STORYMIRROR

Nina Desai

Romance Crime Thriller

4  

Nina Desai

Romance Crime Thriller

આંચકો

આંચકો

6 mins
273

શબનમ સેન્ટ્રલ જેલની બહાર સોએબ ભાઈજાનની બેચેનીથી રાહ જોતી ઉભી હતી. આજે સોએબ જેલમાંથી છૂટવાનો હતો.સોએબને રન્નાનું ખૂન કરવા માટે ચૌદ વર્ષની સજા થઈ હતી. શબનમ રાહ જોતાં જોતાં ભૂતકાળની વાવના પગથિયાં ઉતરતી ગઈ! એની આંખો ચૌદ વર્ષ પહેલાં બનેલી ઘટનાઓનું ફરી પુનરાવર્તન જાણે કોઈ ફિલ્મના ફલેશબેકની જેમ જોઈ રહી !આજે પણ એને બધી વાતો યાદ હતી.

આદિત્ય, રન્ના, પન્ના,સોએબ, સોહા, શબનમ અને પંચમ આ સાતેય જણાંની પાક્કી દોસ્તી,લગભગ કાયમ એ બધા સાથે જ હોય. એક જ સ્કુલમાં સાથે ભણતાં અને આદિત્ય સિવાયના બધા એક જ ફળિયામાં રહેતા. બધાના ઘરની સ્થિતિ સામાન્ય, મધ્યમ વર્ગની હતી, જ્યારે આદિત્યના પપ્પા મોટા બીઝનેસમેન હતા. આદિત્ય આલિશાન બંગલામાં રહેતો હતો. આદિત્યના પપ્પાને આ બધા સાથેની દોસ્તી ખાસ પસંદ નહોતી, પણ એકના એક દીકરાને એ નારાજ કરવા નહોતા માંગતા. આ સાતેય જણાં અવારનવાર બર્થડે કે વાર તહેવારે આદિત્યની કારમાં જ ફરવા નીકળી પડતાં, આદિત્ય દિલ ખોલીને દોસ્તો પાછળ પૈસા ખર્ચતો અને એ ક્યારેય એનું અભિમાન કરીને રોફ ના બતાવતો.

રન્ના ને પન્ના બંને જોડીયા બહેનો હતી. એટલે પન્ના રન્ના કરતાં બે મિનીટજ મોટી હતી. પંચમ એમનો મોટો ભાઈ હતો. સોએબ, સોહા, અને શબનમ એ ત્રણે ભાઈબહેન હતાં. આદિત્ય, સોએબ અને પંચમ ત્રણેય સરખી ઉંમરના એટલે એક જ ક્લાસમાં હતાં, જ્યારે રન્ના પન્ના,સોહા બે વર્ષ નાના એટલે એ ત્રણેય બે વર્ષ પાછળ હતાં અને સૌથી નાની શબનમ એ બધાથી ત્રણ વર્ષ નાની હતી. આદિત્ય અને પંચમને સંગીતનો ખુબ જ શોખ હતો. બંનેના અવાજ પણ સુંદર એટલે સ્કુલના ફંક્શનમાં તેમજ ઘરના કોઈ પ્રસંગે,પિકનીક,પાર્ટીમાં  એ ગિટાર લઈને ગીતો ગાતાં.

આમેય આદિત્ય દેખાવમાં ખુબ સુંદર અને આકર્ષક હતો, સ્વભાવે પણ મોજીલો, ઉદાર અને બોલકણો હતો. દોસ્તો માટે કંઈ પણ કરી છૂટવા તત્પર રહેતો એટલે આ સાતેયની ટોળકીનો જાણે લીડર હતો. પંચમ મધ્યમ બાંધાનો ઘઉંવર્ણો,શાંત અને ઓછા બોલો હતો. સોએબ પડછંદ, શ્યામ વર્ણનો અને ગુસ્સાવાળો હતો. એ કોઈ પણ વાત પર ગુસ્સે થાય તો આદિત્ય અને પંચમ એને સમજાવીને શાંત કરી દેતાં.

