અંતરનું અંતર
અંતરનું અંતર
"હેય ટીયા, તું આજકાલ બહુ બીઝી રહે છે હોં. તું તો યાર વર્કીંગ વુમન બની ગઈ ને ?" ક્યારની ડૉક્ટર તુષારની કેબીનમાં ડૉ. ની રાહ જોઈને બેઠેલી ટીયાને જોઈને તુષારે કહ્યું.
"અચ્છા, હું બીઝી થઈ ગઈ છું કે તું બહુ બીઝી રહે છે ? છેલ્લાં એક કલાકથી હું અહીંયા તારી રાહ જોઈને બેઠી છું."
"હા, તે એ તો મારે ઈમરજન્સી ઓપરેશન આવી ગયું ને એટલે. બાકી હું તને બોલાવું, પછી મારી મજાલ છે કે તને રાહ જોવડાવું." તુષાર સ્ટેથોસ્કોપ હાથમાં રમાડતાં હસીને બોલ્યો.
ટીયા સ્ટેથોસ્કોપને તાકી રહી. આ સ્ટેથોસ્કોપ તો મારાં હાથમાં હોવું જોઈતું હતું. તારા કરતાં મારાં ટકા વધારે હતાં. પણ.. હું મારી જાતિને આધારે પાછળ પડી ગઈ. કમાલ છે નહિ ? જાતિમાં હું ઊંચી ગણાઉં અને મેરીટમાં..
"હે..ય ટીયા શું વિચારમાં પડી ગઈ ?"
ટીયા થોડી અચકાઈ, છોભીલી પડી ગઈ. પછી જાતને સંભાળતાં બોલી, "કંઈ નહિ બસ, એ જ કે હું તને શું પૂછું ? મારે એક સફળ ડૉક્ટર પર આર્ટીકલ લખવો છે. તું તારી સફળતાનો યશ કોને આપશે ?"
"મારી મહેનતને બીજા કોને ?" ડૉ. તુષારે તરત જ ઉત્તર આપ્યો.
"મહેનત તો મેં પણ કરી હતી. પણ હું આજે એક ન્યુઝ પેપરની માત્ર કોલમીસ્ટ બનીને રહી ગઈ."
"એમ ના બોલ. તું પણ એક સફળ પત્રકારની સાથે-સાથે એક સફળ લેખક પણ છે. મેં તારી ઘણી સ્ટોરી વાંચી છે. તું તો યાર, ભણવામાં હોંશિયાર હતી, એટલે તું જે કેરીયર ચૂઝ કરતી, એમાં અવ્વલ જ રહેવાની હતી."
"હા, એ તો છે જ. હું જે કંઈ કરું છું તે દિલથી જ કરું છું. તો પણ સ્ટેથોસ્કોપ અને પેન વચ્ચે અંતર તો રહેવાનું જ ને ?
"સ્ટેથોસ્કોપ દિલની ધડકન સંભળાવે છે તો પેન દિલની વાતને બહાર કાઢે છે. એટલે બંનેમાં ખાસ કોઈ અંતર નથી." ડૉ. તુષારે હસતાં-હસતાં કહ્યું.
"અંતર તો છે જ ને ? આપણાં બેઉનાં અંતરમાં પણ કેટલું મોટું અંતર વધી ગયું છે. એટલે તો હું અહીં તારી સામે બેઠી છું.
મારે શું બનવું હતું ને હું શું બની ગઈ ? આ તો મેં મારા પપ્પાનું સપનું પૂરું કર્યું. પણ..મારાં સપનાનું શું ?"
"ટીયા..આમ વારેઘડીયે તું ક્યાં ખોવાઈ જાય છે ?" ફરી ડૉ.તુષારે ટીયાને ટોકી.
"કંઈ નહિ બસ, મને મારો જવાબ મળી ગયો. ઓકે.. બાય.. થેન્કયુ..ફરી ક્યારેક મળીશું." બોલીને ખુરશીમાંથી ઊભી થઈ ગઈ.
"અરે ! તું મારી ક્યારની રાહ જોઈને બેઠી છે. બસ, આટલું જ પૂછવું હતું ? ચા-કોફી, કોલ્ડ્રીન્ક્સ તને શું ફાવશે ?"
તુષારનું વાક્ય પૂરું થાય તે પહેલાં તો "કંઈ નહિ" કહીને સ્ટેથોસ્કોપ અને પેન વચ્ચેનાં ફેરફારને નોંધીને બહાર નીકળી ગઈ !