The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Mariyam Dhupli

Inspirational Others

3  

Mariyam Dhupli

Inspirational Others

અપચો

અપચો

5 mins
644


ટેબલ ઉપર ગોઠવાયેલી લેખન સામગ્રી સ્થગિત હતી. પડખે ગોઠવાયેલી તસ્વીરમાં સુકેતનનું નાનકડું પરિવાર, સુંદર પત્ની અને બે માસુમ બાળકીઓ,એને સ્નેહથી વીંટળાય સંતોષ ભર્યું હાસ્ય દર્શાવી રહ્યું હતું.

મધ્યમવર્ગીય શયનખંડની પથારી ઉપર પગ લંબાવી, આંખો મીંચેલ સુકેતનના ચ્હેરા ઉપર અનેરી તૃપ્તિ છવાઈ ગઈ હતી. છાતીએ વળગેલું પોતાના ગમતા લેખકનું પુસ્તક અંત સુધી વંચાઈ ચુક્યું હતું, એનીજ તો એ સીધી પ્રતિક્રિયા હતી.

વાંચન સમાપ્તિ એ મનમાં ઉઠેલા વિચારો અને લાગણીઓના વમણો,જ્ઞાનના વલોણાંમાં મિશ્ર વલોવાઈ હોઠ ઉપર શબ્દ સ્વરૂપે ઉભરાઈ આવ્યા :

"જે થાય છે, એ સૌ પચી જાય છે.

પણ શબ્દોમાં ઉતરે ને અપચો બની જાય છે."

એક ખડખડાટ હાસ્યથી સુકેતનનું શયનખંડ ગુંજી ઉઠ્યું. એ હાસ્યમાંથી વ્યંગ અને પીડાની છણાંવટ કરી, શેની માત્રા વધુ હતી એ નક્કી કરવું શક્ય ન હતું.

પોતાના એ અતિપ્રિય લેખકનું દરેક પુસ્તક ન જાણે કેટકેટલીવાર સુકેતન વાંચી ચુક્યો હતો. પણ દરેક વાંચન સમયે કંઈક નવું અચૂક પામી જવાતું. નવોજ ભાવાર્થ, નવુજ તથ્ય, નવુજ સત્ય, સમાજની કોઈ નવીજ નગ્નતા, જીવનની કોઈ નવીજ વાસ્તવિકતા, જીવવાનો કોઈ નવોજ પર્યાયી, આયખા માટે નિતનવીન દ્રષ્ટિકોણ.

સત્ય સાંભળવા, પારખવા, નીરખવા સખત કાળજું જોઈએ, એને સ્વીકારવા સિંહ જેવું હ્ય્યુ અને અભિવ્યક્ત કરવા એક નીડર,બહાદુર, શૂરવીર આત્મા.

પોતાના પ્રિય લેખક પાસે એ બધુજ હતું. તેથીજ તો એ લેખનના વ્યવસાયમાં સુકેતનના આદર્શ હતા. પોતે પણ એમના જેવીજ નગ્ન કલમ ઉઠાવી સમાજનું દરેક સૂક્ષ્મથી સૂક્ષ્મ પ્રતિબિંબ એને ઝીલવું હતું. એવુજ સખત કાળજું, સિંહ જેવું હૈયું, નીડર, બહાદુર, શૂરવીર આત્મા.

અચાનક હૃદયમાં કોઈએ છરો ભોંક્યો હોય એવી અસહ્ય પીડા ઉપડી અને ધ્યાનમગ્ન, આનંદવિભોર આંખો તાણ અને ચિંતાના ભાર જોડે અચાનક ઉઘડી ઉઠી. એ વિહ્વળ આંખો નજર સામેના ટેબલ ઉપર ગોઠવાયેલી લેખન સામગ્રી ઉપર આવી તકાઈ ને બીજીજ ક્ષણે પડખે રખાયેલી ફોટોફ્રેમ સાથે ટકરાઈ. વારાફરતી લેખન સામગ્રી અને તસ્વીર ઉપર ફરી રહેલી દ્રષ્ટિ જાણે બે વિકલ્પોનું મૂંઝવણ સભર પૃથક્કરણ કરી રહી.

એ સાથેજ એક દિવસ પહેલા નિહાળેલ પોતાના અતિ પ્રિય લેખકના જીવન પરથી બનેલી ફિલ્મના દરેક દ્રશ્યો એક પછી એક નજર સામે ભજવાઈ રહ્યા. આખું ફિલ્મ જાણે સારાંશમાં ફરી દેખાઈ રહ્યું. તોછડી ભાષા, ઉઘડેલું નગ્ન સત્ય, લેખક તરીકેની પ્રતિષ્ઠા, એક પછી એક સમાજના વસ્ત્રો કાઢી રહેલી નિર્લજ કલમ, ન મીઠા શબ્દોના આવરણ, ન કોઈ જીહજૂરી, ન કોઈ પ્રભાવિત કરવાના પ્રયાસો, દેશ ત્યાગ, નવા દેશમાં શરીર પણ જુના દેશમાં છોડી દીધેલા મન, ભાવાત્મકતા અને આત્માનો દરેક અંશ. સત્યની અભિવ્યક્તિ માટે અપાયેલી સજાઓ, કાયદાકીય, સામાજિક અને ધાર્મિક સંઘર્ષ, પ્રકાશકો તરફથી અસ્વીકૃત કડવું, તીખું, પણ શબ્દે શબ્દ સાચું સાહિત્ય, બીભત્સ કહી વગોળાયેલી દરેક સાહિત્ય સંપન્ન વાર્તાઓ, આર્થિક પતન, પારિવારિક પડતી, જીવનસંગીનીનું ભાવાત્મક અંતર, ફૂલ જેવા માસુમ બાળકોની જીવલેણ માંદગી અને આ બધા સંઘર્ષો સામે હારેલું અતિ સંવેદનશીલ મન, મગજ, નશાથી લથડેલું સ્વાસ્થ્ય અને અંતે પાગલખાનાની દિવાલો.

