આનંદની ક્ષણ
આનંદની ક્ષણ
જીયા અને વિકાસના લગ્ન થયા પાંચ વર્ષ થઈ ગયા. હવે તો ઘરમાં વડીલો પણ પૂછવા લાગ્યા કે ક્યારે ખીર ખવડાવો છો! હવે એક નાનકડા મહેમાનને ઘરે લઇ આવો. વડીલોની વાત પણ સાચી જ હતી. લગ્નના પાંચ વર્ષ થઈ ગયાં પરંતુ બંનેને સંતાન નહોતું હજી.
જીયા અને વિકાસ બંને થોડા તૂટી ગયા હતા. તેને એવું લાગતું કે તેના નસીબમાં કદાચ સંતાન સુખ લખ્યું જ નથી. બહુ દવા કરી. બધા જ ડોક્ટરોને બતાવ્યું. અંતે પછી ડોકટરે જવાબ આપ્યો કે તમને સંતાન થવાના કોઈ ચાન્સ નથી. બસ હવે ભગવાન ઉપર આધાર રાખો.જો તેની ઈચ્છા હશે તો તમને જરૂર સંતાન સુખ પ્રાપ્ત થશે.
જીયા અને વિકાસ બંને અંદરથી સાવ તૂટી ગયા." શું જવાબ આપશું આપણે ઘરમાં? કઈ રીતે સમજાવશું ઘરના વડીલોને કે આપણા જીવનમાં સંતાનસુખ લખ્યું જ નથી. જીયા મમ્મી પપ્પા તો સાવ ભાંગી પડશે. હું તેનો સામનો નહીં કરી શકું. હું તેનો એકનો એક દિકરો છું અને મારા નસીબમાં સંતાનસુખ નહીં મળે તો મારા માતા-પિતા જીવતે જીવ મરી જશે. એક કામ કરીએ આપણે થોડો ટાઈમ માટે હજી રાહ જોઈએ. મમ્મી પપ્પાને આ વાત નથી કરવી." શું કરવું વિકાસને હવે કંઈ સમજાતું નહોતું.
જીયા થોડા દિવસ માટે પોતાના પિયર જાય છે. આમ પણ જીયા અંદરથી તૂટી ગઈ હોય છે.
"જીયાબેન તમે કેમ આટલા બધા ઉદાસ રહો છો! શું થયું છે? કંઈ બબાલ થઈ છે! તમને કોઈ એ કંઈ કીધું? તમે મન ખોલીને વાત કરશો તો જ તેનું સોલ્યુશન નીકળશે." જીયાની ભાભીએ તેના ઉદાસ ચહેરાને વાંચી લીધો અને તેનાથી ના રહેવાયું.
પહેલા તો જીયા ખૂબ જ રડી. તેનું રડવાનું બંધ જ નહોતું થતું. પછી શાંતિથી તેણે ભાભીને બધી જ વાત કરી. આ સાંભળી જીયાની ભાભીના આંખમાં પણ આંસુ આવી ગયા.
જીયા તેના પિયર જેટલા દિવસ રહી તેટલા દિવસ સુધી તે બસ સૂનમૂન રહેતી. કંઈ
જ બોલતી નહીં.
જીયાની ભાભીથી તેનો ઉદાસ ચહેરો જોવાતો નહોતો.
જીયા પોતાના સાસરે પાછી જાય છે પછી તેની ભાભી ભાઈ સાથે વાત કરે છે.
"હું જીયા બેનની આવી હાલત નથી જોઈ શકતી આવી રીતે તેની જિંદગી કેમ પસાર થશે! અમર મને એક વિચાર આવે છે, જો તમે મને સાથ આપો તો આપણે જીયાને જિંદગીભર માટે ખુશ રાખી શકીએ! આપણને ભગવાને બે દીકરાઓ આપ્યા છે. અને વળી મને પ્રેગ્નેન્સી રહેવામાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. જો તમારી ઈચ્છા હોય તો આપણે એક બાળકને જન્મ આપીએ, અને તે બાળક જીયાનું હશે. હું મારી કૂખેથી એક બાળકને જન્મ આપવા માગું છું એ પણ જીયાની ખુશી માટે જ."સૌમ્યાની વાત સાંભળતા જ અમર ભાવુક બની ગયો.
સૌમ્યા એ પોતાની નણંદને આ વાત કહી. પહેલા તો જીયાને મનમાં ના ઠસ્યું પરંતુ પછી તે માની ગઈ.
થોડા મહિના પછી સૌમ્યાને પ્રેગ્નન્સી રહી. સૌમ્યા અને જીયા બંને બહુ જ ખુશ હતા. નવ મહિના પછી સૌમ્યા એ એક સુંદર મજાની દીકરીને જન્મ આપ્યો. અને જન્મની સાથે જ એ દીકરીને તેણે જીયાના ખોળામાં આપી.
જીયાની આંખ હર્ષના આંસુથી છલકાઈ ઊઠી. જીયા અને વિકાસ બંનેએ નાનકડી પરીને પોતાના ખોળામાં લીધી. એ નાનકડી પરી ના નાનકડા એવા પગલાં જોઈ જીયા અને વિકાસ જીવી ઉઠ્યા. સાત વર્ષ પછી તેના જીવનમાં એક નવા મહેમાનનું આગમન થયું.
જીયા કરતાં તો સૌમ્યાને ડબલ આનંદ હતો. આજ સૌમ્યાના કારણે જીયા અને વિકાસની જિંદગીમાં એક નાનકડી પરીનું આગમન થયું. શું થયું જો જીયાએ તે પરીને પોતાની કુખેથી જન્મ નથી આપ્યો! મા બનવા માટે પોતાની કૂખેથી જ જન્મેલું બાળક હોવું જોઈએ એવું જરૂરી નથી.
આજ એ નાનકડી પરીએ વિકાસ અને જીયાની જિંદગી બદલી નાખી. હંમેશા દુઃખ અને પીડામાં રહેતા વિકાસ અને જીયા આજ આનંદની ક્ષણ ને જીવવા લાગ્યા.