વચ્ચે આજે શરત લાગી હતી કે જે પહેલું ઘરે પહોંચે એણે બીજાને ટ્રીટ આપવાની. ટ્રીટ પણ કેવી? અમદાવાદના મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોઇ, પછી એસ.જી. રોડ પર આવેલી ફાઇવસ્ટાર હોટલમાં ડિનર. અત્યાર સુધી એવું બન્યું હતું કે શરતમાં કાયમ શૈલી જ જીતતી અને જ્યારે ને ત્યારે સૌરવને ઘરે ઠપકો સાંભળ‌વો પડતો કે, ‘તમે બંને હવે નાનાં નથી અને એટલું તો સમજો કે આવી શરતો મારવાની ન હોય! ઠીક છે, નાની નાની વાતમાં તમે બંને સામાન્ય શરત રાખો, પણ આ રીતે કોણ વહેલું પહોંચે અને જીતનારને ટ્રીટ આપે... આવું તે હોતું હશે?’ પણ યૌવનનો ઉન્માદ આ એક પણ વાક્યને કાનમાંથી અંદર સુધી પહોંચવા ન દેતો.

એ દિવસે પણ બંનેએ શરત મારી અને શૈલી આગળ નીકળી ગઇ. જ્યારે સૌરવ રેડ સિગ્નલ ગ્રીન થાય તેની રાહમાં હતો. સિગ્નલ ગ્રીન થતાં જ એણે બાઇક ભગાવી... કાંટો લગભગ 100ની સ્પીડે પહોંચી ગયો, એની નજર શૈલીને શોધતી હતી, પણ શૈલી તો જાણે ક્યાં ગાયબ થઇ ગઇ હતી કે ક્યાંય દેખાતી જ નહોતી. સૌરવે ચાલુ બાઇકે જ ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો અને શૈલીનો નંબર ડાયલ કર્યો. સામેથી શૈલીનો અવાજ સંભળાયો, ‘સૌરવ પ્લીઝ, જલદી આવ... મારી એક્ટિવા સ્લીપ થઇ ગઇ છે અને પગ મચકોડાઇ ગયો છે. મારાથી ચલાતું નથી...’ આટલું સાંભળતા જ સૌરવે બાઇકની સ્પીડ વધારી દીધી.  એ પૂછવાનું ભૂલી ગયો કે શૈલી ક્યાં છે? એની નજર શૈલી અને એના એક્ટિવાને શોધવા આમતેમ ફરતી હતી.

કોણ જાણે ક્યાં હશે શૈલી? વિચારતો સૌરવ બાઇકની સ્પીડ વધારતો જ ગયો. હકીકત તો એ હતી કે શૈલી ભલે આગળ નીકળી ગઇ હતી, સૌરવથી, પણ જ્યારે સિગ્નલ ગ્રીન થયો અને સૌરવની બાઇક ઘર તરફ વળી ત્યારે થોડા જ અંતરેથી શૈલી સૌરવની રાહ જોતી આગળ ઊભી હતી. સૌરવને આવતો જોતાં એ એક કારની પાછળ એક્ટિવા લઇને ઊભી રહી ગઇ અને જેવો સૌરવ આગળ નીકળ્યો કે એ એની પાછળ એક્ટિવા ચલાવવા લાગી હતી. પોતાની આગળ બાઇક લઇને જઇ રહેલા સૌરવને હાંફળો-ફાંફળો થયેલો જોઇ મનોમન હસતી હતી. એટલે જ જ્યારે સૌરવે એને મોબાઇલ કર્યો ત્યારે એણે સહેજ પાછળ રહીને એવો જવાબ આપ્યો. 

