Nayanaben Shah

Tragedy

4.5  

Nayanaben Shah

Tragedy

અભિપ્રાય

અભિપ્રાય

5 mins
351


જયારે હું નવી સોસાયટીમાં રહેવા ગઈ ત્યારે બધા એક જ વાત કરતાં કે આખી સોસાયટીમાં એક જ ઘર સૌથી સુખી છે. જો કે આમ તો આ સોસાયટીમાં બધા જ સુખી છે પણ આ સુયશની વાત જ જુદી છે. સુખ કોને કહેવાય એ જોવું હોય તો સુયશ અને સુકાન એ બંને ભાઈઓને મળવું જ જોઈએ.

જો કે હું માત્ર સાતેક મહિના માટે જ આવી હતી. કારણ અમારા ઘરનું `રિનોવેશન´ચાલતું હતું. પણ મનેે એ સુખી પરિવારને મળવાની ઈચ્છા થઈ. મારે બહુ પ્રયત્ન ના કરવો પડ્યો. એક દિવસ જલધિ અને ભુવના એમના ઘરે પાઠ રાખેલા એનું આમંત્રણ આપવા આવ્યા.

મને ખાસ કહેલું કે તમારે યમુનાષ્ટકથી શરૂઆત કરવાની કારણ અમે ઘણીવાર તમને યમુનાષ્ટક ગાતાં સાંભળ્યા છે.

પાઠમાં બધા મગ્ન બની ગયા હતાં. સમય પુરો થવા આવ્યો હતો એ તરફ કોઈનું ધ્યાન જ ન હતું. મારુ ધ્યાન ગયું આમ તો મારા માટે અજાણ્યું ઘર હતું પણ ભગવાનના કામમાં શું ? એવું વિચારી દૂધના ગ્લાસ ભક્તો માટે તૈયાર કરવા લાગી. પછી તો બધાનું ધ્યાન જતાં એ લોકોએ મારો આભાર માન્યો. મેં જોયું કે સુયશ અને સુકાનની પત્નીઓ જલધિ અને ભુવનામાં પણ એટલો જ સંપ હતો. તો જ સંયુક્ત કુટુંબ ટકે ને !

અમારો પરિચય દિવસે દિવસે વધતો જતો હતો. અમારી વચ્ચે આત્મીયતા બંધાઈ ગઈ હતી. જો કે મને થતું કે હું તો અહીં થોડા વખત માટે જ આવી છું. આટલી બધી માયા બંધાશે તો આપણામાં કહેવાય છે કે"માયા માર ખવડાવે. "

થોડા દિવસો પછી એમના ઘર પાસે એક ટેમ્પો ઊભો હતો એમાંથી મજૂરો અનાજની ગુણો ઉતારતાં હતાં. તેલના ડબ્બા પણ હતાં. મને થયું કે આટલું બધુ અનાજ આવ્યું છે એટલે સાફસુફ કરવામાં તથા મોઈને ભરવાનું કામ ચાલશે એટલે દેખાશે નહીં. પણ એ સાંજે એમની નણંદ પ્રથા આવી. એ બધાની વાતોનો અવાજ આવતો હતો. થોડીવાર રહી બધા બહાર જવા નીકળ્યા. બીજે દિવસે સવારે મને કહે કાલે અમે બધા પિક્ચર જોવા ગયેલા. મજા આવી. પછી હોટલમાં જમીને જ આવ્યા. હું એની સામે જોઈ રહી.

આખરે મેં પૂછી લીધું,"પણ તમે આટલું બધું અનાજ ક્યારે સાફ કરશો ? "

મારી સામે જોઈને બંને જણ હસી પડ્યા બોલ્યા,"એ તો બધું પપ્પા મમ્મી એ સાફ કરાવી મોટી પ્લાસ્ટીકની કોથળીઓમાં દિવેલ દઈને ભરીને મોકલે છે. મજુરો જ પીપડામાં એ કોથળીઓ મૂકી આપે. "

