STORYMIRROR

Jignasa Mistry

Inspirational Others

3  

Jignasa Mistry

Inspirational Others

અનોખી મિત્રતા

અનોખી મિત્રતા

3 mins
171

રાઘવ સવા વર્ષનો હતો ત્યારે પારૂલબેન તેને રસી મુકાવવા સરકારી દવાખાને લઈ ગયા. જ્યાં તેમણે રાઘવની ઉંમરના ઘણા બાળકોને જોયા અને તેમને મનમાં થયું કે તેમનો રાઘવ અન્ય બાળકોની સરખામણીએ થોડો નબળો લાગે છે. રસી મૂકાવીને ઘરે આવ્યા બાદ પણ તેમને મનમાં એક જ વિચાર આવતો હતો કે પોતે રાઘવને શું ખવડાવે તો તેનું વજન વધે ?

રાઘવને શરીરે થોડો જાડો કરવાના પારૂલબેન અવનવાં નૂસખાં અપનાવવાં લાગ્યાં. તેમના નૂસખાંની અસર રાઘવના શરીર પર થતી હોય એમ રાઘવ જાણે કે દિવસ-રાત વધવાં લાગ્યો ! એક મા તરીકે તેમને મનમાં થતું કે મારો દીકરો હવે તંદુરસ્ત લાગે છે. રાઘવ નાનો હતો ત્યાં સુધી તો ઠીક પણ જેમજેમ તે મોટો થતો ગયો એમ તેની કાયા બેડોળ થવા લાગી. તેના મિત્રો તેને જાડીયાંના ઉપનામથી બોલાવતાં તો ક્યારેક “જાડિયો... જાડિયો...” કહી તેનો મજાક પણ ઉડાવતા. 

શાળાના અભ્યાસ સુધી તો ઠીક પણ આગળ કોલેજમાં જતા રાઘવને પણ પોતાની કાયા પર શરમ આવવા લાગી. તેની રહેણીકરણી તથા વધુ પડતા ફાસ્ટફૂડના ઉપયોગથી તેનું શરીર દિવસે દિવસે રોગનું ઘર બનવા લાગ્યું. તેને દરેક કામમાં આળસ આવતી. ચાલવામાં પણ તેને તરત હાફ ચડી જતો ! રાઘવની માતા કે જેમને પહેલા તેના દૂબળાં શરીરની ચિંતા થતી હતી તેઓ હવે, દીકરાના મોટાપાને જોઈ ચિંતાતુર રહેવા લાગ્યાં. 

રાઘવ મનથી ખૂબ જ ભોળો હતો પરંતુ તેના આવા શરીરને કારણે કોઈ ઝડપથી તેની સાથે મિત્રતા નહોતું કરતું. 

એક દિવસ રાઘવ કેન્ટીનમાં બેસી નાસ્તો કરતો હતો ત્યારે તેની કોલેજના કેટલાક છોકરાઓ 

“ઓ ! જાડીયાં જરા ઓછું ખાજે.”

“અરે ! જાડીયાં બીજા માટે પણ થોડું રહેવા દેજે.”

“વળી, કેટલાક તો આ જાડીયાં જેવા લોકો જ પૃથ્વી પર ભાર રૂપ છે.” 

કહી રાઘવનો મજાક ઊડાવવા લાગ્યા. જોકે રાઘવ હવે લોકોની આવી વાતોથી ટેવાઈ ગયો હતો ! પરંતુ રાઘવના વર્ગમાં ભણતી પ્રિયાથી આ વાત સહન ના થઈ.

કોલેજ છૂટયા પછી તે રાઘવ પાસે જઈ કહેવા લાગી. 

“રાઘવ તું મારો મિત્ર બનીશ ? રાઘવને તો કઈ સમજાયું નહીં પરંતુ તે દિવસ બાદ પ્રિયા રાઘવને નિયમિત મળવા લાગી. તેમની વચ્ચે એક અનોખી મિત્રતાની શરૂઆત થઈ. બંને જણા સાથે મળી ભણવાની તથા ક્યારેક અન્ય વાતો કરતા તો વળી, ક્યારેક મસ્તી મજાક પણ કરતા. તેઓ એકબીજાના મનની બધી જ વાતો પણ ખચકાયા વગર એકબીજાને જણાવતાં.

“રાઘવ તું થોડી કસરત કર. યોગ કે પ્રાણાયામ કર. એનાથી તને ચોક્કસ ફાયદો થશે.”

“પ્રિયા મેં કસરત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ મને ખૂબ જ થાક લાગે છે.” રાઘવે પોતાની સમસ્યા પ્રિયા આગળ વ્યક્ત કરી.

“ના રાઘવ હવેથી તારે રોજ થોડી થોડી કસરત કરવી જ પડશે. હું તને મદદ કરીશ અને હું પણ તારી સાથે કસરત કરીશ.”

બીજા જ દિવસે પ્રિયાએ જાણે કે રાઘવને કસરત કરાવવાનું બીડું ઉપાડી લીધું હોય એમ તેના ઘરે પહોંચી. શરૂઆતના દિવસોમાં થોડી તકલીફ પડી પરંતુ ત્યારબાદ રાઘવે યોગ, પ્રાણાયામ અને કસરતને પોતાના જીવન સાથે વણી લીધા. વળી, તેણે પોતાના ખોરાકમાં અને રહેણીકરણીમાં પણ યોગ્ય ફેરફાર કરી દીધો. રાઘવ હવે દરેક ક્ષણ ખુશ રહેવા લાગ્યો. પ્રિયા સાથે તે રોજ ચાલવા પણ જતો. કોલેજના જે મિત્રો તેનો ઉપહાસ કરતા હતા. તેઓ રાઘવને સુંદર અને તંદુરસ્ત જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા ! રાઘવે તેમને પણ તંદુરસ્ત મન અને તન માટે કસરત કેટલી જરૂરી છે તે સમજાવ્યું. 

રાઘવના જીવનમાં પ્રિયા એક દેવદૂત બનીને આવી. બંને મિત્રો સાથે મળી લોકોને જીવનમાં યોગ, પ્રાણાયામ તથા કસરતનું મહત્વ સમજાવતા. વળી, તેમણે એક વ્યાયામ શાળાની પણ શરૂઆત કરી. 

ખરેખર ! ક્યારેક કોઈ ખાસ મિત્ર સાથેની અનોખી મિત્રતા આપણા જીવનને રંગીન બનાવી દે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational