અસલી ચહેરો
અસલી ચહેરો
"આજે પાછા છોકરાવાળાંને બોલાવ્યાં છે ? શશીકાકા તમે પણ ખરાં જ છો. તમને ખબર છે કે આનો થોબડો જોઈને કોઈ આને પસંદ નથી કરવાનું તો પછી શું કામ બિચારા છોકરાંવાળાને હેરાન કરો છો ?"
"જો મિલન, ત્રિશા હવે ત્રીસની થશે. તારાં માબાપ હોત તો ક્યારનાં એનાં હાથ પીળાં કરી દીધાં હોત. છોકરીની જાતને આમ ક્યાં સુધી ઘરમાં બેસાડી રાખવી ? દીકરીને ક્યારેકને ક્યારેક તો પરણાવવી જ પડશે ને ? આ તો હું તારા પિતાજીનો ખાસ ભાઈબંધ છું ને એટલે મને એમ કે સારું ઠેકાણું છે તો બતાવું.
છોકરાવાળા આવ્યાં એવાં જ પરત જતાં રહ્યાં. પછી નાનાભાઈ મિલને અટ્ટહાસ્ય વેરતા કહ્યું, "લો, પત્યું. શશીકાકા હું નહોતો કહેતો ? એ જ થયું ને ?
પછી ત્રિશાની સામે જોઈને બોલ્યો, "તે કોઈ દિ
વસ અરીસામાં તારૂ મોઢું જોયું છે?"
મોટીબહેન હોવાને નાતે નાનાભાઈની વિશેષ કાળજી રાખી. એટલું જ નહિ, ભાઈનું પેટ ભરવા માટે પોતે નોકરી કરતી. માબાપનાં મર્યા પછી એ જ તો એનો સહારો હતો. છત્તાં આજે આવું સાંભળીને, ત્રિશા બાથરુમમાં ગઈ ને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી. તેણે મોઢા પર પાણીની છાલક મારી..વોશ બેસીન પર લાગેલા અરીસામાં તેનાં મોઢા પર એસીડ ફેંકાયું તે પહેલાંનો તેનો ચહેરો પ્રતિબિંબિત થયો. તેને મૂઠ્ઠીવાળી ને ચીસ પાડીને કહેવાનું મન થયું, "મિલન તારા જેવા જ તારા વંઠેલ ભાઈબંધનું જ આ પરાક્રમ છે ને. તે દિવસે તું પણ સાથે હતો જ. તારા ભાઈબંધની માંગણી પૂરી ન થતાં.." આગળ વિચારી ના શકી.
"તારાં કરતાં તો શેરીનાં કૂતરાં સારાં. વફાદાર તો ખરાં. આખરે સાવકો તે સાવકો."