બચત તો સાક્ષાત અન્નપૂર્ણા
બચત તો સાક્ષાત અન્નપૂર્ણા


"આ કેરી આપણી વાડીની નથી લાગતી. કોઈ સ્વાદ જ નથી! પૂછવું પડશે મણિયાને." રસનો વાડકો પુરો કરતાં નયનભાઈ બોલ્યા.
" હા પપ્પા મને પણ એવું જ લાગ્યું. એને એમ કે ગમે તે પધરાવી દઈશ તો ચાલશે પણ ભાઈ અમે નાનપણથી અસલ કેસર ખાધી છે. તરત પરખાઈ જાય. અસલ એ બહાર વેચી આવતો હશે અને આપણને..." કહેતા નયનભાઈના દિકરા સમીરે પણ વાડકો ખાલી કર્યો.
નયનભાઈની આંબાવાડીની કેસર જાણે મધનો કટકો. એમની કેરીની દેશવિદેશમાં પણ ખુબ માંગ. કેરીની નિકાસ એ જ એમનો મુખ્ય વ્યવસાય. પણ પાંચ વર્ષ પહેલાં આવેલા પક્ષઘાતના હુમલાને કારણે તેમનું વાડીએ જવાનું છૂટી ગયું. દિકરો શહેરમાં ફાઈનાન્સની ઓફીસ સંભાળે એટલે કમાઉ દિકરા જેવી આંબાવાડી તેમને ત્યાં કામ કરતા મણિયાને અડધા ભાગે સાચવવા સોંપી દીધી.
દર વર્ષે આવતી કેરીની સરખામણમાં આ વર્ષની કેરી સાવ ફીકી લાગતાં નયનભાઈને મણિયા પર શક ગયો. સમીર અત્યારે ચાર દિવસના વેકેશન પર આવ્યો હોવાથી બાપ-દિકરાએ બીજે દિવસે વાડીએ જવાનું નક્કી કર્યું.
"આવો શેઠ, તમારા પગલાં પડ્યાં એટલે જુઓ બધા આંબાઓ કેવા ખીલી ઉઠ્યાં છે." વાડીની શરૂઆતમાં આવેલી ઝૂંપડીએ શેઠને આવેલા જોઈ હરખાતો મણિયો નયનભાઈને બેસવા ખૂરશી લૂછવાં માંડ્યો.
બેસતાં જ નયનભાઈએ નોંધ્યું વાડીમાં વહેતા પવનને કોઈ અધૂરપ હોય તેમ ખૂશ નથી.
"શેઠ બધું બરાબર છે, તમે આવવાની ખોટી તસદી લીધી." કોઈ વાત છૂપાવવા માગતો હોય એ તેના શબ્દોની કંપારી પરથી ખબર પડી ગઈ.
"ચાલ મને આ વખતે કેટલા આંબા આવ્યાં એ બતાવ." ઝપાટાભેર નયનભાઈ ઊભા થવા ગયાં. પડતાં માંડ બચ્યા. દિકરાનો હાથ પકડી આગળ વધ્યા.
વાડીની વચ્ચે આવતાં પક્ષઘાતનો બીજો એટેક આવતાં રહી ગયો. લીલીછમ આંબાવાડીના મોટાભાગના આંબા મૃતપ્રાય બની માંડ મૂળીયા સાચવી ઊભાં હતાં!
"નમક હરામ. એટલે જ તું મને આવવાનું ના કહેતો હતો.આ તારું જ કામ લાગે છે." બોલતાં નયનભાઈ ત્યાં જ બેસી પડ્યા. મણિયો તેમના પગ પાસે બેસી ગયો.
"શેઠ, આઘાત ન લાગે તે માટે મેં તમને આ વાત ન જણાવી. ચોમાસામાં બાજુના ખેતરવાળા કલ્લુ સાથે જે દિવસે તમારો ઝગડો થયો એ જ રાતે આપણાં ઝાડ કપાઈ ગયા હતા." કહેતા મણિયાએ આંસુ લૂછ્યા.
"તો પછી આ કેરી તે ક્યાંથી મોકલાવી?"
"શેઠ એ મારી બચત છે."
"બચત?"
"હા શેઠ, મારા ભાગની કેરી ખાતા નીકળતા ગોટલા હું પહેલા વર્ષથી જ ખાલી જગ્યામાં રોપતો ગયો. કોઈક તો એની કેરી ખાશે ! ભગવાનની મહેરબાની કે આપણા બધા આંબા કેરી આપવા સક્ષમ ન રહ્યા ત્યારે મારા બચતરૂપી આંબાએ મારી લાજ રાખી લીધી ! એની જ કેરી આ વખતે તમને મોકલી છે. આવક એ સ્વર્ગની અપ્સરા છે પણ બચત તો સાક્ષાત અન્નપૂર્ણા છે." મણિયાને શેઠના શકનો ખ્યાલ આવી જતા તેનાથી થોડું વધારે જ કહેવાઈ ગયું.
શેઠ મણિયાની સમયસૂચકતા, આયોજન અને વફાદારી ને વંદી રહ્યાં.