આત્મનિર્ભર
આત્મનિર્ભર


"વાહ ! મમ્મીજી, આ ઉંમરે હવે તમને "કંઈક કરવું છે" નું ભૂત સવાર થયું છે ને કાંઈ ?"
"એકાદ બે સારી વાર્તા બનાવી દીધી એટલે કંઈ સારા રાઈટર નથી બની જવાતું." દીકરાએ પણ વહુનાં સૂરમાં સૂર પુરાવ્યો.
"આખો દિવસ બાગબાન પિક્ચર જોતાં હોય છે. લાગે છે, એટલે તેનું ભૂત સવાર થયું છે."
"એટલે તું પણ તારી આત્મકથા લખશે એમ ? પરંતુ, તારી આત્મકથામાં હશે શું ? પતિ સાથે છૂટાછેડા, દિકરા-વહુ સાથે ફાવતું નથી, ઘરમાં ગમતું નથી, પિયરમાં જવું નથી. વગેરે..વગેરે.."
"મમ્મીજી, એ પિકચર છે એટલે એમાં એને એનાં લખાણનાં વખાણ થયાં અને રૂપિયા પણ મળ્યાં. બાકી આજકાલ આમ, તમારાં જેવાં તો કેટલાયે લેખકોનો રાફડો ફાટી નિકળ્યો છે."
"બસ, હવે બહુ થયું." રોજ બધાનું બધું જ ચૂપચાપ સાંભળી લેનાર કીર્તીને આજે પહેલીવાર બોલતી સાંભળીને દીકરો તો અવાક જ બની ગયો. એને પહેલી વખત તેની મમ્મીને ગુસ્સે થતાં જોઈ હશે.
"મેં કોના માટે કર્યું આ બધું ? તમારા બન્ને ભાઈ-બહેન માટે જ ને ? તારા પપ્પાની નોકરીની બદલી થતી રહેતી, પણ હું તમારાં ભણતર અને ઘડતર માટે એકજ જગ્યાએ સ્થાયી થઈ. હું મારા પતિથી દૂર રહી એટલે એમની જિંદગીમાં કોઈ બીજી સ્ત્રીએ પ્રવેશ કર્યો અને મેં એમને રાજીખુશીથી છૂટાછેડા આપ્યાં. બાકી, આજ સુધીનો મારો બધો ખર્ચો એજ પૂરો પાડે છે ને ? અરે ! તમે બન્ને ભાઈ-બહેન ભણ્યાં, પગભર થયાં ને તમારા લગ્ન સુધીનો ખર્ચાનો ભાર એમનેજ ઉપાડ્યો છે. એટલે સુધી કે દિકરી-જમાઈ અમેરીકા પણ એમનાં ખર્ચે જ ગયાં છે."
"મમ્મીજી, તમે એ ના ભૂલતાં કે તમે રહો છો તો અમારી સાથે જ."
"આભાર વહુ, એ યાદ કરાવવા માટે. પણ એક વાત કહું, હું તમને આ ઘરમાં લાવી છું. તમે મને નથી લાવ્યાં. અને..હા, હું પણ તમને એક વાત યાદ દેવડાવી દઉં કે આ ઘર પણ મારા નામે જ છે. તમે બન્ને નોકરી કરતાં હતાં અને તમારાં બાળકો નાના હતાં. એટલે તમને મારી જરૂર હતી. પરંતુ લાગે છે હવે તમે બધાં તમારું કામ જાતે કરી શકો છો."
કીર્તીએ મક્કમ મને 'આત્મનિર્ભર' વૃધ્ધાશ્રમમાં ફોન જોડ્યો. પોતાનાં કપડાં, ઘરેણાં અને એફ.ડી સહિતની બધી વસ્તુઓ લીધી. બેગ પેક કરીને ટેક્સી મંગાવી. થોડીક જ વારમાં ટેક્સી બારણે આવીને ઊભી રહી. તે જતાં-જતાં બોલી.
"અત્યાર સુધી પાણીનું માટલું પણ ક્યારેય ન ભરનાર વહુ, કાલથી તમે આખું ઘર સારી રીતે સંભાળી શકશો એવી આશા રાખું છું."
બોલીને તે ટેક્સીમાં બેઠી, બધાં જ બંધનો તોડીને તે તેનાં સ્વપ્નની નવી કેડી કંડારવા માટે આસમાની સફરે નીકળી પડી.