Shefali Ami

Others

4  

Shefali Ami

Others

પવનની એક લહેરખી

પવનની એક લહેરખી

8 mins
14.3K


 

આ વાતને વાર્તાનું રૂપ આપ્યું છે, પણ તે સત્યઘટના પર આધારિત છે કેમ કે આ અનુભવ મારો પોતાનો છે. લગભગ પચીસેક વર્ષ પહેલાં મારાં મમ્મી-ડેડી જીવિત હતાં, ત્યારે અમે જે ફ્લેટમાં રહેતા હતાં તેના કરતાં એક વધારે સારો અને મોટો ફ્લેટ લીધો હતો. મારા ડેડીની ઇચ્છા હતી કે શહેરથી થોડા નજીક, વળી વિકસી રહેલો વિસ્તાર અને એમાં આપણા બજેટમાં ફ્લેટ મળતો હોય તો સારું. દરેક માળ પર માત્ર બે એમ ત્રણ માળના છ ફ્લેટ હતા. ત્રીજા માળે પાંચ અને છ નંબરના ફ્લેટ ખાલી હતા, તેમાંથી અમારી ઇચ્છા પાંચ નંબરનો ફ્લેટ લેવાની હતી, પણ છ નંબરનો ફ્લેટ સારો અને પાડોશીઓ સાથે પણ સંપર્કમાં રહી શકાય એવો હોવાથી અમને - ડેડી, મમ્મી અને મને તે યોગ્ય લાગ્યું. ડોક્યુમેન્ટ્સ-પેમેન્ટ બધું થઈ ગયું.

આપણા હિંદુઓમાં વસંતપંચમી એટલે વણજોયું મુહૂર્ત. અમે એ દિવસે ફ્લેટમાં વાસ્તુ કર્યું. નિયમાનુસાર વાસ્તુ કર્યા પછી નવા ઘરમાં રાત રોકાવાનું હોય એટલે અમે જૂનાં ઘરેથી શેતરંજી, પાણીની માટલી, વગેરે જરૂરી વસ્તુઓ લઈ ગયાં હતાં જેથી એકાદ-બે દિવસ રહીને પાછાં આવીએ. એ રાતે અમે સૂતાં અને... મોડી રાતનાં લગભગ દોઢ-બે વાગ્યાની આસપાસ મારાં મમ્મીને ગભરામણ થવા લાગી. છાતી પર ભાર લાગવા માંડ્યો અને એને લાગ્યું કોઈ એની છાતી ભીંસી રહ્યું છે. એણે ડેડીને જગાડ્યા. ડેડીએ કહ્યું, ‘જગ્યા નવી છે એટલે તને આવું લાગતું હશે. તું સૂઈ જા. હું તારી પાસે બેઠો છું.’ મમ્મી પલંગ પર સૂતી પણ ફરી થોડી વાર રહીને એ જ અનુભવ થવા લાગ્યો. એ ઊંઘી ન શકી. આખી રાત આમ જ વીતી.

બીજા દિવસે હું જોબ પર ગઈ. ઘરે મમ્મી-ડેડી હતાં, ડેડીને બહાર જવું હતું, પણ મમ્મીને આખી રાતનો ઉજાગરો હોવાથી એમણે મમ્મીને ઊંઘી જવાનું કહ્યું અને પોતે એમની પાસે બેસી છાપાં વાંચતા રહ્યા. બીજા દિવસની રાતે પણ એ જ ઘટનાનું પુનરાવર્તન... અને ત્રીજા દિવસે અમે જૂનાં ઘરે પાછાં આવ્યાં ત્યારે રાતે મમ્મી શાંતિથી સૂઈ શકી. આમ થોડા દિવસ જવા દીધા. તે પછી અમે નક્કી કર્યું હવે થોડા દિવસ માટે નવા ઘરમાં રહેવા જઈએ તો ધીરે ધીરે મમ્મીને ત્યાં રહેવાની ટેવ પડે.

અમે નવા ઘરમાં સામાન શિફ્ટ કર્યો. ડેડી જરૂર લાગે તો બહાર નીકળે નહીંતર એમના કેટલાક મિત્રોને મળી પાછા આવે. મારે તો નિયમ મુજબ સવારે સાડા નવથી સાંજના સાડા પાંચની જોબ હતી. હું મારા સમયે નીકળી જાઉં. નવા ઘરમાં બધું બરાબર સેટ થઈ ગયું પણ મમ્મી સેટ નહોતી થતી. એને સતત એ જ અનુભવ થયા કરતા અને એ રાત્રે માંડ કલાક ઊંઘી શકતી. આખી રાત એ ગાયત્રીમંત્ર બોલ્યા કરતી અને... એક રાત્રે.. મમ્મીએ ડેડીને મોટેથી બૂમ પાડીને બે ઓળા બતાવ્યા... સફેદ રંગના વસ્ત્રો પહેરેલા બે ઓળા... મમ્મી-ડેડીની નજર સામે એમના બેડરૂમમાંથી પસાર થઈને બાલકનીમાંથી નીચે ઊતરી ગયા... ફ્લેટની પાછળ રેલવે ટ્રેક હતો. ડેડીએ પણ એ બંને ઓળાને ઊતરતાં તો જોયા પણ મમ્મીનો સ્વભાવ જાણતા હોવાથી એમણે કહ્યું, ‘કંઈ નથી. તું ખોટા વિચારો કરે છે. સૂઈ જા.’

