Shefali Ami

Romance Abstract

3  

Shefali Ami

Romance Abstract

બાળપણની પ્રીત

બાળપણની પ્રીત

9 mins
14.2K


રિંકી અને રોહિત નાનપણથી જ સાથે મોટાં થયાં હતાં. બંનેના પરિવાર એક સોસાયટીમાં બાજુ-બાજુના ઘરમાં જ રહેતાં હોવાથી જ્યારથી રિંકી અને રોહિત સમજણા થયા ત્યારથી જ બંને વચ્ચે ખાસ મૈત્રી બંધાઇ ગઇ હતી. બંને મન પડે ત્યારે એકબીજાનાં ઘરે જતાં અને સાથે જમવાથી લઇને સાથે સૂઇ જવામાં પણ તેમને વાંધો ન આવતો. સમય જતાં વાર નથી લાગતી. જોતજોતાંમાં બંને દસમું ધોરણ પાસ કરી બારમા ધોરણમાં આવ્યાં અને હવે તેમના પર સમાજના પરંપરાગત પ્રતિબંધો લદાવા લાગ્યાં. રિંકીને કહેવામાં આવતું, `આખો દિવસ રોહિત… રોહિત… નહીં કરવાનું અને હવે આખો દિવસ એના ઘરે જઇને બેસવાનું નહીં. થોડી મર્યાદામાં રહેતાં શીખ’. બીજી તરફ રોહિતને પણ ટોકવામાં આવતો, `ઘડીએપડીએ શું રિંકી રિંકી કર્યા કરે છે ? તું નાનો નથી હવે તારી ઉંમરના મિત્રો સાથે હળતા-મળતા શીખ અને રિંકીની સાથે આખો દિવસ ફરવાનું નહીં. ભલે તમે સાથે ભણતાં હો.’

એ બંનેને સમજાતું નહોતું કે અત્યાર સુધી બંનેમાંથી કોઇને ટોકવામાં આવતા નહોતાં અને હવે અચાનક એવું તે શું થઇ ગયું છે કે બંનેના ઘરે આવવા-જવા પર અને હળવા-મળવા માટે ના કહેવામાં આવે છે ! હજી તો દસમા ધોરણની પરીક્ષામાં બંને વચ્ચે કોણ ફર્સ્ટ આવશે તેની શરતો લાગતી હતી અને બારમા ધોરણમાં આવતાંની સાથે અનાયાસ જ પ્રતિબંધો લદાવા લાગ્યા હતા.પરંતુ કહે છે ને કે જે બાબતની મનાઇ કરવામાં આવે, તેના જ માટે અવળચંડું માનવમન આકર્ષાય છે. રિંકી અને રોહિતના કિસ્સામાં એવું જ બન્યું. હવે બંને તેમના પરિવારના સભ્યોના દેખતાં એકબીજા સાથે ખાસ બોલતાં નહીં કે ઘરે જતાં નહીં, પરંતુ સ્કૂલમાં સાથે નાસ્તો કરવાથી લઇને એક જ બેન્ચ પર બેસવાનું અને સ્કૂલે સાથે આવતાં-જતાં. પરંતુ સોસાયટીમાં બંને આગળ-પાછળ જ પ્રવેશે જેથી ઘરના લોકોને તેમને કંઇ કહેવાનું બહાનું ન મળે.

જોકે તેમને એ ખબર નહોતી કે તેમનું આવું વર્તન જ તેમને સમાજ સામે વિપરીત રીતે પ્રસ્તુત કરશે. બારમા ધોરણની પરીક્ષા આપ્યા પછી જ્યારે રીઝલ્ટ આવ્યું ત્યારે બંને સરખા માર્ક્સથી પાસ થયા હતા અને એ દિવસે બંનેના માતા-પિતાએ મળીને સંયુક્ત પાર્ટી રાખી હતી. સોસાયટીના લોકોની સાથે રિંકી અને રોહિતના ગ્રૂપને પણ પાર્ટીમાં ઇન્વાઇટ કર્યાં હતાં. ઘણા સમય પછી રિંકી અને રોહિત આ પાર્ટીમાં સૌની સામે મુક્ત મને મળી શક્યાં. અત્યાર સુધી તો બંને છાનાંછપનાં જ મળતાં હતાં.