શૈલીને શોધવા માટે સૌરવ એટલો તત્પર બની ગયો હતો કે સામેથી ટ્રક આવી રહ્યો છે, તેનો તેને ખ્યાલ જ ન રહ્યો. શૈલી ભલે સૌરવની પાછળ એની ઉતાવળની મજા માણતી હતી, પણ એ સાચવીને એક્ટિવા ચલાવતી હતી. એની નજર સામેથી આવતાં ટ્રાફિક પર પણ હતી અને જ્યારે એણે સામેથી આવતા ટ્રકને જોયો ત્યારે એનાથી ન રહેવાયું. એણે ઝડપથી એક્ટિવા સૌરવના બાઇકની આગળ લીધું. ‘સૌરવ....’ અને એક ધડાકાભેર એક્ટિવા ટ્રક સાથે અથડાયું અને... સૌરવનું પણ બેલન્સ ન રહ્યું... ટ્રકના વ્હીલ તો એની ઝડપે દોડી રહ્યાં હતા તે દોડતાં જ રહ્યા... શૈલીને એટલું યાદ હતું કે સૌરવને એણે બાઇક પરથી ફંગોળાતા જોયો હતો.

બસ! પછી જ્યારે એ ભાનમાં આવી ત્યારે કદાચ હોસ્પિટલમાં હતી. એની આંખો પર જાણે ખૂબ વજન હોય એવું લાગતું હતું. એણે ચીસ પાડી, ‘મમ્મી.... મમ્મી.... સૌરવ.... સૌરવને કોઇ બચાવો...’ એનાં મમ્મી ત્યાં જ હતાં. એમણે હળવેથી શૈલીના માથે હાથ ફેરવતાં કહ્યું, ‘શૈલી બેટા... શાંતિ રાખ... સૌરવ સાજોસારો જ છે..’ પરંતુ શૈલીને તો સૌરવનો અવાજ સાંભળવો હતો, એની સાથે વાતો કરવી હતી, તકલીફ એ હતી કે એની આસપાસ શું થઇ રહ્યું છે તેની એને કશી જ ખબર પડતી નહોતી. હા, એક વાતાવરણ ભારેખમ હોય એવો અનુભવ એને થઇ રહ્યો હતો. એને માત્ર એટલો ખ્યાલ આવ્યો કે મમ્મી એની પાસે બેસીને માથે હાથ ફેરવતાં હતાં.

આખરે એનાથી ન રહેવાયું. એણે પૂછ્યું, ‘મમ્મી... મમ્મી.... સૌરવને બોલાવ ને... મારે એને જોવો છે. એની સાથે વાત કરવી છે.... એ ક્યાં છે?’ એનાં મમ્મીએ જવાબ આપ્યો, ‘બેટા, તારો એક્સિડન્ટ થયો ત્યારે સૌરવને પણ થોડું વાગ્યું છે એને બીજા રૂમમાં રાખ્યો છે. તારું ઓપરેશન થઇ જશે, પછી તું એને જરૂર મળી શકીશ. એની સાથે વાત કરી શકીશ. અત્યારે એની પાસે પણ એનાં મમ્મી-પપ્પા બેઠાં છે. તું આરામ કર.’ શૈલીએ કહ્યું, ‘ઓપરેશન? શાનું ઓપરેશન? અને મારી આંખો પર આટલું વજન કેમ લાગે છે?’ ત્યારે મમ્મીએ કહ્યું, ‘તારી આંખોનું બેટા, ડોક્ટરે કહ્યું છે, માઇનોર ઓપરેશન છે, થોડી જ વાર લાગશે.’ અને એ બોલી, ‘પછી તો હું સૌરવને મળી શકીશ ને? મારે સૌરવને જોવો છે. એને મળવું છે. વાતો કરવી છે.’