રન્ના ને પન્ના બંને દેખાવે ઘઉં વર્ણી,પરંતુ આંખ નાક નક્શીદાર હતાં. રન્ના બોલકણી અને નખરાળી જ્યારે પન્ના ઠાવકી અને શાંત, બંને બહેનો દેખાવે એક જ સરખી પણ સ્વભાવ તદ્દન અલગ. સોહા ખુબ જ રૂપાળી પણ સ્વભાવે શાંત અને ઠરેલ, ઓછા બોલી. શબનમ સૌથી નાની નખખટ, તોફાની ને ચુલબુલી. એ બોલ્યા જ કરે એને ચુપ કરાવવી પડે. આમ સાતેય જણાં અલગ અલગ દેખાવ અને સ્વભાવના પરંતું સાતેયની દોસ્તી પાક્કી, લડે, ઝગડે તોય પાછા ભેગાને ભેગા. આદિત્યને આદી અને સોએબને બધા સોબુ કહેતાં. શબનમને લાડથી બધા શબ્બો કહેતાં.

હવે આદી, સોબુ અને પંચમ કોલેજમાં આવી ગયા, પણ અચાનક સોએબના અબ્બુનું હાર્ટફેલથી અવસાન થતાં સોએબને ઘરની જવાબદારી આવી જતાં એને એના અબ્બુની હોટેલ સંભાળવી પડી, એટલે એને કોલેજને તિલાંજલી આપી દેવી પડી. બે વર્ષ પછી રન્ના,પન્ના અને સોહાએ પણ એમની જ કોલેજમાં એડમિશન લઈ લીધું અને હવે એ પાંચેય જણાં કોલેજમાં ટોળી બનાવીને ઘૂમતા, ફરતા,મોજ- મસ્તી કરતાં થઈ ગયા.

કિશોરાવસ્થામાંથી એ લોકો હવે યુવાનીના ઉંબરે પહોંચી ગયા. આદિત્યના વ્યક્તિત્વથી કોઈપણ આકર્ષાય, જ્યારે રન્ના, પન્નાને સોહા તો નાનપણથી આદી સાથે રમ્યા, ભણ્યા, લડ્યા, ઝગડ્યા હતાં એટલે સ્વાભાવિક રીતે એ ત્રણેય આદીને મનોમન ચાહવા લાગી ગઇ હતી. પણ આદીને પહેલેથી જ રન્ના ગમતી હતી એટલે એણે કદી પન્ના કે સોહા તરફ પ્રેમની દ્રષ્ટિથી તો જોયું જ નહોતું.

આદીએ કોલેજમાં જ વેલેન્ટાઈન ડેને દિવસે બધાની હાજરીમાં રન્ના સામે પ્રેમનો એકરાર કરતાં કહ્યું, "રન્ના,હું કોઈ આડીઅવળી વાત કર્યા વગર કહીશ, હું તને પ્રેમ કરું છું, શું તને હું પસંદ છું ? મારા પ્રેમનો સ્વીકાર કરીશ ?" કહી નાટકીય અંદાજથી ઘૂંટણ પર બેસીને એની સામે લાલ ગુલાબ ધર્યું. રન્નાને પણ થોડો ઘણો અંદાજ તો હતો જ, અને પ્રેમ પણ હતો, એના ચહેરા પર શરમની લાલિમા છવાઈ ગઈને એણે નજર ઝુકાવીને આદીના હાથમાંથી ગુલાબ લીધુંને ખુશીના ઉમળકાથી આદીને ભેટી જ પડી.

પંચમ થોડા આશ્ર્ચર્યથી,પન્ના અને સોહા થોડી નારાજગીથી એ બંનેને જોઈ રહ્યા, પણ પછી તરત જ એ બધાએ આદી અને રન્નાને તાળીથી વધાવી લીધા અને પંચમે આદીને તો ઉંચકી જ લીધો...પંચમ બોલ્યો,"ચાલો આજે તો હું જ બધાને પાર્ટી આપીશને હા આજે આપણે સોબુની હોટેલ પર જ જઈએને સોબુ અને શબ્બોને પણ આ ખુશ ખબર આપીએ, હેં ને, આદી જીજુ ?"કહેતાં હસી પડ્યો. પન્ના અને સોહા બંનેએ પરિસ્થિતિ સમજીને પોતપોતાના આદી માટેના એકતરફી પ્રેમને જાણે હ્રદયમાં દબાવી દીધો !એ બંનેએ પણ ફીક્કું હસીને રન્નાને વધાઈ આપી.

કોલેજથી નીકળીને બધા સોએબની હોટેલ પર આવ્યા. પંચમે હરખથી સોએબ અને ત્યાં હાજર શબનમને આ ખુશખબર આપી તો શબનમ તો ખુશીથી ઉછળી પડીને બોલી, "આદી ભૈયા,આજે તો તમારે પાર્ટી આપવી જ પડશે, હેં ને પંચમ ભૈયા ?"

"ના ના, શબ્બો આજે તો હું જ પાર્ટી આપીશ બધાને." પંચમે કહ્યું, ને બધા ઘમાલ મસ્તી કરવા લાગ્યા, પણ ખબર નહી કેમ,સોએબ ફક્ત, "હું,હા" કરતો રહ્યો,જાણે એને ખુશી નહી પણ ઈર્ષા ના થતી હોય !પણ એ તરફ કોઈનું ધ્યાન ના ગયું.

સોહા સોએબને કહી રહી હતી,"ભાઈજાન,એક વાત કહું ? હું આદીને પ્રેમ કરતી હતી, કરું છું પણ આદી અને રન્ના એકબીજાને પસંદ કરે છે એટલે હું સ્વેચ્છાએ એ બંનેની વચ્ચેથી ખસી ગઈ છું પણ હું કોઈને પણ પરણીશ તો નહી જ."

સોએબ સોહાને આશ્ર્વાસન આપતાં  બોલ્યો, "સોહા તને દુઃખી જોઈને મને પણ દુઃખ થાય છે પણ શું થાય ? પરાણે પ્રેમ તો ના થાય ને ?"પછી મનોમન બોલ્યો" આદી તો મને પણ ગમે છે, હું પણ એને પ્રેમ કરું છું, પણ તારી જેમ કોઈને કહી શકતો નથી !" સોએબને નાનપણથી આદી ગમતો. એને વિજાતિય કરતાં સજાતિય આકર્ષણ વધુ થતું, પણ શરમ અને કોઈ શું કહેશે ?ના ડરથી ચુપ રહેતો. એને હવે સોહા અને પોતાના આદી સાથેના પ્રેમમાં રન્ના અવરોધરૂપ લાગવા લાગી, એ મનોમન રન્નાને નફરત કરવા લાગ્યો. 

એક દિવસ પ્રેમમાં હતાશ થયેલી સોહાએ નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો, કોઈને એનું કારણ ખબર ના પડ્યું પણ સોએબને ખ્યાલ આવી ગયો કે સોહાએ કેમ આપઘાત કર્યો ?બસ ત્યારથી સોએબની રન્ના પ્રત્યેની નફરત વેર લેવાની ભાવનામાં બદલાઈ ગઈ. એ રન્નાને મારવા માટેનો પ્લાન વિચારવા લાગ્યો.

વિજાતિય આકર્ષણ એ સ્વાભાવિક હોય.પુરૂષોને સ્ત્રીઓનું સૌંદર્ય આકર્ષે એ સ્વાભાવિક હોય પણ સોએબને આદી(સજાતિય આકર્ષણ) માટે લાગણી હતી,એને સ્ત્રી માટે કોઈ આકર્ષણ નહોતું, ઉલ્ટાનું રન્ના સ્ત્રી હોવા છતાં એણે સોહાનો અને પોતાનો પ્રેમ છીનવી લીધો છે, એવું એને લાગી રહ્યું હતું.

આદિત્ય અને રન્નાના આજે એંગેજમેન્ટ થઇ ગયા. બધા ખુબ ખુશખુશાલ હતા,ઉપરથી તો સોએબ પણ ખુશ હોવાનો ડોળ કરતો હતો પણ અંદરથી એનો વેરાગ્નિ ભડભડતો હતો. એણે આદિત્ય અને રન્નાની એંગેજમેન્ટની ખુશીમાં પોતાની જ હોટેલ પર ભવ્ય પાર્ટીનું આયોજન કરી બધાને આમંત્રણ આપી દીધું. ગીત-સંગીત અને છેલ્લે ડીનર વખતે સોએબે રન્નાના ખાવામાં ઝેર મેળવી દીધું અને રન્ના ટેબલ પર જ ઢળી પડીને ત્યાં દોડાદોડ થઈ ગઈ.

તાત્કાલિક એને હોસ્પિટલ લઈ જવાઈ પણ એ બચી ના શકી. ડોક્ટરે કહ્યું કે,"આ ફૂડ પોઈઝનીંગનો કેસ છે."

ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો. એકલી રન્નાને જ કેમ ફૂડ પોઈઝન થયું ?બાકી બીજાને કશું જ ના થયું ? પોલીસ તપાસમાં,સી.સી.ટી.વી.ના ફૂટેજ જોતાં સોએબ રન્નાની ડીશમાં ઝેર નાંખતો દેખાયોને એણે પૂછપરછમાં પોતાનો ગુનો કબુલી લીધો. આદી,પન્ના, પંચમ અને શબનમ બધા આઘાતના આંચકાથી સોએબ સામે જોઈ રહ્યા,પણ એને એના ગુનાનો કોઈ પસ્તાવો નહોતો એણે એનો અને બહેન સોહાના આપધાતનો બદલો લઈ લીધો હતો.

આજે સોએબ ચૌદ વર્ષની જેલની સજા ભોગવીને આવ્યો હતોને એને એ વર્ષો દરમ્યાન એના ગુનાનો અંતરથી પસ્તાવો થઈ રહ્યો હતો. એણે શબનમને કહ્યું,"શબ્બો,કૈસી હૈ તુ ? સુન, મુઝે સબસે પહેલે આદીકી માફી માંગની હૈ,મુઝે ઉસકે પાસ લે ચલ." બંને આદીના ઘરે આવ્યા.

સોએબ આદીના પગમાં પડીને રડી પડ્યોને બોલ્યો, "આદી,મુઝે માફ કર દે, મૈંને બહોત બડા ગુનાહ કીયા હૈ.કાનૂનને ભલે સજા દી પર તુ મુઝે જબ તક માફ નહી કરતા, મેરે દિલકો શુકુન નહી મીલેગા યાર." આદીએ સોએબને ઉઠાડ્યોને ભેટી પડ્યો અને ઘરમાં લઈ ગયો. ઘરમાં પન્નાને જોતાં સોએબે પ્રશ્ર્નાર્થ નજરે આદી સામે જોયું. આદીએ કહ્યું," પન્ના પણ મને પ્રેમ કરતી હતી, રન્નાના ગયા પછી પન્ના મને માનસિક સહારો અને આશ્ર્વાસન આપતી રહી હતી ને મેં પણ એના પ્રેમને સ્વિકારી લીધોને અમે પરણી ગયા, ને જો આ અમારી દિકરી સોના. સોનુ બેટા,અહીં આવ તો." અગિયાર વર્ષની સોનુ આદી પાસે આવીને બેસી ગઈ.

સોએબ વિચારી રહ્યો કે," જીવનમાં કેટલા રૂપ,અને ઘટનાઓની અવિરત ચાલતી ઘટમાળ! એમની સાત જણાંની જિંદગીએ કેટકેટલાં બદલાવ જોયા !


Rate this content
Log in

Similar gujarati story from Romance