એ દિવસે પાર્ટીમાં રોહિતનો એક મિત્ર બોલી ગયો. `યાર રોહિત, હવે તો કોલેજમાં જવાનું. તેં કઇ કોલેજમાં એડમિશન લેવાનું વિચાર્યું છે ?’ ત્યારે બીજો મિત્ર બોલી ગયો, `પૂછવાની જરૂર શી છે યાર ? સીધી સમજાય એવી વાત છે કે જે કોલેજમાં રિંકી એડમિશન લેશે એમાં જ રોહિત પણ એડમિશન લેવાનો.’ આ વાત રિંકીના પપ્પા સાંભળી ગયાં. એ વખતે તો તેઓ કંઇ ન બોલ્યાં, પણ જ્યારે કોલેજમાં એડમિશન લેવાનું હતું ત્યારે તેમણે રિંકીને લેડિઝ કોલેજ હોય એમાં જ એડમિશન લેવાની સૂચના આપી દીધી. રિંકીએ કહ્યું, `પણ પપ્પા, મારે સાયન્સ સબ્જેક્ટ લેવા છે અને એમાં કોઇ લેડિઝ કોલેજ નથી.’ પપ્પાએ સ્પષ્ટ સ્વરે કહ્યું, `મારે કંઇ સાંભળવું નથી. તને જો સાયન્સ માટે લેડિઝ કોલેજ ન મળે તો સબ્જેક્ટ બદલી નાખ. પણ આગળ અભ્યાસ કરવો હોય તો લેડિઝ કોલેજમાં જ અભ્યાસ કરવાનો છે. નહીં તો ઘરમાં બેસ.’ રિંકી સમજી ગઇ કે પપ્પાની સામે દલીલ કરીને કંઇ વળવાનું નથી. એણે મમ્મીને વાત કરી, તો મમ્મીએ કહ્યું, `બેટા, હવે તું નાની નથી અને તારા પપ્પા સાચું કહે છે. તું લેડિઝ કોલેજમાં હોય તો અમને ચિંતા ન થાય.’

બીજી બાજુ રોહિતના ઘરમાં પણ આવી જ કંઇક ચર્ચા ચાલી રહી હતી. રોહિતના પપ્પાએ કહ્યું, `રોહિત, હવે તું નાનો નથી અને કોઇ સારી કોલેજમાં એડમિશન લે. રિંકી ભલે અત્યાર સુધી તારી સાથે ભણતી હતી, પણ હવે તમારા બંનેના રસ્તા અલગ છે. તારી રીતે કોઇ સારી કોલેજમાં એડમિશન લે અને અભ્યાસમાં ધ્યાન આપ. રિંકી સાથે વધારે હળવા-મળવાનું નહીં.’ રોહિત અને રિંકીને સમજાતું નહોતું કે અચાનક શું થઇ ગયું છે બધાને ! કેમ સૌ તેમને એકબીજા સાથે મળવાની ના કહે છે ! બંને મનોમન મૂંઝાયા કરતાં હતાં કે આખરે કેમ બધાં એમને મળતાં અટકાવે છે. અત્યાર સુધી તો કોઇને વાંધો નહોતો તેઓ એકબીજા સાથે ધમાલ-મસ્તી કરે, સાથે વાંચવા બેસે, જમે, હરે-ફરે કે ઘણી વાર એકબીજાના ઘરે સૂઇ જાય તો પણ કોઇ તેમને ટોકતાં નહોતા. હવે શું કામ આવી રીતે ના કહેવામાં આવે છે !

આખરે રિંકીએ હોમસાયન્સ લઇને લેડિઝ કોલેજમાં એડમિશન લીધું અને રોહિત કોમર્સ કોલેજમાં ફોર્મ ભરી આવ્યો અને બે જ દિવસમાં તેનું પણ કોમર્સ કોલેજમાં એડમિશન થઇ ગયું. અત્યાર સુધી બંનેમાંથી એકેયને કોઇ મિત્રની ખોટ સાલી નહોતી કેમ કે ઘર હોય કે સ્કૂલ, બંને સાથે જ રહેતાં. જ્યારે હવે કોલેજ અલગ હતી, સબ્જેક્ટ અલગ હતા અને સૌથી વિશેષ બંને હવે એકલાં હતાં. કોલેજ શરૂ થઇ તેનો એક મહિનો તો માંડ માંડ પસાર કર્યો બંનેએ. તેમને હવે ધીરે ધીરે ખ્યાલ આવવા લાગ્યો હતો કે કેમ તેમને મળવા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો હતો. શા માટે બંનેને અલગ કોલેજમાં અભ્યાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમના પરિવારજનો નહોતા ઇચ્છતાં કે તેમની મૈત્રીને લીધે પરિવારનું નામ બદનામ થાય અને તેમની પ્રતિષ્ઠા જોખમાય.

એક દિવસ રિંકી અને રોહિત રિવર ફ્રન્ટ પર મળ્યાં. બંનેએ એકબીજા સાથે ખૂબ વાતો કરી. પોતે એકબીજા વિના કેટલી એકલતા અનુભવે છે, તેની પણ બંનેએ ચર્ચા કરી. સારી એવી ચર્ચા બાદ તેમને સમજાઇ ગયું કે પરિવારજનો વચ્ચે ભલે ગમે તેટલો ગાઢસંબંધ કેમ ન હોય, પણ તેઓ આપણે બંને ન મળીએ તેમ ઇચ્છે છે. જ્યારે એ બંનેને પણ ખ્યાલ આવી ગયો હતો કે તેમની વચ્ચે હવે માત્ર મૈત્રી નહોતી રહી. બંને મૈત્રીથી વિશેષ લાગણી અનુભવી રહ્યાં હતાં. એકબીજાને ન જુએ તો કેમ તેમને ગમતું નહોતું એ વાત ધીમે ધીમે બંનેને સમજાઇ રહી હતી. આખરે એક દિવસ રોહિતે રિંકીને કહી જ દીધું, `રિંકી, હું તારા વિના રહી શકું એમ નથી. હું તને પ્રેમ કરું છું અને મારે એ જાણવું છે કે શું તું પણ મને એટલો જ પ્રેમ કરે છે ?’ ત્યારે રિંકીએ જવાબ આપ્યો, `રોહિત, નાનપણથી જ તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને બેસ્ટ ફ્રેન્ડથી વિશેષ પણ મેં તને ક્યારનો માની લીધો છે. તેં જ મને આ વાત કહેવામાં આટલું મોડું કર્યું.’ અને રોહિતે મોહક સ્મિત સાથે પોતના હાથ પહોળા કર્યાં તે સાથે જ રિંકી એના બાહુપાશમાં સમાઇ ગઇ. બંને વચ્ચેના પ્રેમના અંકુરનો ફણગો ફૂટી ચૂક્યો હતો અને ધીરે ધીરે તેનો છોડ આકાર લઇ રહ્યો હતો.

પરિવારજનોને જાણ ન થઇ જાય તે માટે હવે તેઓ વધારે સાવધાની રાખવા લાગ્યાં. પરંતુ મળવાનું તો તેમનું ચાલુ જ રહ્યું. ક્યારેક રીવરફ્રન્ટ પર, તો ક્યારેક કોલેજની પાછળ આવેલા શાંત રસ્તા પર. કોઇ વાર તો બંને પોતાના વિસ્તારથી દૂરદૂર શહેરના બીજા છેડે જઇને બેસતાં. પરંતુ ઇશ્ક ઔર આગ કભી નહીં છિપતે. એ અનુસાર સોસાયટીના કેટલાક લોકોએ તેમને ક્યાંક ને ક્યાંક જોયા હોય એ તેમને જોઇને ગુસપુસ કરતાં. દિવસે દિવસે ચણભણાટ વધતો ગયો અને એક દિવસ રિંકીના પપ્પાના કાને વાત આવી. તેમણે ગુસ્સામાં ઘરે આવીને રિંકીને પૂછ્યું, `રિંકી, તું રોહિતને કોલેજની બહાર ગમે ત્યાં મળે છે ? સાચું કહેજે.’ રિંકીએ સહેજ અચકાઇને જવાબ આપ્યો, `હા પપ્પા...’ `કેમ ? તમને બંનેને વધારે હળવા-મળવાની ના પાડી છે ને ?’ પપ્પાએ ફરી સવાલ કર્યો. આ વખતે રિંકીએ હિંમત કરીને જવાબ આપી જ દીધો, `પપ્પા, હું અને રોહિત એકબીજાને પ્રેમ કરીએ છીએ. લગ્ન કરવા માગીએ છીએ. હું રોહિત વિના નહીં રહી શકું અને રોહિત પણ મારા સિવાય બીજી કોઇ યુવતી સાથે લગ્ન નથી કરવાનો.’ બીજી તરફ રોહિતના ઘરમાં પણ આ જ ચર્ચા ચાલી અને અલ્ટિમેટમ અપાઇ ગયું બંનેને. `કોઇ જો હવે એકબીજને મળ્યા છો તો ખેર નથી તમારી.’

આ ઘટનાને અઠવાડિયા જેટલો સમય વીતી ગયો. ધીરે ધીરે ઘરનું વાતાવરણ શાંત થવા લાગ્યું. એક દિવસ તક જોઇને રિંકી અને રોહિત કાંકરિયાની પાછળ આવેલા રેસ્ટોરાંમાં મળ્યાં. બંને જ્યારે મળ્યા ત્યારે સૌથી પહેલાં તો મન ભરીને હૈયું ખાલી કર્યું. આંખોમાંથી વહેતાં આંસુ કોણ કોના લૂછે ! પણ અંતે સ્વસ્થ થઇને બંનેએ પોતાના ભવિષ્ય વિશે વિચારવાનું શરૂ કર્યું. રિંકી બોલી, `રોહિત, મને તો પપ્પાએ વોર્નિંગ આપી દીધી છે કે મારે તને નહીં મળવાનું. હું તારા વિના નહીં રહી શકું.’ રોહિતે પણ કહ્યું, `હા રિંકી, મને પણ ઘરેથી બધાંએ એવું જ કહ્યું છે. પણ તું ચિંતા ન કર. આપણે એમ એ લોકોના દબાણ સામે નમતું નહીં જોખીએ. એમણે આપણા પ્રેમનો સ્વીકાર કરવો જ પડશે.’ `પણ...’ રિંકી બોલી. રોહિતે કહ્યું, `તું ચિંતા ન કર, રિંકી... મારા પર વિશ્વાસ રાખ. એક દિવસ આપણું મિલન ચોક્કસ થશે.’ અને બંને ઘર તરફ રવાના થયાં. રિંકીના પપ્પાને આ વાતની જાણ થઇ, ત્યારે એમણે પોતાનો બેલ્ટ ત્યાં લટકતો હતો તે હાથમાં લીધો. એ તો સારું થયું કે એ જ વખતે રિંકીના મમ્મીએ વચ્ચે પડીને એમને અટકાવ્યા, `શું કરો છો તમે ? જુવાન દીકરી પર હાથ ઉપાડવાનું શોભે નહીં. તમે બહાર જાવ. હું એને સમજાવું છું.’ રિંકીના પપ્પા અકળાયેલા અને થોડા ગુસ્સામાં સોસાયટીની બહાર નીકળ્યા, ત્યારે રોહિતના પપ્પા પણ ત્યાં જ ઊભા હતા. તેમને જોતાં જ બોલ્યા, `રિંકી અને રોહિત બંનેમાંથી કોઇ સમજવા તૈયાર નથી. તમે એક કામ કરો. રિંકીની સગાઇ કરી નાખો. રોહિતને હું સંભાળી લઇશ. સાસરે જશે એટલે આપોઆપ પ્રેમ ક્યાંય ભુલાઇ જશે.’

રિંકીના પપ્પાને પણ એમની વાત યોગ્ય લાગી. એમણે રિંકી માટે યોગ્ય યુવાનની શોધ કરવાનું શરૂ કરી દીધું. રિંકીના કોલેજ જવા પર મનાઇ કરી દેવામાં આવી. એને બહાર પણ નીકળવા દેવામાં આવતી નહીં. આખરે એક દિવસ આ તમામ પ્રતિબંધોથી અકળાયેલી રિંકીએ એ માર્ગ અપનાવ્યો, જે મોટા ભાગે સૌ પ્રેમીયુગલો અપનાવતા આવ્યા છે. એણે પોતાના કાંડાની નસ કાપી નાખી. સવારે રિંકીના મમ્મી એનાં રૂમમાં એને જગાડવા આવ્યાં, ત્યારે રિંકીનો મૃતદેહ જોઇ એમની ચીસ નીકળી ગઇ. થોડી જ વારમાં આ વાતની જાણ આખી સોસાયટીને થઇ ગઇ. રોહિતને ખબર પડતાં જ એ પાગલની જેમ રિંકીના ઘર તરફ દોડ્યો. કેટલાક લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ રોહિત પર અત્યારે ગજબનું ઝનૂન સવાર હતું. એ સીધો જ રિંકીના ઘરમાં એના રૂમમાં પહોંચી ગયો અને સામે પલંગ પર રિંકીનો મૃતદેહ જોતાં ત્યાં જ ફસડાઇ પડ્યો. રોહિતના પપ્પાએ એને ઊભો કર્યો અને ધીરેથી સમજાવી-ફોસલાવીને બહાર લઇ આવ્યા. કોઇ પ્રકારની હો-હા કર્યાં વિના રિંકીના પરિવારજનોએ એના અંતિમસંસ્કારની તૈયારી કરી. રિંકીની નનામીને જ્યારે બહાર કાઢી ત્યારે રોહિત પોતાના ઘરના ઓટલા પર બેઠો હતો. એ ઊઠીને રિંકીની નનામી પાસે આવ્યો અને બોલ્યો, `તું તો મને સદાય માટે સાથ આપવાની હતી અને આમ અધવચ્ચે છોડી જતી રહી ? બેવફા છે તું... તને મારા પર વિશ્વાસ નહોતો...?’ સોસાયટીના યુવાનોએ એને જેમતેમ કરીને રિંકીની નનામીથી દૂર કર્યો અને એ મૂક બની રિંકીની નનામી લઇ ગયા. એ રસ્તાને ક્યાંય સુધી જોતો રહ્યો.

