અધુરી વાર્તા કોન્ટેસ્ટ
અધુરી વાર્તા કોન્ટેસ્ટ


. . . મારી પ્રાણ પ્રિય પત્નીની લાશ જોઇને હું સર્વાંગ ધ્રુજી ઉઠ્યો. મારી આંખમાંથી અનરાધાર અશ્રુઓ સરી પડ્યા. મારું રુદન પોલીસ વ્હેનની આવી રહેલી સાયરનમાં દબાઈ ગયું. શું મેં મારી પત્નીની હત્યા કરી હતી ? આ સવાલ મારા દિલને ધ્રુજાવી ગયો. હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. કૉલેજ સમયથી અમે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. અમે લવ મેરેજ કર્યા હતા. મારા પ્રાણ પ્રિય પત્ની રમોલાની હત્યા? અને તે પણ મારા હાથે? કલ્પનામાં પણ તે શક્ય નથી. લગ્નજીવન દરમિયાન મેં કદી તેના પર હાથ પણ ઉપાડ્યો નથી. ઓરડામાં મારા સિવાય બીજું કોઈ હાજર નહોતું! સામે મારી પત્ની રમોલાની લાશ પડી હતી. આવા સંજોગોમાં પોલીસ મને જ હત્યારો સમજી બેસશે.
સાયરનનો અવાજ વધારે નજીક આવી ગયો ...પોલીસ વેન ઘર પાસે આવી અને ઊભી રહી ! હજી તો હું વિચારું જ છું કે હવે શું કરી શકું અને ત્યાં તો... ઠક..! ઠક..! ઠક..! દરવાજો ખખડ્યો અને ડોર બેલ રણકવા લાગી..!!
છેલ્લા ઘણા સમય બાદ અચાનક જ આવેલા ડી.આઈ.ડી.(DID) મેન્ટલ સ્ટ્રોક પછી મારું બ્લડ પ્રેસર નોર્મલ થવા લાગ્યું હતું પણ આજુ બાજુ નું ભયાનક દ્રશ્ય જોતા જ ફરી ધબકારા વધવા લાગ્યા હતા.!
મારો અને રમોલાનો પહેલો પરિચય બાર વરસ પહેલા કોલેજ ફર્સ્ટ યેરમાં એક ફંક્શનમાં થયો હતો ત્યારથી શરુ થયેલુ અમારું પ્રેમ પ્રકરણ ત્રણ વરસ સુધી બંને પરિવારોને ખુબ સમજાવીને પરાણે કરેલા લવ મેરેજ સુધી પહોચ્યું હતું...રમોલાનાં જોડાયલા લેડી લક થકી મારી લેખક તરીકે ની કારકિર્દીને ખુબ જ વેગ મળી રહ્યો હતો, મારી સતત પાંચમી ફિક્શન એન્ડ સસ્પેન્સ થ્રીલર સ્ટોરી બૂક પ્રકાશિત થઈ તેમાં ત્રણ તો બેસ્ટ સેલર રહી હતી. ઇન્ડિયાનું પ્રથમ અને એક માત્ર સસ્પેન્સ થ્રીલર સ્ટોરી મેગેઝીન લોન્ચ કરવાનું મારૂ લાઈફ-ડ્રીમ હતું.
લગ્ન બાદ પેલા જ બે વરસમાં મને ડિસોસિએટીવ આઇડેન્ટિટી ડિસઓર્ડર (DID) ડી.આઈ.ડી. નામની એક એવી બીમારી આવી કે જેમાં અચાનક જ મારું બ્લડ પ્રેસર અનિયંત્રિત થઈ જતું.. આકસ્મિક જ મેન્ટલ સ્ટ્રોક આવતો અને હું કોઈ અલગ જ કેરેક્ટરમાં જીવવા લાગતો. હું મારુ અસ્તિત્વ અને મારી લાઈફ સાવ ભૂલી જ જતો..રમોલાને પણ ઓળખી ન શકતો !! નોર્મલ થતા મને ચાર થી પાંચ દિવસ લાગી જતા, આ દરમ્યાન મારો મેળ વગર નો બકવાટ કરવો, બરાડા પાડવા, વસ્તુઓ ફેકવી વગેરે અનેક પ્રવૃતિઓને રમોલા અને પડોશીઓએ શરૂઆતમાં સહન કરી..મગજનું નિયંત્રણ દિવસે ને દિવસે બગડતું ગયું....મગજ ની હાઈ પાવરની દવાઓ સતત મને ઊંઘમાં જ રાખતી !
ફુલ ટાઈમ જોબ, મને સાચવવો, ઘર ચલાવવું તેમજ મારી દવાઓનો ખર્ચો...!! આ બધાને રમોલા એ એકલા હાથે હેન્ડલ કર્યું.... પણ બે વરસમાં મને આવા છ સ્ટ્રોક આવતા અને પરિસ્થિતિ કાબુ બહાર જતા પાડોશીઓએ અને મિત્રોએ મધ્યસ્થી કરી મને મેન્ટલ કેરસેન્ટરમાં એડમીટ કરાવ્યો.. આ ઘટનાએ અમને બંને ને ત્રણ વરસ માટે અલગ કરી દીધા પણ આ દરમ્યાન ખબર નહી કેમ પણ રમોલાનું મનોબળ ખુબ જ મજબુત થઈ રહ્યું હતું ! પોતાના ફેમીલી સાથે અમારા લવ મેરેજ ને કારણે વહેવાર ન હોવાથી રમોલા એ ત્રણ વરસ એકલું રહેવું પસંદ કર્યું હતું..!!
