અફસોસ
અફસોસ
અનવી પંદર વર્ષની હતી અને મયંક દશ વર્ષનો હતો અને એક દિવસ અનવીના પપ્પા, મમ્મી એક કુંટુંબીજનના બેસણામાં મહેસાણા જતા હતા ગાડી લઈને. બાળકોને રામુ કાકાના હવાલે મુકીને અને નંદાસણ પાસે એક ધસમસતી બસે એવી ટક્કર મારી કે ગાડી પલટી ખાઈને રોડ પર ફંગોળાઈ. બુમાબુમ અને ચીસો અને અવાજો ઉઠવા લાગ્યાં. બીજા વાહનો પર જતા આવતા લોકો અને આસપાસના લોકો દોડી આવ્યા પણ બંન્ને ત્યાં જ લોહી લુહાણ થઈ ગયા હોવાથી બચી શકયા નહીં. અનવીના પપ્પા અનાથાશ્રમમાં મોટા થયેલા અને સારા ભણતરને કારણે ગવર્નમેન્ટ જોબ હતી અને સરકાર તરફથી એક ક્વાર્ટર રહેવા મળ્યું હતું. અનવીની મમ્મી પણ એક જ સંતાન હોવાથી જાણ થતાં ગામડેથી નાનીમાં આવી ગયા.
અનવી ઉંમરના પ્રમાણમાં વધુ સમજદાર હતી. સરકારી કવાર્ટર ખાલી કરવાની નોટિસ આવી તો વિનંતી કરી એક અઠવાડિયા મોહલત માંગી. નાનીમાં અને અનવી ચિંતા કરવા લાગ્યા કે હવે શું કરવું???
રામુ કાકાએ કહ્યું કે બેન ખોટું ના લાગે તો નાના મોઢે એક વાત કહું.
નાનીમાં કહે કહો ભાઈ...
રામુ કાકા કહે જો બેન કાં તો તમે છોકરાઓને ગામડે લઈ જાવ અથવા ગામનું ઘર વેચી અહીં નાનું મકાન લઈ રહો.
નાનીમાં એ અનવી સામે જોયુ...
અનવી બોલી નાનીમાં અમને ગામડે નહીં ફાવે અમે અહીં રહીશું અને હું ભણતા ભણતા નોકરી કરીને ભાઈ ને ખુબ જ ભણાવીશ આમ કહીને અનવી રડી પડી. નાનીમાં એ એને છાની રાખી અને કહ્યું કે કાલે જ ગામડે જઈ મકાન વેચી આવીએ.
બીજે દિવસે અનવી, મયંક, રામુ કાકા, નાનીમાં ગામડે ગયા અને ત્યાં પહોંચી ઘરમાંથી જરૂરી સામાન બાંધી લીધો અને ગામના શાહુકાર ને મળ્યા. નાનીમાં એમને આપવીતી સંભળાવી કહ્યું કે આ મકાન આપ રાખી લો અને ઘટતી રકમ આપો. શાહુકારે ચોરામાં લઈ જઈ નાનીમાં પાસે દસ્તાવેજ પર અંગુઠો પડાવી રકમ આપી. નાનીમાં અને બધા પાછા અમદાવાદ આવ્યા રાત્રે અને ખીચડી બનાવી જમી સૂઈ ગયા. સવારે ઉઠીને ચા નાસ્તો કરી મણિનગરના એક પછાત વિસ્તારમાં એક રૂમ રસોડાનું મકાન ભાડે લીધું.
અને નવી જિંદગી જીવવાની ચાલુ કરી અને રામુ કાકા વગર પગારે સાથે રહ્યાં. અનવી ભણતી અને પા ટાઈમ જોબ કરતી અને બધાનું ધ્યાન રાખતી જાણે એ જ ઘરની વડીલ બની ગઈ. બધા અનવીનું માન રાખતા. આમ સુખે દુઃખે દિવસ પસાર થતા રહ્યા અને અનવી વીસ વર્ષની થઈ અને નાનીમાં નો સ્વર્ગવાસ થયો આજે અનવી જાણે નોંધારી થઈ ગઈ હોય એવું મહેસુસ કરી રહી. આમ સુખની આશામાં અનવી મોટી બહેન નહીં પણ મયંકની મા બની રહી. ભણી ગણીને સારી કંપનીમાં ઉંચા પગારની નોકરીએ લાગી અને ભાઈ ને ભણાવતી રહી સાથે બચત કરતી રહી જ્યારે મયંક કોલેજમાં હતો ત્યારે અનવીએ નાનીમાં ના આપેલા થોડા રૂપિયા અને દાગીના અને પપ્પાના નોકરીમાંથી મળેલા રૂપિયા અને તેણે કરેલી બચતમાંથી અમદાવાદના પોશ વિસ્તારમાં એક ટેનામેન્ટ પોતાના નામ પર લીધું અને રહેવા લાગ્યા. ઘરમાં આધુનિક રાચ રચીલું વસાવી લીધુ. હપ્તેથી એક ગાડી પણ વસાવી અને રામુ કાકાને એમના ગામ ડુંગરપુર મોકલવા રૂપિયા આપ્યા. આમ અનવી બધાને ખુશ રાખવા પ્રયત્નશીલ રહેતી.
મયંકની કોલેજ પુરી થતા એ પણ એક સારી કંપનીમાં નોકરીએ લાગ્યો. હવે તો ભાઈ - બહેન બન્ને કમતા થયા.
મયંકનો પહેલો પગાર આવતા જ એણે અનવીને કહ્યું કે મોટી બહેન આપ હવે નોકરી છોડીને હરો ફરો.
વધુ આવતાં અંકમાં વાંચો .....