અનોખી ગોઠવણ
અનોખી ગોઠવણ


આજે ગામમાં 26મો સમારંભ હતો.સમારંભના આયોજકે બેસવાની વ્યવસ્થા કંઈક અજીબ જ કરી હતી.
સૌથી નીચે સ્ટેજ પાસેની હરોળમાં નાના બાળકોને બેસાડાયા, ત્યારબાદ અવિવાહિતોને એક દાદર ઉપર ગોઠવેલી હરોળમાં બેસાડયા, ત્યારબાદની એક દાદર ઉપરની હરોળમાં ગૃહસ્થો અને સૌથી ઉપરની અંતિમ હરોળમાં વૃદ્ધોને બેસાડાયા. લોકો બબડયા આ શું ઘરડા આટલું ઉપર ચડીને જશે. ખબર નહિ આયોજકે આવી ગોઠવણી કેમ કરી ? સમારંભ ચાલુ થયો લોકોએ આયોજકનું વ્યક્તવ્ય પૂરું થતા પેહલો સવાલ આજ કર્યો,
"તમે આવી ગોઠવણી કેમ કરી ? તમને ખબર છે આના ઘરડાઓને કેટલી તકલીફ થઇ. એવું લાગ્યું જાણે એમને આ સમારંભમાંથી બાકાત કરાયા હોય."
આયોજકે ખુબ જ નમ્રતાપૂર્વક માફી માંગી અને કહ્યું "ચાલો આપણે આજ માજીને પૂછી જોઈએ કે તેમને કેવું લાગી રહ્યું છે ? માજી તમને ઉપર ફાવે છે ?"
માજી બોલ્યા, "હા ફાવે છે ને અહીં અમે શાંતિથી બેઠાં છે અને ખુબ જ સરસ બધા નીચે બેઠેલા લોકો અને આ સ્ટેજ બધું ખુબ જ સરસ રીતે દેખાય છે."
ત્યારબાદ આયોજકે કહ્યું લોકોને, "મેં આ બેઠકની ગોઠવણી જીવનના અનુભવને આધારે કરી હતી, જીવનના અનુભવમાં ઘરડાઓ સૌથી ઉપર આવે છે. તથા અત્યારના પરિવારમાં ઘરના પ્રત્યેક સભ્યોનું ધ્યાન અને દેખરેખ પણ એ જ રાખે છે, જેમ અહીં આ માજીએ કહ્યું કે એમને બધા લોકો દેખાઈ છે. આ સત્કાર સમારંભ છે તો હું આ રીતે સૌથી પેહલા આપણી વચ્ચે ઉપસ્થિત વૃદ્ધોને જ પેહલા બિરદાવું છું. જેમના અનુભવની છાયા આપણા પર પડી રહી છે, અને જ પરિવારના દરેક સભ્યોનું ખુબ જ સારી રીતે ધ્યાન રાખે છે."
અને આ સાથે જ આખો સમારંભ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠયો.