સમજણ
સમજણ
"ઉષા, મારું ટિફિન તૈયાર છે ? ચ્હા નાસ્તો પણ મૂકી દે, ટેબલ પર. " વિહાન ઓફિસ જવા તૈયાર થતો ટાઈ બાંધી રહ્યો હતો. . . ત્યાં તો "ઉષા, પૂજાની થાળીમાં ફૂલ તોડી લાવીને મૂક્યા કે ?"રેવાબેને બૂમ પાડી.
મમ્મી મને સ્કૂલનું મોડું થાય છે, પહેલાં મને તૈયાર કરી દે. " કહેતો છ વરસનો મેહાન રસોડામાં દોડી આવ્યો. ઉષાએ ઝડપથી ડાઇનિંગ ટેબલ પર ચ્હા, નાસ્તો મૂકીને વિહાનને ટિફિન આપી દીધુંને બંગલાના કમ્પાઉન્ડમાંથી તોડી રાખેલા ફૂલ રેવાબેનની પૂજાની થાળીમાં મૂકી આવીને તરત મેહાનને સ્કૂલ જવા તૈયાર કરવા લાગી.
લગભગ આ ઉષાનો નિત્યક્રમ હતો સવારનો. પાંચ વાગ્યામાં ઊઠીને એ આખા ઘરમાં જેણે આમથી તેમ ફેરફૂદરડી ફર્યા કરતી. ત્યારબાદ બપોરનું ભોજન બનાવતી. એને ઘરકામમાં મદદ કરવા જશુબહેન કરીને એક બહેન આવતાં, જે કપડાં, વાસણ, કચરા પોતાંને અન્ય નાના મોટા કામ કરી આપતાં, છતાં ઉષાને બિલ્કુલ નવરાશ મળતી નહી.
સાસુ રેવાબેન, સસરા અમૃતભાઈ, નાની નણંદ રોમા, પતિ વિહાનને નાનો દીકરો મેહાન એમ મળીને કુલ છ જણાંનો પરિવાર હતો. વિહાન કેમિકલ એન્જિનિયર હતોને એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરતો હતો. ઉષા એમ. બી. એ. હતી પણ પતિ અને સાસરાની ઈચ્છા મુજબ ગૃહિણી બની રહી હતી. . . આખો દિવસ પરિવારની જરૂરિયાતને ખુશી ખાતર એણે પોતાની કારકિર્દી, શોખ અને ખુશીને ખુશી ખુશી અલવિદા કહી દીધું હતું. . . પણ એને ક્યારેય કોઈના તરફથી બે મીઠા શાબાશીના, કદરના કે આભારના શબ્દો સાંભળવા નહોતાં મળ્યા !
રોમા પરણીને સાસરે જતી રહી હતી, અમૃતભાઈનું હાર્ટએટેકને લીધે અવસાન થઈ ગયું હતું. રેવા બહેન પણ સાવ પથારીવશ થઈ ગયા હતાં. મેહાન કોલેજ પુરી કરી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે બેંગ્લોર જતો રહ્યો હતો. ઉષા પણ હવે વનમાં પ્રવેશી ગઈ હતી. . . . હવે જાણે સતત એકધારી જિંદગીથી થાકી ગઈ હતી.
મેહાન ઘરથી દૂર ગયોને પી. જી. માં રહેવા લાગ્યો એટલે એને ઘરની, ખાસ 'મા' ઉષાની ખોટ સાલવા લાગી. 'મા' કેવી ઘરમાં બધાનું ધ્યાન રાખતી,
પોતાની જાતને ભૂલીને ! મેહાન જાણે અચાનક સમજણોને પરિપક્વ થઈ ગયોને એને ઉષા પ્રત્યે અહોભાવનો, પ્રેમનો, કદરનો અહેસાસ થવા લાગ્યો.
એ જ્યારે ઘરે આવતો ત્યારે મમ્મી માટે ગિફ્ટ લેતો આવતો. રસોડામાં રસોઈ કરતી ઉષાને મદદ કરવા લાગતો. . . કહેતો, "મમ્મી, તેં બહુ કામ કર્યું. હવે તું આરામ કર. આપણે રસોઈ કરવા બાઈ રાખી લઈશું, હું પપ્પાને કહીશ. . . . ને હા. . . મારા લગ્ન કરાવી દે, એટલે તારી વહુ તને રાંધીને ખવડાવશે. " કહીને હસી પડતો. . . ને ઉષા વ્હાલથી એને ગાલે ટપલી મારી કહેતી, " એમ કહેને કે તારે લગ્ન કરવા છે. "ને બંને હસી પડતાં. ઉષા વિચારતી કે, ચાલ મારો દીકરો તો મને સમજે છેને મારી કદર કરે છે. . . પણ કિસ્મતના ખેલ નિરાળા. . .
મેહાનને જોબ મળતાં અમેરિકા ગયો ને લગ્ન કરીને ત્યાં જ સેટલ થઈ ગયો.
મેહાન ને રિયા શિકાગોમાં હતાં, બંને જોબ કરે એટલે બંને સાથે મળીને જ ઘરકામ કરે. મેહાન દરેક કામમાં રિયાને મદદ કરે ને એનું ઘણું ધ્યાન રાખે, કાળજી પણ રાખે.
એ રિયાને કામ કરતાં જુએને એને એની મમ્મીની યાદ આવે.
મેહાનની આટલી સમજ, મદદ અને કાળજી છતાં રિયાને એની જરા પણ કદર નહી ! એ મેહાનની મદદને, પ્રેમને એનો હક્ક માનતી. ઘણી વાર એ વાત વાતમાં કહેતી પણ ખરી, "કરે છે તો શું નવાઈ કરે છે ? હું પણ નોકરી કરું છું, મહેનત કરું છું. "
સમજુ અને માયાળુ મેહાન બધું સાંભળી લેતોને કંકાસને ટાળવાની કોશીશ કરતો.
ઘણીવાર મેહાનને રિયા ફોન કે વિડીયો કોલીંગથી મમ્મી પપ્પા સાથે વાત કરતાં.
જ્યારે કોઈવાર ઉષાબહેન એકલા હોય ત્યારે મેહાન એના દિલની વાત ઉલેચતોને કહેતો, " મમ્મી, મેં તને આખી જિંદગી સતત, સખત કામ કરતાં જોઈ છે કોઈપણ જાતની અપેક્ષા વગર. તારી કદર કોઈએ ના કરી, કદાચ મને પણ મોડા મોડા સમજાયું કે સ્ત્રીઓની ઘરમાં કોઈ કિંમત નહી, કદર નહી. મેં વિચાર્યું હતું કે હું આવું તો નહી જ કરું. મારી 'મા'
માટે કદાચ ફરજ ચૂક્યો પણ પત્નીને અન્યાય નહી કરું. . . . પણ એવું નથી કે બધે ફક્ત સ્ત્રીઓની જ કદર નથી થતી, પુરૂષોની પણ". . . . કહેતાં મેહાનની આંખો ભરાઈ આવીને ઉષાબહેનની આંખો, થોડામાં ઘણું સમજીને ટપકી રહી !
