અણહક્ક
અણહક્ક


શહેરમાં કરફ્યુ લાગ્યાને આજે ચોથો દિવસ હતો. કોરોના પેન્ડમિકે આજે બબ્બે મહિનાથી દુનિયા જ અવળસવળ કરી મૂકી છે. ગરીબ-ભિખારી જેમ તેમ દિવસો કાઢતાં. ટોટલ કરફ્યુ માં તો બધી જ દુકાનો બંધ છે. પાંવ કે બિસ્કીટ ખરીદી, ખાઇ ને ફૂટપાથ પર રહેનારા અસંખ્ય બેકાર-ભિખારીઓને તો હવે શું કરવું? એ જ સમજાતું નહોતું. સરકારે ઠેર ઠેર રાહત કેન્દ્ર ખોલવા રાજ્ય સરકારને જણાવી દીધું છે. રસોઈ માટે સામગ્રી પણ પહોંચાડી દીધી છે..પણ શહેરના આ વિસ્તાર સુધી હજુ કોઈ જ મદદ નથી પહોંચી. કદાચ મંત્રીશ્રીઓ પોતાનું પેટ ભરવામાં પડ્યાં હશે.ખેર!!....
એક સખાવતી દાતાના ધ્યાનમાં આ વાત આવી ને એમણે આજથી અહીં એક ભોજનકેન્દ્ર શરૂ કર્યું છે. પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી સૌને એકટંક ખાવાનું આપવાની જાહેરાત કરી છે. ભૂખ્યાં ,ઘણાં તો ત્રણ-ત્રણ દિવસનાં ભૂખ્યાં લોકો લાઇનમાં ઉભા રહી ખાવાનું લઇ રહ્યાં છે. બસ, હવે લાઇન ખતમ થવામાં જ છે. ત્યાં એક કાર્યકરનું ધ્યાન પડ્યું એક ખૂણામાં ચૂપચાપ બેઠેલા એક માણસ પર. અરે! આ તો રોજ ફૂટપાથ પર બેસી ભીખ માંગવાનું 'કામ' કરતો ભિખારી...મેલોઘેલો-જરા ગાંડા જેવો ને બેઘર....બૂમ પાડતાં એણે કહ્યું " એ..લાટસાબ....આ લાઇન ખતમ થઇ. તારે ખાવાનું નથી? " બૂમ સાંભળી એ ઉઠયો ને ધીમા,અશક્ત પગલે આગળ વધ્યો.એ નજીક આવ્યો કે ઉતાવળો થયેલ કોઇ કાર્યકર બોલ્યો, " લે ,જલદી તારું ખાવાનું લે કે અમે પરવારીએ" પણ એ તો જાણે કાંઈ સાંભળતો જ ન હોય તેમ ત્યાં પડેલા ટેબલ પર પોતાનું મેલું પોટલું મૂકી ધીમે ધીમે એની ગાંઠ ખોલવા લાગ્યો...આ ગાંડો શું કરે છે? બધા આશ્ચર્ય થી જોવા લાગ્યા...ત્યાં તો એણે પોટલા માંથી એક કાટખાધેલા પતરાનો ડબ્બો કાઢ્યો ને એને આગળ ધરતાં બોલ્યો,.." સાહેબ, હમણાં રોજ તમે અમને ખવડાવવાનાં છો.આમા મેં જમા કરેલાં થોડાં પૈસા છે. મારી મા કહેતી...આપણાથી અણહક્કનું નો ખવાય. કંઇ મહેનત કર્યા વગર ખાધેલું અણહક્કનું જ કહેવાય..આ તમે રાખો....!