‘એક્સક્યુઝ મી.... પેશન્ટને ઓપરેશન માટે લઇ જવાનાં છે. પ્લીઝ, અમારે તેમનાં કપડાં બદલાવવા છે, તમે થોડી વાર માટે....’ નર્સનો અવાજ સંભળાયો. એ ઘડી આવી પહોંચી. શૈલીને તો ખબર નહોતી પડતી કે એની સાથે શું થઇ રહ્યું છે? એ નર્સે જેમ કહ્યું તેમ કરતી ગઇ. એણે નર્સની મદદ લઇ કપડાં બદલી નાખ્યા અને ઓપરેશન માટે તૈયાર થઇ ગઇ. એનાં મનમાં વિચારો ચાલી રહ્યા હતા, ‘ઓપરેશન પછી હું સૌરવને જોઇ શકીશ. એની સાથે વાતો કરીશ. કેટલા દિવસથી એની સાથે મસ્તી નથી કરી, હવે ફરી મસ્તી કરીશું બંને....’ અને નર્સ એને સ્ટ્રેચર પર સૂવડાવીને ઓપરેશન થિયેટરમાં લઇ ગઇ. ઓપરેશન થિયેટરમાં એને એનેસ્થેસિયા આપવામાં આવ્યું અને પછી જ્યારે એ ભાનમં આવી ત્યારે હજી પણ એની આંખો પર પાટો બાંધેલો હતો. લગભગ છ-સાત દિવસ આમ જ પસાર થઇ ગયાં. બધાં એને મળવા, એની ખબર પૂછવા આવતાં, પણ સૌરવ હજી આ‌વ્યો નહોતો. એને ગુસ્સો આવતો હતો, ‘એવો તે શું ઘાયલ થયો છે કે બાજુના રૂમમાં હોવા છતાં ખબર પૂછવા આવી શકતો નથી. એનાં મમ્મી-પપ્પા પણ નથી આ‌વતાં? એને વધારે વાગ્યું હશે? લાવ ને હું જ જાઉં એની પાસે...’ પણ કોઇ એને ઊઠવા દેતા નહોતાં.

આખરે એ દિવસ આવી પહોંચ્યો જ્યારે એની આંખ પરનો પાટો ખૂલવાનો હતો. એ હવે જોઇ શકશે. સૌરવને મળી શકશે. એ વિચારતી હતી, ‘પાટો ખૂલે એટલી જ વાર.... હું સૌરવને મળીને એવો ઠપકો આપું કે એને યાદ રહી જાય. ક્યારેય ભૂલે નહીં. હમણાં જ એની પાસે પહોંચી જાઉં...’ ડોક્ટર આવ્યા અને એનો પાટો ખોલ્યો. હળવે હળવે એને આંખ ખોલવાનું કહેવામાં આવ્યું. એણે આંખો ખોલી. ધીરે ધીરે... બધાંના ચહેરા પહેલા ઝાંખા દેખાતાં હતા... પછી સ્પષ્ટ અને વધારે સ્પષ્ટ દેખાવા લાગ્યાં. એની સામે મમ્મી-પપ્પા, ભાઇ, સૌરવનાં મમ્મી-પપ્પા ઊભા હતાં... સૌરવ નહોતો... સૌરવનાં મમ્મી-પપ્પાના ચહેરા પર આનંદ સાથે ક્યાંક દુ:ખની લહેરખી પણ છવાયેલી હતી.

એમને જોતાં જ શૈલી બોલી ઊઠી, ‘અંકલ-આન્ટી, સૌરવ ક્યાં છે? આટલા દિવસથી હું હોસ્પિટલમાં છું મને એક વાર પણ મળ‌વા નથી આવ્યો... મમ્મી કહેતી હતી એને વાગ્યું છે.... ખૂબ વાગ્યું છે. મને એની પાસે લઇ જાવ ને....’ સૌરવનાં મમ્મી-પપ્પાએ કહ્યું, ‘તને કાલે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાનાં છે ને... તું જ ઘરે આવીને એને મળી લેજે અને તમારે બંનેએ જેટલું ઝઘડવું હોય, મસ્તી કરવી હોય તે કરજો.... તમને કોઇ નહીં રોકે...’ કહેતાંમાં તો સૌરવનાં મમ્મીની આંખમાં આંસુ આવી ગયાં, પણ એ પરાણે હસવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં.

આખરે શૈલીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો. એ ઘરે આવી, પણ પહેલાં એને સૌરવને મળવું હતું. એની ખબર પૂછવા સાથે એને એ પણ પૂછવું હતું કે કેમ આટલા દિવસો એને મળવા ન આવ્યો? એ પોતાના ઘરે જવાને બદલે સીધી સૌરવના ઘરે પહોંચી. કમ્પાઉન્ડના ગેટ પાસેથી જ એણે બૂમ પાડી, ‘સૌરવ... ક્યાં છે?..... સૌરવ.... સૌરવ...’ અને એ ઝડપથી ગેટ ખોલી ડ્રોઇંગરૂમમાં ગઇ. ડ્રોઇંગરૂમમાં પગ મૂકતાં એનાં પગ ત્યાં જ સ્થિર થઇ ગયાં. સામે જ સૌરવનો ફોટો લટકતો હતો. ફોટાને હાર પહેરાવેલો હતો અને સામે ધૂપસળી સળગતી હતી. શૈલી ત્યાં જ જડવત્ થઇ ગઇ. સૌરવ... એને ચક્કર આવતાં હોય એવું લાગ્યું. ઝડપથી બારણું પકડી લીધું. એટલી વારમાં બધાં ત્યાં આવી પહોંચ્યાં હતાં. સૌરવનાં મમ્મીએ એના માથે હાથ ફેરવતાં કહ્યું, ‘શૈલી, બેટા, સૌરવ તો... હવે....’ ‘ના... એવું ન બની શકે આન્ટી, સૌરવ તો મારો ખાસ મિત્ર. એ મને મૂકીને ક્યાંય ન જાય.’ શૈલી બોલી, ત્યારે એનાં પપ્પાએ મક્કમ સ્વરે કહ્યું, ‘શૈલી બેટા, તારી આંખોનું ઓપરેશન એટલા માટે જ કરવામાં આવ્યું કેમ કે તારો એક્સિડન્ટ થયો ત્યારે તારા મગજને મૂઢ મારને લીધે આંખો સુધી લોહી પહોંચાડતી નસ દબાઇ ગઇ હતી. જ્યારે સૌરવ તો એ ટ્રકની ટક્કર લાગવાથી ફંગોળાયેલા બાઇક સાથે સો કિ.મી. જેટલો દૂર ફંગોળાઇ ગયો હતો. એ ત્યાં જ મૃત્યુ પામ્યો હતો. તું કદાચ કાયમ માટે નજર ગુમાવી બેસે એવી ડોક્ટરને શંકા હતી. સૌરવનું પોસ્ટમોર્ટમ કર્યા પછી અમને જણાવવામાં આવ્યું કે સૌરવની આંખ સારી હોવાથી તમે ઇચ્છો તો એની આંખનું દાન કરી શકો છો. અમને તરત તારો વિચાર આ‌વ્યો કે જો સૌરવની આંખ તને આપવામાં આવે તો તું જોઇ શકે. અમે ડોક્ટરને વાત કરી તો ડોક્ટર પણ એ માટે રાજી થઇ ગયા. અત્યારે તું જે જોઇ રહી છે તે સૌરવની આંખથી જોઇ રહી છે. સૌરવ ક્યાંય નથી ગયો, શૈલી બેટા. એ તો તારી આંખમાં જ વસેલો છે.’ સૌરવના પપ્પાની વાત સાંભળી શૈલી રડી પડી. એના મિત્રે જતાં જતાં પણ એની મદદ કરી હતી. આજે એ આ દુનિયા જોઇ રહી હતી, તો સૌરવની આંખથી.... એણે જઇને સૌરવના ફોટા સામે હાથ જોડ્યાં અને બોલી, ‘સૌરવ, તેં સાચે જ મૈત્રી નિભાવી. તું જતાં જતાં પણ કાયમ માટે મારામાં વસી ગયો....’ દીવાલ પર લગાવેલા ફોટામાં સૌરવના ચહેરા પર મધુર સ્મિત તરવરતું હતું. જાણે કે કહેતો હોય, ‘હું મારી આંખથી તને જોઇ શકીશ અને કાયમ માટે તારી સાથે રહી શકીશ.’


Rate this content
Log in