અંતિમ સંસ્કાર પતાવીને રિંકીના પપ્પા અને અન્ય પરિવારજનો પાછા આવ્યા, ત્યારે રોહિત એમની સામે આવીને ઊભો રહ્યો. એની આંખોમાં અજબ ઝનૂન વર્તાતું હતું. `મૂકી આવ્યા મારી રિંકીને ? એને રસ્તામાં કંઇ તકલીફ તો નહોતી પડી ને ? મારાથી દૂર જતાં એને કેમ ગમ્યું હશે ? પણ તમે મૂકી આવ્યા ને ? હવે તો ખુશ છો ને ? મારી રિંકી જતી રહી મને મૂકીને… તમે મૂકી આવ્યા ને ? કોઇ તકલીફ નહોતી પડી ને એને....?’ એકના એક વાક્યો સાંભળી રિંકીના પપ્પાની આંખમાં આંસુ આવી ગયા. રોહિતના પપ્પા પણ તેમની સાથે જ હતા. તેમણે રોહિતને મોટેથી કહ્યું, `રોહિત, આ શું માંડ્યું છે ? શું એકની એક વાત કર્યા કરે છે ? જા, ઘરમાં જા...’ અને રોહિત ચોંકીને બોલ્યો, `ઘર... ઘર... હા, ઘરે જ તો જવું છે, પણ ઘર ક્યાં છે...? રિંકી વિના ઘરે જવાનું ? કોના ઘરે જવાનું ? રિંકીને તો તમે લોકો મૂકી આવ્યા. મને પણ મૂકી આવો હા.... હા... હા... હું રિંકીના ઘરે જઇશ...’ અને ફરી અટ્ટહાસ્ય કરવા લાગ્યો. અચાનક એણે રિંકીના પપ્પાનો કોલર પકડી લીધો. `તમે બધાં મારી રિંકીને મારાથી દૂર મૂકી આવ્યા ને પણ જોજો, એ પાછી આવશે મારી પાસે... રિંકી, રિંકી... જો, આ તારા પપ્પા અત્યારે મારી સામે છે... કંઇ કરી શકે એમ નથી હા... હા...’ અને જોરથી એમને ધક્કો માર્યો. રોહિતના મમ્મી ત્યાં દોડી આવીને એને સમજાવવા લાગ્યાં, `રોહિત બેટા, ચાલ ઘરે...’ તો રોહિતે એમને પણ ધક્કો માર્યો અને ખિસ્સામાંથી એક બોટલ કાઢી. હજી કોઇ કંઇ સમજે કે એને રોકે તે પહેલાં તો એણે એ બોટલમાંનું પ્રવાહી પી લીધું. અને `રિંકી... રિંકી..’ કહેતો ત્યાં જ ઢળી પડ્યો.

તાત્કાલિક એને હોસ્પિટલે લઇ જવામાં આવ્યો, પણ રસ્તામાં જ એનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. રોહિતના અંતિમ સંસ્કાર કરી જ્યારે સૌ પાછા આવ્યા ત્યારે સોસાયટીના લોકોમાંથી કોઇ બોલી ઊઠ્યું, `ભાઇ, એક જ દિવસે બેય જણે દેહ ત્યાગ્યો... બાળપણની પ્રીત કંઇ એમ તૂટે થોડી...’ અને રોહિત અને રિંકીના પપ્પા એકબીજા સામે જોઇ રહ્યા. બંનેના મનમાં આ વાત સાંભળી એક જ વિચાર આવ્યો, `હા, બાળપણની પ્રીત જ... નહીં તો આમ બને ખરું...?’ પણ હવે... હવે તો પસ્તાવા સિવાય બંને પાસે કોઇ વિકલ્પ જ નહોતો. બંને એકબીજાને ભેટીને રડી પડ્યા. 


Rate this content
Log in

Similar gujarati story from Romance