અડગ વિશ્વાસ
અડગ વિશ્વાસ


પહેલો પ્રેમપત્ર તો કોના માટે યાદગાર ન હોય? ધર્મેન્દ્રની સગાઈ તો એ કોલેજના ત્રીજા વર્ષમાં હતો ત્યારે જ થઈ ગયેલી. વળી, એની ફિયાન્સી તો એના કરતાં ઘણી નાની. કાજલ એનું નામ. દસમામાં અભ્યાસ કરે. ધર્મેન્દ્રે કાજલ પહેલા એકપણ છોકરી જોયેલી નહીં અને એવું જ કાજલને હતું. એને પણ ધર્મેન્દ્ર અગાઉ એકપણ છોકરો જોવા આવ્યો નહોતો.
સગાઈ પછી ફોનની વ્યવસ્થા તો હતી જ નહીં. લાગણીથી તરબતર હૃદયને માત્ર ને માત્ર શબ્દદેહ આપી મઘમઘતા કવરમાં નાખી પોસ્ટવાળાના હવાલે કરવાના અને પછી દસ દિવસ રાહ જોવાની! પણ, આ બધાની મજા જ કંઈક ઓર હતી. ધર્મેન્દ્રે પહેલો પ્રેમપત્ર લખ્યો. કહો ને કે તેનું દિલ ઠાલવી દીધું. સગાઈ થયાના બરાબર ત્રણ મહિના પછી એ પૂછવાનો મેળ આવ્યો કે પત્ર લખી શકાય અને જો હા તો કોના સરનામે! એ દરમિયાન ત્યાં કાજલને બધાં ખીજવતા હતાં કે ," તું ગામડાની છો અને એ રહ્યો કોલેજીયન. નક્કી કોઈક સાથે લફરું હશે. બાકી પુરુષ મળવા માટે કેવો અધીરો અને તલપાપડ થાય." કાજલ મનોમન મુંજાતી પણ કોને પૂછવું અને શું પૂછવું? એમાં પહેલો પત્ર ધર્મેન્દ્રે લખ્યો અને એમાં એણે સ્પષ્ટ લખ્યું હતું કે " મારે અભ્યાસ કરી નોકરીએ ચડી મારાં મા-બાપ અને તારા સપનાં પૂરાં કરવા છે અને એટલે જ હું બહુ પત્રો કદાચ ન પણ લખી શકું અને તને વારંવાર મળવા પણ નહીં આવું." આવો નિરસ પત્ર વાંચી કોઈનો પણ પ્રેમ મરી જાય. એનાં બદલે કાજલે જવાબ લખ્યો, " તમે જે નિર્ણય લો એમાં હું કાયમ તમારી સાથે જ હોઈશ."
આ યાદગાર પત્રની એક યાદગાર લીટીનાં સહારે જ એમની સાત વર્ષ સગાઈ ટકી અને પછી લગ્ન થયાં. આજે પણ બંને એકબીજાનાં નિર્ણયો પોતાનાં જ માનીને ચાલે છે.