અંતિમ વિદાય અશ્રુઓની
અંતિમ વિદાય અશ્રુઓની
વખત આવ્યે સૌવ સારાં વાનાં થઈ જાશે એવી આશાની દોરી પકડીને રૂપાએ લગ્ન જીવનનાં પચાસ વરસ કાઢી નાખ્યાં હતાં પણ રઘાનાં વ્યવહારમાં કંઈ ફેર પડ્યો નહોતો. આશાની દોરી પકડી પકડી ગૂંગળાતાં શ્વાસોને જીવાડવાનાં પ્રયાસે આખરે રૂપાનાં આયખાની દોરી તૂટી ગઈ.
અષાઠી વરસાદ, કાળો કેર બની વરસી રહ્યો હતો એવામાં રૂપા તેનાં ધણી રઘાએ ચીંધેલું કામ પૂરું કરવાં મેડી પર ચડી હતી, ઉતરતી વખતે કાળનું પગથિયું આડું આવ્યું , અચાનક જ રૂપા દાદરથી રોળાતી નીચે ઠેલાઈ ગઈ. ગણતરીનાં શ્વાસો ભરતી રૂપાની આંખ્યું રઘાનાં ચહેરા પર સ્થિર થઈ, એ સાથે જ દેહમાંથી આતમ અશ્રુ વાટે બહાર નીકળી ગયો. હા એ અશ્રુ, ફરિયાદ ભરેલું હતું.
રૂપાની આંખોમાં થીજી ગયેલી ફરિયાદે આજે અંતિમ અશ્રુ વહાવી વિદાય લીધી. ફરિયાદ, બાપે તેને પારકી થાપણ કહી અને ધણીએ હંમેશાં પારકી જ રાખી. પરોઢિયે જેનાં હાથનાં ઘડેલાં રોટલાનું શિરામણ કર્યું હતું રોંઢો થતાં તેનાં દેહને મુખાગ્નિ આપી, આ વેદનાં રઘાની આંખ્યુંમાં જઈને થીજી ગઈ. રૂપાની બધીજ ઈચ્છાઓને તેણે તાબે કરી રાખી હતી, પણ એની આ ઈચ્છાને પૂરી થતાં તે રોકી ન શક્યો.માતાજીને સવાર, સાંજ દીવો કરતાં સમયે તે બસ આટલું જ કહેતી,"મા , મારો ચૂડી ચાંદલો અખંડ રાખજે, ઘરચોળું ઓઢી આ ઘરમાં આવી છું, એજ ઘરચોળું ઓઢી આ ઘરમાંથી મારી નનામી નીકળે". સૌભાગ્યનાં કંકુનો શણગાર સજી રૂપા આજે અનંત વાટે નીકળી ગઈ હતી.
રૂપાનાં દેહને અગ્નિદાહ આપી રઘાએ તેને ભારે હ્રદયે અંતિમ વિદાય આપી. ઘરે પહોંચી ઓસરીમાં ઢાળેલાં ખાટલાં પર બેઠેલો રઘો વિતેલાં દિવસોની યાદોમાં વિચારમગ્ન થયો.પચાસ વર્ષનાં લગ્ન જીવનમાં તેણે રૂપાને પારકી જ ગણી હતી, જો પોતાની માનતો હોત તો પચાસ વર્ષમાં પચ્ચીસવાર તેને ધકકો મારી આ ઘરમાંથી કાઢી મૂકી ન હોત. પાંચ ચોપડી ભણી લીધાનો પોરહ કેટલો હતો મને ! નાનપણમાં જે જોયું , શીખવાડ્યું હું પણ એજ ઘરેડમાં ઘડાઈ ગયો. ! મરદપણાનો અહમ આડો આવતો હતો, મૂંછોને મરોળતાં મરોળતાં તેને કહેતો," આ મારું ઘર છે, અહિંયા મારો હુકમ જ હાલશે સમજી ?" બાપડીનું બાવડું ઝાલીને ડેલા બહાર કાઢી મૂકતો હતો.
