Prashant Subhashchandra Salunke

Inspirational Children

4.5  

Prashant Subhashchandra Salunke

Inspirational Children

અરે ! આ તું શું કરે છે ?

અરે ! આ તું શું કરે છે ?

6 mins
321


મીઠીબાનું ઘર બે માળનું હતું. એકદિવસ તેમના પગથીયા નીચેની ખાલી જગ્યામાં એક કુતરી વિયાણી. આમ પાંચ પાંચ ગલુડિયાઓને જન્મ આપી કુતરી તો ખુશ થઇ. પરંતુ મીઠીબાની તકલીફમાં વધારો થઇ ગયો. રાતે ગલુડિયાઓના રડવાના અવાજથી મીઠીબાની ઊંઘ હરામ થઇ જતી. અધૂરામાંપૂરું ધોળે દિવસે કુતરી પણ આવતાજતાં પર ભસીને શોર મચાવતી. હવે કુતરી તેમના ઘરના પગથીયા નીચે બેસતી હોવાથી સહુ રાહદારીઓ મીઠીબાને જ તકરાર કરતા. મીઠીબા માટે આ ગલુડિયા માથાનો દુઃખાવો બની ગયા હતા. જાણે ઈશ્વરને મીઠીબાની તકલીફ જોવાતી ન હોય તેમ બે દિવસ બાદ પાંચમાંથી બે ગલુડિયા મરી ગયા. જોકે હવે બીજી ઉપાધિ શરૂ થઇ. ગલુડિયાના શોકમાં કુતરી આખો દિવસ કરુણ સ્વરે રૂદન કરતી. બાકી બચેલા ત્રણમાંથી બે ગલુડિયા કોઈ પ્રાણીપ્રેમી ઊપાડી ગયું. હવે કુતરીનું એક જ ગલુડિયું બચ્યું હતું જે મીઠીબાને આંખના કણાની જેમ ખુંચતું હતું.

મીઠીબાએ કુતરીને તેના ગલુડિયા સાથે ઘણીવાર ભગાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ હરીફરીને કુતરી પાછી દાદરા નીચે આવીને ડેરો જમાવતી. મીઠીબાએ આ ત્રાસથી છૂટવા ગલુડિયાને ઊઠાવ્યું અને ગામના ભાગોળ તરફ ચાલવા માંડી. બિચારી કુતરી પણ મીઠીબાની પાછળ પાછળ ચાલી રહી. મીઠીબાનો વિચાર ગલુડિયાને કોતરોમાં ફેંકી દેવાનો હતો. પરંતુ એમ કરવામાં તેમનો જીવ ચાલ્યો નહીં. અધૂરામાંપૂરું તેમની પાછળ આવેલી કુતરી પણ દયામણું મુખ કરીને મીઠીબા શું કરે છે તે જોતી હતી. હવે આ ગલુડિયાનું કરવું શું ?

હાથમાં ગલુડિયું લઇ મીઠીબા આ અવઢવમાં ઊભા જ હતા ત્યાં તેમની નજર સ્કૂલમાંથી છૂટી આવેલા બાળકો પર પડી. મીઠીબાએ તેમાંથી કોઈ બાળકને એ ગલુડિયું પધારી દેવાનું વિચાર્યું. તેઓ ટોળામાં એવો કોઈ બાળક શોધી જ રહ્યા હતા ત્યાં મીઠીબાના હાથમાં ગલુડિયું જોઇને સંતોષ નામનો એક બાળક ટોળામાંથી દોડી આવ્યો. હજુ મીઠીબા કંઈ સમજે તે પહેલા સંતોષે તેમના હાથમાંથી ગલુડિયાને લઇ રમાડવા લાગ્યો. કુતરી પહેલા સંતોષને જોઇને ઘુરકી પરંતુ સંતોષે તેને પણ પુચકારીને શાંત પાડી દીધી. ગલુડિયું પણ ગેલમાં આવીને સંતોષ જોડે રમવા લાગ્યું. આ જોઈ મીઠીબા ખુશખુશાલ થઇ ગયા. પરંતુ આ બાળકને ગલુડિયું ઘરે લઇ જવા કહેવું કંઈ રીતે ? જોકે મીઠીબાને આ અંગે ઝાઝો વિચાર કરવો પડ્યો નહીં. કારણ સંતોષે સામે ચાલીને પૂછ્યું, “બા, તમારું આ ગલુડિયું મને આપશો ?”