રોજ મારા માટે ટીફીન લઈને આવવાથી લઈને મારા દરેક રીપોર્ટ કરાવવા અને મને મોરલ સપોર્ટ આપવામાં રમોલા નું દ્રઢ મનોબળ ખુબ જ અસરકારક સાબિત થયું !! કેર સેન્ટરમાં મારી તબિયતમાં નોંધપાત્ર સુધારો આવ્યો.. બીજી બાજુ રમોલા એકલપણાથી કંટાળી પણ રહી હતી...તેની ઇચ્છા મને જલ્દીથી ઘરે પરત લઈ આવવાની હતી. તેની તો ત્યાં સુધીની તૈયારી હતી કે મને રજા મળે એટલે મારા માટે એક પરિચિતની કંપનીમાં રીસેપ્શન ટેબલ હેન્ડલ કરવાના પાર્ટ ટાઈમ વર્ક માટે પણ તેને વાત નક્કી કરી રાખી હતી !!
બધા જ મિત્રો- સંબધીઓ ની સલાહ લીધા વગર જ મક્કમ રહીને મારું નોર્મલ હોવાનું સર્ટીફીકેટ કઢાવી, રમોલા મને ફરી ઘરે લઇ આવી...!! કદાચ તેને ખબર નહોતી કે આ એની લાઈફની છેલ્લી ભૂલ બની રહેશે..!
મને તો ઘરે ઘણું સારું લાગી રહ્યું હતું, હું મારું સ્ક્રિપ્ટ રાઈટીંગનું જૂનું કામ ફરીથી શરુ કરવાનો પ્લાન કરી રહ્યો હતો..પણ મગજ ને વધારે વિચારવું પડે તેવું કોઈ કામ હું કરું એમાં રમોલાની ઈચ્છા ન હતી. તેના માનવા મુજબ મને (D.I.D.) ડી.આઈ.ડી. નો પ્રોબ્લેમ પણ આખી રાત જાગીને સ્ટોરી લખવાથી અને સ્ટોરીના કેરેક્ટરો માં ઘુસી જવાથી જ થયો હતો !! મારા લેખક તરીકેના પ્રોફેશન ને લીધે જ મગજ કોઈ કાલ્પનિક કેરેક્ટર ને વાસ્તવિક માનવા લાગતું હતું !! એટલા માટે જ રમોલાએ મારા ગયા પછી મારી બધી જ સ્ટોરી બુક્સને પસ્તીમાં સ્થાન આપી દીધું હતું તેમજ મારા રાઈટીંગ ડેસ્કને તેને પોતાનું લેપટોપ ડેસ્ક બનાવી નાખ્યું હતું.. મારી સ્ટોરીના અલગ અલગ કેરેક્ટરના નામ અને તેની કેચલાઈનો હું રાઈટીંગ ડેસ્ક સામે ની વોલમાં ચિપકાવી ને રાખતો ત્યાં હવે એક ગણપતિ નું કેલેન્ડર લટકી રહ્યું હતું !!
આજે ૧૫ એપ્રિલ હતી..એટલે કે અમારી મેરેજ એનીવર્સરી !! આના માટે અમે બંને ગઈકાલથી જ ખુબ એક્સાઈટેડ હતા અને તેમાંય ખાસ કરીને રમોલા !! તેને ઓફીસ પર આજે લીવ રાખેલી અને સાંજે હોટેલ જવાનો પ્લાન બનાવ્યો હતો.
મારી પાસે ઘરે કોઈ ખાસ પ્રવૃત્તિ નહોતી ફક્ત સમય જ પસાર કરવાનો હતો, રમોલાને સવારથી ઘરના રૂટીન કામોમાં વ્યસ્ત જોઇને હું મારા રાઈટીંગ ડેસ્ક પર ગોઠવાયો અને રમોલાનું લેપટોપ લઈ ને સર્ફિંગ કરવા લાગ્યો..
“અધુરી વાર્તા” પૂરી કરો કોન્ટેસ્ટની એક લિંક પર નજર પડતા જ મેં ત્યાં ક્લિક કર્યું અને એક વેબસાઈટ ખુલી જેનું કામ નવા નવા રાઈટરોને પ્રોત્સાહન આપવાનું હતું તેમાં ઘણી બધી કોન્ટેસ્ટ આપવામાં આવી હતી પણ મારા મૂળ રાઈટીંગ સાથે જોડાયેલા હોવાથી અધુરી વાર્તા કોન્ટેસ્ટ પર મારું ધ્યાન આકર્ષાયું. જેમાં વાર્તાના પાંચ અધૂરા પ્લોટ આપવામાં આવ્યા હતા અને કોઈ પણ એક અથવાતો પાંચેય સ્ટોરી પૂરી કરીને સબમિટ કરવાની છેલ્લી તારીખ આજની જ એટલે કે ૧૫ એપ્રિલ હતી !!