કો'ક દહાડો લાતુ, પાટા તો કો'ક દહાડો ચૂલે સળગતાં લાકડે તેને દઝાડી પણ હતી, પોતે કરેલાં રૂપા પરનાં અત્યાચારોની યાદોએ તેનાં અંતરમાં અગન ચાંપી દીધી હતી. જે જીવતે જીવ તેનાં મિલનની ઝંખના કરતી રહી આજે તેની અનંત વિદાયનાં વિયોગમાં રઘો બેબાકળો પ્રતિત થઈ રહ્યો હતો.
મારું ઘર, મારું ઘર કરતાં રઘાને હવે,ઘરનાં ખૂણે ખૂણે રૂપાની હાજરી દેખાતી હતી. તોરણ, ટોડલિયાનાં એક એક મોતીમાં, ઉંબરામાં દોરેલાં સાથિયામાં, પાણીયારે ચિતરેલાં મોરલામાં, ઘરમાં કરેલ લીંપણમાં બધે એનાં જ હસ્તાક્ષર ભાળી રહ્યો હતો. આખી જિંદગી મારું ઘર બોલી બોલીને રૂપાને પારકી હોવાનો અહેસાસ કરાવતો રઘો હવે સમજી શક્યો કે રૂપાએ તેનાં દ્વારા અપાયેલાં અપમાનોનો કળવો ઘૂંટડો ગળે ઉતારીને ઘરને પોતાનું માનીને જ શણગાર્યું હતું, સંભાળ્યું હતું.
ગાડામાં બંધાતાં કાળું, ધોળું અને ક્યારેક વહુકી ગયેલી કાબરીને એ એક જ મિનિટમાં તાબે કરી લેતી હતી, તેનાં પ્રેમ થકી પણ હું મૂવો અભાગીયો કોઈ દિ' એનાં તાબે ન થયો. એનાં પ્રેમને સમજી ન શક્યો.
જેની હયાતીમાં પણ એણે કોઈ દિ' તેની હાજરી નહોતી નોંધી, તેને આજે ફળિયામાં, ગમાણમાં, ભીંતે થાપેલાં છાણામાં બધે તેની હાજરીની કમી વર્તાણી. પોતે રૂપાને આપેલાં દુઃખોનું પ્રાયશ્ચિત કરવાં તે બેબાકળો થયો, પણ રાંડ્યા પછીનું ડહાપણ શું કામનું !
મૂશળધાર વરસી રહેલાં વરસાદ, વીજળીનાં કડાકાઓ સાથે રઘાનાં દિલમાં પણ ગ્લાની અને પશ્ચાતાપનો મેહ વરસી રહ્યો હતો. અચાનક દરદનો ડૂમો બાઝી ગયો, ડૂસકાં સાથે તેની આંખોમાં થીજેલાં આંસુઓ વહેવાં લાગ્યાં. ભીંત ઉપર ખોડેલી ખીંટીમાંથી પવનથી સરકી રૂપાનાં સાડલાનો પાલવ રઘાની આંખ્યુંને અડકી જાણે તેનાં આંસું લૂછી તેને માફ કરવાં આવ્યો. વર્ષોથી જેને એણે સ્પર્શ પણ નહોતો કર્યો,આજે તેની હૂંફ પામવાં તે અધીરો થયો. ઊંડો નિસાસો નાખી તે જેવું ગોદડું ઓઢવા ગયો તો તેનાં પર રૂપાનાં સાડલાનું પડ ચડાવેલું જોયું. ગોદડામાં લપેટાઈ જાણે તેને રૂપાનો હૂંફ ભર્યો સ્પર્શ મળ્યો, એ સાથે જ તેણે મનોમન પ્રભુને પ્રાર્થના કરી, " હે ! નાથ આવતાં જન્મે આ સૌભાગ્યનું કંકુ મારાં ભાગે આપજો." રૂપાએ જે અશ્રુને અંતિમ વિદાય આપી હતી એ રઘાની આંખ્યુંમાં જઈને સમાઈ ગયું.
વરસાદે આપેલી આ કરમ પીડાને યાદોની ગાંઠો વડે બાંધી રઘો, આવતાં જન્મે રૂપાનાં મિલનની ઝંખના સેવતો તેનાં વિયોગને વ્હાલો કરતો રહ્યો. હવે, તેની પાસે બીજો કોઈ વિકલ્પ પણ તો ન હતો.
