અંધકારનો આછો પ્રકાશ (પ્રકરણઃ૭)
અંધકારનો આછો પ્રકાશ (પ્રકરણઃ૭)
મરકટ મનના તરંગો અને દિલના અડગ આશ્વાસનો વચ્ચે મનામણા રિસામણા ચાલતા રહ્યા અને મોડી રાતે સુષ્મા નિંદરની ગોદમાં ભરાઈ બેઠી. સવારે ડો. આનંદ વેહલા ઉઠી નિત્યક્ર્મ માંથી પરવાર્યા તો પણ સુષ્મા ન જ ઉઠી. ડો. આનંદ એને સુતી છોડીને હોસ્પિટલે ચાલ્યા ગયા. પોતે પણ વિચારોના વંટોળે ચાઢ્યા છે, અરે આ શુષ્મા કેવી સુંદર છે..! પરણીને લાવ્યો ત્યારે કાચની પુતળી જ જોઈ લ્યો ને! મને બરાબર યાદ છે લગ્નની પ્રથમ રાત્રિએ પાલવ સંકોરતી ધીમી ગતિએ મારી પાસે આવેલી ત્યારે? હુંય થોડી વિચિત્ર લાગણી અનુભવતો હતો...! આર્યનારીની જેમ પગે પડી... હું તો સ્તબ્ધ જ થઈ ગયો... ને શબ્દો સરી પડ્યા 'અખંડ સૌભાગ્યવતી ભવ' ને એને હસ્તી જોઈને હું પણ હસી પડ્યો.. ફુલની શૈયામાં મારી સામે કેવું નાજુક બીજું ફુલ બેઠું છે, ગભરાતું, શરમાતું, હસતું -રડતું...! વર્ષોની પ્રતિક્ષા કરતો હતો એ મુર્તિ આજ મારી સમક્ષ છે. અને હા..! વેહલી સવારે જાગ્યો ત્યારે? પથારી ખાલી હતી. મનોમન હસવું આવ્યું.
ઉઠવું નથી તેવો વિચાર આવતા પડી રેહવાનું પસંદ કર્યું ત્યાં બાજુના રૂમમાંથી કોઈના આવવાનો અવાજ આવ્યો... ધીમા અડગ ડગલા, ઝીણા નુપુરનો રમ્ય અવાજ અને હસતાં કંકણનો મંદ રવ....મન સંતોષથી ભરાઈ ગયું, સુઈ જ રહ્યો છું એવો ડોળ કરીને પડ્યો રહ્યો. ધીમે રહીને એક આંખે ચુપકીદીથી જોયું. નીચી નજરે તૈયાર થયેલી સુષ્મા ચાયની ટ્રે લઈને આવતી દેખાઈ. તે ટિપોઈ પર મુકીને મને ઉઠાડવા લાગી. 'એય... ચાય લાવી છું... બધા ઉઠી ગયા છે... સાંભળો છો.." સુષ્માને લાગ્યું કે એકલા શબ્દો અધોરીને નહીં જગાડે...તેથી હળવે હાથે ઢંઢોળતા બોલી "ઉઠોને... ચાય ઠંડી થઈ જાય છે..." સુષ્માનો મધુર અવાજ મને બહુ જ ગમ્યો. ધીમે રહીને પડખું ફેરવી ઉઠ્વાનો પ્રયત્ન કરતાં મેં મારા બંને હાથમાં એને સમાવી લીધી.. એ બોલી ઉઠી, "એય કોઈ જોઈ જશે તો.. છોડો મને.. મંદમંદ હસ્તા બોલીને મેં એનો જવાબ આપ્યો. "જોઈ જાય તો ભલે ને જોઈ જાય... મારી વ્હાલસોયી પત્નીને તો વ્હાલ કરું છું." પોતાનું જોરદાર હાસ્ય બધા સાંભળી ના જાય તેથી સુષ્માએ પોતાનો હાથ મોં પાસે રાખી ધીમા અવાજે બોલી. "પોતે તો ઉંધી ગયા હું તો જાગતી જ રહી.." ત્યાં વળી કોઈનો બોલવાનો અવાજ આવતાં સુષ્મા ઝડપથી આનંદથી દુર ખસી ગઈ ને બીજા રૂમમાં ચાલી ગઈ...આનંદ એને જતી જોઈ રહ્યો. (ક્રમશઃ)

