આપણા મલકમાં
આપણા મલકમાં
આપણા મલકના માયાળુ માનવી
માયા મેલીને મરી જાશું મારા મેરબાન
હાલોને આપણા મલકમાં..........
(પ્રફુલ્લ દવે)
આ લોકગીત સાંભળતા જ આપણું મલક એટલે કે આપણું ગામ યાદ આવી જાય છે, ભલે ને પછી આપણે દેશમાં હોઈએ કે પરદેશમાં, ગમે ત્યાં તમે રહેતા હોય પણ જ્યારે પણ આ લોકગીતનો સ્વર કાને અથડાઈ એટલે મનમાં ને મનમાં ગામની જુની યાદો તાજી થાય.
હા,જરૂર હું આજે પરદેશમાં રહું છું પણ હૃદયમાં પહેલા નંબર પર મારું ગામડાનું ઘર આવે છે, અહીંયાની આધુનિક સુવિધાથી સજ્જ શહેર પણ મારે મન તો મારું ગામ શ્રેષ્ઠ.
વાત કરું તમને હું મારા ગામ અને મારા બાળપણની, આજથી ત્રીસ-બત્રીસ વર્ષ પહેલા, નજર પહોંચે ત્યાં સુધી દેખાતા ખેતરો, એ ખેતરોમાં કામ કરતાં ખેતમજૂરો, બળદની મદદ વડે હળ ચલાવનાર ખેડૂત, દૂર ખેતરમાં લીલી ચાદર ઓઢેલ તૈયાર થતો પાક, ખેતરમાં ઊભેલો ચાડિયો, તકડામાં કામ કરતી સ્ત્રીઓ અને ત્યાંજ દોડાદોડ કરતાં નાના નાના બાળકો.
ખેતરોથી સીમથી આગળ વધીએ ત્યારે ગામ તરફ ધ્યાન જાય, ગામમાં અંદર આવતા પહેલા આવે ચબૂતરો, ગામનાં બધાય ત્યાં પંખીઓ માટે ચણ નાંખવા આવે, ત્યાંજ બાજુમાં પંચાયતનો ઓટલો દેખાય, કાંઈ પણ બને સારું કે ખરાબ છેલ્લો નિર્ણય પંચાયતના પાંચ માણસ મળીને નક્કી કરે, આગળ ચાલો ત્યાં આવે નાનકડી સરકારી નિશાળ, અમારા ગામમાં આ એક નિશાળ ગામનાં બધાજ છોકરાઓ અને છોકરીઓ ત્યાં આવે, વધારે નહીં પણ ધોરણ એકથી સાત માટેના ચાર જ વર્ગખંડ હતા એટલે સવારની પાળીમાં ધોરણ એકથી ત્રણ અને બપોરની પાળીમાં ધોરણ ચારથી સાત એવી રીતની ગોઠવણી હતી. ગામમાં એક સરપંચ સાહેબ ને પાકું મકાન હતું, બાકી બધા ના ઘર નળિયાં અને માટી ના હતા એક જ ઓરડામાં ઘર ના બધાજ સભ્યો રહે, ઘરમાં રહેતા લોકોમાં દાદા ગામ ના ઓટલે બેસી ને એમના મિત્રમંડલ સાથે અંગ્રેજોની ને આઝાદીના સમયની વાતો કરે, ત્યાં દાદા પછી ઘરના મોટા એટલે મારા બાપુજી એ ખેતરનું કામ સંભાળે, કાકા પણ એમની સાથે જ કામ કરે,
મા ઘરનું કામ કરીને બાપુ અને કાકા માટે ભાણું લઈ ને ખેતરે જાય બાકીનું ઘરનું કામ તો બહેન કરે અને બાકી રહ્યા અમે પોતે તો આપણે તો નિશાળ ભણીયે એટલે આપણે થોડુંક કાંઈ કામ કરીએ એક તો ભણતર નો કેટલો ભાર હોય એ તમને શું ખબર ?
આજે એ જ દિવસો યાદ કરીને એકલા એકલા હસવું આવે કે કેવા તોફાન, મોજ, મસ્તી, નાટક રમતગમત અને કોન જાણે કેટલુંય કરતાં, બાળપણનો સમય તો સોનાના સમય સમાન હતો અને એક અત્યારે જવાબદારીઓ નિભાવવાનો આવી ગયો બાળપણનો સોનાનો ખજાનો જીવન આપણી પાસેથી ઝૂંટવી ને લઈ ગયો હવે.
વેકેશન પડતા જ મામા-ફોઈના છોકરાઓ ભેગા થાય અને મોજ મજા ચાલુ થાય, ભર ઉનાળાનો સમય હોય,તકડો એની અગન વરસાવતો હોય, પાણીની જેમ ગરમીના ટીપા પડતા હોય, તો પણ ક્રિકેટ જ રમવી ગમે.
વડલાની વડવાઈમાં હિંચકો ખાવો, લીમડાની લીંબોળીઓ તોડી-તોડી એકબીજાને મારવી, લખોટીઓ રમવી, પૈડુ ફેરવવું, સંતાકૂકડી, સાત તાળી, ચોર પોલીસ, અને બીજી કેટલીક રમતો રમતા.
ગામમાં એક મોટું તળાવ જ્યાં ગામની સ્ત્રીઓ કપડા ધોવા માટે જાય, તળાવની બાજુમાં કૂવો એ કૂવાનું મીઠું પાણી પીવા માટે ઉપયોગમાં લેવાય, તળાવની સાવ સામે મહાદેવનું મંદિર, સાંજ પડે ને બધા મંદિર એ પહોંચી જાય, આરતીનું તો એક બહાનું હોય હકિકતમાં તો મસ્ત મસ્ત પ્રસાદ મળવાનો હોય એટલે, ગામ ને ઝાપે શહીદોના પાળિયા પૂજાય અને શૂરવીરતાની વાત સમજાઈ.
મારા ગામમાં મુખ્ય માર્ગ ને થઈ ને જાવ તો રસ્તાની બન્ને તરફ ઘટાદાર વડલાના મોટા મોટા વૃક્ષ આવે, મૈં મારા દાદા ને એકવાર પૂછ્યું, દાદાજી આટલા મોટા મોટા વડલા ઊભા છે આ વૃક્ષ તેમ નાના હતા ત્યારે ઉગાડવા માં આવ્યા હતા.?? ત્યારે દાદા એ મને એક વાર્તા કહીં, કે આ વૃક્ષ મેં કે મારા બાપા એ નથી રોપ્યા પણ કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ ના સમયમાં જ્યારે પણ શ્રીકૃષ્ણ ભગવાન દ્વારકાથી બેટ-દ્વારકા જવા નીકળે એટલે રસ્તામાં ભગવાનને થાક લાગે તો ભગવાન થોડી વાર આરામ કરે એટલે થોડીક વાર બેસી જાય, આ વડલાઓ ભગવાન શ્રીકૃષ્ણના સમયથી છે અને ભગવાન એ આ ગામમાં આરામ કર્યો હોય એટલે આ ગામનું ગામ "આરંભડા" કહેવાય છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલું મારું આ ગામ બેટ દ્વારકા જતા રસ્તામાં આવે છે. કહેવાય છે કે આરંભડા ગામમાં પહેલા બહારવટિયાનો ખૂબ ત્રાસ હતો, ગાયોના ધણ લૂંટ ને લઈ જાતો ત્યારે એક બ્રહ્માણનો દીકરો હાથે તલવાર લઈ સામે થયો અને લડતાં લડતાં શહીદ થયો શરીરના બે કટકા થયા માથું ગામની બહાર પડયું ને ધડ ગામની અંદર પડયું ત્યારે થી "દાદાની દેરી" તરીકે આજ પણ પૂજાય છે ગામના ઝાપે બે મોટા કોઠા અને મોટી દિવાલો ઊભી છે જે ગામ જુનવાણી હોવાની સાક્ષી પૂરે છે.
અહીંના લોકોને નોકરી માટે મીઠાપુર જવું પડે છે સિંચાઈની સુવિધાઓના અભાવે અને પાણીની તંગીને કારણે ખેતરમાં પાક તૈયાર થતા નથી ખેતી વરસાદ પર આધારિત છે સારો વરસાદ થાય તો પાક સારો બાકી તો ખેડૂતના હાલની આપણે કયાં અજાણ છે.
અત્યારના મોજશોખ અને રંગીન જીવન શૈલીથી આકર્ષાઈને લોકો શહેર તરફ ખેંચાય છે ત્યાંની જીવનશૈલી અને ભાગદોડવાળી જિંદગી લોકો ને વધારે આનંદ આપે છે જ્યારે ગામડું શાંતિ અને ચોખ્ખી હવા આપે છે. ગામ અને ગામનાં લોકો કેવા હોય.........
ગા-ગામડા ના લોકો સીધા સાદા,
મ- મીઠાં મન ને મીઠાં અન્ન.