મીઠીબાને તો ભાવતું હતું તે વૈધે કહ્યું! તેઓએ તરત ગલુડિયું સંતોષને સોંપી ત્યાંથી ચાલતી પકડી. મીઠીબા જતા જતા બોલ્યા કે, “દીકરા, હવે આ ગલુડિયું મને પાછો આપવા ના આવતો.”

સંતોષે ગલુડિયાને વહાલથી ઊઠાવી લેતા કહ્યું, “દાદી, તમે બેફીકર રહ્યો હવે હું આ ગલુડિયું તમે માંગશો તો પણ પાછું આપવાનો નથી.”

મીઠીબાએ રાહતનો ઉચ્છવાસ છોડી ઘર ભણી ચાલતી પકડી. સંતોષ પણ ગલુડીયાને ઊઠાવીને ઉત્સાહથી ટોળામાં પાછો ભળી ગયો.

સંતોષને આમ ગલુડિયા જોડે રમતા જોઈ તેના મિત્રોએ પૂછ્યું, “સંતોષ, તું આ ગલુડિયાને શું કરીશ ?”

સંતોષે ઉમંગથી કહ્યું, “હું આ ગલુડિયાને પાળીશ. હવે તે મારા જ ઘરે રહેશે. હું તેને સારું સારું ખાવાનું આપીશ. જોજો બે મહિનામાં જ તે કેવો હૃષ્ટ-પુષ્ટ થઇ જશે. મારા શેરાને જોઇને બધા મોંમાં આંગળી નહીં નાખે તો હું મારું નામ બદલી દઈશ.” બોલતી વખતે સંતોષની આંખમાંથી અધભુત પ્રાણીપ્રેમ છલકાઈ રહ્યો હતો.

સંતોષે ઘરે પહોંચતા જ તેની માતા રમીલાબેનને ઉત્સાહથી ગલુડિયું દેખાડતા કહ્યું, “મા, આ જો મારો શેરા. કેવો સરસ મજાનો છે નહીં ? આજથી હું તેને મારી સાથે જ રાખીશ. તેને ખૂબ લાડ લડાવીશ. અમે બંને સાથે મળીને રમતો રમીશું અને...”

સંતોષે હજુ વાત પૂરી પણ કરી નહોતી ત્યાં રમીલાબેને ગુસ્સાથી કહ્યું, “છી..છી... અરે ! આ તું શું કરે છે ? આ ગંદાગોબરા કુતરાને ક્યાંથી ઊઠાવી લાવ્યો ? જા જલ્દી તેને ઘરની બહાર ફેંકી આવ. તને આ કુતરું આપ્યું કોણે ?”

સંતોષે આખી વાત કહેતા રમીલાબેન હોઠ ભીંસીને બોલ્યા, “આ મીઠીબા ડોહી થઇ ગઈ પણ સુધરી નહીં. તેણે પોતાની બલા આપણા ગળે વળગાડી દીધી છે. જા જલદી આ કુતરાને કશેક ફેંકી આવ. અને હા જો એ પાછો આવ્યો તો હું તને બરાબરનો મેથીપાક ખવડાવીશ.”

