અનુભવથી સુધરે માનવી
અનુભવથી સુધરે માનવી
"અલ્યા લાલિયા તને કેટલી વાર સમજાવ્યું કે આવડતું નહીં તને એટલે આ મોપેડ તારે ના ચલાવાય."કહેતાં દિનુભાઈએ ચાવી લાલિયા પાસેથી પડાવી લીધી અને બોલ્યાં,
"વાત માનતા નહીં પણ પૂતર કોક દિ' અનુભવ થાશે ત્યારે ખબર પડશે." દિનુભાઈ તો ચાલ્યાં ગયાં પણ તેમનાં નાનાં ભત્રીજા લાલિયાને વિચાર આવ્યો,.
"મારો બેટો આ અનુભવ એવો તે કેવો થતો હશે કે કાકા ઘણીવાર કહે છે કે અનુભવ થાશે એટલે ખબર પડશે."
આમ વિચારીને લાલિયાએ મનમાં નકકી કર્યુ કે, "એકવાર તો અનુભવ કરી જ લેવો છે જે થાવું હોય ઈ થાય પણ ખબર તો પડે ને કે અનુભવ કેવો થશે ને પછી શું સમજાશે. "
એક દિવસ દિનુભાઈ બહાર જતાં પહેલાં લાલિયાની કાકીને કહીને ગયાં કે, "જો આ મોપેડની ચાવી સાચવજે. પેલો લાલીઓ પાછૉ કિક મારવાં ન લાગી જાય. બહુ જ અળવીતરો છે અને મને ચિંતા થાય છે કે કોક દિ' પડે નહીં."
કહીને તે બહારગામ જવા નીકળ્યાં અને રસ્તામાં લાલિયાએ જોયાં તે હરખાઈને તેનાં લંગોટિયા ભેરુ કાળીયાને બોલ્યો,..
"એઈ કાલીયા જો કાકા બહાર જાય છે. આજ તો મસ્ત મોકો મળ્યો છે મોપેડ ચલાવીએ આપણે. તું અહી ઊભો રહે હું કાકીને ભોળવીને ચાવી લઈને આવું."
કહીને લાલિયો કાકી પાસે ગયો. કાકીએ લાલિયાને જોઈને પેલી લટકાવેલી ચાવી લઈને રસોડામાં મોરસના ડબામાં મેલી દીધી. લાલિયો છાનોમાનો જોઈ ગયો. પછી કાકી જેવાં કપડાં ધોવા તળાવમાં ગયાં કે તરત જ લાલિયો ઘરમાં બિલ્લીપગે ઘૂસીને ડબો ખોલીને ચાવી લઈ આવ્યો.
મોપેડ હરખમાં બંને મિત્રો ઘસેડીને બહાર લાવ્યાં અને કાળીયાએ ધક્કો માર્યો ને મોપેડ ચાલુ થતાં બંને ડગમગતાં ગામમાં ફરવા નીકળી ગયાં પણ આવડે ઓછું વળાંક આવ્યો ને વળતાં ન આવડતાં પડ્યાંને છોલાણું પણ હાથે. તે જોઈને કાળીયો બોલ્યો,..
"એ લાલિયા જો માતાજીના હો હવૅ આપણે તો બેહવુ નહીં હો આ મોપેડ પર."
કહીને તે ચાલ્યો ગયો પાટો બંધાવા ગયો દવાખાને પણ લાલિયો તો આજ અનુભવ કરવા જ માગતો હતો. તે ફરી ચાલુ કરીને એકલાં ઉપડ્યા અને સીધાં જ બજારમાં શાકભાજીની લારીએ જઈને ભટકાયા. લારીને તો નુકશાન થયું પણ લાલિયો બહુ છોલાઈ ગયો હતો.
બે ચાર લોકોએ આવીને તેને ફરી મોપેડ પર બેસાડ્યો પકડીને તોય ફરી ચાલ્યો ગામની બહાર રોડ પર. નાનાં બાળકો તો લાલિયાને મોપેડ ચલાવતો જોઈ ખુશ થઈને પાછળ દોડી ખુશ થતાં હતાં ઊંચો ઢાળવાળો રોડ હતો અને લાલિયાએ બાઈક ઢાળ પરથી રગડાવ્યું પણ રોડની બે બાજુ બાવળ ભરપૂર હતાં. એને એવું જોરથી ચલાવ્યું કે બેલેંસ ગુમાવતાં મોપેડ એકબાજુ અને લાલિયો સીધો વાડમાં ઘુસી ગયો પડ્યાં બાદ તેનું મોઢું કાંટાળી વાડમાં પેસી ગયેલ હતું.
પડવાનો અવાજ થતાં જ નાનાં ટેણિયાંઓ જે પાછળ દોડતાં તે આવી ગયાં અને લાલિયાને વાળમાં ઘૂસેલો જોઈ પગ પકડીને બહાર કાઢવાં બધાં મથતા હતાં પણ તે વાડનાં કાંટા લાગતાં બૂમાબૂમ કરવા ગયો. થોડાં સમય તો લાલિયો પડ્યો રહ્યો. અને હવૅ લાલિયાને અનુભવ થયો અને દિનેશભાઈ તેનાં ભલા માટે કહેતાં તે સમજાઈ ગયું. થોડો સમય બાદ મોટા જુવાનિયાઓએ તેને જોતાં મહામહેનતે બહાર કાઢ્યો અને દવાખાને લઈ જઈને પાટાપિંડી કરાવ્યા.
બે દિવસ પછી દિનુભાઈ ઘેર આવ્યાં બધી વાત જાણીને પછી ગયાં લાલિયા પાસે અને બોલ્યાં,.. " કેમ બેટા કેવો રહ્યો અનુભવ ?"
લાલિયો બોલ્યો,... "અરે આવો તે અનુભવ હોતો હશે..! છોતરાં નીકળી ગયાં મારા, હવૅ તો કદીય મોપેડ તમારુ ચલાવાનો વિચાર પણ નહીં કરવો. આ અનુભવ જ માનવીને સુધારે છે."