મોબાઈલની રીંગ જોડે સુકેતન પોતાના વિશ્વમાં પરત થયો. ચ્હેરા પર બાઝેલા પરસેવાના ટીપા પર એનો ધ્રૂજતો હાથ ફરી ઉઠ્યો. મોબાઇલની સ્ક્રીન ઉપર ઉપસી આવેલ પ્રકાશકનું નામ વાંચી એણે કોલ ઉપાડ્યો.

"તો સાહેબ શું નક્કી કર્યું તમે ? " પ્રકાશકના પ્રશ્નમાં આછી મક્કમતા અને કડકાઈ ડોકાઈ રહી.

"મારો ઉત્તર તમે જાણોજ છો...."

સુકેતનનો ઉત્તર સંપૂર્ણ થાય એ પહેલાજ પ્રકાશકે પોતાના અનુભવી શબ્દોનું જ્ઞાન વિખેર્યું. "જુઓ સાહેબ, તમે સત્ય લખો એ બરાબર, પણ જે રીતે લખો છો, જે શબ્દોનું પ્રયોજન કરો છો, જે પ્રકારના પાત્ર નિરૂપણ કરો છો...."

"એ બધુજ સમાજમાં બોલાય છે, દિવસ રાત નિરંતર ભજવાય છે, ચારે તરફ સંભળાય છે..." સુકેતનનો સ્વર અકળાવા માંડ્યો.

"પણ સાહેબ પુસ્તકોમાં એ ન શોભે. હું વ્યવસાયિક માણસ છું. મને કેટલી કોપીઓ વેચાય એમાં રસ છે." પ્રકાશકના શબ્દો જાણે સ્પષ્ટતા કરી રહ્યા કે વાત વ્યવસાયની થઇ રહી હતી, સાહિત્યની નહીં.

"હું લેખક છું, અભિવ્યક્ત કરું છું, લોકોને રીઝવવા...." સુકેતનની અંદરનો લેખક છંછેડાયો હતો.

"ઓ સાહેબ, એ 'લોકો'જ તમારું પુસ્તક ખરીદે છે. અને અમારી પ્રકાશન સંસ્થાની આગવી પ્રતિષ્ઠા છે સમાજમાં. અમે કોઈ પ્ણ સામાજિક, ધાર્મિક કે કાયદાકીય કોન્ટ્રોવર્સીમાં પડી અમારી પ્રતિષ્ઠાને આંચ આવવા દઈશું નહીં. " પ્રકાશકે તદ્દન વ્યવહારુતાથી પોતાનો નિર્ણય સંભળાવી દીધો.

"અને હું મારી આત્માને છેતરી કલમ ન ઉપાડી શકીશ."

ગુસ્સામાં લાલ વિફરેલી આંખો જોડે સુકેતનના હાથમાંનો મોબાઈલ શાંત થયો, એજ રીતે જે રીતે અન્ય બધાજ પ્રકાશકોનાં કોલ સમયે થયો હતો.

સામેના ટેબલ પાસે પહોંચી એની આંગળીઓ લેખન સામગ્રી ઉપર હળવા સ્પર્શે ફરી રહી. પડખેની તસ્વીર હાથમાં ઉઠાવતાજ બધોજ ક્રોધ એક ક્ષણમાં શમી ગયો. પત્ની અને બાળકીઓના પ્રેમસભર ચ્હેરા નિહાળી આખું વ્યક્તિત્વ અનેરું શાંત અને તૃપ્ત થઇ ઉઠ્યું. ચ્હેરા પર વ્યાપેલા આછા હાસ્ય જોડે સુકેતનના ડગલા ઘરની બહાર તરફ નીકળવા ઉત્સાહ સભર ઉપડ્યા.

રસોડામાંથી ધસી આવેલી પત્નીના હાથમાં આંટાનું આવરણ ભીનું અને તાજું હતું.

"અરે, આ સમયે ક્યાં જાઓ છો ?"

સુકેતને પત્ની તરફ એક પ્રેમ ભરી દ્રષ્ટિ ફેંકી.

"એક સરસ મજાની નોકરી શોધવા...."

પતિના ઉત્તરથી ચોંકેલી પત્નીએ એક અન્ય પ્રશ્ન કર્યો, "અને લેખન ? "

મંદ મંદ હાસ્ય સુકેતનના ચ્હેરાને નિખરાવી રહ્યું. " લખીશ તો ખરો, પણ એકજ વ્યક્તિ માટે. "

"કોના માટે ?" પત્નીનો ચ્હેરો મુંઝવણથી છલકાઈ ઉઠ્યો.

બેઠક ખંડમાં લટકી રહેલ અરીસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળી સુકેતન ખડખડાટ હસી પડ્યો.

થોડા સમય પહેલા એકાંતમાં ઉચ્ચારેલા શબ્દો ફરીથી ઊંચા સ્વરમા ગણગણતો એ ઘરની બહાર નીકળી ગયો.

"જે થાય છે, એ સૌ પચી જાય છે.

પણ શબ્દોમાં ઉતરે ને અપચો બની જાય છે."


Rate this content
Log in

More gujarati story from Mariyam Dhupli

Similar gujarati story from Inspirational