 સંતોષે પ્રેમથી ઉઠાવેલા ગલુડિયાને બહાર જઈને ધ્રુણાથી ફેંકી દીધો. જે ગલુડિયું અત્યાર સુધી ગેલમાં હતું તે હવે કરુણ સ્વરે રૂદન કરવા લાગ્યું. પરંતુ સંતોષને તેનાથી કશો ફરક પડ્યો નહીં. કારણ બાળમનમાં નિર્માણ થયેલો પ્રાણીપ્રેમ એ દિવસે જન્મતા જ મરણ પામી ગયો હતો.

*****

નાની કમલા પોતાની ઓરડીમાં બેસીને ઢીંગલા ઢીંગલીની રમત રમતી હતી. ઘરના બારણા પાસેથી અનેક લોકોની અવરજવર ચાલુ હતી, ત્યાંજ એક ચીસ સાંભળી કમલા ચોંકી ગઈ. તેણે અવાજની દિશામાં જોયું તો કચરા વિણનારી એક સ્ત્રીને પત્થર વાગતા તે જમીન પર પટકાઈ ગઈ હતી. તેના ઘુટણનાં ભાગ પર ઈજા થવાથી તેમાંથી ઘણું લોહી વહી રહ્યું હતું. રસ્તા પરથી ઘણા રાહદારીઓ પસાર થઇ રહ્યા હતા પરંતુ કોઈએ એ ઘાયલ સ્ત્રી તરફ નજર સુદ્ધા કરી નહીં. સહુ કોઈ ખુદની મસ્તીમાં આગળ નીકળી જતા હતા.

આ કરુણ દ્રશ્ય જોઇને નાની કમલાના બાળમનમાં દયાભાવ નિર્માણ થયો. તે દોડીને એ ગરીબ સ્ત્રી પાસે ગઈ અને તેને આશ્વાસન આપ્યું. ત્યારબાદ તે પાસે આવેલા હેન્ડપંપ પાસે જઈ પોતાનો રૂમાલ ભીનો કર્યો. હવે તે એ ભીના રૂમાલ વડે સ્ત્રીના ઘાને સાફ કરી રહી. ઘા બરાબરનો સાફ થયા બાદ તે દોડીને ઘરમાં આવી. હવે રસોડામાં મુકેલા મસાલા ડબ્બામાંથી તેણે પોતાની નાનકડી મુઠ્ઠીમાં હળદર ભરી લીધી. ગણતરીની સેંકડોમાં જ તે એ ગરીબ સ્ત્રીની ઈજા પર હળદર લગાવી રહી હતી. કમલાની સેવાભાવ જોઈ ગરીબ સ્ત્રીની આંખોમાંથી અશ્રુ વહી આવ્યા. પ્રેમની સામે પીડા ભૂલાવવા લાગી. એ સ્ત્રી સાચા મનથી કમલાને દુઆ આપી રહી. એ દિવસે કમલાના મનમાં માણસાઈ ધીરે ધીરે આકાર લઇ રહી હતી.

હવે બન્યું એવું કે કમલાની દોડધામ જોઇને તેની માતા સરોજબેન પણ ઘટનાસ્થળે દોડી આવ્યા. અહીં તેમણે એ કચરા વીણનારીના જખમ પર કમલાને હળદર લગાવતા જોઈ. આ જોઈ તેઓ બોલી ઊઠયા, “છી... છી... અરે ! આ તું શું કરે છે ? કમલા પાગલ થઇ ગઈ છે ? એ સ્ત્રી તરફ તો જો કોણ જાણે કેટલા દાડા એ નાહી નહીં હોય. તેને હાથ લગાડતા તને ચીતરી ન ચઢી. ચાલ ઊઠ અને ફટાફટ બાથરૂમમાં જઈને હાથ ધોઈ લે.”

કમલાની નજર પહેલીવાર સ્ત્રી પર ગઈ. તેના વિખરાયેલા વાળ અને મેલાઘેલા વસ્ત્રો જોઈ તેના મનમાં ધ્રુણાના ભાવ નિર્માણ થયા. હાથમાંનો રૂમાલ કચરામાં ફેંકી તે બાથરૂમ તરફ દોડી ગઈ. એ દિવસે કમલાના બાળમનમાં નિર્માણ થયેલો દયાભાવ જન્મતા જ મરણ પામી ગયો હતો.