ત્યારબાદ તો ક્યારેક મારે ત્યાં જાતજાતના નાસ્તા મોકલે. જે એકદમ સ્વાદિષ્ટ હોય. મને એ લોકો માટે માન થતું હતું કે બહુ જ મહેનતું છે. મેં જ્યારે એમના બનાવેલા નાસ્તાના વખાણ કર્યા ત્યારે કહે,"આ પણ ગામડે રહેતાં અમારા સાસુ સસરા જ મોકલે છે. એ તો ઘેર રસોઈયાને બોલાવી નાસ્તા કરાવીને આવતાં જતાં જોડે મોકલી આપે. કારણ અમારા બાળકોને ગળ્યુ ભાવે. અમને તીખું ભાવે બધાની પસંદ ધ્યાનમાં રાખી નાસ્તા બનાવડાવે.

ઘણીવાર તો નવી સાડીઓ કે ડ્રેસ મને બતાવવા આવે ત્યારે હું પણ હસીને કહું,"મમ્મી પપ્પાએ અપાવ્યા ?"ત્યારે કહે કે એ તો એમની દીકરી માટે જેટલું લે એટલું અમારા બધા માટે લે" જો કે પછી અટકીને કહે,"દરેકને આવા સાસુસસરા મળવા જોઈએ. અમે તો નસીબદાર છીએ કે માબાપથી અધિક રાખે એવા સાસુસસરા મળ્યા છે. "

બીજી પણ એક વાત છે કે પપ્પા ગામમાં ગરીબોને અનાજ વહેંચે છે. વર્ષમાં એકવાર ચોર્યાસી કરે તથા બધા સગાવહાલાંઓને જમવા બોલાવે. બહુ ભવ્ય રીતે આયોજન કરે.

કોઈને કંઈ પણ તકલીફ પડે તો બધાના મોંએ પહેલું નામ પપ્પાનું જ હોય બીજું કે મમ્મીને પણ રસોઈનો કંટાળો નહીં. પપ્પાના બધા ભાઈબંધો ભેગા થાય તો મમ્મીને કહે બટાકાવડા બનાવ તો ક્યારેક કચોરી તો ક્યારે મકાઈનો ચેવડો બનાવડાવે. બધા ભેગા થઈ આનંદપ્રમોદ કરે. એમને તો ગામડું છોડવું જ નથી. નાનપણથી ત્યાં રહ્યા છે અને એમના ભાઈબંધો પણ બધા ત્યાં જ. અહીં આવે ત્યારે પણ બધા માટે કંઈકને કંઈક ભેટ લઈને જ જાય. એમના જેટલા ગુણગાન કરીએ એટલા ઓછા છે.

ત્યારબાદ અમારૂ ઘર તૈયાર થઈ ગયું. અમે જઈએ એ પહેલાં મને લંડનનો વીસા મળી ગયો. મેં કહ્યું,"હવે ચાર મહિના પછી પાછી આવીશ. પણ આપણે વિડીયો કોલ કરીશું. હવે તો દુનિયા એકદમ નાની બની ગઈ છે. થોડા જ સમયમાં આપણી વચ્ચે ઘણી આત્મીયતા બંધાઈ ગઈ છે. જલધિ તું અને ભુવના મારે ત્યાં આવતા જતાં રહેજો. "

એક દિવસ જલધિનો ફોન રડતાં રડતાં આવ્યો કે મમ્મી આ દુનિયા છોડીને જતાં રહ્યાં. પપ્પાનું તો જાણે કે એક અંગ કપાઈ ગયું. જો કે મમ્મીની વિધીમાં કંઈ જ કસર નથી રાખી. પણ પપ્પા એક જ વાત કરે છે મારે હવે જીવવું નથી. ભુવનાનો રડવાનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. પણ એટલે દૂરથી હું શું કરી શકું ?

મહિના પછી ફરીથી ફોન આવ્યો,"અમે તો બિલકુલ અનાથ થઈ ગયા. પપ્પાએ મમ્મી પાછળ જેવી વિધી કરી હતી એવી જ વિધી પપ્પા પાછળ અમે કરી. પપ્પાની ઈચ્છા હતી કે અમે બહુ મોટુ ઘર લઈએ. હવે ઘર લઈશું તો પણ મમ્મી પપ્પા જોવા નહીં રહે. "જલધિ અને ભુવનાનું રૂદન મારાથી જોવાતું ન હતું. જો કે એની નણંદ પ્રથા બંને ભાભીઓને છાની રાખી રહી હતી.