પછી તો આવું રોજ બનવા લાગ્યું, પણ મને જાણ થઈ લગભગ મહિના પછી. હું એ રાતે મારા બેડરૂમમાં સૂતી હતી. મારા બેડરૂમની બાલકનીના બારણાં આગળ જાળી લગાવેલી હતી. જાળીને લોક મારીને હું બાલકનીનું બારણું ખુલ્લું રાખતી જેથી પવન આવે. પવનને લીધે અથડાય નહીં એ માટે મેં બારણાં વચ્ચે કપડું ભરાવી રાખેલું. રાતના લગભગ અઢી વાગ્યા હતા. મને ઊંઘ ન આવવાથી હું કેસેટપ્લેયર પર ગીતો સાંભળતી હતી. એવામાં અચાનક મારા રૂમનું બારણું ખૂલ્યું. રૂમમાં અંધારું હોવાથી મને લાગ્યું કે ડેડી છે અને જોવા આવ્યા હશે કે મેં બાલકનીની જાળીને લોક માર્યું છે કે નહીં. મને થયું જો ડેડીને કેસેટપ્લેયરનો અવાજ સંભળાશે તો ગુસ્સે થશે કે હજી જાગે છે. એટલે મેં હળવે રહીને કેસેટપ્લેયર બંધ કર્યું. ઊંઘતી હોવાનો ડોળ કરી હું ઝીણી નજરે જોતી રહી. એ ઓળો બાલકનીના બારણાં સુધી જઈ પાછો ફર્યો અને મારા બેડ પાસે થઈ બહાર નીકળી ગયો.

સવારે મેં ડેડીને પૂછ્યું કે રાતે તમે મારા રૂમમાં કેમ આવ્યા હતા? ત્યારે ડેડીએ કહ્યું, ‘હું તો આજે આખી રાત ઊઠ્યો જ નથી. તારી મમ્મી શાંતિથી ઊંઘી ગઈ હોવાથી હું પણ ઊંઘી ગયો હતો.’ ‘તો પછી મારા રૂમમાં રાતે કોણ આવ્યું હતું?’ મેં પૂછ્યું અને ડેડી ચોંકી ગયા. મને કહે, ‘ધીરેથી બોલ. તારી મમ્મી સાંભળી જશે તો રાતે સૂઈ નહીં શકે.’ એ પછી હું અને ડેડી એકલા પડ્યા ત્યારે ડેડીએ મને બધી વાત કરી કે મમ્મી રાતે સૂઈ નથી શકતી, એને અને ડેડીને બે ઓળા દેખાય છે,  એ મુખ્ય બારણાંમાંથી અંદર આવીને બાલકનીમાંથી નીચે ઊતરી જાય છે. ત્યારે મને લાગ્યું કે ચોક્કસ! કંઈક તો છે.

આડોશપાડોશમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે પહેલાં અહીં બંગલામાં એક બા-દાદા રહેતા હતાં. તેમના સંતાનો વિદેશમાં વસતા હતા અને બા-દાદાની ઇચ્છા હતી કે એ લોકો અહીં આવીને રહે, પણ કોઈ આવ્યા નહીં. આવી ઇચ્છા મનમાં લઈને જ એ બંને અવસાન પામ્યાં હતાં. કહે છે કે એમનો જીવ અહીં જ ભટકે છે. આ સાંભળ્યા પછી મને અને ડેડીને ખાતરી થઈ ગઈ કે ચોક્કસ મમ્મીને જે ઓળા દેખાય છે એ પેલા બે મૃતાત્માના જ છે, પણ મમ્મીને આ વાતની જાણ કરીએ તો તો એનું હાર્ટ બેસી જાય! મને પણ કેટલીક વાર એ બંને ઓળા દેખાતા, પણ મને એનો ડર ન લાગતો હોવાથી ખાસ અસર ન થતી. એકવાર હું જમવા બેઠી હતી અને રીતસર મુખ્ય બારણું ખૂલ્યું અને કોઈ બહેન સફેદ સાડી ઓઢીને અંદર આવ્યાં અને મમ્મી-ડેડીના બેડરૂમમાં જતાં રહ્યાં એવું દેખાયું. મેં જોયું અને ચૂપચાપ જમીને હું ઓફિસે જતી રહી. મારા એક પરિચિત ઓફિસે મને મળવા આવ્યા, તેમને મેં વાત કરી કેમ કે એ અમારા પરિવારના નિકટતમ લોકોમાંના એક હતા.

