Manoj Joshi

Tragedy Others

5.0  

Manoj Joshi

Tragedy Others

અતીતની અટારીએ

અતીતની અટારીએ

7 mins
859


માનવ તખ્તેશ્વરની ટેકરી ઉપર બેઠો હતો. સાંધ્ય આરતી પછી અહીં ભીડભાડ ન હતી. અને આમ પણ સોમવાર, શ્રાવણ માસ, સોમવતી અમાસ કે મહાશિવરાત્રી જેવા શિવ- સંલગ્ન દિવસોમાં જ ભાવિકો શિવને યાદ કરતા હોય છે ! ઇશ્વર સ્મરણના પણ આપણે 'વાર' મુજબ 'વારા' કર્યા છે ! રવિવારે માતાજી, સોમવારે શંકર, મંગળવારે ગણેશ, બુધવાર કોઈનો નહીં, ગુરુવારે ફરી એકાદ માતાજી અથવા ગુરુ, શુક્રવારે ૨૧ મી સદીની અધ્યાત્મિક પ્રોડક્ટ એવા સંતોષી મા અને શનિવારે હનુમાનજીનો વારો ! માનવ એકલો બેઠો બેઠો વિચારોના આવા પાંચીકાઓથી રમ્યા કરતો અને પછી મનોમન અકારણ હસતો !


સાડા છ દાયકાની જીવન સફર પૂર્ણ થઈ હતી. હવે તો કાયા રૂપી કોટના કાંગરા ખરવા લાગ્યા હતા. એક સમયે પાલીતાણાના શત્રુંજયની ભગવાન આદિનાથની ટુંક, જૂનાગઢનું કે માઉન્ટ આબુનું ગુરુદત્ત શિખર કે હિમાલયની નંદાદેવીની ટૂંક જેને સાવ હાથ વગી લાગતી હતી, એ જ પગ હવે તખ્તેશ્વરની ટેકરી ચડતા કાપતા હતા ! રોજ એક કલાકમાં દસ કિલોમીટર ચાલી નાખતા કે સતત પાંચ પાંચ કલાક સુધી સ્વિમીંગ કરતાં જે ફેફ્સાં થાકતાં નહોતાં તે પચ્ચીસ પગથિયાં ચડતા તો ધમણ બની જતા.

 'માનવ મન કેવું છે નહીં ?' માનવે માનવને જ સ્વાગત પૂછ્યુ. વર્તમાનમાં જીવવામાં મન રાજી હોતું જ નથી. કાં તો એ અતીતના સારાં-માઠાં સ્મરણોને ચગળતું રહે છે, અને હાડકું ચાવતાં કૂતરાંની માફક પોતાના જ રકતનો આસ્વાદ માણતું ખુશ થતું રહે છે !


માનવે માથું ધુણાવી, ખોખલી દાર્શનિકતા ખંખેરવા પ્રયત્ન કર્યો. ટેકરી પરથી રાત્રિનું રોશની-સભર ભાવનગર રળિયામણું લાગતું હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા નેક-નામદાર મહારાજા અને વિચક્ષણ- વિદ્વાન, દીવાન પ્રભાશંકર પટ્ટણીની આ નગરી ખરેખર કલાનગરીના બિરુદને સાર્થક કરતી હતી. 


નગર વિકસ્યું હતું, વિસ્તર્યું હતું, ફેલાતું જતું હતું. વિકાસની સાથોસાથ અશાંતિ, કોલાહલ, પ્રદૂષણ, ગંદકી, ગુંડાગીરી, ખૂનામરકી એ બધું પણ કંઈક અંશે સંસ્કાર-નગરીના વિકાસની સાથોસાથ, વિનાશનો સાજ-સરંજામ લઈને પગરણ માંડી રહ્યા હતા. વર્તમાનમાં આ રીતે ક્ષણભર આંટો માર્યા પછી, પાંચ દાયકા વટાવીને માનવ પોતાની સોળ વર્ષની ઉંમરે, ઉચ્ચ અભ્યાસ અર્થે દાખલ થયેલો તે સર પ્રભાશંકર પટ્ટણી સાયન્સ કોલેજના પ્રી-સાયન્સના વર્ગખંડમાં પહોંચી ગયો. કોલેજના થીયેટર હોલમાં પ્રી-સાયન્સમાં અભ્યાસ કરતા કુલ સવાસો વિદ્યાર્થીઓ હતા.


સાવ છેવાડાનાથી એકાદ-બે લાઈન આગળની બેંચ પર લખ્યું હતું "મહાત્મા ગાંધી અહીં બેસીને ભણેલા." એ જ જગ્યા પર બેસવા માટે માનવ થોડો વહેલો આવી જતો. અન્ય વિદ્યાર્થીઓ આગળ બેસવા માટે વહેલા આવતા, ત્યારે પોતે પાછળ બેસવા વહેલો આવતો !

ભાવનગરથી રેલ્વે રસ્તે ત્રણ કલાક પછી પોતાનું ગામ આવતું. એ વખતનું પોતાનું ગામ આસપાસના પંદર-વીસ ગામોનું હટાણું હતું. બારેમાસ વહેતી ગામની કેરી નદી અને વૃક્ષાચ્છાદિત રસ્તાઓ, ખેતરો, વાડીઓ અને ધમધમતા બજારથી ગામ અને સીમ બન્ને મીઠડાં અને રૂપાળાં લાગતા. ગામમાં નહોતી વીજળી, નહોતો નળ, નહોતા શૌચાલય કે બાથરૂમ, નહોતા સેનિટેશન કે ગટર કે નહોતા પાકા રોડ-રસ્તા.સાઇકલ સિવાય અન્ય કોઈ વાહનો પણ નહોતા. ગામ માટે યાતાયાતનું એકમાત્ર માધ્યમ રેલવે હતી. જે ગામ માટેની સૌથી મોટી સુવિધા હતી. ચોવીસ કલાકમાં લગભગ બાવીસ જેટલી ગાડીઓની આવન-જાવન રહેતી. ગામના છોકરાઓ માટે રેલવે સ્ટેશન એકમાત્ર ફરવાનું સ્થળ હતું. 


સંદેશા-વ્યવહારનું એકમાત્ર માધ્યમ ટપાલ હતી. અને મનોરંજનનું એક માત્ર માધ્યમ રેડિયો હતું, જે આખા ગામમાં એક માત્ર ગ્રામ પંચાયતની ઓફિસે અને હતું ! આવા નાનકડા ગામનો એક શરમાળ, ગામડિયો,ગરીબ વિદ્યાર્થી માનવ, માત્ર બે જોડી કપડાં, પગમાં સ્લીપર અને ખિસ્સામાં આખા મહિનાની હાથ ખર્ચીના માત્ર બે-અઢી રૂપિયાની સંપદા સાથે હોસ્ટેલની સિંગલ સીટેડ રૂમમાં રહેતો હતો ! હોસ્ટેલના માથાભારે ક્ષત્રિય વિદ્યાર્થીઓની દાદાગીરી, સિનીયર વિદ્યાર્થીઓ દ્વારા થતી સતામણી, પોતાની સાવ ગામઠી ભાષા અને સાવ સાદા વસ્ત્રો સાથે કોલેજના વર્ગખંડમાં પ્રવેશ કરતો ત્યારે એના હૈયાના ધબકારા તેજ થઇ જતા ! ગામડામાં કદી કોઈ છોકરી સાથે વાત કરવાની નોબત તો આવી જ નહોતી, પરંતુ તેની સામે જોવું એ પણ પાપ છે એવા દ્રઢ સંસ્કાર સાથે લઈ અને શહેરમાં આવેલો માનવ, શહેરી રૂપસુંદરીઓ વચ્ચે મજાકનું માધ્યમ બની ગયો હતો. શારીરિક રીતે તો કિશોરાવસ્થા વટાવી અને તેનો દેહ યૌવનમાં પગરણ માંડી રહ્યો હતો, પરંતુ શહેરની દ્રષ્ટિએ તો તે હજી બાલ્યકાળમાં જ હતો- બલ્કે શિશુ અવસ્થામાં હતો !


પારાવાર લઘુતાગ્રંથિ, આર્થિક તંગી, હોસ્ટેલનું અરુચિપૂર્ણ ભોજન,સહપાઠીઓના અટકચાળા, સુંદર વિદ્યાર્થિનીઓ તરફ છાનુંછપનું જોઈ લેવા દોડતી નજરથી પ્રકટતી પાપગ્રંથિ, સ્વજનો અને મિત્રોનો અભાવ... ઓહ... ઓહ....! પાંચ પાંચ દાયકા પછી આજે પણ માનવે આ 'કાળાં પાણીની સજા' જેવા લાગતા દિવસોને મેમરીમાંથી ડીલીટ કરવા માટે પોતાનું માથું બે હાથે પકડી અને ઝાટક્યું.


પણ કુત્તા મનને તો પોતાનું જ રક્ત ચાટવાની મજા આવી ગઈ હતી ! સાયન્સ કોલેજની બાયોલોજી લેબોરેટરીમાં મહાકાય દેડકાઓ ચીરવાના આવતા. ક્લોરોફોર્મથી બેહોશ કરેલા દેડકાને પ્લેટમાં ઉંધો પાડી, ચારે પગ બાંધીને ધારદાર ચપ્પુથી તેના હૃદયની રચના જોવાનો બાયોલોજીનો પ્રેક્ટીકલ માનવને સાતકોઠા વચ્ચે ફસાયેલા અભિમન્યુનો અનુભવ કરાવતા. અભિમન્યુ તો ભાગ્યશાળી હતો કે માના કોઠામાં રહીને છ કોઠા જીતવાનો અનુભવ તો લઈને આવ્યો હતો ! અહીં તો કીડી-મકોડાને પણ હાનિ નહીં પહોંચાડવાના છ જન્મના સંસ્કાર લઈને આવેલા માનવને જીવતા જાગતા દેડકા જેવા જીવની ચીરફાડ કરવાની હતી રામ... રામ... રામ... રામ... શિવ... શિવ... શિવ... શિવ.... શિવ ! અઠવાડિયાના સાતે વારના તમામ દેવી-દેવતાઓને મદદ માટે પોકારતો અને આવા પાપની ક્ષમા કરવા માટે મનોમન પ્રાર્થના કરતો માનવ, જેમ તેમ પોતાના કોલેજના દિવસો વિતાવી રહ્યો હતો. પાછું જોગાનુજોગ બનતું એવું કે માનવના હાથમાં ડિસેક્શન માટે આવતો દેડકો- એને ઓછું ક્લોરોફોર્મ સુંઘાડાયું હોય કે ગમે તેમ- પણ માનવનો હાથ અડતાં જ જેમ નળરાજાએ પકડેલાં માછલાં દમયંતીના હાથમાં આવતાં જ પાછાં જીવીત થઈને જળમાં જતાં રહેતાં, એમ ડેમોન્સટ્રેટર સાહેબે આપેલા દેડકાને ચપ્પુથી અડકતા જ દેડકો ઊછળી પડતો અને માનવના હાથમાંથી ચપ્પુ છૂટી પડતું !


 આ કશ્મકશમાં જેમ તેમ કરી, વર્ષ પૂરું થયું. આવી પ્રતિકૂળતાઓ અને આવા સંજોગોમાં પણ પ્રી-સાયન્સમાં ૫૯ % માર્કસ સાથે માનવ પાસ થયો. બાપા બહુ રાજી થયા. બીજા વર્ષે પ્રથમ વર્ષ બી.એસ.સીમાં ૬૨ થી ૬૫ % એ મેડિકલ કોલેજમાં એડમિશન મળતું હતું. ત્યારે સેલ્ફ ફાઈનાન્સ વાળી ઉઘાડી લૂંટની છૂટ નહોતી ! મેરીટ મુજબ આ વર્ષે ૬૨% સુધીનાં ગુણ પ્રાપ્ત કરનારને એમબીબીએસમાં પ્રવેશ મળી ચૂક્યો હતો.


માનવના બાપા મેડિકલ પ્રેક્ટિશ્નર હતા, એટલે સ્વાભાવિક રીતે જ પોતાનો મોટો દીકરો ડોક્ટર બને એવું તેમનું સ્વપ્ન હતું.

માનવ પ્રથમ વર્ષ બીએસસીમાં દાખલ થયો. ફરીવાર હોસ્ટેલનું એ જ ફાડી ખાતું એકાંત ! એ જ સડેલું, ન ભાવે તેવું જમવાનું ! હોસ્ટેલના દાદા- ઠાકુરોની એજ 'ભાઈગીરી' અને કેમિકલથી ગંધાતી લેબોરેટરીમાં કરવાના થતાં એ જ જીવલેણ પ્રયોગો ! માનવને ડોક્ટર બનવાની પ્રબળ ઈચ્છા હતી. પણ સૌ પ્રથમ તો અભાવોમાં જીવવા માટે પોતાની જાતને તૈયાર કરી શકે એટલો તે ધીરજવાન કે સહનશીલ ન હતો. વળી ભૂતાવળ જેવું ભારેખમ એકાંત એને જંપવા દેતું ન હતું ! ઉભરાતાં યૌવન સાથે બદનમાં સળવળાટ કરતી જાતીયતા પણ એને પજવતી- પરેશાન કરતી. અને શરમાળ પ્રકૃતિ તેમ જ લઘુતાગ્રંથિને કારણે વિજાતીય પાત્ર પ્રાપ્ય હોવાં છતાં, અણગમતી એકલતામાં ભોગવતો હતો.


 પ્રથમ વર્ષ બી.એસ.સીનું હજુ તો અર્ધું સત્ર માંડ વીત્યું હશે, ત્યાં તો માનવભાઈ માંદા પડ્યા ! જેમ તેમ કરી, ઘેર પહોંચ્યા. બાપા સામે ભાવનગર ભણવા જવાની ના કહેવાની તો હિંમત નહોતી, પરંતુ માને કહી દીધું કે પોતે હવે ભાવનગર ભણવા જવા માગતો નથી. ઘરમાં જાણે વજ્રાઘાત થયો. બાપાએ માથું કૂટ્યું. ઘણી સમજાવટ કરી, પણ માનવ હવે એ નર્કાગારમાં પાછો જવાબ માગતો નહોતો, અને કોઈ હોસ્ટેલમાં રહેવાની પણ હવે તેની ઈચ્છા નહોતી. એટલે બાજુના શહેરમાં આવેલી આર્ટસ કોલેજમાં એણે બીજા વર્ષમાં પ્રવેશ મેળવી લીધો. જેથી વર્ષ બગડે નહીં અને ગ્રેજ્યુએશન સરળતાથી પૂરું થાય.


પણ માનવ માટે આ કાંઇ સમસ્યાનો ઉકેલ ન હતો. અતીતનું આ પ્રકરણ કઈ ઉજળું તો નહોતું જ ! ભાવનગરની એકલવાઇ ઓરડીની પોતાની અલગ સમસ્યા હતી, તો ગામડામાં રહી, વહેલી સવારે અપડાઉન કરી અને ભણવાની અલગ, પણ સમસ્યા તો હતી જ !

માનવે ફરી માથું ઝાટક્યું. એ રીતે પાંચ દાયકા પૂર્વે,આ જ ભાવનગર શહેરના રસ્તા ઉપર, પગમાં સાંધેલી પટ્ટી વાળી સ્લીપર પહેરીને, પોતે આથડ્યો હતો. લઘરવઘર જેવાં બે જોડી કપડાં, વારાફરતી ઓઢીને,સવા વરસમાં ભાવનગરની સાયન્સ કોલેજ અધૂરી છોડીને- સાથોસાથ બાપાનું અને પોતાનું એક ઉત્તમ ડોક્ટર બનવાનું શમણું તોડી ફોડીને તેણે કદાચ પોતાનું નસીબ પણ ફોડી નાખ્યું હતું-જાતે જ ! જેનો ઊંડે ઊંડે પણ એને ઘણો મોટો વસવસો હતો.


અતીત સુખદ હોય તો વર્તમાન, એ સુખદ સ્મૃતિઓને લીધે કંઇક મધુર બને. પણ અતીતનું વિષ વર્તમાનની સુખદ પળોને પણ વિષાદમાં પલટી નાખે ! માનવે ઊંડો નિસાસો નાખ્યો. તખ્તેશ્વરની ટેકરી પર બેસીને, નીચે રોશનીથી ઝળહળતાં ભાવનગર શહેર ઉપર દૃષ્ટિપાત કર્યો, અને વિચાર્યું કે 'વાઘાવાડી રોડ કે પછી કાળા નાળા ઉપર ક્યાંક પોતાની હોસ્પિટલ પણ હોત, જો તેણે સાયન્સ પુરુ કર્યુ હોત !


આ 'જો'અને 'તો' વચ્ચે અતીત અને વર્તમાન જેટલો જ લાંબો ફાંસલો હતો. એક સમય હતો, જે મુઠ્ઠીની રેતીની જેમ સરકી ગયો હતો. એક સ્વપ્ન હતું,જે સાકાર થવાને બદલે અરીસાની જેમ તૂટી ગયું હતું ! તેની કરચો આમ ક્યારેક યાદોમાં ડંખ્યા કરતી ! પણ હવે 'હવે શું ?' "ખાધું, પીધું, ને પાછું રાજે કીધું..." એવો દરેક વાર્તાનો સુખાંત નથી હોતો. પણ હવે ખાલીપાનો એક કોશેટો બનાવી, માનવે ગૂંચળું વાળી લીધું હતું. જેથી "હવે પછી શું ?" એ પ્રશ્ન જ રહેતો ન હતો. નિર્વેદ, નિર્વિકાર, સંવેદનાહીન રોબોટ બનીને યંત્રવત્ દિવસો વીતતા હતા. માનવે પોતે બેઠેલા પગથિયા પરથી નીચે લટકતા પગ તરફ જોયું. પગની નીચે 'કબર' હોવાનો સુખદ અહેસાસ લઈને માનવે અકારણ આકાશ સામે જોયું !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy