અફસોસ ભાગ - ૪
અફસોસ ભાગ - ૪


થોડીવારમાં નીલા આવી તો અનવી એને પોતાના રૂમમાં લઈ ગઈ અને ચર્ચા કરી કે 'તારો વર વકીલ છે તો મારુ આ કામ દશ દિવસમાં પતાવી આપ.' નીલા અને એના વરે એમના ગ્રુપના એક મિત્રને આ મકાન બતાવી અનવી જોડે મિટીંગ કરી ત્રણ દિવસમાં દોડાદોડી કરી મકાન વેચાવી આપ્યું. અનવી એ નીલા ને કહ્યું કે 'હવે બીજુ એક કામ કરો મને વડોદરામાં એક સારો ફર્નિચર સાથેનો નાનો અને સસ્તો ફ્લેટ લઈ આપો એટલે હું આ મકાન ખાલી કરી જતી રહું. નીલાની બહેન વડોદરા જ હતી એને વાત કરી અને વાઘોડિયા રોડ પર એક ફ્લેટમાં બીજે માળ ઓછી કિંમતે ફ્લેટ મળી ગયો અને અનવીના નામે ખરીદી લીધો દસ્તાવેજ થઈ ગયા..
બીજા દિવસે અનવીએ રામુ કાકાને પાંચ લાખ રૂપિયા આપ્યા અને કહ્યું કે ;કાકા તમે બહુ સેવા કરી. હું તમારો ઉપકાર ભુલી શકું એમ નથી લો આ રકમ અને હવે તમે તમારા ગામ જઈ બાકીનું જીવન જીવો. રામુ કાકા રડી પડ્યા 'બેટા મારુ કોણ છે મારે ગામમાં ? દૂરનો ભત્રીજો છે જે તમે વચ્ચે રકમ આપી હતી મેં તેને જ આપી હતી. હું ગામડેથી કમાવા આવ્યો હતો અને તમારા પપ્પાએ મને દયા ખાઈ કામ પર રાખ્યો હતો. હું ક્યાં જવુ તમને મુકીને બેટા.'
અનવી કહે 'સારુ કાકા તમે મારી સાથે જ રહેજો. ચલો ફટાફટ સામાન બાંધી લઈએ અને ટ્રકમાં ભરાવી આપણે ગાડી લઈને નીકળી જઈએ વડોદરા જવા.'
આમ અનવી એ એક જ અઠવાડિયામાં ઘર ખાલી કરી વડોદરા રહેવા જતી રહી. પચીસ દિવસ પછી યુરોપ ટૂરમાંથી આવેલા મયંક અને કાજલ દરવાજાને બેલ મારી. થોડીવારમાં એક અજાણ્યા બહેને દરવાજો ખોલ્યો કહે, 'કોનું કામ છે ?
મયંક કહે, 'તમે કોણ છો ?'
'આ તો અમારુ ઘર છે. પેલા બહેન કહે અમે પંદર દિવસથી અહીં રહીયે છીએ આ મકાન મારા દિકરાએ ખરીદ્યું છે. તમે કોણ છો ?
મયંક અને કાજલ ગભરાઈ ગયા. મયંક કહે 'અનવી બેનનો નાનો ભાઈ છું અનવી બેન ક્યાં છે ?'
પેલા બહેન કહે, 'એ તો ખબર નથી એ મકાન વેચીને ચાલ્યા ગયા છે.'
પેલા બહેનએ કહ્યું કે, 'એક મિનિટ ઉભા રહો હું આવુ.' એમ કહી એ બહેન અંદર જઈ બે ચાવીઓ લઈ આવ્યા એક એક્ટિવાની હતી અને એક બાઈકની ચાવી હતી. ;આ તમારા સાધનની ચાવી અનવી બેન આપીને ગયા હતા અને કહ્યું હતું કે આવે એટલે ચાવી આપી દેજો. પાછળ તમારા સાધન પડ્યા છે લઈ જાવ એટલે અમારે જગ્યા થાય.'
મયંક તો સ્તબ્ધ થઈ ગયો કે મોટી બહેન તમે જબરો ઘા માર્યો. તમારી કુરબાની અને ત્યાગનો બદલો હું તમને ના આપી શક્યો મોટી બહેન પણ હવે આ મારો પશ્ચાતાપ શું કામનો ? મોટી બહેન જે મા કરતા પણ વધારે સાચવતી હતી તેને ગુમાવી દીધી મેં મારા સ્વાર્થમાં !
હવે અફસોસનો શું અર્થ ! ના ઘર રહ્યું, ના બેન !