એ અંકલને ફ્લેટની વાત કરતાં જ એમના હાવભાવ બદલાઈ ગયા. એમના હાથમાંથી સિગારેટ પડી ગઈ અને કોલ્ડડ્રિંકની બોટલ ટેબલ પર મૂકી અને જે વાત કરી એનાથી હું દંગ જ થઈ ગઈ. એમને મેં વાતની શરૂઆત કરી હતી તે અટકાવીને પોતાની વાત કહેવાનું શરૂ કર્યું. મારા ઘરનું આખું શબ્દચિત્ર જણાવ્યા પછી એમણે જણાવ્યું કે, ‘તારા ઘરમાં બે ઓળા જે ફરે છે એ તમારા ફ્લેટની જગ્યાના માલિક છે અને જો વહેલી તકે તમે લોકો એ ઘર ખાલી નહીં કરો તો બનવાજોગ છે કે તમારા ત્રણ જણના પરિવારમાંથી બે જ બાકી રહેશો.’ એમણે મને એ તમામ વાત કરી જે અમે ત્રણેયે અત્યાર સુધી આ નવા ઘરમાં અનુભવી હતી. કોઈ વ્યક્તિ જોયા વિના, મળ્યા વિના શબ્દશ: વર્ણન કરે તો તમને કેવું લાગે? બસ! હું પણ એ‌વું જ કંઈ અનુભવી રહી હતી. ઘરે આવીને મેં મારા ડેડીને આ વાત કરી.

આ દરમિયાન મમ્મીની તબિયત કંઈકેટલીય વાર ખરાબ થઈ ગઈ હતી. એક વાર તો એની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે દવાખાને લઈ ગયા પછી એ રીતસર કોમામાં જતી રહી અને લગભગ બે દિવસ પછી ભાનમાં આવી. મને પેલા અંકલના શબ્દો યાદ આવવા લાગ્યા કે ત્રણના પરિવારમાંથી બે જ બાકી રહેશો. હું મારી માને ગુમાવવા નહોતી ઈચ્છતી. મેં ડેડીને કહ્યું, ‘ડેડી, મને લાગે છે કે આપણે જૂનાં ઘરે પાછા જતાં રહીએ. મમ્મીની તબિયત સારી થાય પછી આવીશું.’ ડેડીએ મને કહ્યું, ‘આવી ખોટી વાતો ન કર. કંઈ નથી થવાનું તારી મમ્મીને. તબિયત તો એની આવી નાજુક પહેલાંથી જ છે.’

ડેડી સામે વધારે બોલવાની કે દલીલ કરવાની મારી ટેવ નહોતી અને ડેડીની થોડી ધાક પણ ખરી એટલે મેં ત્યારે વાત લંબાવી નહીં. એક વાર હું બાથરૂમમાં નહાવા બેઠેલી અને અચાનક જ બલ્બ બરાબર મારા માથા પર ફૂટ્યો. મારી ચીસ નીકળી ગઈ, પણ આશ્ચર્યની વાત એ હતી કે મને બિલકુલ ઈજા નહોતી થઈ. અરે! કાચની એક કરચ સુદ્ધાં દેખાઈ નહીં. આ અનુભવ વિચિત્ર લાગ્યો. વળી, એક રાત્રે ફરી મમ્મીને એ જ બંને ઓળા દેખાયા અને ત્યારે એણે હૈયું ચીરી નાખે એવી ચીસ પાડી... કે હું મારા બેડરૂમમાંથી દોડી આવી. એ પરસેવે રેબઝેબ અને ડેડી પણ થોડા અસ્વસ્થ હતા. મેં મારા અંકલને મારી ઓફિસે મળવા બોલાવ્યા અને બધી વાત કરી. ત્યારે મારા અંકલે મને કહ્યું, ‘હજી પણ સમય છે. તમે જ્યાં રહો છો એ ઘર બીજા કોઈનું છે. તમે જ વિચારો કે તમારા ઘરમાં કોઈ આવીને રહેવા લાગે તો તમને ગમે? અત્યારે તમે લોકો રહો છો એ એવી જ સ્થિતિ છે. વહેલી તકે ઘર ખાલી કરી દો અને પછી એક દિવસ આવી આ ઘરમાં વસતા એ જીવોની માફી માગી લો. હજી પણ સમય છે. ચેતી જાવ.’

મેં નક્કી કર્યું, કોઈ પણ સંજોગોમાં મારે ડેડીને ફરી જૂના ઘરે રહેવા જવા રાજી કરી જ લેવા છે. મેં જૂના ઘરે રહેતા મારા ડેડીના ફ્રેન્ડને વાત કરી અને ડેડીને સમજાવવા કહ્યું. એ અમારા ઘરે આવ્યા અને ડેડીને સમજાવ્યા. મમ્મીની હાલત વિશે વાત કરી અને આગ્રહ કર્યો કે થોડા દિવસ એમની તબિયત સારી થાય ત્યાં સુધી જૂના ઘરે પાછા આવી જાવ. નસીબજોગે ડેડીએ એમની વાત માન્ય રાખી અને નક્કી કર્યું કે સારું પાછાં જતાં રહીએ. મેં મારા અંકલને મારી ઓફિસે બોલાવ્યા અને કહ્યું કે, ‘અમે ફરી જૂનાં ઘરે જવાનાં છીએ. અમને આવા અનુભવ થયા છે.’ ત્યારે એમણે મને નવો ફ્લેટ ખાલી કર્યાં પછી ત્યાં જઈને રહેતા જીવોની માફી માગવાની વાત કરી. એમણે કહ્યું કે, ‘જ્યારે બધો સામાન શિફ્ટ થઈ જાય ત્યાર પછી તું તારી રીતે ફ્લેટમાં જઈ પાણિયારે દીવો કરી માફી માગીને કહેજે કે અમને ખ્યાલ નહોતો કે આ ઘર તમારું છે. અમારાથી અજાણતાં કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. દીવો કર્યા પછી એમ જ રાખી તું પાછળ જોયા વિના ઘરમાંથી નીકળી જજે અને કોઈને સાથે લઈ જજે જે ત્યાં લોક કરી દે. કંઈ પણ બોલવાનું નહીં કે બીજી કંઈ જ હરકત ન થાય તેનું ખાસ ધ્યાન રાખજે.’

એમણે જણાવ્યા પ્રમાણે હું મારી ઓફિસના એક ભાઈને લઈ બપોરના સમયે નવા ફ્લેટ પર ગઈ. મેં મારી સાથેના ભાઈને બહાર ઊભા રહેવાનું કહ્યું અને પહેલાંથી જ સમજાવી દીધેલું કે એમણે શું કરવાનું છે. ઉનાળાની ભરબપોરે ક્યાંયથી પવનનું નામ નહીં અને પરસેવાના રેલા ઊતરે એ‌વી સ્થિતિમાં મેં અંદર રસોડામાં પાણિયારે દીવો કર્યો અને માફી માગી. આ દરમિયાન દીવાની જ્યોત એવી રીતે ફફડતી હતી, જાણે ક્યાંયથી પવનના સૂસવાટા મારતા હોય અને તેમાં દીવો કર્યો હોય તો કેવી રીતે તે ફડફડે? ક્યાંય પવનની એક લહેરખી પણ નહોતી છતાં જ્યોત હમણાં બુઝાઈ જશે એવી ફડફડી રહી હતી. હું મારા અંકલે કહ્યા મુજબ વિધિ પતાવી બહાર નીકળી ગઈ અને પછી મારી સાથે આવેલા ભાઈએ બારણું બંધ કરી લોક મારી દીધું.

સમય જતાં મેં ડેડીને વાત કરી અને કહ્યું કે આવો અનુભવ થયો. ત્યારે મારા એ અંકલ ઘરે આવેલા તેમણે કહ્યું કે, ‘છોકરી તમારી હિંમતવાળી છે, નહીંતર બીજી કોઈ આવી હિંમત પણ ન કરે. તેના બદલે આ છોકરીએ જે હિંમત દાખવી એ માત્ર એ જ કરી શકે.’ એ વખતે ડેડીને ખ્યાલ આવ્યો કે કેવા ભયાનક વાતાવરણમાં અને ઘરમાં રહીને અમે ત્રણેય પાછા ફર્યાં. પછી તો ડેડીએ એ ફ્લેટ બિલ્ડરને જણાવી બીજા કોઈને વેચાણ આપી દીધો. ત્યાં રહેતા લોકો સુખી છે કે નહીં તે જોવા-જાણવા માટે હું નથી ગઈ... પણ મારા જીવનમાં છ મહિના મેં આ અન્ય દુનિયાના જીવ સાથે રહી અને મારાં મમ્મી-ડેડીને પાછાં લાવી એ યાદ આવે ત્યારે ઘણી વાર મારા રુવાંડા ખડાં થઈ જાય છે. ભલે બીક ન લાગે, આપણને કંઈ નુકસાન ન કરે, પરંતુ એવું કંઈક તત્વ તો છે જેની ઝપટે ક્યારેક તમે આવી જાવ તો મુશ્કેલીમાં મૂકાઈ પણ શકો.

 


Rate this content
Log in