હું વિચારતી હતી કે લોહીની સગાઈ કરતાં પણ આ સ્નેહની સગાઈ ઘણી ઊંચી છે. આ જમાનામાં પણ આવું સંપીને રહેનાર કુટુંબ જોવા મળે એ લ્હાવો છે. ભાઈઓ તો સંપીને રહે પરંતુ પારકા ઘરેથી આવેલી છોકરીઓ પણ સગીબહેનોની જેમ રહે તો એ જોઈને અંતરથી આનંદ પ્રાપ્ત થાય.

હું લંડનથી પાછી ફરી પછી ઘર સરખું ગોઠવવામાં સમય ક્યાંં પસાર થઈ ગયો એ ખબર જ ના પડી. એક મહિના પછી હું જલધિ અને ભુવનાને મળવા ગઈ. પરંતુ ત્યાંનું દ્રશ્ય જોઈ હું સ્તબ્ધ બની ગઈ. એક જ ઘરમાં બે રસોડા થઈ ગયા હતાં. હું જલધિ સાથે વાત કરતી હતી ત્યાં જ ભુવના આવી બોલી,"તમે વાતો કરવાને બદલે મારે ત્યાં જમીને જજો. "

ત્યાં તો જલધિ બોલી,"તમે પહેલાં મારે ત્યાં આવ્યા છો તો અહીં જ જમીને જવાનું હોય ને !"

હું બોલી કે,"આજે તો તમારે ત્યાં જમાય જ નહીં કારણ કે તમારા સાસુ સસરાના અવસાન નિમિત્તે હું આવી છું. " થોડીવાર રહી મેં પૂછી જ લીધું તમે મોટું ઘર લેવાના હતાં એનું શું ?

પછીની વાત સાંભળી મારા પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. અરે,મનુષ્ય સાથે બધા સંબંધો માત્ર અને માત્ર પૈસાના જ હોય છે. આ પ્રશ્નના જવાબમાં જલધિ અને ભુવના એકમત થઈને બોલ્યા,"એ લોકોએ આખી જિંદગી હૈસો હૈસો કરી બધી મિલકત ઉડાવી દીધી. લોકોની વાહ વાહ મેળવી. અમને તો હતું કે એમની પાસે ઘણો પૈસો હશે. એટલે તો આટલા બધા ખર્ચ કરતાં હશે ને ! પણ તમને ખબર છે કે મરણોત્તર વિધી એમના કહ્યા મુજબ કરી પછી બેંકમાં માત્ર દસ હજાર જ હતા. એનાય પાછા ત્રણભાગ પાડવાના ! મારા નણંદનો પણ ભાગ ! અમે તો વિચારેલું કે પપ્પાના પૈસે મોટું મકાન લઈશું.

અમે છૂટથી પૈસા વાપરતા હતાં પણ આ ઉડાઉ માણસનો આવો સ્વભાવ અમે જાણતાં ન હતાં. એક સમયે દેવ જેવા સાસુસસરા એકાએક ઉડાઉ બની ગયા. આ પૃથ્વી પર બધી સગાઈ પૈસાની જ છે ? કહેવાય છે કે,

"સબસે ઊંચી પ્રેમ સગાઈ. "કે

"સબસે ઊંચી પૈસાની સગાઈ !"

જીવતા દેવ બનાવનાર આ દુનિયા, મૃત્યુ બાદ વ્યક્તિને ઉડાઉ કહેનાર દુન્યવી મનુષ્ય તને શું કહેવું ?

સહજ રીતે પોતાનો અભિપ્રાય બદલનારને શું કહેવું એ વિચાર કરતાં ઘેર પહોંચી ત્યારે દિવસો સુધી મનમાં આ વિચાર સતત આવતો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy