અમૃતા
અમૃતા
આજે અમૃતાના જીવનનો અતિ મહત્વનો દિવસ હતો અમૃતા આજના એના ખાસ દિવસ વિષે ખૂબ ઉત્સાહી હતી એ વહેલી ઉઠી બધું કામ પતાવી દીધું. આજે એનું સન્માન થવાનું હતું. એણે આજે કાળજીથી કડક સાડી પહેરી એના વ્યક્તિત્વને અનુરુપ પરિધાન કર્યું. પર્સ લઈને તે સ્કૂલ ગઈ. એના સંયમિત વ્યવહાર, એની કાર્યપ્રણાલી અને નિયમિતતા વિષે ટિપ્પણી થઈ. રાજ્ય સરકાર તરફથી એને 'એચિવમેન્ટ' એવોર્ડ અને ટ્રોફી મળી... ખૂબ ખુશ હતી આજે અમૃતા એને લાગતું હતું કે એની મહેનત રંગ લાવી ખરી આજે.
શુભેચ્છાઓના માહોલમાંથી એ નીકળી ઘરે આવી ઘરમાં આવતાંવેંત સાસુમા બોલ્યા, "કરિયાણાવાળાને ત્યાં જઈ આવી ?" અમૃતા એકદમ જમીન પર આવી ગઈ. "મા હવે જઈશ. જમીને કામ પતાવી ને ચિંતા ના કરશો."
"ઠીક છે જમી પરવારી ને થતી આવ કરિયાણાને ત્યાં. અને હા જતી વખતે શાક અને દવાનું લિસ્ટ લેતી જજે."
અમૃતા રુમમાં આવી ફસડાઈ પડી. આજ મારી જિંદગી ! મારી ટ્રોફી કેે મારા એચિવમેન્ટ એવોર્ડની એ લોકોને કોઈ કદર જ નહીં?" પર્સ, ફાઈલ અને ટ્રોફી મૂકી તેણે કપડાં બદલાવ્યાં.
જમીને કામ પતાવીને અમૃતા બહાર જઈ શાક, દવા, કરિયાણું લાવી. ઘરે આવી રસોઈ બનાવી સતત કશુંક વિચારતી
રહી એના આચાર્યના શબ્દો મનમાં પડઘાતા રહ્યા. એને.રાજય સરકાર તરફથી ગુજરાતી ભાષાના અનુસંધાને અમેરિકા જઈ ત્યાંના બાળકોને શીખવવાની અનેરી તક મળી હતી સાથે પી.એચ.ડી. કરવાની તક. બધાંને જમાડી કામ પતાવીને અમૃતા દિવાનખંડમાં આવી. બધાં વાતો કરતાં હતાં. અમૃતાએ સસરાને કહ્યું, "પાપાજી મને આજે આ ટ્રોફી મળી છે." "અચ્છા !" એક તુચ્છ નજર એના તરફ ફેંકી એ બોલ્યા, "આના કરતાં હજાર રુપિયા આપ્યા હોત તો કામ તો આવત. આવા ને આવા માળા કોઈ એને કેનાર નથી રુપિયા બગાડે છે ખાલી નખરા છે બધા." અમૃતા સમસમી રહી આ એ જ લોકો છે જેની પાછળ પૂરો પગાર, મારા ૧૮ કલાક અને લગાતાર કામ કરું છું જાત ઘસીને ને... મારી પ્રગતિ કે મહત્વકાંક્ષાની એમને કોઈ કિંમત જ નથી. ગળુંખંખેરી એ બોલી, "ના વાત હજુ અધૂરી છે મને ૪ વરસ માટે અમેરિકા જઈને ગુજરાતી ભાષા શીખવવા માટેનું માન મળેલ છે અને હું જવાની છું." સોપો પડી ગયો. એક શબ્દ પણ કોઈ ન બોલ્યું. અમૃતા પોતાના વિષે કાંઈ વિચારી શકે એવું કોઈ માને એમ નહોતા. થોડીવાર પછી સાસુ બોલ્યાં, "કોને પૂછીને નક્કી કર્યું તે !"
સસરા બરાડયા, "મૂંગી રે ઘડીક." ગળું ખોંખારીને કહે, "અમૃતા પગાર કેટલો !"
અમૃતા બોલી, "અહીંનો પૂરો પગાર બેન્કમાં જમા થશે. મારી ટિકિટ, વિઝા અને રહેવા, જમવાનું એ લોકો પર. ત્યાં હું બાળકોને વિસરાતી ભાષા શીખવીશ અને સાથ પી.એચ.ડી. માટે તૈયારી કરીશ હું ૪ વરસ પછી આવીશ ત્યારે મારી પાસે ડિગ્રી પણ હશે. અને ચોઈસ પણ હું ક્યાં જોબ કરું તે." બાબતમાં બધાં સ્તબ્ધ થઈ સાંભળતા રહ્યાં સાસુમા કશુંક અસ્પષ્ટ બોલી રહ્યાં. સસરાએ કહ્યું, "તો તું ત્યાં પાર્ટ ટાઇમ જોબ કરી ૧૦૦૦ ડોલર મોકલી શકે જો તારા સાસુની તબિયત સારી નથી એટલે રસોઈને કામ માટે કોઈ તો જોઈએ જ... તને ફાવે તો જા તારી પ્રઞતિમાં અમે ખુશ છીઅે.
અમૃતા ઉભી થઇ રુમમાં આવી. ઓહ કેટલા ચાલાક છે આ લોકો... મારી દરેક વાત મા પૈસો લાવે છે એને થયું કે એ કહી દે કે હું મશીન નથી. મારે ભણવાનું છે ૮ કલાક ભણાવવા નું છે આરામના ૮ કલાક પછી ત્યાં પણ મારે આ જ કામ કરવાનું મશીન બની ! નિશ્ર્ચય કરી તે બહાર આવી કે કહી દઉં કે હું ખોટું બોલી જોબ નહીં કરી શકું ત્યાં તો એના સસરા, સાસુ અને પતિની ચર્ચા સાભળી. બધા તૂટી પડ્યા હતા હા કેમ પાડી હાથમાંથી જતી રહેશે. સસરા બોલ્યા, "અક્કલ જ નથી તારામાં. અમૃતાને ના કહેત તો એ અલગ થઈને જાત પછી મહિને ૫૦,૦૦૦, ક્યાંથી આવશે. મે નરમાશ વાપરી બીજા ૧૦૦૦ ડોલરનું પાકું કર્યું. આવશે પછી એ લાખોનો પગાર લાવશે ખબર પડે છેકે નહીં વળી એનામા બાપ પણ આવત નાત આખીમાં વાત થાય કે આપણે એને હેરાન કરીએ છીએ એને બદલે હરખાઈને જવાદે તો જિંદગી આખી આપણી ગુલામ થઈને રહેશે." બધાએ વાતને વધાવીએ લેવા માટે જ શાણપણ સમજ્યું. અમૃતા હેેબતાઈ ગઈ. આટલી મોટી રમત. ખેર એ અંદર જતી રહી કશું ખબર જ ના હોય તેમ રાબેતા મુજબ નોકરી, કામ, ઘર સંભાળતા અમૃતાએ જવાની તૈયારી કરી. જવાને દિવસે પોતાના તમામ સર્ટીફીકેટ કપડાંઓ, જરુરી સામાન પેક કર્યો. અહીં કોઈને કશી લેવાદેવા જ નહોતી. સહુની વિદાય લઈ ઉજજવલ ભવિષ્યના અર્થે અમૃતા એ પ્રયાણ કર્યું...
