અંતિમ સમયની કરુણા
અંતિમ સમયની કરુણા
એક વૃદ્ધ સરકારી દવાખાનામાં મરણ પથારીએ અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા, એમના ચહેરા પર વેદના અને આંખોમાં કરુણા સ્પષ્ટ છલકી રહી હતી. એમની સુની આંખોમાં એમને છોડી ગયેલ પત્નીની એકલતા અનુભવાઈ રહી હતી, અને સાથે સાથે એ જ આંખો દરવાજા પર મીટ માંડીને બેઠી હતી જે કોઈની રાહ જોઈ રહી હતી, અને દુઃખી હૃદય સાંત્વના આપી રહ્યું હતું કે હમણાં તારાં 2 દિકરા અને 1 દીકરી પુરા પરિવાર સાથે આવશે અને આ આશમાં એનો જીવ શરીર ત્યજી રહ્યો ન હતો. આવતા જતા ડોકટર અને પરિચારિકા પણ એમની કરુણ હાલત પર વ્યથિત હતા, પરંતુ અફસોસ એમને પણ હતો કે એમના પરિવાર પાસે મરતા પિતા માટે સમય ના હતો.
વૃદ્ધની એક આંખમાં દુઃખના આંસુ હતા તો બીજી આંખમાં પ્રશ્ચાતાપના આંસુ હતા. દુઃખ એ માટે હતું કે એમના અંતિમ સમયે તેમના દિકરાઓ દીકરી કે તેમનો પરિવાર તેમની પાસે નથી અને છેલ્લા કેટલાય સમયથી આ કરુણતા એમના જીવનમાં પ્રસારાયેલી હતી. પશ્ચાતાપ એ માટે હતો કે એમના નેત્રપટલ પર 30 વર્ષ અગાઉની ઘટનાઓ ઉભરાઈ રહી હતી, 30 વર્ષ અગાઉ લગ્ન પછી એમના માતા પિતા સાથેનું એમનું વર્તન વારંવાર એમની અવગણનાના પ્રસંગો એમને દેખાઈ રહ્યા હતા, આજે એ એજ કિનારે ઉભા છે. જ્યાં વર્ષો પહેલા એમના માતા પિતા હતા આજે એ માતાપિતાની લાગણી સમજી રહ્યા હતા અને એ પણ એમને સમજાઈ રહ્યું હતું કે આ એમણે કરેલા કર્મોના સંસ્કાર જ છે જે તેમના 2 પુત્રો અને પુત્રીમાં ઉતર્યા છે. જે ગઈકાલે એમને કર્યું હતું એ જોઈ આજે એમના સંતાનો એ જ વર્તન એમની સાથે કરી રહ્યા હતા, અને આજે તેઓ સમજી ગયા હતા કે એમણે એક સાથે અનેક લોકોનું ઘડપણ બગાડ્યું છે. એમના માતા પિતાનું એમનું પોતાનું અને એમની આગળની હરએક પેઢીનું કે જેઓ પોતાના માતા પિતામાંથી શીખ લેશે.
આજે એ કરુણા એમના જીવને મોક્ષ તરફ જતા અટકાવી રહી હતી. અને એમની કરુણ આંખો જાણે દુનિયાના દરેક દીકરાઓને પોતાનું ઘડપણ સુધારવું હોય તો પોતાના માતા પિતાનું મહત્વ સમજશો તો જ તમારા બાળકમાં એ સંસ્કારનું સિંચન થશે એમ કહી રહી હોય એવું લાગી રહ્યું હતું.
શું આ ઘડપણની કરુણા છે, કે આપણે કરેલા કર્મોનું પ્રતિબિંબ કે આજના યુગની અસર એ કરુણ સવાલ આજે મોટાભાગના વૃદ્ધ માતા પિતાને ડંખી રહ્યો છે.