મારું રાઈટર તરીકે નું મગજ લાંબા વેકેશન બાદ ફરી જાગૃત થઈ રહ્યું હોય એવું લાગ્યું ..વિચારો ના ઘોડા દોડવા લાગ્યા.. આજે ફરી એ જ રાઈટીંગ ડેસ્ક હતું જે મારી સફળ લેખક તરીકેની સફરનું ભાગીદાર હતું...! કોઈ એક સ્ટોરી પૂરી કરી ને સબમિટ કરવાની મારી લાલચને હું રોકી શક્યો નહી !
કોઈ એક જ બાબત પર વારંવાર વિચાર નો કરવાની ડોકટરની સલાહને અવગણીને હું પ્રથમ અધુરી સ્ટોરીનો પેરેગ્રાફ બે વાર વાંચી અને મનમાં ને મનમાં તેને વાગોળવા લાગ્યો....જમણા હાથ નો અંગુઠો સ્વીચ વારી પેન પર ટીક-ટોક ટીક-ટોક કરવા લાગ્યો.. કાંઈ ખબર જ ના પડી કે ક્યારે પેન બંને હોઠોની વચ્ચે ગોઠવાઈ ગઈ..! ક્યારે આંખો બંધ થઈ... અને ક્યારે દવાઓ દ્વારા બાંધી રાખેલા કલ્પના શક્તિના ઘોડા છૂટી ગયા...! અને ક્યારે અધુરીવાર્તાના નાયકે મારી મનોદશા પર કબજો કરી લીધો..!
સ્ટોરી નાયકનાં પાંચેક કલાકનાં હિંસક તાંડવ બાદ પેનનાં ટીક-ટોક..! ટીક-ટોક..! અવાજ સાથે ગુમાવેલું ભાન દરવાજા પરથી આવતા ઠક..! ઠક..! ઠક..! અવાજો સાંભળી ને આવી રહ્યું હતું.
ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ સમજાઈ રહ્યું હતું...બાલ્કનીનું ડોર ખુલ્લું હતું..સામેની અગાશી પર પડોશીઓના ટોળા મને અચરજ અને ધ્રુણાભાવથી તાકી રહ્યા હતા !! રમોલાની લાશ સામે પડેલી હતી હું રાઈટીંગ ડેસ્ક પર બેઠેલો હતો ...મારા લોહીવાળા હાથ લેપટોપના કીબોર્ડ પર હતા. લેપટોપ સ્ક્રીન પર અધુરી વાર્તા કોન્ટેસ્ટ નું પેજ ખુલ્લું હતું અને અધુરી સ્ટોરી નો પેરેગ્રાફ હજી એમનેમ જ લખેલો હતો જે આ મુજબ હતો...
અધુરી વાર્તાનો પ્લોટ (૧)
લેખક : પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
. . . મારી પ્રાણ પ્રિય પત્નીની લાશ જોઇને હું સર્વાંગ ધ્રુજી ઉઠ્યો. મારી આંખમાંથી અનરાધાર અશ્રુઓ સરી પડ્યા. મારું રુદન પોલીસ વ્હેનની આવી રહેલી સાયરનમાં દબાઈ ગયું. શું મેં મારી પત્નીની હત્યા કરી હતી ? આ સવાલ મારા દિલને ધ્રુજાવી ગયો. હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. કૉલેજ સમયથી અમે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. અમે લવ મેરેજ કર્યા હતા. મારા પ્રાણ પ્રિય પત્ની રમોલાની હત્યા? અને તે પણ મારા હાથે? કલ્પનામાં પણ તે શક્ય નથી. લગ્નજીવન દરમિયાન મેં કદી તેના પર હાથ પણ ઉપાડ્યો નથી. ઓરડામાં મારા સિવાય બીજું કોઈ હાજર નહોતું! સામે મારી પત્ની રમોલાની લાશ પડી હતી. આવા સંજોગોમાં પોલીસ મને જ હત્યારો સમજી બેસશે. . .
- વાર્તા સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૫ એપ્રિલ
ઇનામ
· શ્રેષ્ઠ ત્રણ ૩ વિજેતાઓને વિજેતાનું પ્રમાણપત્ર અને રુ- ૨૫૦ કિંમતનું વાઉચર આપવામાં આવશે.
· પ્રથમ નંબર પર વિજેતા થનારને આવતાં ૧૦ દિવસની અધુરી વાર્તાની સ્પર્ધા માટે પોતાની અધુરી વાર્તા મુકવાની તક મળશે.
· ભાગ લેનાર દરેકને ભાગીદારીનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
પાત્રતા
સ્પર્ધાનો સમયગાળો - 01 એપ્રિલ થી 15 એપ્રિલ.
ભાષા : ગુજરાતી
સાહિત્ય પ્રકાર - વાર્તા.