mariyam dhupli

Romance Inspirational

3  

mariyam dhupli

Romance Inspirational

આશા

આશા

1 min
126


જરાક આંખ મીંચાઈ કે એ તરત જ ઝબકીને ઊઠી ગયો. ચારે દિશામાં વિખરાઈ રહેલા પ્રકાશથી દોરવાતો એ સીધો બારી તરફ આવી ઊભો રહી ગયો. સંપૂર્ણ માત્રામાં ન મળેલી આરામદાયક ઊંઘનો એના ચહેરા પર કોઈ વસવસો ન હતો. એની આંખની કીકીઓ અહીંથી ત્યાં ફરતી આખા આકાશને આવરી લેવા મથી રહી હતી. ધીમે ધીમે બીડાયેલા હોઠ ફૂલની પાંખડી જેમ ખુલી પડ્યા. એણે આંખ પરના ચશ્મા નીકાળી શર્ટના કાપડ વડે સાફ કર્યા અને ફરીથી વધુ સ્પષ્ટ દ્રશ્ય નીરખવાની ઘેલછામાં ચહેરા ઉપર ગોઠવી દીધા. એક ઊંડો આનંદનો શ્વાસ લઈ તૃપ્ત નજરે એણે આકાશ તરફ જોયું અને મનની અધીરાઈ શબ્દોમાં છલકાઈ આવી.

" આશા, આશા, સાંભળે છે ? આ જો અહીં. શું દેખાય છે ? "

એણે કાન સરવા કર્યા અને હેરતથી પૂછ્યું, 

" શું કહ્યું ? આતશબાજી ? "

અવિશ્વાસમાં ગરદન હલાવી એણે આંખોની કીકીઓ સંકોચી.

" શું, આશા ? તારી નજર પણ લોકો જેવી જ થઈ ગઈ ? સંકુચિત. ધ્યાનથી નિહાળ. મારી નજરથી જો. મને તો દેખાય છે હજી ૩૬૫ આશાભર્યા દિવસો. "

જોતજોતામાં આતશબાજીથી આકાશમાં 'વેલકમ ૨૦૨૩' શબ્દો ઝળહળી ઉઠ્યા. એની આધેડ આંખો નાના બાળક જેમ એ શબ્દોને કુતૂહલતાથી તાકી રહી. 

પાછળ હોસ્પિટલની પથારી પર કોમામાં પડેલી આધેડ સ્ત્રીના ચહેરા પર કોઈ હાવભાવો ન હતા. આંખો ચુસ્ત મીંચાયેલી હતી અને શરીર હલનચલન વિનાનું હતું. 


Rate this content
Log in

Similar gujarati story from Romance