*****

ગોવિંદ ઘરના ઓટલા પર બેસી મજેથી પેકેટમાંના વેફર્સ ખાઈ રહ્યો હતો. ઓચિંતામાં તેના કાન પર કોઈકનો રડવાનો અવાજ સંભળાયો. અવાજની દિશામાં એ ગયો તો તેને નાનકડો હનીફ રડતો દેખાયો. ગોવિંદે પ્રેમથી પૂછ્યું “હનીફ, તું કેમ રડે છે?”

હનીફ બોલ્યો : “અબ્બુને મુજે આજ બહોત મારા”

ગોવિંદ જાણતો હતો કે હનીફની મા સોતેલી હતી અને એ કોઈને કોઈ ખોટું કારણ બતાવી હનીફને તેના પિતા પાસેથી માર ખવડાવતી. હનીફને એ ઘરમાં અન્ન કરતા માર વધુ ખાવા મળતો. ગોવિંદના બાળમનમાં પ્રેમ, સદભાવના અને ભાઈચારાએ જન્મ લીધો. તેણે ધીમેથી હનીફને પૂછ્યું “ભુખ લગી હૈ હનીફ ?”

હનીફે હકારમાં માથું હલાવ્યું. ગોવિંદે વેફર્સનું પેકેટ હનીફ સામે ધરી દીધું. આ જોઈ હનીફની આંખો અશ્રુથી છલકાઈ ગઈ. તેણે પેકેટમાંથી એક વેફર્સ ઊઠાવી મોઢામાં નાખતા કહ્યું, “ભૈયા, આપ ભી ખાઓ ન.”

હવે બંને બાળકો હળીમળીને પેકેટમાંનું વેફર્સ ખાવા લાગ્યા. એ દિવસે એ બાળકોના બાળમનમાં ભાઈચારો અને સદભાવના આકાર લઇ રહી હતી. ઓચિંતી ગોવિંદની માતા વિભાવરીબેનની નજર એ બંને પર પડી. બંને બાળકોને એક જ પેકેટમાંથી ખાતા જોઈ તેઓ તાડૂકી ઊઠયા, “છી... છી... અરે ! આ તું શું કરે છે ?”

ગોવિંદની માતાએ તેના હાથમાંથી વેફર્સનું પેકેટ ઝુટવી એકતરફ ફેંકી દીધું. હવે ગોવિંદનો હાથ ખેંચી તે ઘરમાં લઇ ગઈ. બંધ બારણા પાછળથી હનીફને બેલ્ટના ફટકાનો અને ગોવિંદના રડવાનો અવાજ સંભળાઈ રહ્યો. એ દિવસે પ્રેમ, સદભાવના અને ભાઈચારો બંધ બારણા પાછળ ઘુંટાઈ ઘુંટાઈને દમ તોડી રહ્યો હતો.

 બીજા દિવસે ૧૫મી ઓગસ્ટના રોજ સંતોષ, કમલા, હનીફ, અને ગોવિંદ રડી રડીને સુજી ગએલી આંખો વડે શાળાના પ્રાંગણમાં દરવર્ષની જેમ ધ્વજવંદન પહેલા યંત્રવત રીતે પ્રતીજ્ઞા બોલી રહ્યા હતા, “ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા દેશને ચાહું છું....” પણ કોણ જાણે કેમ? આટલી સરસ ભાવાર્થવાળી પ્રતીજ્ઞા એ બાળકોની અંતરઆત્માને સ્પર્શી રહી નહોતી ! તેમનું બાળમન વારંવાર પડઘા પાડી રહ્યું હતું કે, “અરે ! આ તું શું કરે છે ?”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational