Ankita Soni

Romance Tragedy

4.5  

Ankita Soni

Romance Tragedy

અપરાધભાવ

અપરાધભાવ

3 mins
267


એક છાંટો એના પર પડતાં જ એ સફાળો જાગી ગયો. ઓશીકું અને ઓઢવાનું લઈને ઉતાવળે પગલે ધાબેથી ઉતર્યો. નીચે આવીને ખુરશીમાં ગોઠવાયો અને સિગારેટ સળગાવી આંખ બંધ કરીને કસ લેવા લાગ્યો.

"તને કેટલી વાર કીધું છે આ આદત છોડી દે..મને બિલકુલ પસંદ નથી."

કોઈનો અવાજ અથડાતા ચોંક્યો. પાછો મૂળ સ્થિતિમાં આવી ગયો. બારીમાંથી વરસતો વરસાદ જોવા લાગ્યો.

"એય..જો..મને વરસાદ બહુ ગમે..વરસાદમાં પલળવાની કેવી મજા આવે !" 

ફરીથી કાચની બંગડી રણકતી હોય એવા અવાજના ભણકારા..એની આંખમાં આંસુની ધારા છૂટી. દીવાના આછા અજવાળે એ તસવીરને તાકી રહ્યો. ચારેકોર અંધકાર માત્ર હતો. હજી તો ખાલી બાર જ વાગ્યા હતા..આખી રાત કાઢવાની હતી. એણે ફરી સિગારેટ સળગાવી ને ક્યાંય સુધી બેસી રહ્યો.

કોલેજકાળમાં તન્વીને એ આવા જ પહેલા વરસાદમાં મળેલો. અલ્લડ અને દેખાવડી તન્વીની સાથે પ્રેમનો એકરાર પણ એણે પહેલા વરસાદના અમી છાંટણાની સાક્ષીએ કરેલો. એ પછી તો ઘણા ચોમાસા બેઉ સાથે પલળેલા. તન્વીને વરસતા વરસાદમાં ફરવા જવાનો બહુ શોખ. બાઈક પર બંને દૂર સુધી જતા..

"આશુ! તારા વગર નથી ગમતું." તન્વીએ ફોન પર કહ્યું ને તરત જ પોતાની ટ્રાન્સફર રોકાવીને નોકરીની પરવાહ કર્યા વગર એ દોડી આવેલો. બંનેના પ્રેમની ઘણાને ઈર્ષા પણ આવતી. ને એક દિવસ સાચે જ કોઈની નજર લાગી ગઈ.

ઘરમાં એના સિવાય કોઈ જ નહોતું છતાં રહી રહીને તન્વીના હોવાનો આભાસ થતો. રસોડામાં કૈક ગણગણતી હોય, બાલ્કનીમાં વાળ ઓળતી હોય, કે પછી ઘરમાં ફરતી હોય. એમ એની પાયલ ખખડતી હોય. એવું એને લાગતું. હળવેથી એ ઉભો થયો. બાલ્કનીમાં થોડી વાર બેઠો. સવાર થવાની હજુ થોડી વાર હતી. ફરી એ તન્વીની યાદોમાં ખોવાયો. એનું હસવું, વાળની લટને આંગળીથી સરખી કરવી, ચાલતી ત્યારે હવાથી ફરફર થતો એનો દુપટ્ટો, એના કંગનનો મીઠો રણકાર, એની દુનિયાભરની વાતો,બીજું ઘણું બધું એના મગજમાં ઘુમરાવા લાગ્યું. 

એમ તો એને ક્યારેય તન્વી સાથે ઝઘડો નહોતો થતો. પણ એકવાર કોઈ બાબતમાં બોલાચાલી થઈ. ગુસ્સામાં એણે તન્વીને થપ્પડ લગાવી દીધી ને તન્વીને એ વાતનો ઊંડો આઘાત લાગ્યો. એક્ટિવાની ચાવી લઈને એ જતી રહી. એણે પોતાના અહમમાં એને રોકવાનો પ્રયત્ન પણ ન કર્યો. બહાર મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો એનું પણ ભાન ના રહ્યું. બીજી તરફ તન્વી પણ ધુવાંપુવાં હતી..રડતાં રડતાં એક્ટિવા ચલાવતાં. વરસાદમાં એને કાંઈ દેખાયું નહીં ને ટ્રક સાથે અથડાઈ. પોતે દોડતો હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. પોતાના લીધે આજે તન્વી... હૃદયમાં એક અપરાધભાવ ઘર કરી ગયો.

તન્વીના ગયાને આજે પંદર દિવસ થયાં પણ જાણે હજી પણ એને બોલાવતી હોય એવું લાગતું. ધીમે ધીમે સવાર અજવાળું પાથરી રહી હતી. અકળાઈને એ બાઈક લઈને નીકળ્યો. તન્વીને એક્સિડન્ટ થયો હતો એ જગ્યાએ પહોંચ્યો. બાઈક એક સાઈડે પાર્ક કરીને ઉભો રહ્યો. આકાશેથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો.

"આશુ..આશુ..! તું આવી ગયો ? તારા વગર મને નથી ગમતું." ફરીથી તન્વીનો એવો જ અવાજ સંભળાયો. દૂરથી એ બોલાવતી હોય એવું લાગવા માંડ્યું. આમતેમ જોયું તો રોડની સામેની તરફ ઉભી એને ઇશારાથી બોલાવતી તન્વી દેખાઈ. ભાન ભૂલીને એ બાજુ જવા તરફ એના પગ ઉપડ્યા ને પુરપાટ આવી રહેલી ટ્રક સાથે અથડાઈને લોહીલુહાણ થઈને પડ્યો. ઉભેલી તન્વી તરફ હાથ લાંબો કરીને એણે આંખ બંધ કરી, કાયમ માટે !


Rate this content
Log in

Similar gujarati story from Romance